કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/સુપ્રિયા

← સુજાતા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
સુપ્રિયા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
વાસવદત્તા →


८–सुप्रिया

અનાથપિંડદ નામના એક પ્રસિદ્ધ ધનવાન વેપારીની લાડકી કન્યા હતી. એના સંબંધમાં એમ કહેવાય છે કે, એ કન્યા આ જગતમાં પગ મૂકતાંની સાથેજ પોતાની જનેતાના મુખ તરફ કૌતુકભરી દૃષ્ટિથી જોઈને ‘બૌદ્ધગાથા’નું ઉચ્ચારણ કરવા લાગી હતી. એ ગાથાનો અર્થ એ છે કે, “બૌદ્ધ લોકોને પુષ્કળ ધન અને ખાનપાનના પદાર્થોનું દાન કરીને સંતોષ પમાડો. જે જે સ્થળે પવિત્ર બૌદ્ધસ્થાનો હોય ત્યાં ત્યાં ચંપાનાં ખુશબોદાર ફૂલ ચડાવો.” આ તરતની જન્મેલી કન્યાની સૂચના પ્રમાણે તેના પિતાએ પુણ્યદાન કર્યું. કેટલાંક વર્ષો બાદ એક બૌદ્ધ પરિવ્રાજક (સાધુ) તેમને ઘેર ભિક્ષા માગવા આવ્યો. એ સાધુનું ધર્મોપદેશરૂપી બીજ બાળકી સુપ્રિયાની ફળદ્રૂપ ચિત્ત ભૂમિમાં પડતાંની સાથેજ અંકુરિત થયું અને થોડા સમયમાં વધીને એક મોટું વૃક્ષ બની ગયું. એમ કહેવાય છે કે, કોઈ અદ્‌ભુત શક્તિની અસરથી તે પૂર્વજન્મનું વૃત્તાંત સ્મરણ કરીને કહી શકતી. સાત વર્ષની વયેજ મહાપ્રજાપતિ ગૌતમીના હાથે તેણે બૌદ્ધધર્મની દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા પછી તેણે પોતાનો બધો અમૂલ્ય સમય કેવળ તત્ત્વજ્ઞાન મેળવવામાં અને બૌદ્ધધર્મના અભ્યાસમાંજ માન્યો હતો એમ નથી; કારણકે એક તત્ત્વજ્ઞાની સ્ત્રી તરીકે તો તે પ્રસિદ્ધ થઈ એટલુંજ નહિ, પણ મરકીથી સપડાયેલા રોગીઓ, દુકાળથી રિબાતા કંગાલો અને ગરીબોની સેવાચાકરી કરીને એ પોતાના સમચના સઘળા લોકોની આભારપાત્ર બની હતી. નીચેના એક બનાવ ઉપરથી એની એ પરોપકાર વૃતિનો પરિચય આપણને મળી આવે છે.

શાસ્તા બુદ્ધદેવ એ વખતે જેતવનના વિહારમાં વાસ કરી રહ્યા હતા.

એ વર્ષે શ્રાવસ્તી જેવા ધન અને મનુષ્યોથી પરિપૂર્ણ સમૃદ્ધિશાળી નગરના રહેવાસીઓ ઘોર દુકાળના પંજામાં સપડાયા હતા. એમને અન્નના સાંસા પડી રહ્યા હતા. ખેતરોમાં અનાજનું નામ નહોતું, દેશનાં લોકો રોગથી હાડપિંજર સમાં થઈ ગયાં હતાં.

ધનહીન અનાથ ભૂખ્યા દુકાળિયાના રુદનનો અવાજ શેઠિયાઓની હવેલીઓને ફાડીને અનંત આકાશમાં વિલીન થઈ જતો હતો. એ શેઠિયાઓ પોતાની આંખે એમનું દુઃખ જોતા, કાને એમની ચિચિયારી સાંભળતા પણ એમનાં દુઃખનું નિવારણ કરવાનો કોઈ ઉપાય એમણે કર્યો નહિ. એ વિષમ દુકાળના સમયમાં ગરીબોને મદદ આપવાને ધનિકોના હૃદયમાં જરા પણ સહાનુભૂતિ ઉત્પન્ન થઈ નહિ.

