← પિતા અને પુત્ર ગંગા - એક ગુર્જર વાર્તા
ખરી કસોટી
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
મોતનું બીછાનું →


શરદ ઋતુનો વાદળી તાપ અતિ કઠિન હોય છે, ને તેવા તાપમાં ડોક્ટરને ત્યાં પ્રકૃતિના સમાચાર કહેવાને કિશેાર ગયેા હતો. તાપ પુષ્કળ તપતો હતો, ને કિશેાર નાહ્યો પણ નહોતો ને જમ્યો પણ નહોતો. સવારનો ઉઠ્યો તે વેળા ચાહ તૈયાર હતી, પણ તે લેવી એને ગમી નહિ. ઉઠ્યો ત્યારથી એ દિગ્મૂઢ થઇ ગયેા હતો. એની ખાત્રી થઇ હતી એના પિતા હવે થોડા સમયના છે તેથી મનમાં ને મનમાં ડસ્કાં ખાતો હતો. બપોરના તાપને લીધે એનો ગૌર વર્ણનો ચહેરો શ્યામલતાથી લેવાઇ ગયેા હતેા. નિરાશાથી મોંપર કાળી વાદળી છવાઇ રહી. એનાથી બોલાવ્યા બોલાતું નહોતું, ને બીજે દિવસે હરેક કામ ઘણી ઝડપથી કરતો ત્યારે આજે એના શરીરમાં ઉઠવા બેસવાની શક્તિ સરખી હતી નહિ. ગંગા, કિશેારના મોંપર જે ફેરફાર થયા હતા તે જાણી ગઇ હતી, પણ આવા શોકમાં કિશોરને ઉભો રાખી પૂછવાની એની હિંમત ચાલી નહિ. તે મનમાં મુંઝાયા કરતી હતી, ને તેવામાં તેના પિતાના સમાચાર જાણીને તો એને હૃદયકંપ થયો. એને પોતાનાં કરતાં પતિ પ્રિય હતો, ને પતિ કરતાં પતિપિતા પ્રિય હતો, પતિ કરતાં સ્વપિતા પ્રિય હતો, ને સ્વપિતા કરતાં પ્રાણપતિ વિશેષ પ્રિય હતો એટલે કોઈને પણ ઓછું પડે તે જોવાને એ ઇચ્છતી જ નહિ. પણ હવે એ કરે શું?

જેવો દૂરથી કિશોરને તાપમાં ધસ્યો આવતો જોયો, કે તરત જ પોતાના શયનગૃહમાંથી એક શરબતનો પ્યાલો લાવીને બારણા નજીક ગંગા ઉભી રહી. કિશેાર આવ્યો કે પેલો તૈયાર પ્યાલો તેના મોં આગળ ધર્યો.

“પ્રિય, તાપથી તમારું શરીર ધખી ગયું છે, ને મોંપર લૂ વરસે છે, જરા પી લેશો !” ગંગાએ પોતાની હંમેશની વિનયયુક્ત પ્રેમવાણીથી કહ્યું.

“એ શું છે ?” કિશોરે પૂછ્યું.

“એ શરબત છે ?”

“જરાક થોભ, મારા પિતાની તબીયત જોઇ આવું પછી એ લઇશ.” “તમારું મોઢું શ્યામ થઈ ગયું છે, ને તાપ તમારાથી ખમાતો નથી. જરાક હમણાં જ લેશો તો હરકત નથી. પિતાજી સારી પેઠે છે, વધારે કંઈ નથી.”

“પ્રિયા ! હમણાં હવે શરબત પીવા ને પાવાનો વખત છે ? મારા પિતા હવે કદી જીવવાના નથી, હવે એની આશા જ નથી.” આટલું બોલતામાં તો એક નાદાન છોકરા પેઠે તે રડવા લાગ્યો, અને તેની આંખમાંથી ઉનાં પાણીનો રેલો વહ્યો. ગંગા પણ ગળગળી થઇ ગઇ, તે પણ સાથે રડવા લાગી. એક પિતાના મરણના સમાચારથી જેટલી દિલગીરી થાય તેનાથી વધુ શોકથી કિશેાર ગળગળો થયો હતો; અને તેમાં ગંગાએ વધારો કીધો, પણ થોડીવારમાં ગંગાએ આંખ લૂછી નાખી પૂછ્યું, “ડાક્ટર શું કહે છે !”

