કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/ઉત્પલવર્ણા

← ખેમા (ક્ષેમા) કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
ઉત્પલવર્ણા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
મુક્તા (મુત્તા પહેલી) →


२१-उत्पलवर्णा






ગૌતમબુદ્ધના સમયમાં શ્રાવસ્તી નગરીમાં એક શાહુકારના ઘરમાં એનો જન્મ થયો હતો. તેના શરીરનો વર્ણ નીલોત્પલના અન્નગર્ભના જેવો તેજસ્વી અને કાંતિમાન હતો. એટલે જન્મતાંવારજ માતપિતાએ તેનું નામ ઉત્પલવર્ણા પાડ્યું.

દિવસ જતા ગયા તેમ એ શુક્લ પક્ષના ચંદ્રમાની પેઠે વધવા લાગી અને ઉંમરમાં આવી ત્યારે એનું સૌંદર્ય અને ખાસ કરીને એનો કમળ સરખો વર્ણ બધાંનું ધ્યાન ખેંચવા લાગ્યો. જંબુદ્વીપના અનેક રાજ્યાધિપતિઓના રાજકુમારોએ તથા અનેક ધનવાન શેઠિયાઓએ તેના પિતા પાસે માગાં મોકલ્યાં. ઉત્પલવર્ણાનો પિતા હવે મોટા વિચારમાં પડ્યો. બધાને ખુશ કરવા એ અસંભવિત હતું. એકને રાજી કરવા જાય તો બીજા સાથે દુશ્મની બાંધવી પડે એમ હતું. એ ઘણું મૂંઝાવા લાગ્યો. આખરે બહુ વિચાર કરીને એણે એક યુક્તિ શોધી કાઢી; પણ એ યુક્તિ અમલમાં આણી શકાશે કે નહિ તે સંબંધમાં એને ખાતરી નહોતી.

આખરે પોતાની અમૂંઝણ કન્યાની આગળ જણાવી તેનો અભિપ્રાય પૂછવા સારૂ એ ઉત્પલવર્ણાની પાસે ગયો. ઉત્પલવર્ણા ચતુર હતી; પોતાના લગ્નસંબંધથી કેવી વિષમ સ્થિતિ ઉભી થઈ છે અને એના માતપિતા કેવા ગૂંચવાડામાં પડ્યાં છે એ ક્યારનીયે જાણી ચૂકી હતી, પણ વિનયની ખાતર આગળ પડીને એણે પિતાની રૂબરૂ એ વિષય છેડ્યો નહોતો. આજ પિતા તેની પાસે આવ્યા એટલે તેણે ઊઠીને સત્કાર કર્યો તથા પ્રણામ કરીને એમને બેસવાનું આસન આપ્યું. પિતાનું ઉદાસ મુખ જોઈને તે સમજી ગઈ કે આજે પિતાજીના હૃદય ઉપર મોટો ભાર આવી પડ્યો છે અને એ બોજ હલકો કરવા, હૃદય ખાલી કરવા સારૂજ એ મારી પાસે આવ્યા છે. ચિંતાનું કારણ શું છે તે કળી જતાં પણ એને વાર લાગી નહિ; છતાં એણે પૂછ્યું “બાપુ ! આપને શું થયું છે ? આજ આપનો ચહેરો ઊતરી કેમ ગયો છે ?” પુત્રીના આ કોમળ અને હૃદયસ્પર્શી શબ્દોએ પિતાના હૃદયને આઘાત કર્યો. મહાપ્રયત્ને મનને સ્થિર રાખીને એમણે કહ્યું: “દીકરિ ! આજકાલ હું શી અમૂંઝણમાં પડ્યો છું, એ તું કળી શકી હોઈશ, એમ હું ધારૂં છું. જંબુદ્વીપના અનેક રાજકુમારો અને શેઠ લોકોનાં તારે સારૂ માગાં આવ્યાં છે. તું જાણે છે કે હું એ બધાની ઈચ્છા પૂરી કરી શકું એમ નથી. તારા જેવી સુંદર અને વિદુષી કન્યા ગમે તેને વગરવિચાર્યે હું આપી શકીશ નહિ. તારા લગ્નનિમિત્તે મોટો ઝઘડો ઊભા થવાનો મને ભય રહે છે; માટે મેં એક ઉપાય શોધી કાઢ્યો છે.”

