ગંગા - એક ગુર્જર વાર્તા/ખરેખરી સુખી તે હું જ છું

ગંગા - એક ગુર્જર વાર્તા
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮


ગંગા
એક ગુર્જર વાર્તા

પ્રકરણ ૧ લું
ખરેખરી સુખી તે હું જ છું!

“ગંગા ભાભી ! ઓ ગંગા ભાભી ! તમે શું કરો છો ?”

“મોટી બહેન ! મને બોલાવો છો ? જરાક વાંચવા બેઠી છું.”

“સાયંકાળ થવા આવી છે, જો તમારી ઇચ્છા હોય તો દેવમંદિરે આવવાની પિતાજીએ આજ્ઞા આપી છે ત્યાં જઈએ;” કમળા, જે ગંગાના પતિની બહેન હતી, તેણે જવાબ આપ્યો.

“ચાલો ત્યારે હું તૈયાર છું;” બીજા ઓરડામાંથી, દિવાનખાનામાં પોતાની નણંદ બેઠી હતી, ત્યાં આવતાં ગંગાએ કહ્યું અને તુરત દિવાનખાનામાં વધારે અંધારું હતું ત્યાં દીવાસળી ઘસીને દીવો કીધો, અને પોતાના હાથમાંનું પુસ્તક કબાટમાં મૂકીને મનમોહક હાવભાવથી લૂગડાં બદલવા તે પોતાના ઓરડામાં ગઇ. તે સમયનું તેનું સૌંદર્ય અદ્ભુત લાગતું હતું, ત્યારે તો એનું યથાર્થ વર્ણન અત્રે કરવું જરૂરનું છે.

પરાપૂર્વથી જ જણાયું છે કે, સૂર્યપુરની સ્ત્રીઓ ઘણી સુકુમાર અને કોમળ હોય છે. તેમાં નાગર વાણિયાની સ્ત્રીઓ વધારે મોહ પમાડે તેવી હોય છે; પણ યથાર્થ રીતે જો હું બોલું તો એ જ ખરું છે કે આ વાર્તાની નાયિકા ગંગાના જેવી ખૂબસૂરત એક પણ સ્ત્રી આખા સુરત શહેરમાં ન હતી. તેણી કંઈ જન્મથી સુરતની નહતી. તેના પિતાનું ઘર તો વડોદરામાં હતું. નાનપણથી જ તે ચંચળ, સુંદર અને ફુટડી હતી. જ્યારે તે બાળક હતી ત્યારે બજારમાંથી તેને જતી જોઈ, દરેક જણ તેના સામા મિઠ્ઠી નજર નાંખતું હતું. ગાયકવાડીમાં એના બાપનો દરજ્જો ઘણો મોટો હતો. વડોદરામાં ખંડેરાવ જીવતો હતો ત્યારે તે ન્યાયાધીશનું કામ કરતો હતો. તેના આવા મોટા એાદ્ધાને લીધે તેના ઘરમાં હજારો માણસોની રોજ આવ જા થતી, પણ જેટલા લોકો એના પિતાને મળવા આતુર હોય, તે કરતાં એની કોમળ નાની બાળાનો ચહેરો જોવાને ઘણા આતુર હતા. નાની ગંગાનું કાલું કાલું બોલવું સાંભળીને તેઓ એટલા તો રંજિત થતાં કે, ઘેર ગયા પછી પણ ગંગાને વિસરી જતા ન હતા. પોતાનાં ઘરનાં છોકરાંઓને વારંવાર ગંગાની મનશક્તિ ને તનશક્તિનો, વિવેક ને ચાતુર્યનો દાખલો આપી, તેના જેવાં થવાને શિખામણ આપી ઉત્સાહ પ્રેરતા હતા.