“તે શું કહેવાનો હતો, આપણે જોઇએ છીએ કેની ? તાવ વધતો જાય છે ને હવે બે દહાડા કહાડવા મુશ્કેલ છે.”

એ સાંભળતાં જ ગંગા સ્તબ્ધ થઇ ગઇ ! તેના પિતાના સમાચાર કહેવાની હિંમત જ નહિ ચાલી. પણ પછી લળીલળીને વાત કરતાં, બહુ ખેદથી પોતાના પિતાનો કાગળ કિશેારના હાથમાં મૂક્યો. કિશેાર તે વાંચી ગયો અને ઘણો ગભરાયો, તે જાણતો હતો કે આખા ઘરમાં માત્ર ગંગા જ એકલી છે, ને જો તે ગઇ તો પછી તેનો પિતા એક દિવસ વેહેલો જ મરણ પામશે. હવે શું કરવું તેની એને સૂઝ પડી નહિ. દિગમૂઢ થઈ બંને જણ એકેકની સામાં ટગરટગર જોયા કરતાં હતાં.

“ગંગા, તારી જેમ મરજી હોય તેમ કર, હવે મારો ઇલાજ નથી, ને હું તને રોકી શકતો નથી. મારા પિતાના જેવો જ તારો પિતા છે. તું ત્રણ વરસ થયાં મળી નથી, ને જ્યારે તને મળવાને તેડી છે ત્યારે ખરે તે ઘણા આતુર હશે. જેમ તને યોગ્ય લાગે તેમ કરજે, મારા તરફની કશી હરકત નથી. એ તો નક્કી જ છે કે મારો પિતા બે દિવસ જીવવાનો નથી.” કિશોરે કહ્યું ને કાગળ પાછો ગંગાને આપ્યો. “હવે શું કરવું તે તમે જ જણાવો. મારી તો બુદ્ધિ મંદ થઇ ગઈ છે. મારે જવું કે નહિ જવું એ પ્રિય, તમારી મરજીપર છે.”

“ખરું છે, પણ તું જાય તે મને પસંદ નથી.”

“ને મને પણ જવું પસંદ નથી. પણ એક ઇલાજ છે કે મારા પિતાને પૂછાવી જોવું.”

“મેં મારા મન સાથે તે બાબત નક્કી કીધું છે, પણ વચમાં એક મુશ્કેલી નડે છે, ને પ્રિયા, વ્હાલી ગંગા ! મને તે કહેતાં શરમ આવે છે, ને તે વૃત્તાંત હવે તને નહિ કહેવાનો નક્કી ઠરાવ કીધો છે !!” ઘણે દયામણે મોડે કિશેારે કહ્યું. પણ એથી તો ગંગાને એટલું બધું લાગ્યું કે તે બોલવાને હિંમત કરી શકી નહિ. એક પળ તે વિચાર કરી ઉભી રહીને કિશોર સામા તાકી તાકીને જોવા લાગી,પણપછી જરાક ગભરાટથી બોલી: તો “શું મુશ્કેલી છે? મને કહેતાં શરમ ? વહાલા કિશેાર ! આ ચરણરજ દાસી તમારી સેવા બજાવવાને તૈયાર છે, તમારા એક વેણ પર પોતાનો જીવ બાંધેલો રાખે છે, તેને કહેતાં શરમ અને લજ્જા ? મેં શું તમારા પ્રત્યે મારી ઓછી પ્રીતિ જણાવી છે, મેં શું તમારો બોલ ઉથાપ્યો છે કે મારાપર અવિશ્વાસ ? મને હવે જલદી કહો, નહિ તો મારાથી એ સહન થશે નહિ, એ મારા પ્રેમમાં હું ખામી ગણીશ. વલ્લભ કિશેાર ! તમે જાણો છો કે હું દુનિયામાં માત્ર તમોને જ જોઇને જીવું છું, તો મારા પ્રત્યે તમારી એાછી મમતા હોય એ મારું કાળજું કેટલું કાંપે વારુ ?”