ઉત્પલવર્ણાએ કહ્યું: “પિતાજી ! ફરમાવો. આપે કયો ઉપાય શોધી કાઢ્યો છે ? સંકોચ ન રાખો, દિલ ખોલીને વાત કરો.”

પિતાએ કહ્યું: “મારો તારા ઉપર કેવો અને કેટલો બધો પ્રેમ છે એ તું જાણે છે, એટલે તારે માટે એ સૂચના કરતાં મારા હૃદયમાં કેટલું દુઃખ થતું હશે તેની તને કલ્પના આવી શકશે, છતાં સંયોગો જોતાં મને બીજો કોઈ માર્ગજ સૂઝતો નથી. કહે બહેન, તુ સંસાર ત્યજીને પ્રવજ્યા લેવાને તૈયાર છે ?”

છેલ્લું વચન ઉચ્ચારતાં પિતાના જીવને કાંઈ કરાર વળ્યો. ઉત્પલવર્ણાએ પિતાનાં વચનો ધ્યાનપૂર્વક સાંભળ્યા તથા તેમના મુખ ઉપર થતા ફેરફારનું બારીકીથી અવલોકન કર્યું. પોતાને લીધે પિતા કેવી સંકડામણમાં આવી પડ્યા છે તે વાત તેના સમજવામાં આવી. ઘણા સાહસથી તથા કુમારીસુલભ દિવ્યતાથી એણે કહ્યું: “બાપુ, આપ જરાયે મૂંઝાશો નહિ. હું સારા કુળની કન્યા છું. મારા પિતાનું જેમાં કલ્યાણ હોય તેજ કામ મારે કરવું જોઈએ અને એજ હું કરીશ.” વાત એ હતી કે ઉત્પલવર્ણા પૂર્વજન્મની પણ સંસ્કારી કન્યા હતી. પૂર્વજન્મોમાં તેણે ગૌતમબુદ્ધના પૂર્વાવતારે પદ્મોત્તર બુદ્ધની સારી પેઠે સેવાચાકરી કરી હતી. એ વખતે પદ્મોત્તર બુદ્ધ એક ભિક્ષુણીને ઋદ્ધિમતી કહીને આગળ પડતું સ્થાન આપ્યું હતું. તે વખતથી એના મનમાં પણ એવું ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવાની અભિલાષા ઉત્પન્ન થઈ હતી. એ દિવસથી એણે સાધુસંતની ઘણી સેવા કરવા માંડી હતી તથા પુષ્કળ દાન દેવા માંડ્યાં હતાં અને અનેક પ્રકારનાં સત્કર્મો કરીને મરણ સમયે ભગવાનને એજ પ્રાર્થના કરી હતી કે, “મને પણ ઋદ્ધિમતી ભિક્ષુણીનું મહાન પદ પ્રાપ્ત થજો.” શુભ અભિલાષા, યોગ્ય પ્રયત્ન કરવામાં આવે તો એક જન્મમાં કે અનેક જન્મમાં પણ ફળવતી થયા વગર રહેતી નથી. અનેક જન્મો બાદ ગૌતમબુદ્ધના સમયમાં ઉત્પલવર્ણાના જીવનમાં ઉપર વર્ણવેલો પ્રસંગ પ્રાપ્ત થયો. પિતાજીએ તેને પ્રવજ્યા ગ્રહણ કરવાની ઈચ્છા જણાવી. પૂર્વજન્મના સંસ્કારોની ઉત્તેજનાથી કુમારી ઉત્પલવર્ણાએ પ્રસન્નચિત્તે એ પ્રસંગને વધાવી લીધો અને ભિક્ષુણી બનવા તૈયાર થઈ.