પાંચ વર્ષની હતી ત્યારથી ગંગા એના પિતાને સેવા સામગ્રી તૈયાર કરી આપતી હતી. પિતાની કોઈ પણ આજ્ઞા બોલ્યા પહેલાં બજાવવાને તે તત્પર રહેતી. તેની આવી રીતભાતથી તેના પિતાનો તેનાપર અગાધ પ્યાર હતો. બિહારીલાલને માત્ર આ એક જ દીકરી હતી, તેટલું છતાં તેને ખોટા લાડમાં ઉછેરી ન હતી.

સાત વર્ષની થઈ કે, સાધારણ કન્યાશાળામાં ગંગાને ભણવા મૂકી. વડોદરાના રેસીડંટને ત્યાં મીસ ફાઉલર નામની એક યુરોપીયન સ્ત્રી હતી. તેને ગંગાની 'ગવર્નેસ' નીમી હતી. આ બાઇ લગભગ વીશ વર્ષ લગણ ગુજરાતમાં રહી હતી, તેથી ગુજરાતી સ્ત્રીઓની રીતભાતથી જાણીતી હોવાને લીધે, જે જે અગત્યનું શિખવવાનું હતું, તે સર્વ ગંગાને શિખવ્યું તથા યુરોપિયન વિચારમાંના કેટલાક ઉત્તમ અને લેવા જોગ છે તેની છાપ તેના મનમાં બરાબર પાડી. મીસ ફાઉલરને અંગ્રેજ સ્ત્રીઓના કેટલાક રિવાજ-લગ્ન રીતિ, પતરાજી, તુંડાઈ, વિવેક, મર્યાદા તથા પતિપત્નીપ્રત્યેના ધર્મ, તેમ જ પ્યાર સંબંધી ઘણો સારો વિચાર નહતો; પણ ઉલટું તે ગુજરાતી સ્ત્રીઓની કેટલીક રીતભાત પસંદ કરતી. તેથી ગંગાને એવી સરસ કેળવણી આપી કે, જેથી તે ડાહી, ગંભીર, ગર્વરહિત, મીઠા બોલી, સામાને રીઝવનારી, ઘરરખુ અને મળતાવડી થઈ હતી. માત્ર હાલના ચાલુ રિવાજમાં ઘટતા ફેરફાર થાય તો ગુજરાતી કરતાં, ઘરસંસારની બાબતમાં કોઈ વધારે સુખી થાય નહિ, એમ તે ધારતી હતી.

આવા ઉત્તમ વિચારવાળી 'ગવર્નેસ'ના હાથ નીચે ગંગા એવી તો હોશિયાર થઈ કે, તેને માટે આખા વડોદરામાં વાતો ચાલ્યા કરતી. અગિયાર વર્ષની ગંગા થઈ ત્યારે તે કોઈપણ અંગ્રેજ સ્ત્રીપુરુષ સાથે અંગ્રેજીમાં વાતચિત કરવાને પૂરેપૂરી શક્તિમાન હતી. તેની બોલવા ચાલવાની છટાથી કર્નલ ફેરની સ્ત્રીએ વારંવાર તેને કેટલીક બક્ષિસો આપી હતી. સંગીત, 'પ્યાનાફોર્ટ', 'હારમોનિયમ', ને 'કોનસરટીના' તે સારી રીતે બજાવી શકતી હતી. કેનવાસ ઉપરનું ભરત કામ એવું તો સરસ કહાડતી કે, તેને માટે બે ચાંદ તેણીને બક્ષિસ મળ્યાં હતાં.