શ્રાવસ્તી નગરમાં એ વખતે લક્ષાધિપતિઓની સંખ્યા કાંઈ ઓછી નહોતી, પરંતુ એ દુકાળમાં મદદ કરતી વખતે એમાંના ઘણાખરા કંજૂસીજ દર્શાવતા. દુકાળથી પીડાતાં લોકોની વહારે ધાવું તો ક્યાં રહ્યું, એમને તો રાતદિવસ એ જ ચિંતા રહેતી કે, રખે આ લોકો મારા ઘરમાં પેસી જઈને મારી માલમતા લૂંટી ન લે. એ બીકથી ધન અને અલંકારના રક્ષણના બંદોબસ્તમાં જ એમનો બધો સમય વ્યતીત થતો હતો.

ટૂંકામાં એજ કે સૌ કોઈ એ વખતે પોતપોતાના કુટુંબનું પોષણ કરવાના વિચારમાં ગૂંથાયલા રહેતા હતા. બીજાઓનો વિચાર કોણ કરે ? હાય સંસાર ! તું આટલો સ્વાર્થી અને કુટુંબપ્રિય છે !

એ દિવસે સવારે વિહારના બારણા આગળ એક આશ્રય વગરના બાળકને મરણતોલ અવસ્થામાં પડેલો જોઈને બુદ્ધદેવના મુખ્ય શિષ્ય આનંદને ઘણું દુઃખ ઉત્પન્ન થયું હતું. એનું જીવન બચાવવા સારૂ એને ઘણી ચિંતા ઉત્પન્ન થઈ અને એ ભગવાન બુદ્ધદેવ પાસે જઈ હાથ જોડીને પૂછવા લાગ્યો “ભગવન્ ! આવા સમયમાં મરણતોલ થયેલા અન્નના અભાવે તરફડિયાં મારતા મનુષ્યોના રક્ષણ માટે ભિક્ષુસંઘે શા ઉપાયો લેવા જોઈએ ?”

બુદ્ધદેવ એનો પ્રશ્ન સાંભળીને જરા વાર વિચારમાં પડ્યા, ત્યાર પછી પોતાનું શાંત મુખ જરાક મલકાવીને ધીમે સાદે બોલ્યા: “આ વખતે તમારૂં કર્તવ્ય શું છે એ તમેજ નક્કી કરી લો.”

આનંદ સ્વામીએ પછી વિશેષ કાંઈ પૂછ્યું નહિ. ઘણી વાર સુધી એકીટશે તથાગત બુદ્ધના મુખ તરફ જોઈ રહ્યા અને પછી તે દૃષ્ટિ તેમણે ભૂરા આકાશ તરફ ફેરવી.

ભૂરૂં આકાશ એ વખતે સૂર્યદેવનાં પ્રખર કિરણોથી પ્રકાશિત થઈ રહ્યું હતું. આનંદ સ્થવિર એ આકાશ તરફ થોડી વાર સુધી પલક પણ હલાવ્યા વગર ઉદાસ ચિત્તે જોઈ રહ્યા. તેમનાં નેત્રમાં પાણી ભરાઈ આવ્યું. આર્ત મનુષ્યોનું રક્ષણ કરવા સારૂ એમનું હૃદય એકદમ ચંચળ થઈ ગયું. એમની આંખમાં હવે સહાનુભૂતિની તીવ્ર જ્યોતિ પ્રગટવા લાગી.

પાસે બેઠેલા બધા ભિક્ષુઓ તેમના એ મુખ તરફ જોઈ રહ્યા હતા. આનંદ સ્વામીએ તેમના તરફ એક વાર સ્નેહભરી દૃષ્ટિથી જોયું.

