← નવલિકામાંથી એક પાન કાંચન અને ગેરુ
વેરભાવે ઈશ્વર
રમણલાલ દેસાઈ
ડબામાંની ગાય  →







વેરભાવે ઈશ્વર

સુખનંદનની જાહોજલાલીનો પાર ન હતો. વ્યાપારમાં પ્રભુએ તેમને સારી બરકત આપી હતી. મોટાં મોટાં મકાન બાંધવાના કૉન્ટ્રેક્ટમાંથી તેમણે સારી કમાણી અને પ્રતિષ્ઠા મેળવ્યાં. એથી આગળ વધી તેમણે ઈંટનાં કારખાનાં કાઢ્યાં અને તેમાં ઈશ્વરે સારી યારી આપતાં ચીની માટી અને કાચનાં કારખાનાં તેમણે શરૂ કર્યા. જ્યાં જ્યાં તેમનો હાથ અડકતો ત્યાં ત્યાં તેમને સફળતા જ મળતી. વર્ષો સુધી તેઓ બિનહરીફ રહ્યા. પોતાના આખા કુટુંબકબીલાને ન્યાલ કરી નાખ્યો અને પોતાની જ્ઞાતિના કૈંક રઝળતા, રખડતા બેકારોને ધંધે ચડાવી ધનિક બનાવ્યા.

પૈસો થાય એટલે મોટરકાર અને બંગલા પણ ઊભા થાય. કુટુંબ તો તે સાધનનો ઉપભોગ કરે જ; સાથે સાથે સગાંવહાલાંને પણ જરૂર આનંદ થાય. જોકે ઘણું કામ અને ઘણો પૈસો વધતાં અંગત રીતે કૌટુંબિક સંબંધ ઘણો ઘટી જાય. પત્ની સાથે વાતો કરવાની ધનિકોને ફુરસદ ન જ મળે; બાળકને રમાડવાની, બાળક ઉપર દેખરેખ રાખવાની, તેમના અભ્યાસ વિષે કાળજી રાખવાની તક ધનિકો માટે ઘટતી જાય; અને ધંધો તથા ધંધામાંથી આવતો નફો એ બે જ ઈચ્છિત વસ્તુઓ સિવાય બીજે ધનિકનું ધ્યાન કેન્દ્રિત થઈ શકે જ નહિ. આમ બનવું સ્વાભાવિક ગણાય. તેમ ન કરનાર ધનિક બની શકે જ નહિ.

પત્ની, પુત્ર, પુત્રી તથા સગાંવહાલાંને પણ ધીમે ધીમે સુખનંદન વ્યક્તિ કરતાં સુખનંદન સરખું ધન ખેંચી લાવતું યંત્ર જ વધારે ગમવા માંડ્યું. સુખનંદન શેઠને ઘરમાં કુટુંબીઓ પ્રત્યે દ્રષ્ટિ કરવાની ફુરસદ રહેતી ન હતી, તેનો સહુને પ્રથમ થતો ખેદ ઘટી ગયો અને ધીમે ધીમે એમ પણ લાગવા માંડ્યું કે પત્ની, પુત્ર, પુત્રીના જીવનમાં પ્રવેશવાની પિતાને જરા ય જરૂર પણ ન હતી. કુટુંબનાં સુખ, સમૃદ્ધિ, વૈભવ ચાલુ રહે એ ઉપરાંત કુટુંબમાં સુખનંદન શેઠની હવે વધારે કિંમત હતી નહિ.

શેઠ પણ ધંધાની આંટીઘૂંટી તથા નફાના વધતા ચાલેલા ઢગલાને નિહાળી પૂર્ણ આનંદ પામતા હતા. એ ધન પુંજની વચમાં કુટુંબ આવે તો કુટુંબને પણ ફેડવાની તેમની તૈયારી હતી. એ સિવાય બીજો આનંદ જ્યારે જોઈએ ત્યારે શેઠને મળી રહે. શેઠ માગે તે આપવાની ધનમાં તાકાત હતી. શેઠ ધારે ત્યારે પત્ની કરતાં પણ વધારે સુંદર અને ઓછી જવાબદારી ઉત્પન્ન કરતી સુંદરી તેમને મળી શકતી. ઘરનું ભોજન ન ભાવે તો હોટેલનું વ્યવસ્થિત ખાણું –અને પીણું પણ–શેઠ માગે ત્યારે મળતું. અને બાળકો..? પૂર્ણ સાધન સગવડમાં રહે એથી વધારે બાળકો શું માગે? શાળામાં જવા માટે બાળક દીઠ કાર તેમણે વસાવી હતી. પહેલા વર્ગમાં આગગાડીની મુસાફરી કરવાની બાળકને છૂટ હતી. લૂગડાંઘરેણાં વ્યાપારીઓ કરતાં બાળક પાસે વધારે હતાં. એક સંગીતશિક્ષક પણ બાળક માટે રાખ્યો હતો. બાળકો બીજું શું માગે? યુરોપઅમેરિકાના પ્રવાસ માટે પણ પૂરતી સગવડ હતી. શેઠ પોતે પણ સારા મુસાફર હતા. યુરોપ, અમેરિકા, જાપાન, ચીન તેમને ઘર આંગણાં સરખાં લાગતાં. ત્યાંના વિશિષ્ટ આનંદ અને વિશિષ્ટ ધંધાનો લાભ એકસામટો મેળવવા તેઓ પરદેશની મુસાફરી પણ વારંવાર કરી શકતા. વખત આવ્યે બાળકને પણ પરદેશ મોકલી શકાય એમ હતું.

'બેડો પાર !' જેવા શબ્દોમાં સમાયેલી સર્વાંગી વિજયની ભાવના સતત અનુભવતા શેઠ સુખનંદને પોતાને માટે પૃથ્વી ઉપર સ્વર્ગ ઊભું કર્યું હતું. ભણેલાગ્રેજયુએટ પ્રત્યે તેઓ તુચ્છકાર અનુભવતા; હરીફ પ્રત્યે તેઓ તિરસ્કાર અનુભવતા; અને સમોવડિયાની સાથે મૈત્રીદાયે સમાનતા અનુભવવા છતાં તેમની ખામીઓ પારખી કાઢી તેમનું સમોવડિયું કોઈ રહે જ નહિ એવી સરળ યોજના પણ તેઓ ઘડી કાઢતા.