એની ક્રાંતિ માટે તમને કંઈ ભાસ થાય છે વારુ ? તે શું મુંબઈવાળી મંદુડી, જુવાનીમાં દીવાની જેવી, જરા ચાલતાં પગ લચકાઈ જાય તેવી હતી ? પતરાજીમાં, તડાકા મારવામાં, ફુલણજી ફુલકોર બનવામાં, મુંબઈની નાજુકડી સ્ત્રીઓ પ્રથમપદે હોય છે. તેવી તે નહતી. મુંબઈની પારસણો કે ગુજરાતણોના જેવા પોશાક કે ઠસારો ને લજજા રહિત હાવભાવ તેનામાં હતા જ નહિ, પણ તેના કરતાં વિશેષ સરસ – નહિ કે માત્ર કહેવાના, પણ ખરેખર ઉત્તમ ગુણો તેનામાં હતા. શરીરનો બાંધો ઘાટીલો હતો. બાળપણનો તેનો પોશાક ને કાંતિનું વર્ણન કરવું આ સ્થળે વ્યર્થ છે, તેથી તે કરતાં પહેલાં એટલું જ કહીશું કે, મીસ ફાઉલર વિક્ટોરિયાના હાથ નીચે અચ્છી રીતે શીખ્યા પછી, તેર વર્ષની વયે તેનાં લગ્ન સૂર્યપુરમાં થયાં હતાં. હમણાં તેનું વય સત્તર વર્ષનું છે અને તે પોતાના પતિને ઘેર આવીને રહી છે.

ગંગા પોતાના ઓરડામાં જઈને સ્વચ્છ પોશાક સજીને જલદી તૈયાર થઈ દિવાનખાનામાં આવી. આ વખતની તેની છબી ઘણી દિવ્ય દેખાતી હતી. સોળ સત્તર વર્ષની તરુણીઓ, જેવી દેખાય તેના કરતાં, વિશેષ સૌંદર્યવાન તે દેખાતી હતી. તેની મુખ કાંતિ તેજસ્વી, મુખાકૃતિ કંઈ લબગોળ હતી. મોંપર જે ગુલાબી ઝાંઈ છવાઈ રહી હતી, તે ગુલાબી ઝાંઈથી તેની ખૂબસૂરતી ઓર વિશેષ દીલખુશ લાગતી હતી. સ્નેહથી લદબદ ચહેરો, આર્યની જે ખરેખરી ખૂબીઓ તેથી ભરપૂર અપ્સરા જેવો હતો, તે જો કે મેાજશોખમાં ઉછરેલી હતી, છતાં તેના અવયવો ચપળ ને તીવ્ર-અયોધ્યાની સ્ત્રી જેવા મજબૂત હતા. મીઠાસથી ભરેલી કાળી ભમ્મર આંખ, હમણાં વળી આનંદથી ભરપૂર ને ઉમંગી, ભવાં ભરાઉ ને કાળાં તેજસ્વી, વિશાળ પણ નીચું કપાળ, જાણે આપણને પોતાની નમ્રતા બતાવતું હોય તેવું, નાનું પણ તીણ્ણું ઘાટીલું સીધું નાક, જેમાં બે હજાર રૂપિયાના મોતીની વાળી પહેરેલી તેથી લચી ગયલું, લાલ લોહીવર્ણા પારા અને સફેદ મોતી જેવા દાંત અને રતાશ પડતા હોઠ જોઈને તમને જહાંગીરના જનાનાની અતિ ખૂબસૂરત હુરમ યાદ આવ્યા વગર રહેશે નહિ. માથામાં સોહાગ ઘાલીને ઓળેલો ચેાટલો અને વાંકો લીધેલો અંબોડો, ને તેમાં ઘાલેલી નાગફેણનો મરોડ જોઈને આપણે આશ્ચર્ય પામ્યા વગર રહીએ નહિ. કાનની નીચેની લાલીપર એરીંગ ને ઉપલી લાલીપર આબદાર ત્રણ મોતીની નખલી, સુધડ રીતે ડાબા કાનમાં શોભતાં હતાં. તેથી તેનો ચહેરો કોઈને પણ વિશેષ મોહ પમાડે તેવો દીપતેા હતો. ગાલ ભરાઉ તથા વચમાં કાળો ઝીણો તલ હોવાથી શોભીતા લાગતા. તેની ચામડી છેક બરફ જેવી નહિ, પણ ઘઉંલા વર્ણ કરતાં વિશેષ ઉજળી - જાણે ઘણા દૂધમાં ઉકાળેલી ચહા હોય તેવી, પણ વળી કંઇક ગુલાબી, જે દરેક દેશીઓ સ્વરૂપ સૌંદર્યમાં વખાણે છે, તેવી હતી.

