← ભક્તવીરની વાંછા કલ્યાણિકા
સતત વિશ્વવસંત
અરદેશર ખબરદાર
પ્રભુનાં તેડાં →





સતત વિશ્વવસંત

• રાગ કાફી — હોરી •


વિલસે વિશ્વલીલા વસંતે,
નાથ નાચે અનંતે ! - (ધ્રુવ)


આનંદ આનંદ ઊછળી રહ્યો છે તારક સૂરજ ચંદે,
નંદનવન ત્રિભુવન જનજીવન એ નવયૌવન સ્પંદે ;
તગે તનમન તંતતંતે ! —
નાથ નાચે અનંતે ! ૧

ગાલ ગુલાલથી લાલ કરી નાચે સંધ્યા ઉષા આભસ્કંધે ;
વન ઉપવનમાં પવન વાઈ ગાતો, મુદિત સુમનની સુગંધે ;
ચઢે રંગ એ વિશ્વચંતે ! —
નાથ નાચે અનંતે ! ૨

તાન તનાવટ, ગાન જમાવટ, તાલ સુરાવટ સંધે ;
જળજળ થળથળ ભૂરકી પડી એ પ્રબળ પ્રબોધન બંધે ;
ખલક ખીલી રહી ખૂબ ખંતે ! —
નાથ નાચે અનંતે ! ૩


મસ્ત હલે રતનાગર સાગર, ફાગ રમી અમી મંથે ;
તતથે‌ઈકારે ગગન ઘન ઘૂમે, રસબસ થઈ ભૂમિપંથે :
દિસે દોર ઝૂલતા દિગંતે ! —
નાથ નાચે અનંતે ! ૪

ભીતર બાહર, ગુપ્ત કે જાહર, ફાગ જ વિશ્વ સાદ્યંતે,
એ પીચકારી ઝીલીને ભીંજાવી આ જગત ભગત સાધુ સંતે,
અમર હોરી ગાઈ ગુણવંતે ! —
નાથ નાચે અનંતે ! ૫

આવોની ભૈયા ! ખલક ખેલૈયા ! તતતતથૈયા જ અંતે !
એ રસરંગે સતત વિશ્વસંગે આ રમિયે આનંદે વસંતે !
અદ્દલ આવો હૃદય હસંતે ! —
નાથ નાચે અનંતે ! ૬


સતત ખેલો વિશ્વવસંતે,
નાથ સાથે અનંતે !