કેવા હશે ?
મને કહોને પરમેશ્વર કેવા હશે ? પ્રીતમલાલ મઝમુદાર |
બાળગીત |
કેવા હશે ?
મને કહોને પરમેશ્વર કેવા હશે ?
ક્યાં રહેતા હશે, શું કરતા હશે ?
ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને,
તારાને ગૂંથનારા કેવા હશે ? … મને કહોને...
આંબાની ઊંચી ડાળે ચડીને,
મોરોને મૂકનાર કેવા હશે ? … મને કહોને...
મીઠા એ મોરોના સ્વાદ ચખાડી,
કોયલ બોલાવનાર કેવા હશે ? … મને કહોને...
ઊંડા એ સાગરનાં મોજાં ઉછાળી,
ધૂ ધૂ ગજાવનાર કેવા હશે ? … મને કહોને...
મનેય મારી માડીને ખોળે,
હોંસે હુલાવનાર કેવા હશે ? … મને કહોને...