તેનો પોશાક કંઈ ખાસ નહતો. તેનો પતિ જે કે એ સમયે ઘેર નહતો, તો પણ પિતાતુલ્ય સસરાની આજ્ઞા માથે ચઢાવીને, એ દિવસે તો સુંદર સાદો પોશાક પહેરી તૈયાર થઈ હતી. રૂપેરી પટાનો ફૂલ ગુલાબી સાળુ પહેર્યો હતો. નાજુકડી તેથી બહારનો ઉઠાવ ભારે નહતો, તો પણ સોળ સત્તર વર્ષની સ્ત્રીને યોગ્ય હતો. તેમાં લીલી કાચી કેરી જેવી સફેદ ફુલબુટ્ટાની ચોળી પહેરી હતી, જેથી મુખ આગળની આકૃતિનો બહાર લગાર વિશેષ ઠસ્સાવાળો લાગતો હતો ને પીઠપરથી ફુલબુટ્ટા, સાળુમાંથી જરેજર દેખાતા હતા - અંગ હાલે ત્યારે તે જાણે પદડામાં રહેલો નાગ ડોલતો હોયની, તેવો ભાસ કરાવતા હતા. ગળામાં ઉંચા પ્રકારનાં મોતીનો ત્રણ સેરનો છડો ઘાલ્યો હતો, અને હાથમાં ઝીણા દ્રાક્ષના વેલામાં મોતી ગોઠવેલી તાસેલી બંગડી ને રૂઈફુલ પહેર્યા હતાં, તે સ્હોડમાં હાથ છતાં ઝરમરિયા સાળુમાંથી સ્પષ્ટ દેખાતાં હતાં. ઉપર ચોળીને છેડે જરકસી ચળક મારતું મોળિયું બાંધ્યું હતું. ડાબા હાથની છેલ્લી આંગળીએ એક હીરાની વીંટી પહેરી હતી. પગમાં નાજુક પણ ઘણી ઘુઘરીથી ભરેલાં લંગર પહેર્યા હતાં; કપાળમાં ઝીણો સિંદુરનો ચાંદલો હતો ને જ્યારે તે સ્મિત હાસ્ય કરતી ત્યારે ગાલમાં સહજ ખાડા પડતા હતા - તેના ઉપર આવેલા તલવડે તે સમયના હાસ્યથી મુખ કંઈ ઓરજ રીતની છબી બતાવતું હતું. કુલીન સ્ત્રીને છાજતા નમ્ર વેણથી મધુરું મધુરું બોલતી, તેમ પગલાં ઉપાડતી તે ઘણાં ધીમાં ધીમાં ઉપાડતી હતી. તેનો હસતો ચહેરો આજ કરતાં કવચિત જ વધારે સુંદર દેખાયો હશે.

છતાં નાયિકા ગંગા કંઈ આજે જ આટલી બધી ખૂબસૂરત દેખાય છે એમ નથી. તેનો દેખાવ હમેશનો જ એવો છે. પણ કોઈની આજ્ઞાથી કંઈ પણ કામ કરે છે, ત્યારે વળી રોજ કરતાં વધારે મગ્ન રહે છે. આજની એની આંખ, એનો ચહેરો, એનો હાવભાવ, એના બેાલવાની ઢબછબપરથી આટલું તો સિદ્ધ થાય છે કે, તે હંમેશ કરતાં પણ આજે વધારે ખુશ છે. પણ એ વળી વધારે ગંભીર અને ધીરી છે તથા કામગરી-કહ્યાગરી– આજ્ઞાપાળક છે. સુરતમાં, ખરેખર એના જેવી સુરત કોઈની ન હતી.

