કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/શૃગાલમાતા

← મુક્તા (મુત્તા પહેલી) કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
શૃગાલમાતા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ઉત્તરા (પહેલી) →




२३–शृगालमाता

બૌદ્ધ ધર્મમાં શ્રદ્ધાવાળી અને શ્રદ્ધાનાજ બળ વડે મહાન બનેલી કોઈ ભિક્ષુણી હોય તો તે શૃગાલમાતા જ છે.

એમ કહેવાય છે કે પદ્મોત્તર બુદ્ધના સમયમાં હંસાવતી નગરીમાં એ રહેતી હતી અને શાસ્તા બુદ્ધદેવના ધાર્મિક વ્યાખ્યાનોથી એના હૃદયમાં અપૂર્વ શ્રદ્ધા ઉત્પન્ન થઈ હતી. ત્યાર પછી એક દિવસ વિહારમાં ધર્મકથા થઈ રહ્યા પછી બુદ્ધદેવે ભિક્ષુણીઓના યોગ્યતા પ્રમાણે વિભાગ પાડ્યા, ત્યારે એક ભિક્ષુણીને શ્રદ્ધાવતી ભિક્ષુણીઓમાં પ્રથમ સ્થાન મળેલું જોઈને આગલા જન્મમાં પોતાને પણ એવું જ પદ મળે એવી એણે ઈચ્છા રાખી હતી.

શુભ વાસના જન્મજન્માંતરમાં પણ ફળ્યા વગર રહેતી નથી. એ સિદ્ધાંતાનુસાર ભગવાન ગૌતમબુદ્ધનો આવિર્ભાવ થયો તે સમયમાં રાજગૃહ નગરમાં એક શ્રેષ્ઠ કુળમાં એણે જન્મ ધારણ કર્યો. લગ્નને લાયક વય થતાં કુળ, વિદ્યા અને ગુણોમાં એના સરખા એક યુવક સાથે એનો વિવાહ કરવામાં આવ્યો. ગૃહિણી ધર્મનું તેણે યોગ્ય રીતે પાલન કર્યું. એને એક પુત્ર અવતર્યો તેનું નામ શૃગાલ પાડ્યું.

શૃગાલને ભગવાન બુદ્ધે ગૃહસ્થનાં કર્તવ્યકર્મ સંબંધી એક અત્યંત હૃદયસ્પર્શી અને સુંદર ઉપદેશ આપ્યો. પોતાના પિતાની આજ્ઞાનુસાર એ તરુણ યુવક દરરોજ સવારે શહેરની બહાર જઈને સ્નાન કરીને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, ઉ૫૨ અને નીચે એમ છએ દિશાઓને ભીને કપડે અને ભીના કેશ સહિત નમસ્કાર કરતો. એક દિવસ એવી અવસ્થામાં બુદ્ધ ગુરુ એને મળ્યા અને દિશાનો ખરો અર્થ સમજાવ્યો અને તેને વંદન કરવું એટલે એ કે એ ખાસ દિશા વડે જે જે જુદા જુદા સાર પ્રગટ કરવામાં આવ્યા છે, તેના ઉપર આસ્થા રાખવી તથા એ શુભ હેતુઓના રક્ષણ સારૂ રાતદિવસ પ્રયાસ કરવો અને એને અનુસરીને ગૃહસ્થાશ્રમ ચલાવવો એનું નામજ દિશાઓની પૂજા છે. એ ઉપદેશની અસર યુવક શૃગાલ ઉપર એટલી બધી થઈ કે, એ ભગવાનનો ઉપાસક બન્યો અને પ્રસિદ્ધિ પામ્યો. એ પુત્રને લીધે એની માતા શૃગાલમાતા તરીકે પ્રખ્યાત થઈ.

પુત્ર પાસેથી ભગવાન બુદ્ધ અને એમના સંઘ સંબંધી માહિતી મેળવી તેણે સંઘમાં પ્રવેશ કર્યો. સંઘમાં દાખલ થયા પછી તેણે શાં શાં સત્કર્મો કર્યા તેનું વિવરણ મળતું નથી, પણ એટલું જણાય છે કે સંઘમાં રહીને એણે શ્રદ્ધાનો ગુણ બહુ ખીલવ્યો હતો.

એક દિવસ એ વિહારમાં ગઈ હતી. એ સમયે શાસ્તા દશ બળ–બુદ્ધદેવ ધર્મકથા કરી રહ્યા હતા. એ વખતે શૃગાલમાતા શ્રદ્ધાપૂર્વક એકાગ્રચિત્તે તેમનો ધર્મોપદેશ સાંભળી રહી હતી અને આ કાર્યમાં એ એવી તલ્લીન થઈ ગઈ કે ભગવાનના તેજસ્વી શરીર ઉપર તેનું ધ્યાન લાગી ગયું. ભગવાને જોયું કે એ સાધ્વીની શ્રદ્ધા પૂર્ણતાને પહોંચી ગઈ છે, એટલે એમણે એને એ ધ્યાન બળ વડે અર્હતની પદવી આપી.

એક દિવસ જેતવનમાં બુદ્ધ ભગવાન ભિક્ષુણીઓના તેમની યોગ્યતા પ્રમાણે વર્ગ પાડવા લાગ્યા, ત્યારે તેમણે શૃગાલમાતાને નિઃસીમ શ્રદ્ધાવાળી ભિક્ષુણીઓમાં અગ્રસ્થાન આપ્યું. આ પ્રમાણે પૂર્વજન્મોની અભિલાષા શૃગાલમાતાના આ જીવનમાં સફળ થઈ.