અમલદારી દુનિયા તેમની હથેળીમાં રમતી. અને તે રમે જ કેની? દરરોજ ટપાલ જોઈ તેઓ પોતાના મદદનીશોને હુકમ આપતા : જો, પેલા આયપતરાવાળા સાહેબ સ્ટેશનથી પસાર થવાના છે. ચાનાસ્તો લઈ જજે.'

'કલેક્ટર સાહેબના મહેમાનને માટે આજે ગાડી મોકલવાની છે – ચાર વાગ્યે; ભુલાય નહિ.'

'ઈલાકાપ્રધાન આપણે ત્યાં ઊતરવાના છે. માટે સ્ટેશને આવવું પડશે. એક હાર અને એક કલગી તૈયાર રાખજે.'

'પેલા મામલતદારને “ટી સેટ” ગમ્યો હતો; મોકલાવી દેજે. ઊંટના મોંએ ઝાંખરું ! બીજું શું ?'

કહી તેઓ હસતા. સુખનંદનને મન પ્રધાનથી માંડી પટાવાળા સુધીને આખો સત્તાધીશ વર્ગ ઝાંખરા નાખવા યોગ્ય ઊંટસમૂહ જ હતો ! યોગ્યતા પ્રમાણે ઝાંખરા મળતાં એ નાખી અમલદારી ઊંટ-પલટણ સુખનંદન પ્રત્યે રાજી રહે એમાં પણ શી નવાઈ ?

ધંધામાં તેમને જેમ જેમ સફળતા મળતી ગઈ તેમ તેમ તેમને પોતાનું મહત્ત્વ વધતું જતું લાગ્યું અને પોતાની નીચે કામ કરતા સહુ કોઈ બુદ્ધિવિહીન ગમારો લાગવા માંડ્યા. એ ભાવ જોતજોતામાં તેમની વાણી અને મુખમુદ્રાએ પણ ઝીલી લીધો. શેઠ પાસે જતાં બીક લાગતી અને દલીલ કરવાની તો કોઈ હિંમત જ કરતું નહિ. એક અગર બીજે બહાને દરરોજ શેઠનો મોટો નાનો એકાદ નોકર જાનવરની છાપ મેળવ્યા વગર રહેતો નહિ.

છતાં એકબે મુખ્ય મદદનીશો થોડી ગાળ ખાઈને પણ દિવસભરના વ્યાપારની રૂખ સંબંધી ચર્ચા શેઠ સાથે કરતા હતા. સુખનંદન શેઠના બે મુખ્ય મદદનીશ : એકનું નામ ઈશ્વરદાસ અને બીજાનું નામ દેવદાસ.


એક દિવસ સુખનંદન શેઠે હિસાબ જોતાં જોતાં કહ્યું : 'છેલ્લા બાર મહિનાથી સોએ સો ટકા નફો આવતો લાગે છે.’ શેઠના મુખ ઉપર આનંદ ફેલાઈ રહ્યો હતો. વ્યાપાર એ સામાજિક કાર્ય છે એવી સમજ હજી દુનિયાને આવી નથી. વ્યાપાર તો એક અંગત નફો મેળવવાની ખાણ છે એમ જ વ્યાપારીઓ હજી પણ માને છે.

'હા, શેઠસાહેબ !' ઈશ્વરદાસે જવાબ આપ્યો.

'અલ્યા, ઈશ્વર ! કાંઈ દાન-બાન કરીએ આ વખત.' શેઠસાહેબે કહ્યું. હાથ નીચેના માણસોને બહુવચનમાં સંબોધન કરવાની ટેવ ધનિકો પાડતા નથી.

'હા, શેઠસાહેબ !' ઈશ્વરદાસે કહ્યું.

'શું હા હા કર્યા કરે છે? જાનવર ! કાંઈ રસ્તો શોધી કાઢ્યો કે નહિ ?' રસ્તા શોધવામાં મદદનીશોએ વખતસર પોતાના શ્રેષ્ઠીને મદદ કરવી જ જોઈએ, એટલે શેઠસાહેબે પૂછ્યું.

'આ દેવદાસે અને મેં વિચાર કરી રાખ્યો છે કે...' ઈશ્વરદાસ બોલ્યા

'દેવદાસ ગયો જહાન્નમમાં ! તું તારી વાત કર ને?' ધનિકો કોને ક્યાં નાખશે એની ખાતરી નહિ. સભાઓમાં અને અમલદારો પાસે વિવેકના સાગર ઠાલવતા ધનિકો ઘરમાં, પોતાની ઑફિસમાં કે પોતાના કારખાનામાં કેટલો વિવેક રાખે છે એ નોકર બન્યા સિવાય ભાગ્યે જ કોઈથી સમજી શકાય ! સુખનંદનનો વિવેક જાણીતો હતો.

'કે પાંચેક ટકા નફો કારીગરોને આપીએ...' ઈશ્વરે કહ્યું.

'અને પાંચેક ટકા અમને બક્ષિસ આપો, શેઠ સાહેબ ' દેવદાસે હિંમત કરી કહ્યું.

'તમે તે માણસ છો કે ઢોર? કર્યો તમે વેપાર? હું તો કહેતો હતો કે પાંચસો શ્રીનાથજીમાં મોકલીએ, અઢીસો રણછોડરાયમાં, એકસો એક સ્વામી મહારાજને ચરણે અને...ઠીક, થોડું પાંજરાપોળમાં...! આ તો નફાની ટકાવારી જ લેવા ઊભા થયા..!' શેઠ ગુસ્સે થયા.

'શેઠસાહેબ ! માફી માંગીએ છીએ. પણ..... અમે આપના જ છીએ, અને નોકરી પણ વફાદારીથી કરીએ છીએ. આપની બરકતમાં અમારું પણ નસીબ ખરું ને?' દેવદાસે કદી ન વાપરેલી સ્પષ્ટતા આજ કરી.

