કલ્યાણિકા/સ્વયંપ્રકાશ
← માલિકને દરબાર | કલ્યાણિકા સ્વયંપ્રકાશ અરદેશર ખબરદાર |
કલ્યાણ → |
સ્વયં પ્રકાશ
• રાગ ભૈરવી — તાલ દાદરો •
તારાં અંધારાં આ તે કેવાં રે ?
જીવ ! દોહ્યલાં તારાં દેવાં ! — તારાં∘ ( ધ્રુવ )
અંધારાં આગળ, અંધારાં પાછળ, અંધારાં અંદર બહાર :
કોણ ત્યાં દીપ ધરે તુજ પાસે ? કોણ ઉતારે પાર ?
બહુ જીવન વસમાં વહેવાં રે :
જીવ ! દોહ્યલાં તારાં દેવાં ! — તારાં∘ ૧
કંઈ કંઈ યુગનો તું ખંડપ્રવાસી, કંઈ કંઈ તારી આશ :
કહીં અથડાતો, કહીં રસ લહાતો : શોધે હજી ક્યાં પ્રકાશ ?
તારાં અંતર વેવલાં એવાં રે :
જીવ ! દોહ્યલાં તારાં દેવાં ! — તારાં∘ ૨
જન્મે જન્મે તું નવનવ દેહે, રાજે બની નવરાજ ;
તારી એ હોડીનો તું જ સુકાની : એ સાગર, એ જહાજ :
રણે એકલશૂરનાં જેવાં રે,
જીવ ! દોહ્યલાં તારાં દેવાં ! — તારાં∘ ૩
ઊંઘતાં આંખમાં ઊતરે અંધારાં, સ્વપ્ને ઊગે તોય તેજ ;
આત્માની એકલતામાં યે એવાં કિરણ ફૂટે શ્રમ સહેજ,
વૃક્ષે ફૂલ ઊગે નિજ તેવાં રે :
જીવ ! દોહ્યલાં તારાં દેવાં ! - તારાં∘ ૪
ઊંડા અંધારભર્યા અવકાશે, પડ્યા તારાના પંથ :
આપપ્રકાશે જ વીંધી અંધારાં, ઘૂમી રહ્યા નભસંત !
એને કોનાં તે ધારણ લેવાં રે ?
જીવ ! દોહ્યલાં તારાં દેવાં ! - તારાં∘ ૫
આંખ ઉઘાડી ત્યાં દીપ ઝળકશે, તારો ન ભોમિયો અન્ય :
નાથનું નામ દઈ પડ આગળ, અદ્દલ જીવન કર ધન્ય !
છોને પળપળ અંધારાં સહેવાં રે !
જીવ ! તોય છે તુજ તેજ કેવાં ! - તારાં∘ ૬