પિતાનાં ચક્ષુમાં અશ્રુ ભરાઈ આવ્યાં, અંતઃકરણમાં સ્નેહ ઊભરાઈ ગયો અને એમના મુખમાંથી શબ્દ પણ નીકળી શક્યો નહિ. તેણે પ્રેમપૂર્વક પુત્રીને હૃદય સરસી ચાંપીને એના શુભ વિચાર માટે ધન્યવાદ આપ્યો તથા પોતાની સાથે ભિક્ષુણીસંઘમાં લઈ જઈને પ્રવજ્યા અપાવી.

ઉત્પલવર્ણાને નવીન આશ્રમ ઘણો ગમી ગયો અને તેને લાગ્યું કે મોહમાયાના બંધનમાંથી મુક્ત થઈને સ્વતંત્ર વાતાવરણમાં આવી.

ઉપસંપદા પ્રાપ્ત કર્યા પછી તેણે આધ્યાત્મિક ઉન્નતિ માટે અભ્યાસ કરવાની શરૂઆત કરી. ઉ૫સંપદા એટલે શું તે પણ આ સ્થાને સંક્ષેપમાં સમજાવવું અસ્થાને નહિ ગણાય. ઉપસંપદાના યોગથી ભિક્ષુ અને ભિક્ષુણીસંઘની એક નિયત પ્રકારની વ્યવસ્થા થવા પામતી. પ્રવજ્યા લીધાથી તો ભિક્ષુણીસંઘમાં દાખલ થવાની પરવાનગી માત્ર મળતી, પણ સંઘમાં દાખલ થતાંજ સંઘના બધા હક્ક એકદમ મળી જતા નહોતા. અનુભવ અને યોગ્યતા પ્રાપ્ત થયા પછી ‘ઉપસંપદા’ આપવામાં આવતી અને ત્યાર પછીજ ભિક્ષુ કે ભિક્ષુણીને સંઘને લગતી સર્વ બાબતોમાં મત આપવાનો અધિકાર મળતો. અસ્તુ ! સંઘમાં રહીને ઉત્પલવર્ણાએ ત્રિપિંટક–બૌદ્ધ ધર્મશાસ્ત્રના મુખ્ય ગ્રંથોનો અભ્યાસ કર્યો. ત્યાર પછી તેણે સીલ સંપદા પ્રાપ્ત કરી અને સમાધિભાવનાનો સાક્ષાત્કાર કરવાને માર્ગે ચડી. બૌદ્ધ ધર્મમાં ‘ઉપોસથ’ની ક્રિયા થાય છે. ઉપવસથને દિવસે જે સ્થળે ભિક્ષુકોનો સંઘ એકઠો થાય તેને ઉપવસથાગાર (પાલી ઉપોસથાગાર) કહે છે. ચૌદશ અને પૂર્ણિમાને દિવસે એ સ્થાનની વ્યવસ્થા કરવાનું કામ ભિક્ષુ અને ભિક્ષુણીઓને માથે વારાફરતી આવતું. એ દિવસે ‘પ્રતિમોક્ષ’ ગ્રંથનો પાઠ થતો. ભિક્ષુક અને ભિક્ષુકોએ કેવા નિયમથી રહેવું જોઈએ અને કેવી આપત્તિઓથી બચવું જોઈએ, એ સંબંધી ઉપદેશ એ ગ્રંથમાં આપેલો છે. કોઈ ભિક્ષુ કે ભિક્ષુણીએ એમાંનો કોઈ નિયમ તોડ્યો હોય તો એ મેળાવડામાં સંઘસ્થવિર તેને ઊભો કરીને અપરાધ કબૂલ કરાવતો અને એને માટે સંઘ જે સજા ઠરાવે તે ભોગવાવતો.

