કુસુમમાળા/સહસ્ત્રલિંગ તળાવના કાંઠા ઉપરથી પાટણ

← અવતરણ કુસુમમાળા
સહસ્ત્રલિંગ તળાવના કાંઠા ઉપરથી પાટણ
નરસિંહરાવ દિવેટિયા
કાળચક્ર →




કુસુમમાળા

સહસ્ત્રલિંગ તળાવના કાંઠા ઉપરથી પાટણ

અહિંયા સહસ્રલિંગ તળાવ વિશાળું હૂતું,
અહિંયા પાટણ જૂનું અહિં આ લાંબું સૂતું,
અહિંયા રાણીવાવ્ય તણાં આ હાડ પડેલાં
મોટા આ અહિં બુરજ મળ્યા માટીના ભેળા. ૧

એમ દઈ દઈ નામ કરવી રહી વાતો હાવાં,
પાટણપુરી પુરાણ ! હાલ તુજ હાલ જ હાવા !
ગુજરાતનો પૂત રહી ઊભો આ સ્થળમાં
કોણ એહવો જેહ-નયન ભીંજ્યાં નહિ જળમાં ? ૨

જળ નિર્મળ લઇ વહે કુમારી સરિતા પેલી,
નાસે પાસે ધસે લડતી લાજે ઘૅલી,
ઇશ્વર કરુણા ખરે ! વહી આ નદીસ્વરૂપે,
સ્મિત કરી પ્રીતિ ભરે ભરે આલિઙ્ગન તુંપે ૩

તુંયે, પાટણ ! દયા ધરંતી એ સૂચવતી,-
ભલે કાળની ગતિ મનુજકૃતિને બૂઝવતી,

મુજ પ્રેમસરિતપૂર વહ્યું જાશે અણખૂટ્યું,
છો ધનવિભવ લૂંટાય, ઝરણ મુજ જાય ન લૂંટ્યું. ૪

તોડી પર્વતશૃઙ્ગ મનુજ મદભરિયો મ્હાલે,
જાણે નિજ કૃતિ અમર, ગળે કાળ જ તે કાલ્યે,
ને મુજ તનડું ઘડ્યું કોમળ પાણીપોચું,
તે તો તેમનું તેમ રહે યુગ અનન્ત પ્હોચ્યું. ૫




કડી ૩. કુમારી સરિતા – સરસ્વતી નદી. સમુદ્રને ન મળવાથી કુમારી ગણાય છે. પાટણ ને એ તરફ એ નદીને ‘કુમારકા’ એ નામથી લોકો ઓળખે છે.

આ નદી વાંકીચૂંકી વ્હેતી જાય છે તે ઉપરથી ‘ન્હાસે, પાસે ધસે’ ઈત્યાદિ કલ્પના કરી છે.

પુરાણકાળના પાટણનો વિનાશ અને સરસ્વતીની પૂર્વવત્ કાયમ સ્થિતિ એ બેનો વિરોધ જોઈને ઈશ્વરની કરૂણા નદીરૂપે વહીને પાટાણને આશ્વાસન દે છે એમ કલ્પના કડી ૩, ૪, ૫ માં કરી છે.

-૦-