ત્યાર પછી એ ગુરુજીની રજા લઈને ત્યાંથી વિદાય થયા.

એ દિવસે સંધ્યાકાળે વિહારમાં આવેલા ભક્તોને ભગવાન બુદ્ધે ‘જીવોનાં દુઃખ અને તેનું કારણ’ એ વિષય ઉપર સુમધુર દેશના આપી. ત્યાર પછી વિસર્જન થતાં પહેલાં તેમણે વાતચીતના પ્રસંગમાં શ્રાવસ્તીના એ દુકાળનું વિગતવાર વર્ણન કરીને બધાને એ સંકટનું નિવારણ કરવાનો આગ્રહ કર્યો.

ભગવાન તથાગતે પોતાના ભક્ત સેવકોને સંબોધીને કહ્યું: “તમારામાં તો ઘણા કુબેરના જેટલી સંપત્તિવાળા છે. મારી ખાતરી છે કે તમારામાં એક જણ ધારે તો આ દુકાળના દુઃખનું નિવારણ કરી શકે અને એમ ન બને તો બધા મળીને તો જરૂર એ દુઃખ શમાવી શકાય.”

ધનકુબેર રત્નાકર શેઠ ભગવાનની પાસે હાથ જોડીને ઊભા અને કહેવા લાગ્યા: “ભગવન્ ! વિશાળ શ્રાવસ્તી નગરી દુકાળના પંજામાં ફસાઈ છે. એ નગરની વસ્તી કાંઈ નાનીસૂની નથી. એટલાં બધાં લોકોને માટે અન્નની ગોઠવણ કરવી એ મારા તો ગજા ઉપરાંતની વાત છે.”

બુદ્ધદેવે સામંતરાજ જયસેનને કહ્યું: “રત્નાકર શેઠથી જે કામ નથી થઈ શકતું તે કામ તમે કરી શકશો એવી મને આશા છે.”

જયસેન માથું નમાવીને બોલ્યો: “ભગવન્ ! આપનાથી કાંઈ છાનું નથી. મારા પોતાના ઘરમાંજ અન્નનો અભાવ છે. કેવી રીતે હું દેશની અનાજની તંગી પૂરી કરી શકવાનો હતો ! મહારાજ ! બાંધી મૂઠી લાખની છે.”

બુદ્ધદેવે જરાક હસીને કહ્યું: ‘ઠીક.’

ત્યાર પછી બીજા એક લક્ષાધિપતિ શેઠ ધર્મપાલને કહ્યું: “વત્સ ! હું ધારૂં છું કે તમારા પ્રયત્નથી આ દુકાળ શમી શકવાનો સંભવ છે.”

ધર્મપાલે નમ્રતાપૂર્વક કહ્યું: “ભગવન્ ! આપને તો ખબરજ છે કે આ વર્ષે પૂરતું અનાજ નહિ પાકવાથી આ દુકાળ પડ્યો છે. મારે પુષ્કળ ખેતરો છે. એ બધામાં પાક નથી થયો. રાજ્યનો વેરો ભરવો એજ મારે માટે વસમું થઈ પડ્યું છે, તો પછી હું આ વિશાળ નગરનાં ભૂખ્યાં રહેવાસીઓને કેવી રીતે અન્ન આપું ?”

ભગવાને કહ્યું: “ત્યારે આ સભામાં એવું કોઈ નથી કે જે ધારે તો આ ભયંકર દુકાળથી દેશબંધુઓને બચાવી શકે ?”

કોઈએ પ્રશ્નનો ઉત્તર આપ્યો નહિ.

ભગવાનનો પ્રિય શિષ્ય ભાગ્યવાન લક્ષાધિપતિ અનાથાપિંડદ એ વખતે સભામાં હાજર નહોતો. બુદ્ધદેવે એક વાર આખી સભા તરફ દૃષ્ટિ ફેરવી જોઈ. એમ જણાયું કે તેમનાં એ પવિત્ર લોચન એ સભામાં અનાથપિંડદને શોધવા સારૂ ફરી રહ્યાં હતાં, પરંતુ એ મેદનીમાં અનાથપિંડદ નહોતો.

બુદ્ધદેવ શાંત ભાવે પેતાના આસન ઉપર બેસી રહ્યા. સભામાંના બધાની દૃષ્ટિ એમના ઉપર હતી. પાસે બેઠેલા ભિક્ષુઓ પણ એમના બીજા આદેશો સાંભળવાને આતુરતાથી બેસી રહ્યા હતા.

એક વાર ફરીથી એ સભા તરફ જોઈને બુદ્ધદેવે કહ્યું: “ત્યારે શું આ સભામાં એવો કોઈ નથી કે જેના પ્રયત્નથી દેશવાસીઓનું રક્ષણ થઈ શકે ?”

“છે.”

સભામાં બેઠેલા બધા મનુષ્યો નેત્ર ફાડીને જે દિશામાંથી એ અવાજ આવ્યો હતો તે દિશા તરફ ઉત્કંઠાપૂર્વક જોવા લાગ્યા.

બુદ્ધદેવે પ્રસન્ન થઈને પૂછ્યું: “કોણ છે ?”

“હું, ભગવન્ ! આપની દીન સેવિકા આપની આજ્ઞા માથે ચડાવવા સર્વદા તૈયાર છું.”

એક તેર વર્ષની બાલિકા ધીમે ધીમે ભગવાનની સામે આવીને ધીરે સ્વરે બોલી: “ભગવન્ ! હું છું. આ અધમ સેવિકા આપની આજ્ઞા પાળવા સારૂ પોતાની જિંદગી આપવાને પણ પાછી પાની કરવાની નથી.”

સભાજનો કટાક્ષપૂર્વક હસવા લાગ્યા. આનંદ સ્વામીએ ગંભીર સ્વરે બધાને શાંત રહેવા કહ્યું. ત્યાર પછી બુદ્ધદેવે એ કિશોરીની તરફ દૃષ્ટિ કરીને ધીમે સ્વરે કહ્યું: “દીકરિ ! તું તો બાળક છે. તારા પ્રયત્નથી આ વિશાળ શહેરની અન્નની ખોટ કેવી રીતે પૂરી પડશે !”

“અવશ્ય પૂરી પડશે.” બાલિકાએ તેજોગર્વિત સ્વરે કહ્યું. “ભગવાનની કૃપા હશે તો અવશ્ય આ બાલિકા નગરવાસીઓને દુકાળની પીડાથી બચાવશે.”

બાલિકા થોડી વાર સુધી સ્થિર દૃષ્ટિથી ભગવાનના સામું જોઈ રહી અને પછી બોલી: “પ્રભુ ! કહો તો ખરા કે લોકોનું દુઃખ નિવારણ કરવાને ધનવાન લોકો તરફથી કાંઈ પણ પ્રયત્ન ન થાય તો શું એને લીધે દેશનું એ કષ્ટ કદી પણ નિવારણ નહિજ થાય ? બીજા કોઈ દયા ન આણે તો શું માતા પણ પિતાનાં ભૂખ્યાં બાળકો ઉપર દયા આણતાં સંકોચ કરશે ?”

ભગવાન સ્નેહપૂર્વક બોલ્યા: “બાલિકા ! આ તો એક બાળકનું પાલન કરવાનો પ્રશ્ન નથી. કરોડો દેશવાસી સંતાનો ભૂખે ટળવળી રહ્યાં છે. એક માતાના પ્રયત્નથી એટલા બધા બાળકોની ભૂખ કેવી રીતે મટી શકે ? ”

બાલિકાએ પહેલાંના જેવાજ દૃઢ સ્વરથી કહ્યું: “જરૂર મટી શકશે !” ત્યારપછી પોતાના હાથમાંનું ભિક્ષાપાત્ર બુદ્ધદેવને બતાવીને એણે કહ્યું “પ્રભુ ! આપની દયા હશે તો મારું આ ભિક્ષાપાત્ર સદા ભરેલું જ રહેશે. જે ધનવાનો આપની આજ્ઞા પાળવાથી વિમુખ રહ્યા છે તેમના ઘરના ભંડારોમાં મારું આ ભિક્ષાપાત્ર ભરવાની સામગ્રીની ખોટ નથી. હું ધનવાનોને ઘેરથી ભિક્ષા માગી આવીને ગરીબોને ખવરાવીશ, એ પ્રમાણે પીડાતા લોકોને અન્નની ખોટ પૂરી પડશે.”

આનંદ સ્વામી હર્ષઘેલા થઈને પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા. બાલિકાને આશીર્વાદ આપીને એ બોલ્યા: “મા ! ભગવાન અમિતાભ (બુદ્ધ) તારી વાસના પૂર્ણ કરશે.”

ભગવાન બુદ્ધે તેને આશીર્વાદ આપીને વિદાય કરી. એ દિવસની સભા વિસર્જન થઈ.

બાલિકા સુપ્રિયાના રાતદિવસ જરા પણ થાક લીધા વગર કરેલા પ્રયત્નને લીધે શ્રાવસ્તીમાં દુકાળથી પીડાતા લોકોનું સંકટ- નિવારણ થયું હતું. પોતાની તીવ્ર બુદ્ધિથી એ બુદ્ધદેવના મનમાં શો અભિલાષ છે તે જાણી શકી હતી. એથી કરીને કુબેરના જેવા ધનાઢ્ય લોકોએ બહાનાં કાઢવા માંડ્યાં, ત્યારે એ ગર્ભશ્રીમંત કન્યાએ દુઃખી અને દરિદ્રોની સેવા કરવા ખાતર હાથમાં ઝોળી લીધી હતી. જે મનુષ્ય પોતાના બંધુઓ ઉપર દયા આણે છે; તેમને દુઃખે દુઃખી થાય છે અને તેમને તન, મન, ધનથી મદદ કરવા પ્રયત્ન કરે છે તેમને ઈશ્વર પણ જરૂર મદદ કરે છે. ભગવાન બુદ્ધના આશીર્વાદથી સુપ્રિયાનું એ ભિક્ષાપાત્ર કદી ખાલી ન થયું. ગામના લોકોએ જ્યારે એ કરોડપતિ શેઠિયાની કન્યાને પારકાંઓની ખાતર ભીખ માગવા આવતી જોઈ, ત્યારે એમનાં કઠોર હૈયાં પણ પીગળ્યાં. તેમની મદદથી સુપ્રિયાએ બધા દુકાળિયાને અન્નની સહાયતા પહોંચાડી, એ અસાધારણ પ્રયત્ન અને ખંતને લીધે બૌદ્ધ સ્ત્રીઓના ઇતિહાસમાં સુપ્રિયા “દયાવંતી” નામથી પ્રસિદ્ધ થઈ ગઈ છે.

આત્મવિશ્વાસ અને પ્રભુકૃપા હોય તે એક નાની અબળા પણ પરોપકારનાં કેટલાં મહાન કામ કરી શકે છે, તે સુપ્રિયાના ઉદાહરણ ઉપરથી જણાઈ આવે છે.

સુપ્રિયા અને અનેક બૌદ્ધભિક્ષુણીઓના જીવન ઉપરથી આપણને બોધ મળે છે કે, ભારત રમણીઓને લોકસેવાનો મંત્ર શીખવા સારૂ યુરોપમાં દીક્ષા લેવા જવું પડે એમ નથી.