કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/ઇસિદાસી (ઋષિદાસી)

← ચારુમતી કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
ઇસિદાસી (ઋષિદાસી)
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ઈશાનદેવી →


८३–इसिदासी (ऋषिदासी)

જ્જયિની નગરીમાં એક સદાચારી પ્રતિષ્ઠિત અને ધનવાન વેપારીને ઘેર એનો જન્મ થયો હતો. એ પિતાની એકની એક કન્યા હોવાથી પુષ્કળ લાડમાં ઉછરી હતી. પિતાએ એને ઊંચા પ્રકારનું શિક્ષણ પણ આપ્યું હતું. એક સમયે સાકેત નગરના એક વણિકે એના પિતાને ઘેર જઈને એનું માગું કર્યું. ગુણવાન વર જોઈને ઈસિદાસીના પિતાએ પ્રસન્નતાપૂર્વક એનું લગ્ન કરી દીધું. ઈસિદાસી સાસરે ગઈ. પિતાને ઘેરથી મળેલા સારા શિક્ષણને લીધે તે દરરોજ સવારસાંજ ભક્તિપૂર્વક સાસુસસરાને પ્રણામ કરતી. એમની સેવાશુશ્રૂષા કરતી તથા ઘરનું બધું કામકાજ કરતી. દિચેર, નણંદ વગેરે બીજાં સગાંઓ ઉપર પણ સ્નેહ રાખતી અને તેમને પોતાની પાસે બેસાડીને લાડ લડાવતી. ઘરમાં જે અન્ન હતું, તેમાંથી ભિક્ષુક, અભ્યાગત વગેરે જેને જે કાંઈ આપવાનું હોય તે રીતસર આપતી. સવારના પહોરમાં વહેલી ઊઠી ઘરનું કામકાજ કરી નાહીધોઈને ઝટપટ પતિની પાસે જતી અને તેને સંતોષવાનો પ્રયત્ન કરતી. દાસીની પેઠે પતિની આગળ દાતણપાણીની સામગ્રી, તેલ, આરસી વગેરે મૂકતી અને પોતાને હાથેજ પતિને સજાવતી. એકના એક પુત્રની માતા પોતાના પુત્રને જેટલાં લાડ લડાવે, તેટલાંજ લાડ એ પૂર્ણ મમતાપૂર્વક લડાવતી. પાતાને હાથે સ્વાદિષ્ટ ભોજન રાંધીને પતિને જમાડતી અને તેમનાં વાસણ પણ માંજી નાખતી. કોઈ દિવસ પતિની સાથે ઉચ્ચ સ્વરે બોલતી નહિ. દાસીની પેઠે રાતદિવસ તેની સેવામાંજ નિમગ્ન રહેતી; પરંતુ આ જન્મમાં સુશીલ પ્રતિવતા અને વિદુષી હોવા છતાં પણ સાતમા આગલા જન્મમાં એણે વ્યભિચારનો મહાદોષ કર્યો હતો. એ ગંભીર પાપનું પ્રાયશ્ચિત્ત સ્ત્રી કે પુરુષ બન્નેને જન્મજન્માંતર સુધી કરવું પડે છે. એ પાપની સજારૂપે આ જન્મમાં ઈસિદાસીને પતિભક્તિનું ફળ મળ્યું નહિ. આટલી સેવા અને પ્રેમ બતાવ્યા છતાં પણ એનો પતિ એના ઉપર પ્રસન્ન થયો નહિ. એક દિવસ એણે પોતાનાં માતપિતાને કહ્યું: “હું ઈસિદાસીની જોડે સંસાર માંડવાનો નથી, હું ઘરબાર છોડીને દૂર જતો રહીશ.” માતપિતાએ કહ્યું: “ઈસિદાસી તો સારી પંડિતા છે; આળસ શું છે તે તો જાણતી નથી. પ્રાતઃકાળમાં વહેલી ઊઠે છે. એવી સુશીલ પત્ની તને કેમ ગમતી નથી, દીકરા ?”