“નહિ, નહિ ! ગંગા ! મને તારા પ્રેમને માટે પૂછવા જેવું છે જ નહિ. મને પૈસાની તંગી છે, ને શું વારંવાર હું તને જ પૈસાને માટે દમતો આવું ? તેં અનેકવાર તારા પૈસા ને ઘરેણાં મારે સ્વાધીન કીધાં છે, તેં મારા કહેવા પહેલાં મારા ઘરની આબરૂ માટે તારા પૈસા ખરચ્યા છે, તો હવે મારે તને પૈસા માટે કહેવું એ શરમાવે તેવું નથી ?” “જરા પણ નહિ ! મારો પૈસો છે જ ક્યાં ! મારું ઘરેણું ગાંઠું છે જ ક્યાં ? પ્રિય કિશેાર ! હજી સૂધી તમે મારો પૈસો ને મારું ઘરેણું છે એમ માનો છો ? મારી છાતી એથી કેટલી રુંધાય છે તેથી તમો અજાણ છો, સ્વામીનાથ ! પૈસા માટે તો તમારે ફિકર છોડી જ દેવી. મારા પિતાને એક લંબાણ તાર મૂકીને તેમની પ્રકૃતિ માટે પૂછાવો પછી જે યોગ્ય ભાસશે તેમ કરીશું.” તરત તે બીજા ઓરડામાં ગઇ ને ત્યાંથી દાબડો અને સઘળી નાની જાપાનીસ પેટીઓ તે હાથમાં લઈને આવી ને કિશેારને સ્વાધીન કરી દીધી.

“ગંગા ! એમ નહિ બને, મેં તને ઘણી વિપત્તિમાં નાખી છે ને તારાં ઘણાં ઘરેણાં મારા અભ્યાસ પછાડી મેં લીધાં છે. આપણો સારો દહાડો આવે તેટલામાં નવી નવી વિપત્તિના મહાસાગરનાં મોજાંએ જોર ભેર મર્યાદા મૂકી દોડી આવે છે, પણ હવે તારાં ઘરેણાં હું નહિ લઇશ. એ અલંકાર તારા છે તે તારી પાસે રહેવા દે. હું કોઇ મિત્ર પાસેથી થોડાક રૂપિયા ઉછીના લાવીને હમણાં તાર મૂકાવી તારા પિતાની ખબર પૂછાવું છું.”

“હું કહું છું કે પ્રિય ! મારું હૃદય બળી જાય તેવું અનિષ્ટ વચન ન બોલો ! તમે હજી ભિન્નભાવ રાખો છો ? પરાયા પૈસા એ નિશાસિયા છે, ને એથી કેટલા દિવસ કામ સરશે ? આપણે હમણાં ને હમણાં પૈસાની જરૂર છે, ને તમારા મિત્ર પાસેથી લાવતાં વિલંબ થશે. આપણી આબરૂને ખાતર એકદમ પૈસાની ગોઠવણ કરવી જોઇએ. મારા અલંકારની તમારે લેશ પણ ચિંતા રાખવી નહિ. આપણું અવિચળપણું એ જ મને મોટી વાત છે. તમારી આરોગ્યતા છે, એથી મને તો પુષ્કળ ઘરેણાં ગાંઠાં મળશે ને તેટલું છતાં તે કૃપાળુ કેશવ ગરીબાઈમાં નાખી દેશે તો માત્ર સૌભાગ્ય ચૂડી, કીડિયાંસેર, ને સાદાં વસ્ત્ર સાથે તમારી સાથે આનંદથી ઘોર વનની પર્ણકુટીમાં સીતા પેરે રહીશ. હું તો કિશોરને વરી છું, કંઇ અલંકારને વરી નથી ! મને કિશેાર પ્રિય છે, અલંકાર નથી. પ્રાણેશ, શું તમો એમ ધારો છો કે હું બીજી સ્ત્રીઓના જેવી છું, ને વસ્ત્રાલંકારને મોહીને રહી છું ? મને માત્ર એક તમારો પ્રેમ, તમારી મીઠી નજર ને તમારું હસતું મુખડું એ જ જોઇયે છે, બીજું કંઈ નહિ !”