'તે... તમારા મગજમાં એમ રાઈ ભરાઈ ગઈ હોય કે તમારે લીધે જ મારો વ્યાપાર ચાલે છે... તો આવતી કાલથી ઘેર જ રહેજો. મારો દીકરો મોટો થયો છે. હવે એ બધું સંભાળી શકશે.' સુખનંદન શેઠે કહ્યું.

રાજપુત્રોની માફક ધનિકપુત્રો પણ ધંધાની અનેક ગાદીઓ આમ જ હાથ કરી લે છે. ધનવાન પિતાનો પુત્ર એટલે સકળ ગુણ અને સઘળી આવડતસંપન્ન ધંધાદારી.

બીજે દિવસે ઈશ્વરદાસ ઑફિસમાં આવ્યો, પરંતુ દેવદાસ ન આવ્યો.

'કેમ ઈશ્વર ! પેલો દેવદાસ નથી આવ્યો શું ?' શેઠે પૂછ્યું. કેટલાંક નામોનું અપમાનજનક એકવચન કરવું મુશ્કેલ હોય છે. દેવદાસ એવા પ્રકારનું નામ હતું .

'ના, શેઠસાહેબ ! એ આવવાનો પણ નથી ! ' ઈશ્વરે કહ્યું. અમલદારો તો માત્ર સાહેબ જ હોય છે, જયારે ધનિકો 'શેઠ' અને 'સાહેબ' બન્ને હોવાનું માન ધરાવે છે.

'કાલે સાચી વાત કહી તે ચટકો લાગ્યો !'

'એમ જ લાગે છે. આ રાજીનામું ટપાલમાં આવી ગયું છે.' કહી ઈશ્વરદાસે કાગળ સુખનંદનના હાથમાં મૂક્યો. કાગળ વાંચતા જ શેઠની ભમ્મરો ખેંચાઈ.

'એમ? આ તો ઉપરથી ધમકી છે. પાંચ ટકા નફા જેટલી એની કિંમત છે કે નહિ એની વરસ દિવસમાં મને ખબર પડી જશે, ભલે ! આજથી દેવદાસનું કામ ભાઈને બતાવો.' શેઠે કહ્યું.

'ભાઈ' એટલે શેઠના સુપુત્ર. મોટે ભાગે ભણતર અડધેથી છોડી, નવ ભણતરે ખીલવેલી ગાળ, ગમ્મત અને કપડાંની સફાઈ સંપૂર્ણ પણે એમાંથી મેળવી, પિતાને પૈસે - કે ધંધાને પૈસે - ઈંગ્લેડ, અમેરિકા, જર્મની કે જાપાન જઈ આવી ધંધાનો પૂર્ણ અનુભવ મેળવ્યાનો સ્વસંતોષ ખીલવી જૂના અનુભવી નોકરો કે સહાયકોને ખેસવી ભારે પગાર, સારી ભેટ–બોનસ અને પગાર ન ઘટે એવા ભથ્થાંભાડાં લઈ ધંધા સાથે જીવનમાંથી મળતા સર્વાંગી આનંદના પૂર્ણ કટોરા પીનાર ધનિકપુત્રો કે ધનિકભત્રીજા - ભાણેજોનો નવો વર્ગ હિંદમાં – હિંદના ઉદ્યોગોમાં પગભર થઈ ચૂક્યો છે – એ 'ભાઈ.'

સુખનંદનની બુદ્ધિ એવી બુઠ્ઠી બની ગઈ ન હતી કે દેવદાસની કિંમત છેક ન સમજે. ઈશ્વરદાસ મારફત અઠવાડિયા પછી શેઠે દેવદાસને મળવા બોલાવ્યો.

દેવદાસ ન આવ્યો.

પાંચ ટકા નફો આપવાની વૃત્તિ પણ શેઠે દેખાડી.

દેવદાસે તેનો સ્વીકાર તો ન જ કર્યો ! ઉપરાંત તેણે એવી બેહૂદી માગણી કરી કે: 'શેઠ ! બેઆની ભાગ રાખો તો હું વિચાર કરી જોઉં.'

શેઠને આ માગણી અસહ્ય થઈ પડી. નફાના ટકા ભલે અપાય પણ પોતાના ધંધામાં ગુમાસ્તો ભાગીદારી માગે એ સહન ન જ થાય ! શેઠે દેવદાસને પડતો મૂક્યો.

પરંતુ દેવદાસે શેઠને પડતા મૂક્યા નહિ !

એક નાનકડું સરકારી મકાન બાંધવાનું કામ સુખનંદન શેઠને મળ્યું નહિ. ધારે તે કામ મેળવી શક્તા સુખનંદનને નવાઈ લાગી. તેમણે ઈશ્વરદાસને પૂછયું : 'અલ્યા ઈશ્વર ! આ કામ આપણને કેમ ન મળ્યું ?'

'મને ખબર નથી, શેઠસાહેબ? વ્યવસ્થા તો ભાઈ કરે છે.'

'ભાઈને બોલાવ.'

ભાઈએ આવી ખબર આપી કે એવા નાનકડા કામમાં બહુ ચિત્ત રાખવા સરખું હતું જ નહિ. ભલે બીજા કોઈને મળ્યું.

'પણ એ છે કોણ બીજો કોઈ?'

'આપણે ત્યાં હતો તે – દેવદાસ.' ભાઈએ કહ્યું

'એમ? એ મારી સામે ઊભો થયો ? ઠીક!' સુખનંદન શેઠ બોલ્યા. મનમાં નિશ્ચય કર્યો કે એ મગતરાંને જોતજોતામાં મસળી નાખવું !

પરંતુ એ મગતરું મસળાય એવું ન હતું. હવે જે જે કામોમાં સુખનંદન ઊભા હોય તે કામમાં સામે દેવદાસ આવીને ખડો થાય. જ. વ્યાપારની ઘણી વિગતો દેવદાસના ધ્યાનમાં આવી ગયેલી હતી જ. સુખનંદનને ખરેખર ખર્ચ કેટલો આવતો અને નફો કેટલો મળતો એની માહિતી દેવદાસને હતી, એટલે સુખનંદનના સો ટકા જેટલા નફાને કાપી પચીસ ટકા જેટલો નફો મેળવી તે સુખનંદનની માગણી નામંજૂર કરાવતો અને કામ સોંઘુ થતું હોવાથી તેને જ કામ સોંપવાની અધિકારીઓને ફરજ પડતી.

