← ગંગાની પતિ પ્રત્યેની રીતભાત ગંગા - એક ગુર્જર વાર્તા
લગ્નસરા
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
અજાણ્યો પરોણો →


પ્રકરણ ૮ મું
લગ્નસરા

વૈશાખ મહિનો લગ્નસરાનો હતો. મોહનચંદ્રના એક નજીકના સગામાં લગ્ન હતાં, ને ત્યાં જવાને માટે સઘળાં તૈયાર થયાં. આજનો દિવસ સૌને આનંદનો હતો, તેથી સવારના પહોરમાં સૌ કામ કરી રહ્યાં ને પોતાના સગાને ત્યાં જવાને તૈયાર થયાં. લગ્નસરાનો બહાર ઘણું કરીને સુરત શહેરમાં જેવો હોય છે તેવો બીજે ઠેકાણે ભાગ્યે જ જોવામાં આવે છે. નાગર, બ્રાહ્મણ, વાણિયા, કાયસ્થ ને બીજી હિંદુની જ્ઞાતિમાં એ વેળાનો ભભકો પુષ્કળ હોય છે. બૈરાંઓ ભાતભાતના વસ્ત્રાલંકાર સજીને નીકળે છે. ઉનાળો હોય તો સાળુઓની શોભા ખૂબ દીપી નીકળે છે. શિયાળામાં સાડીઓ વધારે પહેરવામાં આવે છે. આ ઉનાળાનો સમય હતો તેથી જ્યાં ને ત્યાં પોપટિયા, ગુલાબી અને બીજા રંગરંગના સાળુઓ પહેરીને સ્ત્રીઓનાં ટોળેટોળાં ફરતાં જોવામાં આવતાં હતાં. ચોળી ને કંચુકી પણ ભાતભાતની હતી, ને અલંકારો પણ નવીન નવીન જાતના પહેરેલા જણાતા હતા. કોઈ સહજસાજ ઘરેણાં પહેરે છે તો કોઈ ખીચોખીચ ખડકીને પહેરે છે. કોઈની ડોકમાં માત્ર છેડો જ હોય છે, તો કોઈ મોહનમાળા જ પહેરે છે. હાથમાં ઘણું કરીને રાજાવરકની બંગડીઓનો શોખ ઘણો હેાય છે, ને તેની વચ્ચે સોનાની કે મોતીની બંગડી ને રાયફુલ હોય છે. સાધારણ રિવાજ પ્રમાણે બે કાચની બંગડી ને બે સોનાની કે મોતીની બંગડી પહેરે છે. અગાડીના ભાગમાં મોતીનું ઘરેણું હોય તો મોતીનાં કલ્લાં, ને સોનાનું ઘરેણું હોય છે તો સોનાનાં કલ્લાં, સિંધિયાસાહી સાંકળાં કે ગજરા પેહેરવામાં આવે છે. અાંગળાંપર એકાદ હીરાની વીંટી પહેરે છે, ને જો જરા વિચારવંત સ્ત્રી હોય તો વાંકબાક પહેરતી નથી, પણ ચોળીની નીચે ઘુઘરી કે માત્ર જરદોસી મોહોળિયું જ પહેરે છે. કુલીન સ્ત્રી કંચુકી પહેરતી નથી, પણ ઘણું કરીને ચોળી પહેરે છે, ચોટલો ચાંદલે તો અવશ્ય હોય, પણ હવે નાકમાંની વાળી ભાગ્યે જ પહેરવામાં આવે છે, ને પગના તોડા તો છેક જ જતા રહ્યા છે અને તેનું સ્થાન નાજુક લંગરે (નૂપુરે) લીધું છે. તેનો ઝંણકારો કર્ણપ્રિય લાગે છે. આવા પોષાક પેહેરેલી સ્ત્રીઓનાં જ્યાં ને ત્યાં ટોળેટોળાં જોવામાં આવે છે. ખરેખર લગ્નસરા એ સ્ત્રીઓનાં પ્રદર્શનનાં ઠેકાણાં છે.

પોતાના સગાને ત્યાં જવાને, કામથી પરવારી મોહનચંદ્રનાં કુટુંબનાં સૌ પાષાક સજવા બેઠાં ગંગાએ પોતાનો ચોટલો એાળી લીધો હતો, ને કમળાનો એાળવાને બેઠી હતી. કમળા બાળવિધવા હતી, પણ વેશ રાખેલો હોવાથી સાધારણ ઘરેણાં તેને માટે કહાડી આપ્યાં હતાં, તે ગંગાએ એને પહેરાવ્યાં. એટલામાં શેઠાણીએ બૂમ મારી. કમળી ઉઠીને ગઈ. ગંગાએ ચોટલો ચાંદલો કીધો હતો તેથી તે ખીજવાઈ ગઈ. પણ બીજું કંઈ કહેવાને બદલે માત્ર એટલું જ કહ્યું કે “એવા ચાળા ચસ્કા મૂકી જલદી ઘરેણું લૂગડું પહેરી લે.”

