કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/રોહિણી

← અંબપાલી ગણિકા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
રોહિણી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સુંદરી →


७७–रोहिणी

વૈશાલી નગરીમાં એક ધનાઢ્ય બ્રાહ્મણને ઘેર એનો જન્મ થયો હતો. ધર્મનું જ્ઞાન એને બાલ્યાવસ્થામાંજ થયું હતું. સાધુસંત ઉપર તેને વિશેષ પ્રીતિ હતી. એક દિવસ તેના પિતાએ તેને કહ્યું: “રોહિણિ ! રસ્તામાં શ્રમણ (ભિક્ષુક) ચાલ્યો જતો હોય છે તો તું તેને બોલાવે છે તથા મને કહે છે આ શ્રમણનાં દર્શન કરો. તું સદા શ્રમણના ગુણ ગાયા કરે છે. શું તારો વિચાર પણ શ્રમણી થવાનો છે કે ? શ્રમણ આવતાં વારજ તું તેને અન્નદાન કરે છે. એ લોકો તને શા સારૂ એટલા બધા પ્રિય છે ! જે લોકો આળસુ અને પારકાના દાનથી જ પેટ ભરનારા, લોભી અને સારૂં સારૂં ખાવાના શોખીન હોય છે, તેવાઓ ઉપર તને પ્રીતિ કેમ ઉત્પન્ન થાય છે ?” એના ઉત્તરમાં રોહિણીએ કહ્યું કે, “પિતાજી ! આપે આનો આ પ્રશ્ન ઘણીવાર પૂછ્યો છે. આજે હું આપની આગળ એ સાધુઓના ગુણોનું, તેમના ડહાપણનું તથા તેમનાં સત્કાર્યોનું થોડુંક વિવેચન કરીશ.

“એ લોકો આપને નિરુદ્યમી અને આળસુ દેખાય છે, પરંતુ ખરૂં જોતાં તેઓ દરરોજ ઉત્તમોત્તમ કામ કરે છે. તેઓ રાગદ્વેષનો નાશ કરે છે, તેથી તેઓ મને પ્રિય છે. પાપનાં જે ત્રણ મૂળ છે, તેને તેઓ જડમૂળથી ઉખેડી નાખે છે. તેઓ શુદ્ધ ચિત્તવાળા અને પાપશૂન્ય છે, તેથી તેઓ મને આટલા બધા પ્રિય છે. તેમનાં કાયા,મન અને વચન પવિત્ર હોય છે, તેમનું જીવન પુણ્યકર્મમય છે. એવા સાધુઓ હે પિતાજી ! કોને પ્રિય ન લાગે ? વળી એ લોકો શાસ્ત્રમાં પ્રવીણ અને ધર્મમાં દક્ષ છે, એમનું જીવન પણ આર્યશાસ્ત્રને અનુકૂળ છે, તેઓ એકાગ્રચિત્ત છે, તેથી હું તેમને ચાહું છું. એમનો ભ્રમ દૂર થયો છે, એમની ઇંદ્રિયો સંયમમાં આવી છે, તેઓ દુઃખનું નિદાન જાણે છે, તેથી એ શ્રમણો ઉપર મને પ્રીતિ ઊપજે છે. ગામના રસ્તામાં થઈને રોજ જાય છે તો એ કોઈના સામું ઊંંચી નજરે જોતા નથી. ભોગવૈભવ અને સંપત્તિ તરફ તેઓ ઉપેક્ષા રાખે છે. પોતે કોઠારમાં ધનધાન્યનો સંચય કરતા નથી, પરંતુ જે સારરૂપી ધન છે તેની શોધ કર્યા કરે છે, એટલા સારૂ તેઓ મને પ્રિય લાગે છે. સોનારૂપાને કદી સ્પર્શ કરતા નથી, જે કાંઈ મળી આવે છે તેનાથી ગુજરાન ચલાવે છે, જુદા જુદા દેશો અને જુદાં જુદાં કુટુંબમાંથી આવીને તેઓ એકઠા થયા છે અને એક બીજા પર સ્નેહ રાખીને હળીમળીને રહે છે. એ ગુણોને લીધે શ્રમણ મને પ્રિય લાગે છે. ”

રોહિણીનો એ ઉત્તર સાંભળીને પિતા ઘણા પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા: “તારા જેવું કન્યારત્ન મારા ઘરમાં ઉત્પન્ન થયું તેથી હું પોતાને ધન્ય ગણું છે. બુદ્ધ ભગવાનમાં, ધર્મમાં અને સંઘમાં તારી અત્યંત શ્રદ્ધા અને ભક્તિ છે. તને આ ઉત્તમવિચાર ઉત્પન્ન થયો છે એ તારા આગલા જન્મનાં પુણ્યનો પ્રભાવ છે. અમે પણ આજથી શ્રમણોની સેવાચાકરી કરીશું, જેથી અમે પણ પુષ્કળ પુણ્યનો સંચય કરવા પામીશું.” ત્યાર પછી રોહિણીએ કહ્યું કે, “પિતાજી ! જો ખરેખર આપને દુઃખ અપ્રિય થઈ પડ્યું હોય અને પાપનો ડર લાગતો હોય, તો બૌદ્ધ ધર્મના સંઘના ચરણનો આશ્રય લો અને તેના ઉત્તમ ઉપદેશ પ્રમાણે સદાચારયુક્ત જીવન ગાળો, એટલે તમારૂં જીવન સફળ થશે.”

પુત્રીના ઉપદેશથી માતાપિતાએ બૌદ્ધધર્મના સંઘનું શરણ લીધું, સદાચરણ અને ધર્મચિંત્વનાથી તેમનાં પાતકનું નિવારણ થયું અને તેઓ શ્રોત્રિયસ્નાતક થયા.

રોહિણી પણ માતપિતાને ઉપદેશ આપ્યા પછી થેરી થઈ અને પોતાના જ્ઞાન અને કર્મના પ્રતાપે અર્હંત્‌પદને પામી ગઈ.