વળી સુખનંદનને ખર્ચે દેવદાસને પણ કૈંક અમલદારોની ઓળખાણ થઈ હતી. છુટા થયા પછી એ ઓળખાણ તેણે ચાલુ રાખી, અને ઓળખાણ અસરકાર નીવડે એમ મોટરગાડી, ચાનાસ્તો અને બક્ષિસની પ્રથા તેણે પણ ચાલુ રાખી. ચારપાંચ માસ સુધી તો ઘણા લોકોને ખબર પણ ન પડી કે દેવદાસ સુખનંદનથી છૂટો પડી સ્વતંત્ર કામ કરતો હતો. એ ઢબે પણ એનાથી બને એટલો લાભ લીધો. અને જ્યારે સહુને ખબર પડી ગઈ ત્યારે તો એક ધંધાદારી તરીકે એ સ્થાપિત થઈ ચૂક્યો હતો.

સુખનંદને અમલદારો અને અન્ય વ્યાપારીઓને ખબર આપી દીધી કે દેવદાસને તેણે દૂર કર્યો છે. પરંતુ મોટા શેઠની રુખસદથી ગુમાસ્તાઓ નાના શેઠ બનતા મટતા નથી. ધનપ્રાપ્તિનો માર્ગ જેવો સુખનંદન જાણતા હતા તે જ દેવદાસ પણ જાણતો જ હતો. એટલે પ્રશ્ન માત્ર દોડનો જ રહ્યો. પ્રતિષ્ઠિત શેઠ કરતાં ગુમાસ્તાની નાનકડી છાપવાળો દેવદાસ વધારે ઝડપથી દોડતો હતો. જોતજોતામાં સુખનંદનના વ્યાપારમાંથી દેવદાસે સરસ ચોસલું કાપી કાઢ્યું અને દિવાળી વીતતાં બેસતા વર્ષને પ્રભાતે દેવદાસ સુખનંદ શેઠને પગે લાગવા પણ આવી ગયો.

શેઠને દેવદાસ ગમે નહિં; છતાં હવે તે નોકર રહ્યો ન હોવાથી સહેજ વિવેક શેઠે બતાવ્યો. શેઠને પગે લાગી દેવદાસે સવા રૂપિયો તેમના ચરણમાં મૂકી દીધો. શેઠે તેને સાકર અને ગુલાબ અત્તર આપતાં પૂછ્યું : 'કેમ ચાલે છે, દેવદાસ ?'

'આપની કૃપા છે, શેઠે સાહેબ ! રોટલો રળી ખાઉં છું. છેક ખોટું નથી.' દેવદાસે કહ્યું.

'અમને તો છોડીને ગયો ને ? '

'આપને તે છોડાય ? આપનું અન્ન ખાધું છે. આપે ધંધાની કુંચીઓ બતાવી છે. આપ હુકમ કરો ત્યારે હું હાજર થઈ જઈશ.'

દુનિયા જ્યારથી સુધરેલી થઈ ત્યારથી સહુ કોઈ જાણે છે કે હૃદયભાવ અને વિવેકના શબ્દો વચ્ચે ઉલ્લંઘી ન શકાય એવું અંતર હોઈ શકે છે. સુખનંદનને લાગ્યું કે દેવદાસ તેને ખીજવવા માટે આવ્યો હતો; નહિ કે બેસતા વર્ષે આશીર્વાદ લેવા અને શુભેચ્છા દર્શાવવા. દેવદાસને પણ લાગ્યું કે સુખનંદન તેને કદી હવે પોતાના ધંધામાં બોલાવે નહિ જ ! અને બોલાવે તો દેવદાસ જાય પણ નહિ. દેવદાસને પણ સુખનંદનની સાહેબીનાં સ્વપ્ન આવી ચૂક્યાં હતાં.

દેવદાસની હરીફાઈ ખરેખર સુખનંદનથી સહન થઈ શકી નહિ. પોતાને ત્યાં મેળવેલું વ્યાપારનું જ્ઞાન દેવદાસ સુખનંદનની વિરુદ્ધ જ વાપરતો હતો. સુખનંદનના નફામાંથી જ માત્ર નહિ પણ ધંધામાંથી પણ દેવદાસ ભાગ પડાવી જતો હતો. અને એક વર્ષ તો દેવદાસે એવી સ્થિતિ ઊભી કરી કે સુખનંદનને એક પણ કામ મળ્યું નહિ, જ્યારે દેવદાસ બધાં જ કામ અને એ કામનો નફો ઉઠાવી ગયો.

હવે સુખનંદનને લાગ્યું કે દેવદાસની હરીફાઈ ભયંકર બનતી જાય છે. નફામાંથી પાંચ ટકા આપ્યા હોત તો ? બેઆની ભાગને બદલે ચાર આની ભાગ આપવા પણ શેઠ તૈયાર થયા. ઈશ્વરદાસ મારફત તેમણે સંદેશા પણ મોકલ્યા.

'હવે તો શેઠ અડધો ભાગ અને એમની ફેશનેબલ દીકરી આપે તો હું એમની સાથે જોડાઉં !' દેવદાસે કહાવ્યું. વ્યાપારીઓ વ્યાપારમાં સાંસારિક સંબંધની કિંમત જરૂર આંકે છે. દુશ્મનાવટ દૂર કરવા દુશ્મનના જમાઈ બની જવાની હિમ્મત દિલ્હીપતિ અકબર સાથે જ નષ્ટ થઈ નથી !

અને બીતાં બીતાં ઉચ્ચારાયેલો દેવદાસનો સંદેશ સાંભળી સુખનંદને દેવદાસને ધૂળ ભેગો કરી નાખવા કમર કસી.