ઉત્તરમાં ઈસિદાસીના પતિએ જણાવ્યું: “એણે મારૂં કાંઈ બગાડ્યું નથી; પણ હું એની સાથે રહેવાનો નથી. મને વિદાય આપો, હું પાછો નહિ આવું.” સાસુસસરાએ ઈસિદાસીને પૂછ્યું: “વહુ ! કહો તો ખરાં કે તમારાં બેનાં મન ઊંચા શા કારણથી થયાં છે ? અમારાથી કંઈ વાત છુપાવશો નહિ. એવો તે શો અપરાધ છે કે પતિ તને છોડીને જતો રહેવા માગે છે ?”

ઈસિદાસીએ દિલ ખોલીને કહ્યું: “મારાથી ભૂલમાં પણ કોઈ દોષ થયો નથી; મેં કોઈ દિવસ એમને કડવો શબ્દ કહ્યો નથી. એમ છતાં એમને મારા પ્રત્યે શા સારૂ કંટાળો ઊપજ્યો છે તે હું કહી શકતી નથી.”

ત્યાર પછી આસુસસરાએ તેને કહ્યું: “વહુ ! તું તો સ્વરૂપવતી અને ગુણમાં લક્ષ્મી જેવી છે. પણ છોકરાને કોણ જાણે શાથી તારા પર અણગમો ઉપજ્યો છે, તો તું તારે પિયેર જા,” એમ કહીને એમણે પુત્રની ખાતર પુત્રવધૂને પિતૃગૃહે વિદાય કરી.

ઇસિદાસી જે જ્ઞાતિમાં હતી તે જ્ઞાતિમાં એ સમયે પુનર્લગ્નનો રિવાજ પ્રચલિત હતો, એટલે એના પિતાએ એને એક બીજા વરને પરણાવી. એ પણ ધનાઢ્ય પુરુષ હતો. ઈસિદાસીએ પોતાના સ્વભાવ પ્રમાણે અની પણ પુષ્કળ સેવા કરી, પરંતુ એક માસ પછી એનું પણ ચિત્ત ફર્યું અને તેણે પણ તેને વગર વાંકે છોડી દીધી. ત્યાર પછી એક દિવસ એક દીન દરિદ્ર સંયમી ભિખારી યુવક માગવા સારૂ ઈસિદાસીના પિતાને ઘેર આવ્યો. તેને તેમણે કહ્યું: “આ ભિક્ષુકની ઝોળી અને કમંડળ ફેંકી દઈને મારા જમાઈ બનો.” એણે યુવતીના પિતાની પ્રાર્થના સ્વીકારી અને પંદર દિવસ સુધી પતિપત્ની સુખે રહ્યાં. પછી પેલા જમાઈએ કહ્યું : “મને મારી ઝોળી અને કમંડળ પાછાં આપો, હું તો ભિક્ષા માગીનેજ મારા જીવનનો નિર્વાહ કરીશ.” એ સાંભળીને ઈસિદાસીનાં માતપિતા તથા સગાંસંબંધીઓએ કહ્યું: “તમે ઘરમાંજ રહો. જે કાંઈ માગશો તે આપીશું.” તેણે કહ્યું: “મારા એકલાનું પેટ ભરવા જેટલું તો મને ગમે તે પ્રકારે મળી આવે એમ છે, તો પછી હું શા માટે અહીં રહું ? વળી એ પણ નિશ્ચિત છે કે હું ઈસીદાસી સાથે એકજ ઘરમાં કદી પણ રહેવાનો નથી.” દુઃખી બિચારી ઈસિદાસી ! એની શી અવસ્થા ! શ્રેષ્ઠ પતિવ્રતાને છાજે એવી રીતે તન, મન, ધનથી સેવા કર્યા છતાં એક પણ પતિએ તેને સંઘરી નહિ. પતિ ઘર છોડીને ચાલ્યો ગયો, એટલે એણે માતાપિતાને કહ્યું: મારા દુઃખ અને શરમનો પાર રહ્યો નથી, હવે તો મને મરવા દો કે સંસારનો ત્યાગ કરવાની રજા આપો.” એવામાં જિનદત્તા નામની પ્રસિદ્ધ ભિક્ષુણી ભિક્ષા માગતી માગતી ત્યાં જઈ પહોંચી. એ પરમ વિદુષી હતી તથા ધર્મશાસ્ત્રોને સારી રીતે જાણનારી હતી. વિનય–પિટક નામના પ્રસિદ્ધ બૌદ્ધગ્રંથનો એણે ખાસ અભ્યાસ કર્યો હતો. ઈસિદાસએ તેનો સત્કાર કર્યો; તેને બેસવાને માટે આસન બિછાવી આપ્યું તથા પગે લાગીને ભિક્ષા કરાવી. ભોજન કરીને આ ભિક્ષુણી તૃપ્ત થઈ એટલે એણે કહ્યું: “મારો વિચાર સંસારનો ત્યાગ કરીને પ્રવ્રજ્યા લેવાનો છે. તેના પિતાએ એ સાંભળીને કહ્યું: “પુત્રી ઘેર રહીને પણ તું ધર્મ પાળી શકે છે, સાધુતા સાધી શકે છે અને સાધુ તથા દ્વિજજનોની સેવા કરી શકે એમ છે.” પરંતુ ઈસિદાસીનો સંકલ્પ દૃઢ હતો. એણે કહ્યું: "ના, પિતાજી ! મારે આ જન્મમાં જે દુ:ખ વેઠવું પડ્યું છે, વગરદોષે જે અપમાન સહન કરવું પડ્યું છે, તે અવશ્ય પૂર્વજન્મના કોઈ ગંભીર દોષની સજા છે; માટે હું સંસારનો ત્યાગ કરીને, રાતદિવસ ધર્મની સેવામાં રહીને પૂર્વજન્મનાં પાપનો ક્ષય કરીશ.”

