કુસુમમાળા/બહુરૂપ અનુપમ પ્રેમ ધરે

← પ્રેમ કુસુમમાળા
બહુરૂપ અનુપમ પ્રેમ ધરે
નરસિંહરાવ દિવેટિયા
આનન્દ-ઑવારા →


બહુરૂપ અનુપમ પ્રેમ ધરે

તોટક

કદી કોમળ કોયલકણ્ઠ વિશે
વર્શીને મધુરો રવ તેહ બને,
નટ રંગભૂમિ પર જેમ ફરે
ત્યમ રૂપ અનુપમ પ્રેમ ધરે. ૧

કદી મીઠી નદી લહરીલટકે
જતી નાચતી ત્યહાં પણ તે ભટકે,
બની ગાન શિલા મહિં નૃત્ય કરે,
અહિં રૂપ અનુપમ પ્રેમ ધરે. ૨

કદી ચમ્પકમાં મૃદુ રંગ પીળો
બની તે હરખે રમતો રસીલો,
કદી જૂઈફૂલે વર્શી હાસ કરે,
કંઈ રૂપ અનુપમ પ્રેમ ધરે. ૩

કદી રંગ ગુલાબી ગુલાબફૂલે
બની લ્હેર કરંત જ તેહ ખીલે,
કદી શીળી પ્રભા બની ચન્દ્ર વસે,
બહુ રૂપ અમુપમ પ્રેમ ધરે. ૪

કદી મેઘધનુષ મહિં વિલસે,
સહુ રંગ બની રસભેર વસે,
કદી સાંઝસમે ઘનરંગ બને,
બહુ રુપ અનુપમ પ્રેમ ધરે. ૫

કદી કેતકમત્તસુગન્ધ બને,
રમતો ભમતો જ ફરે પવને,
કદી ગન્ધ કુંળો બની જૂઇ વસે,
બહુ રૂપ અનુપમ પ્રેમ ધરે. ૬

કદી ઉદ્ધત ગન્ધ-સ્વરૂપ ધરે,
ધરી ચમ્પકપુષ્પ વિશે વિચરે.-
નટ રંગભૂમિ પર જેમ ફરે,
ત્યમ રૂપ અનુપમ પ્રેમ ધરે. ૭




"વરસે ગરજે ચઢીને ઊતરે, ઘન તે અતિશે અન્ધકાર કરે જ્યમ નૂતન સંપતિવાન કરે ત્યમ રૂપ અનુપમ મેધ ધરે."

આ શ્લોક મુંબાઈમાં એક નાટકમાં સાંભળેલો ત્હેમાંથી "રૂપ અનુપમ પ્રેમ ધરે" કરી લીધું છે. કિયા નાટમકમાં અથવા કાવ્યમાંનો આ શ્લોક છે તે હું દિલગિર છું કે મ્હને ખબર નથી. તેમ જ 'નટ રંગ ભૂમિ પર જેમ ફરે' એ પણ એ શ્લોક પછીના શ્લોકમાંની લીંટી મ્હેં લીધી છે કે કેમ તે મ્હને બરોબર યાદ નથી. તેમ હશે તો તે સ્વીકારવાનો મને કાંઇ પણ સંકોચ નથી.

કડી ૧, લીંટી ૨. તેહ = પ્રેમ (આગળ ૪થી લીંટીમાં આવનાર છે તે.) કડી ૨. લહરીલટકે = લહરી (ઝીણા તરઙ્ગ) ના લટકામાં. કડી ૪. ચન્દ્ર-ચન્દ્રમાં (સપ્તમીનો પ્રત્યય 'એ' લુપ્ત છે.)

આ કાવ્યના ભાવાર્થ વિશે 'પ્રેમનાં સ્વરૂપ' એ કાવ્યની ટીકામાં ઉપર કહ્યું જ છે.

-૦-