કુસુમમાળા/દિવ્ય મંદિર તથા લેખ
← ગિરિશૃઙ્ગ | કુસુમમાળા દિવ્ય મંદિર તથા લેખ નરસિંહરાવ દિવેટિયા |
વિનીતતા → |
દિવ્ય મન્દિર તથા લેખ
માનવરાજે રચ્યાં મન્દિરો કીર્તિ કાજે;
કાલમહોદધિ મહિં કહિં લુપ્ત થયાં આજે;
કરતા કીર્તિસ્તમ્ભ ઊભા નામ અમર કરવા,
સહસા તે ભૂકમ્પ ગળી લઇ જાતા ગરવા; ૧
ન રહે નામનિશાન, રાનમાં રહે રખડતા,
શિલાખણ્ડ થઈ ચૂર્ણ જગોજગ મૃતસમ પડતા;
અચળ કીર્તિને કાજ કોતરી રાખ્યા લેખો,
ઘસાઈ ભૂશ્યા આજ દટાયા ધૂળ્યમાં દેખો. ૨
એક અચળ ને ભવ્ય વિશ્વમન્દિર આ ભાસે,
અનુપમ ઘુમ્મટ વ્યોમ તણો જે'નો ચૉપાસે,
એક પુરુષ મહાન તણી એ કીર્તિ ગાએ-
નિરખી સકે રૂડી પર અહિં જન કો વિરલા એ. ૩
વિધ વિધ લખિયા લેખ દિવ્ય ભાષામાં ભારે,
એક પુરુષ મહાન તણા એ ગુણ ઉચ્ચારે;
અનુરૂપ એ લેખ દીસે જગરચના માંહિં;-
નભપટ પર તારકાલેખ ચળકતા ક્યાંહિં, ૪
કહિં કહિં સન્ધ્યા-અભ્ર-રંગના લેખ સુહાતા,
કો ઘડી ઇન્દ્રધનુષ્ય-વર્ણના લેખ જણાતા;-
એમ નિરન્તર વિવિધ લેખરચના ર્-હે દીપી,
વાંચી સકે કો વિરલ દિવ્ય અદ્ભુત એ લિપિ. ૫
દેશાટન કરી ભવ્ય મન્દિરો ભલે ન નિરખું,
ગૂઢલેખલિપિભેદ ભલે હું ઉકેલી ન સકું;-
મહાન મન્દિર' એક નિરખવા દૃષ્ટિ ચાહું,
દિવ્ય પુરુષના લેખ માગું શક્તિ ઊકલવા હું. ૬
ટીકા
ફેરફાર કરો‘કાળચક્ર’ (પૃ. ૪.) માં જેમ માનુષ્યની કૃતિની નશ્વરતા ઉપર કાંઈક ઝોક છે તેમ આ કાવ્યમાં નથી આ કાવ્યમાં તો એ બતાવવાનું છે કે જેમ મનુષ્યના શિલાલેખો વાંચવાને વિશેષ કેળવણી તથા યોગ્યતા જોઈએ છિયે તેમ ઈશ્વરના લેખો (તારા, સન્ધ્યારંગ, ઇન્દ્રધનુષ્યના વર્ણ ઇત્યાદિ) વાંચવાને પણ સવિશેષ યોગ્યતાની અપેક્ષા છે. એ દિવ્યલેખ જોઈ ઈશ્વરના જે ગુણોનાં એ પ્રતિબિમ્બ બની રહે છે તે ગુણોનું ભાન થવું તેમ જ એ દૃશ્યોથી થતી ઊંડી સૂચનાઓનું ગ્રહણ કરવું તે જ એ લેખનું ઉકેલવું.