પ્રથમ તો તેમણે અમલદારોના કાન ભંભેરી દેવદાસનું કામ ખામીભર્યું છે, એમ પુરાવાર કરવાના રસ્તા લીધા. અમલદારો બહુ નિષ્પક્ષ હોય છે. દેવદાસની એક આખી મોટરકાર એન્જિનિયર સાહેબના મહેમાનો માટે ફેરવવામાં વપરાય તેથી દેવદાસ વિરુદ્ધ તપાસ કરવામાં તેમને કશી હરકત આવતી નથી. એકને બદલે બે કાર એમાંથી આવવાનો સંભવ !

પરંતુ દેવદાસ સુખનંદનનો જૂનો ઇતિહાસ પણ જાણતો હતો, અને નવો ઇતિહાસ પણ જાણતો હતો. એનો જૂનો સહકાર્યકર ઈશ્વરદાસ છૂપી રીતે દેવદાસને ખૂબ જ વફાદાર રહ્યો. અને શેઠની નોકરીમાં ચાલુ રહ્યો હતો તે પણ દેવદાસને સહાય આપવા માટે જ એમ કહેવામાં હરકત નહિ. દેવદાસે તેનો ભાગ પણ એટલા જ ખાતર પોતાના ધંધામાં રાખ્યો હતો. એટલે દેવદાસે સુખનંદન સામે લેખિત આક્ષેપો ખોટે ખરે નામે મુકાવ્યા : જેમાં ખોટા હિસાબ રાખ્યા બદલ, ખોટા દસ્તાવેજો કર્યા બદલ, સરકારનો આયપતવેરો ડુબાવ્યા બદલ, લોકો સાથે ઠગાઈ કર્યા બાબત વિગતો હતી; અને એ વિગતો સાબિત થાય તો સુખનંદનને જિંદગીભર કેદખાને જવું પડે એમ હતું.

અને કયો ધનિક ગુનો કર્યા વગર ધનવાન થઈ શક્યો હશે? ગુનો પકડાય નહિ તેથી ગુનો નથી કર્યો એમ તો કહી શકાય જ નહિ ! પ્રામાણિકપણું કોઈ પણ માણસને ધનિક બનાવી શકે જ નહિ – વીસમી સદીમાં તો નહિ જ ! હિંદમાં કે હિંદ બહાર !

તેમાં સુખનંદનના નિષ્ણાત પુત્ર 'ભાઈ' એ સટ્ટો કરી સારી રકમ ગુમાવી, પરણવાનું વચન આપી 'ભાઈ'એ વિશ્વાસઘાત કર્યો એવી એક નટીએ કોર્ટમાં ફરિયાદ કરી. છાપાંવાળાઓએ કોણ જાણે કેમ વિશેષ કાળજી રાખી એ અંગત બનાવને જગજાહેર કર્યો અને દારૂ પી વધારે ઝડપથી હાંકવાના ગુના બદલ પોલીસખાતાએ 'ભાઈ'ને પકડી જામીન ઉપર મુશ્કેલીએ છૂટા કર્યા એની પણ વિગતો છાપાંએ આપી. સુખનંદન ગૂંગળાઈ ગયા, ગૂંચવાઈ ગયા – જોકે ગભરાઈ ગયા કહેવાય નહિં. તેમનું અપાર ધન બધે પહોંચી વળ્યું. તેમની પ્રતિષ્ઠા અને તેમનો પરિચય તેમને સજાથી સહેજ દૂર રાખી શક્યાં. પણ તે તો ક્ષણ વાર માટે ! વકીલો, બેરિસ્ટરો, સોલિસીટરો જેવા ગમે તે ગુનાને ગુનો નથી એમ પૈસાના પ્રમાણમાં પુરવાર કરનાર વીસમી સદીની કીર્તિસમા ભાડૂતી લડવૈયા સુખનંદનની આસપાસ ફરી વળ્યા અને શેઠની તથા શિક્ષાની વચ્ચે મજબૂત ઢાલ ઊભી કરવા માંડી.

પરંતુ એ ઢાલ ઉપર પ્રહાર કરનાર દેવદાસ પક્ષના ભાડૂતી સૈનિકો પણ ઓછા ન હતા – જોકે દેવદાસની તરફેણમાં સરકાર પણ હતી એટલું વધારામાં ! પરંતુ કૉર્ટમાં ઈશ્વરદાસને સાક્ષી તરીકે બોલાવવાનો પ્રસંગ આવતાં ઈશ્વરદાસે પણ શેઠના ધંધામાં ભાગ માગ્યો – જે સિવાય તે બધી જ છુપી વિગતો અને હિંસાબો બતાવી દેવાની ધમકી આપી ચૂક્યો – ત્યારે તો સુખનંદન શેઠ માંદા પડી ગયા.

તે દરમિયાન દેવદાસનો ધંધો બઢ્યે જ જતો હતો, અને વ્યાપારી આલમમાં તેની પ્રતિષ્ઠા વધ્યે જતી હતી. ધનપ્રાપ્તિ એ જ એક સફળતાની સાચી કસોટી છે એમ માનતી દુનિયામાં પ્રતિષ્ઠા પણ ધનના પ્રમાણમાં મળે એ સહેજ હતું.

સુખનંદને એ પ્રતિષ્ઠા ઝડપથી ગુમાવવા માંડી હતી. પૈસો ઘટતાં ઘણાં પાપ પણ ખુલ્લાં થઈ જાય છે - જે દરેક ધનિકને ચોપડે લખાયલાં જ હોય છે. એટલે પાપ ઢાંકવા માટે પણ પૈસો સાચવવાની અને વધારવાની ઘણી જરૂર રહે છે.

ધનિકોના આનંદઝપાટામાં સ્ત્રીસહવાસના પ્રસગો કૈંક આવી ગયા હોય છે, જે માત્ર એકાદ વિશ્વાસપાત્ર નોકર, ઘરનો કે ઑફિસનો વફાદાર પહેરેગીર, માનીતો શૉફર અને પૈસાની વ્યવસ્થા કરતો ભરોસાપાત્ર મુનીમ જ માત્ર જાણતો હેાય છે. એ સિવાયની આખી દુનિયા, શેઠસાહેબ ને ચારિત્ર્યના ઉત્તમ નમૂના તરીકે જ માની લે છે.

