કિલ્લોલ/લાલપ ક્યાંથી!
< કિલ્લોલ
કિલ્લોલ લાલપ ક્યાંથી! ઝવેરચંદ મેઘાણી ૧૯૨૯ |
પીપર લીલી → |
તારે આવડી લાલપ ક્યાંથી રે
મારા લાડકવાયા લાલ !
તારે આવડી કૂણપ ક્યાંથી રે
મારા લટકાળા હો લાલ !
તારી હાથ–હથેળી
પગની રે પેની
ગુલ-ફુલ સરીખા ગાલ;
એને આવડાં રંગ્યાં શાથી રે
મારા બોલકણા હો બાળ ! –તારે૦
માડી ! હું ને હરિ બે રમતા રે
એક મેઘ–ધનુષ મોઝાર;
અમે લથબથ કુસ્તી કરતા રે
ઘન ગાજતું ઘમ ! ઘમ ! કાર;
મારો પગ ગ્યો લપસી
પડ્યો ગગનથી
ઉતર્યો આંબા—ડાળ;
તું તો નીર–નીતરતી ન્હાતી રે
એક સરવરિયાની પાળ;
તું તો જળ–ઝીલણિયાં ગાતી રે
તારી ડોકે ફુલની માળ;
મને જુગતે લીધો ઝીલી રે
મારાં અંગ હતાં ગારાળ;
તારા અંતરમાં ઝબકોળી રે
મને નવરાવ્યો તતકાળ ;
તારા ઉરથી ઢળી ગઈ લાલી રે
મને રંગ્યો લાલમ લાલ;
તું તો બની ગઇ કાળી કાળી રે
મને કરિયો લાલ ગુલાલ !
તારે આવડી લાલપ ક્યાંથી રે
મારા લાડકવાયા લાલ !