← છુપામણાં કલ્યાણિકા
સત્યની શોધ
અરદેશર ખબરદાર
દિશાસૂચન →


સત્યની શોધ

· ગરબી -રાગ દેશ .*[]·

ક્યાં જઈ શોધું તારું સત્ય સકળ સંસારમાં રે ?
હરિ ! દ્દગ વાર મા રે ! -(ધ્રુવ)

તણખા તણખા ઊડતા વ્યોમે ,
તણખા ઝરતા રોમે રોમે;
નહીં સૂર્યે સોમે પણ ગ્રહ્યું ઝબકારમાં રે :
હરિ ! દ્દગ વાર મા રે ! ૧

મંદિર કે મસ્જિદ કો ઠામે
નવ દીઠું આતશબહેરામે,
ગામે નગર કે નવ સંતાગારમાં રે :
હરિ ! દ્દગ વાર મા રે ! ૨

પુષ્પતણો પમરાટ પરાગે,
તારકજ્યોતિ કિરણભર જાગે ;
કેમ ન લાગે ઝળતું સત્ય દિદારમાં રે ?
હરિ ! દ્દગ વાર મા રે ! ૩

રત્ન છુપાઈ રહે કો ખાણે,
અગ્નિ ભરાઈ રહે કો પહાણે :

કોણ ઉઘાડી જાણે ઉર અંધકારમાં રે ?
હરિ ! દ્દગ વાર મા રે ! ૪

લજ્જાળુ લલનાશી લપાતી
વીજ પલક ઝબકી સંતાતી,
'આ કહી આંખ ઠગાતી જોતાં વારમાં રે !
હરિ ! દ્દગ વાર મા રે ! ૫

શોધું ત્યાં તો નીકળે ચાલી,
પકડું પણ મુજ કર રહે ખાલી :
યુગયુગ રહે શું એજ પ્રણાલિ સારમાં રે ?
હરિ ! દ્દગ વાર મા રે ! ૬

દશદિશમાં કે અંતર શોધું;
હું જ ન જાણું ત્યાં શું બોધું ?
નોંધું જીવનકળ શું પળપળ હારમાં રે ?
હરિ ! દ્દગ વાર મા રે ! ૭

પડતું પડતું અંતર લડશે,
પડપડ દિવ્ય દિગંત ઊઘડશે :
તું, હરિ ! જડશે પછી તો એ ઉચ્ચારમાં રે !
હરિ ! દ્દગ વાર મા રે !
ક્યાં જઈ શોધું તારું સત્ય સકળ સંસારમાં રે ? ૮

  1. *"કામણ દીસે છે અલબેલા તારી આંખમાં રે," -એ ચાલ.