પિતાને હવે પુત્રીના ઉન્નત માર્ગના પ્રયાણમાં વિઘ્ન નાખવું યોગ્ય લાગ્યું નહિ. તેમણે કહ્યું: “બેટા ! જા ત્યારે. બુદ્ધદેવ નરશ્રેષ્ઠ થયા છે. એમના ઉપદેશને અનુસરીને ધર્મલાભ કર; નિર્વાણ પ્રાપ્ત થવાથી તું નિષ્પાપ થઈશ.” માતપિતા અને જ્ઞાતિજનોને નમસ્કાર કરીને ઈસિદાસી વિદાય થઈ. તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયેલો હોવાથી અને ઊંચા પ્રકારનું શિક્ષણ તો પહેલેથીજ પ્રાપ્ત હોવાથી સાત દિવસની અંદર એણે ત્રિવિદ્યા પ્રાપ્ત કરી લીધી. એનું વ્રત પૂર્ણ થયું. પૂર્વજન્મો એની આગળ સ્પષ્ટ દેખાવા લાગ્યા. સાતમા જન્મમાં એણે વ્યભિચારનો મહાન અપરાધ કેવી રીતે કર્યો હતો અને તેના દંડરૂપે બીજા છ જન્મોમાં કેટલું દુઃખ વેઠવું પડ્યું, એ બધી વાતનું તેને જ્ઞાન થયું. એ જ્ઞાન થયા પછી તેની હૃદયવેદના તદ્દન શાંત થઈ. એક જન્મની ભૂલથી એણે આ જન્મમાં પણ પુષ્કળ દુઃખ વેઠ્યું; પણ સત્કર્મ તથા સત્સંગના પ્રભાવથી આ જન્મમાં આગલા જન્મોના પાપ બાળી નાખ્યાં, એટલુંજ નહિ પણ અનંત પુણ્યનો સંચય કરીને નિર્વાણને પ્રાપ્ત થઈ.

થેરીગાથામાં વિસ્તારથી પોતાનેજ મુખે એણે આ ઈતિહાસ વર્ણવ્યો છે.