કિલ્લોલ/વનરાજનું હાલરડું
← નીંદરને સાદ | કિલ્લોલ વનરાજનું હાલરડું ઝવેરચંદ મેઘાણી ૧૯૨૯ |
સોણલાં → |
વનરાજનું હાલરડું
મદ્ન્યવનરાવનનો રાજા રે
પોઢ્યો ઉંચે પારણે હો રાજ !
બહાદુર બાળો રાજા રે
પોઢ્યો ઉંચે પારણે હો રાજ !
હાં રે પોઢ્યો જયશેખરનો બાળ
હાં રે પોઢ્યો વેરીડાં કેરો કાળ
હલકે ને હીંચોળું રે
રાજા ગુર્જર દેશનો હો રાજ !
જુગતે ને ઝૂલાવું રે
મોભી ગુર્જર માતનો હો રાજ !
૨
ઉંચેરી વડવાયે રે
વનરાજાનાં પારણાં હો રાજ !
અંકાશીલી ડાળ્યે રે
બાળુડાનાં ઝૂલણાં હો રાજ !
હાં રે માથે હીરે મઢેલ આકાશ
હાં રે માથે પૂનમના અંજવાસ
દૂધલડાં કંઇ પીતો રે
રૂપાવરણી રાતનાં હો રાજ !
ગોઠડિયું કંઇ કરતો રે
તારલિયાની સાથમાં હો રાજ !
વનરાવનનો રાજા રે
પોઢ્યો ઉંચે પારણે હો રાજ !
૩
વાંકડિયા મોવાળા રે
વનરાજાને શોભતા હો રાજ !
કાળાં કરચલિયાળાં રે
ઝુલફાં ડોકે ઝૂલતાં હો રાજ !
હાં રે એનું કંકૂડા વરણું કપાળ
હાં રે એની આંખે અગનની ઝાળ
વાટલડી કંઇ જોતો રે
જોબન ક્યારે આવશે હો રાજ !
ઝબકી ઝબકી જોતો રે
જોદ્ધા ક્યારે જાગશે હો રાજ !
નિદ્રામાં સાંભળતો રે
હાકલ ક્યારે વાગશે હો રાજ!
વનરાવનનો રાજા રે
પોઢે ઉંચે પારણે હો રાજ !
૪
ઘેલૂડી ઓ સિંહણ રે !
વાર્યે તારાં બાળને હો રાજ !
વકરેલી ઓ વાઘણ રે !
રોક્યે તારી ત્રાડને હો રાજ !
હાં રે મારા રાજાની ઉંઘ વીંખાય
હાં રે મારો બાળુડો ઝબકી જાય
કાચી ને નીંદરનો રે
કોપ્યો તમને મારશે હો રાજ !
થોડી ને નીંદરનો રે
જાગ્યો તમને મારશે હો રાજ !
વનરા વનનો રાજા રે
પોઢ્યો ઉંચે પારણે હો રાજ !
૫
મૂઠડીયું ભીડીને રે
મોભી મારો પોઢિયો હો રાજ !
ડાઢડીયું ભીંસીને રે
કુંવર મારો પોઢિયો રાજ !
હાં રે જાણે તાણી ઝાલેલી તરવાર
હાં રે જાણે ઝૂઝે છે જુદ્ધ મોજાર
સોણામાં સંહારે રે
બાપુ કેરા મારને હો રાજ !
સમશાને સૂવારે રે
મા–ભૂમિના ચોરને હો રાજ !
વનરા વનનો રાજા રે
પોઢ્યો ઉંચે પારણે હો રાજ !
ગરવી ગુર્જર માનાં રે
વીરને ઝાઝાં વારણાં હો રાજ !
આગભરી અમ્બાનાં રે
વીરને મોંઘા મીઠાડાં હો રાજ !
હાં રે વીરા ! આજુનો દિન વિશ્રામ
હાં રે વાલા ! આજુની રાત આરામ
કાલે ને કેસરિયા રે !
ખાંડા ધારે ખેલજો હો રાજ!
કાલે કંકુભરિયા રે !
અરિને તેડાં મેલજો હો રાજ !
વનરાવનનો રાજા રે
પોઢ્યો ઉંચે પારણે હો રાજ !
૬
સ્વામીની શુર-વાટે રે
રણ રમવા જાવું હતું હો રાજ !
સ્વર્ગાપુરને ઘાટે રે
સંગાથી થાવું હતું હો રાજ !
તે દિ' મારે હૈયે પોઢ્યો' તો તું ભાઇ !
તે દિ' તારા બાપુની રામ-દુવાઇ !
આજ સુધી જીવું છું રે
પાવા તુજને દૂધડાં હો રાજ !
જીવતર વીતાવું છું રે
ગાવા શુરનાં ગીતડાં હો રાજ !
જુગ જુગથી જાગું છું રે
લેવા છેલ્લાં મીઠડાં હો રાજ !
વનરાવનનો રાજા રે
પોઢ્યો ઉંચે પારણે હો રાજ !
♣