ફૂટી ગયેલા ઈશ્વરદાસને દેવદાસે એક છૂપી મસલતમાં વાત કરી : 'જો ઈશ્વર ! અત્યાર સુધી તો બધું બરાબર ઊતર્યું છે. હવે એક નવો પેંતરો મેં રચ્યો છે.'

'શો? તારા પેંતરામાંથી તું ઊંચો ન આવ્યો !'

'આટલું થઈ જાય એટલે બેડો પાર. સુખનંદન શેઠની મિલકત અને પેલી છોકરી બંને મળ્યાં સમજજે,' દેવદાસે કહ્યું.

'શો પેંતરો છે, દેવદાસ ?'

'પેલી કુમકુમ ખરી ને ?'

'કોણ? હાં, હાં. પેલી કંકુબાઈ? શું છે તેનું હવે? એ વાતને વર્ષો વીત્યાં.'

'એ જ વાત પાછી જાગે છે. આપણા શેઠ ઉપર એ બાઈ ભરણપોષણનો દાવો આજે કરે છે ! જો પછી ગમ્મત !' પ્રતિષ્ઠિત દેવદાસે કહ્યું.

'હવે એટલું બાકી રહેવા દે ! શેઠને બહુ ચૂંથ્યા તેં ! આ માંદગીમાંથી શેઠ બચે ત્યારે ખરું.'

'બચે કે ન બચે એની મને લેવાદેવા નથી. હું તો એટલું જ ઈચ્છું છું કે આ પહેલાં એ જાણીને જાય કે દેવદાસની કિંમત એમના નફામાં કેટલી હતી અને એમના નુકસાનમાં પણ કેટલી છે !'

‘એ પોપડો ન ઉખેડ; શેઠ ઢગલો થઈ જશે.'

દેવદાસ અને ઈશ્વરદાસ બને આછું પાતળું અંગ્રેજી તો ભણ્યા હતા. પરંતુ ઈશ્વરદાસ હજી સુખનંદનનો મુનીમ હતો અને દેવદાસ તો મહાન શ્રેષ્ઠીઓની હારમાં સ્થાન લેતો માલિક બની ગયો હતો. વગર ભણે કડકડાટ અંગ્રેજી બોલવાની તેને ટેવ પડી ગઈ હતી. અને સાંભળનાર સહુ કોઈ વાતનું હાર્દ સમજવા આવે છે, વ્યાકરણની ભૂલો કાઢવા નહિ ! સારા સારા અંગ્રેજી ભણેલાઓ સાથે બેસી એને અંગ્રેજી બોલતાં આવડી ગયું હતું; એટલું નહિ, પરંતુ અંગ્રેજી ઢબે ડોકું હલાવતાં, બન્ને હાથની આંગળીઓ ભેગી કરી રમાડતાં, સ્મિતભર્યું નમન કરતાં, સીસોટી વગાડતાં, અને ના કહેવી હોય કે જવાબદારી ટાળવી હોય ત્યારે ખભા હલાવવાની યુરોપિયન ચેષ્ટા કરતાં દેવદાસને આવડી ગયું હતું ! સિનેમા અને ઘરનો આયનો આ ખભા હલાવવાની ક્રિયા ઘણા હિંદવાસીઓને યુરોપિયન કક્ષાએ મૂકી દે છે.

ખભાનો એવો એક હિલોળો આપી દેવદાસે કહ્યું : 'તને પેલી અંગ્રેજી કહેવત તો ખબર છે ને ? Everything is fair in love and war. પ્રેમમાં અને યુદ્ધમાં ફાવે તે કરો, એનું પાપ જ નહિ.'

'હા. જાણું છું.'

'એમાં એક વધારે તત્ત્વ ઉમેર : Everything is fair in love, war and business પ્રેમમાં યુદ્ધમાં અને ધંધામાં ફાવે તે કરે, એનું પાપ લાગે જ નહિ !'

'આ તારા ઉમેરાથી અંગ્રેજી ભાષા ઉપર ભારે ઉપકાર થશે એ ખરું. પણ...હવે આ છેલ્લો ઘા ન કરીશ. આપણે શેઠ પાસે રહી કૈંક કૂંચીઓ શીખ્યા. બીજું કાંઈ નહિ તો એમનું અન્ન તો ખાધું જ છે ને ?' ઈશ્વરદાસે માણસાઈ દર્શાવવા દેવદાસને વિનંતી કરી.

દેવદાસ હસ્યો. શિકારીની દ્રઢ કૂરતા તેની આંખમાં રમી રહી હસતાં હસતાં તેણે કહ્યું : “ઈશ્વર ! ધંધો કરવો હોય તો દયા, માયા. શરમ અને વફાદારી મૂકીને જ કરો ! ખૂન અને યુદ્ધ કરતાં પણ ધંધો વધારે કાતિલ છે, હો!'

'તું જાણે, ભાઈ ! હું તો તને ના પાડું છું. કદાચ આપણે આમાં ન ફાવ્યા, તો ?'

'ન ફાવે એવું દેવદાસને બન્યું જ નથી ! કુમકુમના કાગળો તારા જ કબજામાં છે ને ? એ દાવો પુરવાર થયો જ માની લે !' 'દેવદાસ ! શેઠથી આવો ઘા નહિ ખમાય હો ?'

'તું તો રોતલ જ રહ્યો ! માટે હજી ગુમાસ્તાગીરી કરી રહ્યો છે... અને હું લાત માર્યે જાઉં છું અને ઊંચે ચડતો જાઉં છું. આ દાવો થયો કે તું સમજી લે: સુખનંદનની મિલકત અને એની દીકરી મારે ચરણે ! મને તો વેરભાવે ઈશ્વર ફળ્યા !'