“તેં મને બેાલતો બંધ કીધો છે ગંગા ! પણ તારા અલંકારથી મારો પિતા બચવાનો નથી, ને ફોકટમાં તું ગરીબાઇમાં આવી પડીશ.”

“તેની તમારે ફિકર રાખવી નહિ. હું ગરીબ થવાની જ નથી- શ્રીમંત છું ને તેવી સદા રહીશ. મને આવા સસરાજી હવે મળવાના નથી.” આટલું બોલતાં ગંગાએ સજળ નેત્રે કિશેાર સામું જોયું. કિશેારે પેટીમાંથી એક અગત્યનો દાગીનો લીધો ને તરત ગીરો મૂકીને કામ ચલાવ્યું. પૂને તાર મૂક્યો, ને તેમાં સવિસ્તર હકીકત પૂછાવી. ત્યાંથી સંધ્યાકાળના જવાબ ફરી વળ્યો કે લેશ પણ ફિકર કરવા જેવી તબીયત નથી, ને ગંગાના પિતા બે કે ત્રણ દિવસમાં ગંગાને મળવા તુરંત આવશે એમ પણ જણાવ્યું હતું. ગંગાને ધીરજ આવી. કિશેારની પાસે જે પૈસા વધ્યા તેમાંથી તેણે થોડાક પૈસા ડાક્ટરને આપ્યા, તથા થોડાક પરચુરણ માગનારાઓને આપ્યા.

કેટલી સ્ત્રીઓ ગંગાના જેવો અપૂર્વ સદ્દગુણ બતાવી શકશે ? શું પોતે સ્વપિતા કરતાં સ્વામિપિતાની કિંમત વધુ ગણશે, કે પોતાના અલંકાર કરતાં પતિની વિપત્તિ વિશેષ ગણશે ?

કિશેાર બહાર ગયો કે તરત મોહનચંદ્ર જાગી ઉઠ્યો ને “મા ! મા !” એમ બૂમ મારી કે તરત ગંગા તેની પાસે દોડી ગઇ. ગંગા પાસે ગઇ કે તરત ડોસાએ પૂછયું, “કિશેાર ક્યાં છે ?”

“હમણાં જ બહાર ગયા છે; કંઈ કામ છે સસરાજી ?”

“ના ! પણ ડોક્ટરે શું કહ્યું ?”

ગંગા ચૂપ રહી ને કશું બોલી નહિ.

“તું બોલ કે નહિ બોલ, પણ હવે મારા દહાડા ભરાઇ રહ્યા છે. પણ મારું મોટું સુખ એ જ છે કે તું મારી પાસેની પાસે છે, બેહેન ! મા ! તું તો એક અલૌકિક મૂર્તિ છે, તું જ સાક્ષાત અંબા છે; તું સદ્દગુણની મૂર્તિ છે ! મારી પાસે આવ, અને મારે માથે હાથ ફેરવ. ને ઈશ્વર પાસે એટલું જ માગ કે હું પરલોકમાં શાંતિને પામું.” આટલું, બોલીને ગંગાનો હાથ પોતાને માથે મૂક્યો, ને પોતે અંબા, કૃષ્ણ, રામ વગેરે દેવનાં નામની ધૂન લગાવી.