“મોટી બહેન ! હવે તમારી વારેવાર, હું તો તૈયાર થઈ છું.” ગંગા દિવાનખાનામાં આવીને હસતે મુખે બોલી. “ભાભીજી આજ આવવાનાં છે કે નહિ ? સસરાજી તો સૌને આવવાનું કહી ગયા છે.” “વધારે બોલશો નહિ, જો સુખે જવું હોય તો;” લગાર ખિન્નવદને કમળા બોલી. “આજે માજી અને મોટી ભાભીને કંઈ ચડભડાટ થયો છે અને તેથી રીસાઈને તે તો પોતાના ઓરડામાં ક્યારનાયે સૂઈ ગયાં છે. તમે જઈને મોટી ભાભી પાસેથી મદનને લઈ આવશો ?”

“હા, અને તમે અહમદને બોલાવો કે, તે આપણી સાથે આવવા તૈયાર થાય.” બીજા ઓરડામાં, જ્યાં તુલજા સૂતી હતી ત્યાં ગંગા ગઈ અને તેના છોકરા મદનને પોતાની સાથે લઈ જવાને તૈયાર કીધો. મદન પોતાની કાકી સાથે એટલો હળી ગયો હતો કે, તેનો કેડો છોડતો ન હતો, તેમ ગંગાને મદન વગર કળ પડતી નહિ.

ગંગા, તુલજાના ઓરડામાં ગઈ, ત્યારે તે ડુસ્કે ડુસ્કે રડતી હતી. આ તો જાણીતી વાત છે કે, ગુસ્સાના આવેશમાં આવેલા માણસને જેમ ખામોશી રાખવાને કહીએ તેમ તે વધારે જોર પર આવે છે. ઘરના ટંટાથી ગંગા ઘણી ઉદાસ રહેતી હતી, તો પણ કોઇ દિવસે તે એક પણ વેણ ઉંચે સ્વરે કે પડઘારૂપે બોલી નથી. તે તુલજાને શાંત રાખવાને ઇચ્છતી હતી, પણ તેમાં વખત ચાલ્યો જાય, તેથી કંઈ પણ બોલ્યા વગર, મદનને પોલકું, ટોપી ને પાટલૂન પહેરાવી, હાથપર ઉંચકીને બહાર ચાલી આવી.

“અહમદ, બા, જરા મદનને ઉંચકી લે તો !" કમળાએ ઝીણે સાદે અહમદને કહ્યું.

“બહેન બાસાહેબ ! મદનલાલકું કીધર લે જાનેકા હે ? તુમ દૂર રહોગે તો એ બડા કીલકીલાટ કરેગા.” અહમદે પોતાના હાથમાં મદનને લીધા પછી સવાલ પૂછ્યો.

“અમ્બા માતાના દેવળમાં, શેઠ ગયા છે ત્યાં જવું છે. તમે અમને ત્યાં પહોંચાડી આવશો ?”

“બહોત અચ્છા ! ” અહમદ બોલ્યો, “પનાહે આલમ, વો અમીર કી નૌકરીમેં અમેરી જાનફેસાની કરડાલનેમે કુચ કસુર કરના યહ બડા હરામ હૈ. લેકીન, માબાપ, અમકુ મુલ્કેઓ ઝમાન કુચ બોલા નહિ હૈ, ઉસ સબબસે કુછબી ઠપકા મિલેગા ઓ આપકે શીર રહેગા.”

“બરાબર છે;” ગંગાએ પ્રત્યુત્તર વાળ્યો, “પણ તું ફીકર ન કર, શેઠ તને કંઈ કહેશે નહિ, જ્યારે શેઠ અત્રેથી ગયા ત્યારે તને જોડે લઈ આવવાનું કહી ગયા હતા. તું અગાડી જઈ દરવાજા પર ઉભો રહે.”

“જેસા બાઈસાબકા હુકુમ !” નમ્રતાથી અહમદ બોલ્યો અને મદનને લઈને બારણા આગળ જઈ ઉભો રહ્યો.

તુરત ગંગા અને કમળા બંને આવી પહોંચી. તેએા, અહમદ ને મદન સાથે આગળ ચાલ્યાં કે, તુરત સૌથી નાના છોકરાની વહૂ વેણુગવરી તેને પિયરથી આવતી હતી તે સામી મળી. તેને સાથે તેડીને સૌ ચાલતાં થયાં.