કિલ્લોલ/ હાલો ગલૂડાં રમાડવા

←  ચુંદડી કિલ્લોલ
હાલો ગલૂડાં રમાડવા
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૯
રાતાં ફુલ →




હાલો ગલૂડાં રમાડવા


[શેરીમાં કૂતરી વીંઆય, એ ગ્રામ્ય બાલકો માટે આનંદ, નૃત્ય અને પશુપ્રેમના ઉમળકા ઠલવવાનો અવસર બને છે. એ મમતાને ગીતમાં ઉતારવાનો પ્રયાસ છે.]



કાળૂડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં
ચાર કાબરાંને ચાર ભૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે!

માડીને પેટ પડી ચસ ! ચસ ! ધાવે
વેલે ચોંટ્યા જેમે તૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે!

માતાને માથડે ચડતાં ને ચાટતાં,
જોગણનાં જાણે લટૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે!

રાતાં માતાં ને રોમ રોમે સુંવાળાં,
જાને મીઠાં ગાલ-મસૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે!

બાને વ્હાલાં છે જેમ વીરો ને બેની
કાળવીને વાલાં કુરકુરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે!

મોટાં થાશે ને મારી શેરી સાચવશે,
જાગશે રાતે બ્હાદૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે!

ટીપૂડો દીપૂડો ડુંગરડે ઘૂમશે,
ગૌધન ભેળા વોળાવિયા રે
હાલો ગલૂડાં રમાડવા જી રે!

મોતીઓ ને માનીઓ ઝોકે રોકાશે,
વાછરૂ ને પાડરૂ ભળાવિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે!

ડાઘીઓ ને ડૂઘીઓ ખેતરમાં જાશે,
વાસુ રે'શે બે રખોલિયા રે
હાલો ગલૂડાં રમાડવા જી રે.

કાલીઓને લાળીઓ પાદર પસાયતા,
બાઉં ! વાઉ ! આલબેલ બોલિયા રે
હાલો ગલૂડાં રમાડવા જી રે.

ગોળ ઘી લોટના શેરા બનાવ્યા,
કાળવીનાં પેટડાં પૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે.

પેટ ભરીને માડી બાળ ધવરાવે,
ધાવીને પોઢે ટીપૂડિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે.