કુસુમમાળા/કર્તવ્ય અને વિલાસ
← નદૃનદીસંગમ | કુસુમમાળા કર્તવ્ય અને વિલાસ નરસિંહરાવ દિવેટિયા |
વિપદમાં ધારણ કરનાર બળ → |
કર્તવ્ય અને વિલાસ
"મીઠી શીળી ત્હારી અમી વરસતી કાન્તિ કુમળી,
અને પ્રેમે ભીનાં નયન મધુરાં,-બે અહિં મળી
મ્હને રાખે કેદી કરી તુજ સમીપે, મુજ કળી !
તથાપિ દે જાવા સબળ મૃદુ બન્ધેથી નીકળી. ૧
ઘડ્યાં કર્તવ્યો જે મનુજશિર મૂક્યાં જગપતિ,
ઉવેખ્યાં એ જાએ ક્યમ કરી પ્રિયે ક્હે મુજ થકી ?
વિલાસો પ્રેમીલા નવ ગણું કદી નીરસ વળી,
અરે તોએ આજ્ઞા શિર ધરવી જે જાય ન ટળી. ૨
વિલાસો રાખ્યા છે અનુપમ ભરી આગળ બીજા,
રમી ઝીલીશું તે અહિં થકી વિસામો લઈશું જ્ય્હાં;
નહિં ત્ય્હાં તો બીજો શ્રમ કંઈ, ત્યહાં તો ચિરલગી
તણાયા જાવાનું સુખસરિતમાંહિં, પ્રિયસખી !" ૩
“અરે કય્હાં છે, ક્હો, એ, નહિં સહજ વાહી જઈશ હું.”
“નથી દીઠા ત્હેં શું ? સુણ્ય, સુણ્ય, અધીરી ! સહુ કહું.–
નથી જોતી શું તું અનુપમ પ્રદેશો ઝળકતા,
પ્હણે પેલા સન્ધ્યાશિખરની પછાડી છૂપી રહ્યા ?” ૪
“અરે કય્હાં છે, ક્હો, એ, સહજ નહિં વાહી જઈશ હું.”
“પ્હણે ઘૅલી ! પેલા, અમળ પસર્યા, શું બીજું કહું ?
પ્હણે પેલો મેઘે કનકગિરિ લાંબો કીધ ઊભો,
પછાડી તે ઝંખે ભૂમિ, જહિં રહ્યાં છે ચિરસુખો.” ૫
“અરે વ્હાલા ! સ્વપ્નાં, સકળ તુજ એ તો કવિપણાં,
તૃષાપીડ્યાં દેખે મીઠું જળ સૂકે રાન હરણાં.”
“અરે કાં ભૂલે તું ? કવિત નીકળે એ ભૂમિથકી,
નહિં સ્વપ્નાં એ તો, સહજ ઊપલબ્ધિ હૃદયની.” ૬
“ભલે વ્હાલા ! જાઓ સફળકૃત થાઓ ઝટ પછી
અહિં આવો, લ્હાવો લઇશું બમણો ફરી મળી.”
“પ્રિયે ! માં તું મુને ગણતી તુજમાં પ્રેમવિમુખો,
જડ્યો તુંમાં મ્હારો જીવ, તુજમહિં છે મુજ સુખો. ૭
કશ્યું કાચા સૂત્રે હઇડું મુજ વ્હાલી ! સજડ ત્હેં,
જડ્યું પ્રેમે ત્હારા હૃદય સરસું તે નહિં છૂટે.—
સમર્પી આ મ્હારો જીવ સકળ આ ચુમ્બનમહિં
ત્હને આપું, લે આ,-લઈશ ફરી પાછો મળી ફરી." ૮
ટીકા
ફેરફાર કરોકડી ૧, ચરણ ૨.
બે-કાન્તિ અને નયન, એ બે વાનાં; ચરણ ૩ માં ' રાખે ' એ ક્રિયાપદનો કર્તા.
ચરણ ૪. મૃદુ- કોમળ અંગને લીધે સબળ-માંહિથી છૂટવું કઠણ તેથી.
કડી ૨, ચરણ ૧ . જગપતિ- (તૃતીયાનો પ્રત્યય લુપ્ત) જગપતિયે.
ચરણ ૪. આજ્ઞા- કર્તવ્યની.
કડી ૩, ચરણ ૨. અહિં થકી- આ પાર્થિવ જીવન પછી.
ચરણ ૩. ત્પહાં- એ પરકાળની સ્થિતિમાં.
કડી ૪ સન્ધ્યાશિખર - પશ્ચિમમાં સન્ધ્યાના દેખવની ટોચ.
કડી ૫, ચરણ ૩. કનકગિરિ - સન્ધ્યાકાળનાં સૂર્યકિરણથી ઝળકતાં વાદળાંનો પર્વત.
ચરણ ૪ તથા ૫ માં સન્ધ્યામેઘ પાછળ રહેલી ભૂમિ કહી છે તે વસ્તુતઃ પરભૂમિ નહિ; પરંતુ એ સમયનો અદ્ભૂત દેખાવ પોતાના સૂચક સ્વરૂપે પરભૂમિનું ભાન કરાવે છે તેથી જાણે તે પાછળ જ એ ભૂમિ છે એમ કલ્પના કરી છે. માટે જ કડી ૬ના પૂર્વાર્ધમાં સંશયવાદીના મતનો ઉલ્લેખ એ વચનદ્વારા કર્યો છે;- " સ્વપ્નાં સકળ તુજ એ તો કવિપણાં." ઊંચા પ્રકરનું સત્ય જોનાર તથા દેખાડનાર કવિત્વને ભ્રમાત્મક માનનારને મતે "કવિપણાં" ભ્રાન્તિ એમ આ ઠેકાણે છે. તૃષ્ણાથી પીડાયલાં હરણાં સૂકા અરણ્યમાં મીઠું જળ દેખે છે, (ઝાંઝવાના જળ, મૃગતૃષ્ણા, દેખે છે,) તેમ મનુષ્ય પણ પૂર્ણ સુખની તૃષ્ણાથી ખારા સંસારમાં સુખ ન મેળવી કલ્પિત પરકાળના સુખનાં સ્વરૂપ ભ્રાન્તિની કલમે આલેખે છે; એમ સંશયવાદની તરકાર આ ઠેકાણે (રદ કરવા માટે જ) ઉલ્લેખી છે.