કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/અભયમાતા

← પૂર્ણા (પુણ્ણા) કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
અભયમાતા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
અભયા →


४२–अभयमाता

નું મૂળ નામ પદ્માવતી હતું. ઉજ્જયિની નગરીમાં તેનો જન્મ થયો હતો, ત્યાં આગળ એ વારાંગનાનો ધંધો કરતી હતી. રાજા બિંબિસાર તેના રૂપલાવણ્યની વાત સાંભળીને તેના ઉપર મુગ્ધ થઈ ગયો અને તેને બોલાવીને પોતાની કામવાસના ચરિતાર્થ કરી. થોડા વખત પછી એણે બિંબિસાર રાજાને સંદેશો કહાવ્યો કે, “હું આપનાથી સગર્ભા થઈ છું.” રાજાએ કહેવરાવ્યું કે, “જો પુત્ર અવતરે તો એને મોટો થયા પછી મારી પાસે મોકલી આપજે.” યથાસમયે પદ્માવતીએ એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ અભય પાડવામાં આવ્યું. પુત્ર સાત વર્ષનો થયો એટલે માતાએ તેને તેના પિતાનું નામ કહ્યું તથા બિંબિસાર રાજા પાસે મોકલાવી આપ્યો. રાજાને તેના ઉપર ઘણો પ્રેમ ઉત્પન્ન થયો અને તેમણે એ બાળકને રાજકુટુંબના બીજા બાળક સાથે ઊછરવા દીધો. કુમાર અભય ઘણો બુદ્ધિમાન, સદાચારી અને ધાર્મિક નીકળ્યો. પાછળથી તેણે બૌદ્ધધર્મની દીક્ષા લઈને ધર્મપ્રચારક તરીકેનું જીવન ગાળવા માંડ્યું. તેના ધર્મોપદેશની તેની માતા પદ્માવતી ઉપર પણ ઘણી સારી અસર થઈ. તેણે પોતાના અધમ આચરણોનો ત્યાગ કર્યો અને સંસારની મોહમાયા છોડી દઈને ધર્માચરણમાં જીવન ગાળવા માંડ્યું. એ પ્રમાણે સત્કર્મોથી અને બૌદ્ધધર્મના આદેશ પ્રમાણે ચાલ્યાથી તેનું જીવન શુદ્ધ અને પાપમુક્ત થયું તથા તેણે આખરે અર્હત્‌પદ પ્રાપ્ત કર્યું. પુત્ર અભયકુમારે તેને શો ઉપદેશ આવ્યો અને તેની પોતાના ઉપર શી અસર થઈ એ વૃત્તાંત તેણે પોતે રચેલી ગાથામાં ટૂંકમાં વર્ણવ્યો છે.

એ ગાથા ઉપરથી જણાય છે કે પુત્રે માતાને આ દેહની ક્ષણભંગુરતા અને મલિનતાનું ભાન કરાવ્યું હતું. એણે કહ્યું હતું:  “માતા દેહના સૌંદર્યના અભિમાનને લીધે તમે પતિત જીવન ગાળ્યું છે, પણ જરા એ દેહને પગથી માથા સુધી નિહાળીને વિચાર તો કરી જુઓ ! શિરના કેશથી તે પગનાં તળિયાં સુધી એ આખું શરીર દુર્ગંધથી ભરેલું નથી ? એમાં લોહી, માંસ વગેરે સૂગ ચડે એવા પદાર્થ સિવાય બીજું શું છે ?” એના ઉત્તરમાં માતાએ પુત્રને ખાતરી આપી હતી કે, “પુત્ર ! તારૂં કથન સત્ય છે. આજથી મારી બધી દુર્વાસનાઓને મેં જડમૂળથી ઉખેડી નાખી છે. હવે હું શાંત અને નિવૃત્તિપરાયણ થઈ છું.”