ઉત્પલવર્ણા ઉપોસથાને દિવસે ‘પ્રતિમોક્ષ’ સાંભળવાને ઘણી આતુર રહેતી અને ઉપોસથશાળાને વાળીઝૂડીને સાફ કરતી તથા દીવો વગેરે લાવીને મૂકતી. એ દીવાની જ્યોત પાસે બેસીને એ ધ્યાન ધરતી. એ પ્રમાણે ધ્યાન ધરીને તેજના વિસ્તૃત સ્વરૂપને પોતાના હૃદયમાં ઉતારીને સમાધિ અવસ્થા પ્રાપ્ત કરી, સમાધિદશાનો અભ્યાસ કર્યા પછી એણે પ્રજ્ઞા સંપાદન કરી અને પછી અર્હંત્‌પદનો સાક્ષાત્કાર કર્યો. અર્હંત્‌પદનું ફળ પ્રાપ્ત થયા પછી તેને ઋદ્ધિસિદ્ધિ મળી ગઈ અને ચમત્કાર કરવામાં એ પારંગત થઇ ગઈ.

એક દિવસ ભગવાન ગૌતમબુદ્ધે ‘યમ કપાટિ હારિય’નામનો ચમત્કાર કર્યો. બેવડો ચમત્કાર અર્થાત્ ભિન્ન સ્વભાવવાળી બે વસ્તુઓને એક જ સમયે એકઠી બતાવવી તેનું નામ ‘યમ કપાટિ હારિય’ ચમત્કાર છે. જે દિવસે બુદ્ધદેવે એ ચમત્કાર કર્યો તેજ દિવસે ભિક્ષુણી ઉત્પલવર્ણાએ પણ સિંહનાદ કર્યો કે, “ગુરુદેવ ! આપના પછી હું પણ એક ચમત્કાર કરી બતાવીશ” અને પોતાના એ કથનને સિદ્ધ પણ કરી બતાવ્યું.

ત્યાર પછી એક દિવસ શાસ્તા–બુદ્ધદેવ જેતવનમાં સંઘની સામે બેસીને ભિક્ષુણીઓને એમની યોગ્યતા પ્રમાણે જુદા જુદા સ્થાનમાં ગોઠવવા લાગ્યા. તે સમયે ઉત્પલવર્ણાનો વારો આવતાં બુદ્ધદેવે તેના એ સિંહનાદનો ઉલ્લેખ કરીને તેને માટે ઋદ્ધિમતી ભિક્ષુણીના શ્રેષ્ઠ પદની યોજના કરી. આ પ્રમાણે ઉત્પલવર્ણાની અનેક જન્મની ઈચ્છા પરિપૂર્ણ થઈ.

થેરી ગાથામાં એની રચના છે. ઇંદ્ધિયોને વશ થઈ વિષયલોલુપ થવાથી મનુષ્ય કેટલી અધોગતિએ પહોંચે છે, કેવી શોકજનક સ્થિતિમાં પડવું પડે છે, એ બતાવવાનો તેની ગાથાનો ઉદ્દેશ છે. ઋદ્ધિ અને અભિજ્ઞા પ્રાપ્ત થયા પછી કેવો આનંદ અને સુખ મળે છે તે પણ તેણે વર્ણવ્યું છે. મારે તેને લલચાવીને ધર્મના માર્ગમાંથી વિચલિત કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે એણે મારને ખંખેરી કાઢ્યો હતો કે, “મેં તૃષ્ણાને છોડી દીધી છે. તમનો નાશ કર્યો છે. હે માર ! હું એવી છું. હે પાપી ! મેં તારો પણ નાશ કર્યો છે. તારી મગદૂર નથી કે મને પવિત્રતાના ધર્મમાંથી ખસેડી શકે.”

ક્ષેમા ભિક્ષુણીની બરોબર એની યોગ્યતા બૌદ્ધ ગ્રંથોમાં માનવામાં આવી છે.

cener
cener