કુસુમમાળા/લગ્ન સમયે એક કુસુમપાત્રની ભેટ મોકલતાં
← સંસ્કારોદ્બોધન | કુસુમમાળા લગ્ન સમયે એક કુસુમપાત્રની ભેટ મોકલતાં નરસિંહરાવ દિવેટિયા |
અભિનન્દૃનાષ્ટક → |
લગ્ન સમયે એક કુસુમપાત્રની ભેટ મોકલતાં
પ્રેમબન્ધ બન્ધુતણો વિશ્વજનો બોલે,
બાંધિયો પ્રભુધામથી જ જન્મ થકી જોડે;
જનનીજાત ભગિનીભ્રાતની સમાન આંહિં
મનુજરચિત બન્ધુતણો પ્રેમ બને નાહિં. ૧
એમ ભલે વિશ્વ લવે, -મેળવીછ મ્હેં તો
ભગિની એક જેહ-સ્નેહ સુખ અનુપ દેતો;
જનનીજાઈ એહ નાહિં તદપિ તેહ ત્હેવી,
અધિક તેથી વા કહું શું? કોણ તેહ જેવી? ૨
બ્હેની! તેહ તું જ, જગ-અરણ્ય વિશે લાધી
શીતતરુઘટાસમાન હરતી પીડ બાધી.
તું હવાં પરાઈ થઈ દૂર, દૂર ચાલી,
દોહલી ફરી ભેટ થાવી જાણું બ્હેની વ્હાલી! ૩
તો હું ભેટ અલ્પ આજ મંગળ દિન ધારી
અર્પું, તે રખે અમાન્ય કરતી બ્હેની મ્હારી!
દૂર દેશમાં કુટુમ્બકાર્યમાં ગૂંથાઈ
જે ઘડી તું મુજને વિસારી દઈશ કાંઈ. ૪
તુજ સમાન મધુરકુસુમકળી સમૂહભારે
ભરિયું પાત્ર તુજ નયનસમીપ આવી ત્ય્હારે
સ્મરણ કંઈ કરાવશે જ યુગ્મ એક કેરું,
જેહ-હ્રદય છે સદાય સ્મરણ તુજ વશેલું; ૫
જેહ-હ્રદય શોકતિમિર વ્યાપિયું વિદારી
એક વેળ ચન્દ્રિકા તું બની રહી હમારી.
તે કૃતજ્ઞતાનું ચિહ્ન ભેટ આ જ ધારી,
કે ગણી જ સ્નેહચિહ્ન, લે તું એ સ્વીકારી. ૬
મન્દહાસ મૃદુવિકાસ કળી ગુલાબકેરી
દ્વાર તુજ અનેક વેળ મ્હેં દીઠી ઠરેલી;
ધરણી માત સંગ બાથ એ ભીડી રહેલી,
શી સુખસ્વરૂપ રહેતી રંગરેલ રેલી! ૭
કદી ન તોડી તેહ માડીથી વિખૂટી કીધી;
કોઈ કુસુમપાત્ર માંહિં નાહિં અર્પી દીધી;
કુસુમમાળા પળ જ માત્ર કળી રમ્ય રાખે,
કરમી ત્ય્હાં બીજે ક્ષણે સુગન્ધ તે ન દાખે; ૮
મધુરી કળી સરીખી પાત્ર શુભ તું પામી આજે,
આશિષ દઉં આ હું તે તું સંગ લેતી જાજે;-
ધરણી માતથી વિખૂટી કળી સુકાય જે'વી
માં તું બ્હેની કળી! કદાપિ કરમી જાતી ત્હેવી! ૯
ટીકા
ફેરફાર કરોકુસુમપાત્ર=Flower-vase; ફૂલ અથવા ફૂલના ગુચ્છા મૂકવાનો પ્યાલો.
કડી ૧. મનુજરચિત બંધુ-મિત્ર વગેરે.