શહેરના ધનિક રસિકોમાં પ્રખ્યાત થયેલી અલબેલી કુમકુમે તે જ દિવસે દાવો માંડ્યો અને સુખનંદન શેઠની રહીસહી આબરૂના કાંકરા તેણે કરી નાખ્યા. એ સમાચાર આવતાં પહેલાં ઈશ્વરદાસે માંદા પડી ગયેલા સુખનંદન પાસેથી કેટલીક જરૂરી સહીઓ કરાવી લીધી અને તેમની સારવાર અર્થે ભેગા થયેલા કુટુંબ વચ્ચે જ શેઠને આશ્વાસન આપ્યું કે દેવદાસ ભલે ફાવે તે કરે, શેઠને ઊની આંચ આવવાની નથી ! વફાદાર મુનીમ તરીકે એ સતત શેઠને પડખે ઊભો જ રહેશે.

ઈશ્વરદાસનો ધંધામાં અડધો ભાગ છે એવા દસ્તાવેજ ઉપર સુખનંદનની સહી થતાં બરાબર ઈશ્વરદાસની વફાદારી પૂરબહારમાં ખીલી નીકળી, અને આશ્વાસન આપી તે સહેજ ખસ્યો એટલામાં જ કુમકુમના દાવાની હકીક્ત કોઈએ આવી સુખનંદનને કહી.

સુખનંદન ખરેખર આ ઘાવ સહી શક્યા નહિ. તેમનું હૃદય બંધ પડ્યું. આખા શહેરમાં એ વાત ફેલાઈ. સુખનંદન ઉપર કૈંક કામો ચાલતાં હતાં એ ખરું; પરંતુ હજી તેમને કશી સજા થઈ ન હતી. પરપોટા ઘણા ઊભા થયા હતા, પરંતુ હજી એકે ફુટ્યો ન હતો. પહેલાં જેવો ધમાકોર વ્યાપાર ચાલતો ન હતો; છતાં ભાંગ્યું ભાંગ્યું તો યે ભરૂચ, એકાએક ખાલી તો ન જ થાય ! સુખનદનના મૃત્યુની હકીક્ત સાંભળી વિવેકી વ્યાપારીઓએ કારખાનાં બંધ કર્યા અને મોટી સંખ્યામાં તેમણે ઘર આગળ હાજરી પણ આપી.

લગ્ન અને મરણ પ્રસંગે ધનિકો અચુક એકબીજાને ત્યાં ભેગા થવાના જ. તેમાં યે શોકનો સ્વાંગ સજી દેવદાસ આવ્યો ત્યારે તો સહુને આશ્ચર્ય લાગ્યું. દેવદાસના શોકનો પાર ન હતો. તે ઠીક ઠીક રડ્યો પણ ખરો, શેઠના શબને તે પગે લાગ્યો અને શબ ઉપર સારામાં સારો ફૂલહાર તેણે ચડાવ્યો. ઉપરાંત તેણે શેઠના શબને ખાંધ આપી ત્યારે તો સહુના હૃદયમાં વિસ્મયનો વરસાદ વરસ્યો !

એક ખીલતા ધનિકે તો પૂછ્યું પણ ખરું: 'દેવદાસભાઈ ! તમારે અને સુખનંદનને તો હરીફાઈ હતી ને? વેર જેવું !'

'વેર ? હું તો શેઠની છબીને પગે લાગી આંખ મીચું છું અને જાગું ત્યારે પહેલાં જ એમનાં દર્શન ! વેર ? હું તો એમને પગલે ચાલી આગળ આવ્યો છું. લોક ભલે વેર માને. વેર હોય તો ય વેરભાવે એ મારા ઈશ્વર હતા...!' દેવદાસની આંખ ભીની થઈ.

ખીલી ચૂકેલા બીજા ધનિકે કહ્યું : 'દેવદાસભાઈ ! તમારે તો કાસળ કાઢ્યા જેવું થયું.'

'કેમ એમ બોલો છો, શેઠ?'

'આ સુખનંદન વિરુદ્ધના બધા દાવાદુવીની ભાંજઘડ હવે..'

'શું લોકો પણ છે? શેઠ તો મારા વડીલ હતા, વડીલ ! એકે દાવામાં હું ફરિયાદી કે સાહેદ હોઉં તો મને કહો !' દેવદાસે કહ્યું.

'એમ?' જરા સૂચક આંખ કરી ધનિકે પૂછ્યું.

'મેં તો નિશ્ચય કર્યો છે કે સુખનંદન શેઠનું સ્મારક કરવા પચાસ હજાર વેગળા મૂકવા.' દેવદાસે કહ્યું.

અને દેવદાસની આ વાત છાપામાં પણ આવી. આખા શહેરને આશ્ચર્ય ઊપજ્યું; સાથે સાથે સુખનંદનના ઘરને પણ આશ્ચર્ય ઊપજ્યું. શેઠનો એકનો એક દુશ્મન આમ ઉદારતા અને ભક્તિભાવ કેમ બતાવતો હતો? નિત્ય ઉઠમણા સુધી તે નિયમિત બેસણામાં આવતો અને તેરમો દિવસ વીત્યે કુટુંબને આશ્વાસન આપવા તે આવી પહોંચ્યો. અહીં પણ પ્રભુએ તેને જરૂરી અનુકૂળતા કરી આપી. શેઠના પુત્ર 'ભાઈ' દુઃખ સહન ન થવાના કારણે દારૂ પી સૂઈ ગયા હતા; તે ક્યારે ઊઠશે એની કોઈને ખબર ન હતી. શેઠનાં પત્ની પતિશોકને સહજ હળવો કરવા ઘરેણાંની યાદી કરવામાં રોકાયાં હતાં એટલે હજી કોઈને મળવા જેવી તેમની સ્થિતિ નથી એમ કહેવરાવી દુશ્મનની મુલાકાતથી તે દૂર રહ્યાં. પરંતુ સુખનંદનની પુત્રી પુસ્તક વાંચતાં વાંચતાં શોકપ્રદર્શન માટે આવેલા અને આવતાં સન્નારીઓ અને સદ્ગૃહસ્થોને મળતી અને યોગ્ય વાતચીત કરી વિદાય આપતી. અત્યારે મળવા બીજું કાઈ આવ્યું ન હતું, સુખનંદનની પુત્રી એકલી જ હતી. દેવદાસ રાજી થતો અંદર ગયો અને શેઠની પુત્રીને નમસ્કાર કરી તેણે આશ્વાસન આપવું શરૂ કર્યું : 'ખોટું તો બહુ થયું, પણ હવે આપણે હિંમત રાખવી. જનાર પાછું આવનાર નથી...અને, મિલકતની ચિંતા કરશો જ નહિ. હું એની યોજના એવી ગોઠવી લાવ્યો છું કે જૂની જાહોજલાલી બે માસમાં પાછી આવી જશે – મોટરકાર એકે વેચશો નહિ...'

'તમારો બહુ આભાર, દેવદાસ ! તમે તો આપણે બહુ જૂના માણસ. તમે મદદ નહિ કરો તો બીજુ કોણ કરશે?'

'જુઓ.. એ મદદ હું કાયદેસર કરી શકું એવી સરળતા આપ કરી આપો તો....'

દેવદાસને લાગ્યું કે તેની યોજના સફળતાને પાટે ચડી ગઈ !

‘એ કેવી રીતે ?'

'હજી તમે પરણ્યાં નથી...મારી સ્થિતિ કેવી છે એ તમે જાણો છો..મારી બરોબરી કરે એવો કોઈ આ શહેરમાં તો શેઠિયો નથી.'

'પણ તમે તો પરણેલા છો..'

'તેમાં શું ? એક ઉપર બીજી કરવાનો કાયદો આવે તે પહેલાં...'

'મેં તો ઈશ્વરદાસ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે !' વીજળી પડી હોય એમ દેવદાસ ચમક્યો !

'ઈશ્વરદાસ ? તમારો ગુમાસ્તો ?' દેવદાસથી બૂમ પડાઈ ગઈ.

'હા; એમાં શું ? મારી સાથે લગ્ન કરશે એટલે એ પણ શેઠિયો બની જશે. પિતાએ એને અડધો ભાગ પણ લખી આપ્યો છે...'

'શું કહો છો?... પણ જેને હુકમ કરતા હતા તેની તાબેદારી ફાવશે ?'

'જુઓ ને, દેવદાસ ! શેઠિયાઓને તો પોતાની પત્નીને હુકમ કરવાની પણ ક્યાં ફુરસદ મળે છે?...મને એની ચિંતા નથી. પૈસા હશે ને તેમને પ્રેમીઓ પણ મળી રહેશે ..નામનો પતિ ભલે ને રહ્યો !' પરમ તિરસ્કાર મુખ ઉપર લાવી સુખનંદનની પુત્રીએ આખા ધનિક વર્ગ ઉપર ઘા કર્યો.

'હું હજી કહું છું કે.. ફરી વિચાર કરો...પસ્તાશો...' દેવદાસ બોલી ઊઠ્યો.

'પસ્તાવાનું કાંઈ જ કારણ નથી. પિતાએ મિલકતનો અડધો ભાગ તમને લખી આપ્યો હોત તો હું તમને પરણત.'

'એ અડધા ભાગ કરતાં મારી મિકલત ઘણી મોટી છે.'

'જેમ આજ મારી સંભાળ લેવા આવ્યા તેમ બે પાંચ દિવસ પહેલાં આવ્યા હોત તો તમારો વિચાર કરત. ઈશ્વરદાસે પણ તમારી માફક અમારી મિલકત સંભાળવાની ખાતરી આપી છે. વેપારી માફક હું કેમ વચનભંગ થાઉં?'

સુખનંદન જેવા કંજૂસ અને મિથ્યાભિમાની શેઠિયાની બુદ્ધિ ઠેકાણે લાવનાર દેવદાસ એની જ દીકરીથી પરાજય પામતો હતો. ધનનો નશો એને પણ ચઢી ચૂક્યો હતે. ગમે તેમ કરીને આ લગ્ન અટકાવવું જ જોઈએ.

દેવદાસનું અઢળક ધન પણ એની ખારી બનતી દુનિયાની ખારાશ અટકાવતું ન હતું. અનેકાનેક યોજનાઓ તેના મગજમાં ઊગી નીકળી અને ભારે હૃદય સહ એ ઘેર આવ્યો. ઘેર ઈશ્વરદાસ તેની રાહ જોતો બેઠો હતો. દેવદાસની આંખમાંથી અગ્નિ વરસ્યો. તેને ન ગણકારી ઈશ્વરદાસે હસતે મુખે દેવદાસના હાથમાં એક રૂપાળી આમંત્રણપત્રિકા મૂકી દીધી.

'જો દોસ્ત ! મારું લગ્ન છે. તારી હાજરી વગર નહિ ચાલે.' ઈશ્વરદાસે આગ્રહ કર્યો.

'દગાબાજ ! નિમકહરામ ! તું જ વચ્ચે આવ્યો ?' દેવદાસ ઊકળ્યો.

'જો દેવદાસ ! ગાળો દીધાથી કાંઈ ન વળે. તારું નિમક મેં ખાધું નથી. જેનું નિમક ખાધું છે તે હલાલ કરવા હું તેની મિલકતને અને દીકરીને સાચવું એમાં ખોટું શું ?' ઈશ્વરદાસે કહ્યું.

'મેં તો શેઠ સાથે ખુલ્લી લડત કરી. તારી માફક ઘરમાં રહીને મેં ઘો મૂકી નથી !' દેવદાસ બોલ્યો.

'ભલા માણસ ! એમાં ખુલ્લું શું અને છૂપું શું? અને તારા જ શબ્દો યાદ કર ને ? પેલું શું – વ્યાપારમાં, યુદ્ધમાં અને પ્રેમમાં ફાવે તે કરો; એનું પાપ જ નહિ !'

'તું મહેરબાની કરી અહીંથી રસ્તે પડ, નહિ તો તારું ખૂન કરી બેસીશ.'

'ચાર દિવસ છે વચમાં. જરા શાંત પડજે.. પણ લગ્નમાં ન આવવું એમ ન કરતો !' ઈશ્વરદાસે ઊઠતાં ઊઠતાં કહ્યું.

દેવદાસના હાથ છરીકટાર શોધવા લાગ્યા. વેરભાવે આ ઈશ્વર મેળવવાનું તેણે સ્વપ્ને પણ ઈચ્છયું ન હતું.