સૌ ઘરેણાં લૂગડાં પહેરીને તૈયાર થયાં. શેઠાણીને વાર તો હતી નહિ, પણ કંઈ મસે બોલવું તેથી કહ્યું કે, “આટલી તે શી ધાડ પડી છે કે ઉતાવળ કીધી.” કોઈએ પણ તેના લાંબા મોઢાને જવાબ આપ્યો નહિ. સૌ ઘેરથી નીકળીને સગાને ત્યાં ગયાં, રસ્તામાં અગાડી શેઠાણી, તેનીપુઠે કમળી ને નાની બેહેન તથા તેમની પુઠે તુળજાગવરી ને ગંગા, પછાડી વેણીગવરી ને ચાકર, ને ચાકરના હાથમાં મદન હતો. સૌના પોષાક જૂદા જૂદા પ્રકારના હતા. ગંગાનો પોષાક ઘણો સાદો હતો, પણ આટલા બધામાંથી માત્ર તે જ એક તેજવંતી ને ગુણવંતી જણાતી હતી. કમળીનું ચાલવું જોકે કાંઈક છોકરવાદી જેવું હતું, તથાપિ તે બહુ મર્યાદામાં રહેતી હતી. તુળજાગવરીનો પોષાક વધારે ભભકાપર હતો, ને તેણે નવી ને જુની ફેશનનું અનુકરણ કીધું હતું. બીજીએાનો પાષાક સામાન્ય હતો.

સગાને ત્યાં પહોંચ્યા પછી બીજાં ઘણાં બૈરાંઓ વહેવાઈને ત્યાં જવાને તૈયાર હતાં, તેમની સાથે સૌ ઉઠ્યાં. આ લગ્ન જેને ત્યાં હતાં તેનું નામ મોતીભાઈ હતું, તેમની ધણીઆણીએ સૌનો સારો આદર- સત્કાર કીધો, ને જમી આવ્યાં છે કે ભૂખ્યાં, તે માટે સવાલ પૂછ્યો. સૌ જમી આવ્યાં જાણી દિલગીર થઈ બે ચાર ઠપકાના શબ્દો કહી વસંત આપવા માટે ગયાં. વસંત આપવા જતી વેળાએ મહેણાં ટોણાંનાં ગીતો બંને વહેવાઈઓ તરફથી ગવાય છે. ઘણાં બૈરાંઓ તેમાં હોંસથી ભાગ લે છે. વહેવાઈને ત્યાં જઈને બેઠા પછી ફલાણી વહુને આમ ને ધીકણી બાઈને તેમ, એમ પરસ્પર એક બીજાનાં સગાંઓની ટોળ મશ્કરી થાય છે. આ વસંતમાં કંઈ તેવું થોડું નહોતું. કન્યાને વસંત ચઢાવ્યા પછી અરસપરસ અબીલ, ગુલાલ ઘાલવામાં આવે છે, તેમાં વહુવારુને માથે પિસ્તાલ પાડવામાં આવે છે. મોતીલાલના ઘરની વહુવારને રંગ ઘાલવા પછી તુળજાને માથે ગુલાલ ઘાલવાને વહેવાઈને ત્યાંની એક વહુવારુ આવી; તેને શોક હોવાથી ના પાડી. ગંગાને માથે એકદમ છાનામાના જઈને ગુલાલ ઘાલવાનો વિચાર કીધો, પણ ગંગાએ એક બે વિનયના એવા તો સરસ શબ્દ કહ્યા કે મજાક કર નારી આ વહુવારુ શરમાઈ ગઈ. આ બાઈ શીખેલી હતી, ને તેને સારું ભણતાં આવડતું હતું; પણ ગણેલી નહોતી. વિવેક મર્યાદા જરા પણ નહિ, તેના ભણવાનું તેણે જરા પણ સાર્થકય કીધું નહોતું. પણ ઉલટું કઢંગી રીતભાતથી તેનું ભણવું વગેાવાતું હતું. સાસુ સસરા સાથે ઘડી અને પળે લડી પડતી હતી ને ઘરેણાં ગાંઠાં માટે ધણીને દમતી હતી. જેવી તે ગુલાલ નાખવા આવી કે ગંગાએ એટલું જ કહ્યું કે, “તમને એ ઘટે નહિ, ભણ્યાનું સાર્થક્ય એ જ કે જંગલી જેવાં ગાંડાં થવું?” પેલી શરમાઈને પાછી ચાલી ગઈ.

ગંગાની તે વેળાની બોલવાની રીતભાત જોઈ, તથા જે રીતે ગુલાલ નાખવા આવનારી મણીવહુને શરમાવી નાખી તે જોઈને ન્યાતનાં બૈરાંઓ છક થઈ ગયાં. સૌ ગંગાની રીતભાત તથા વિવેક મર્યાદાની જ વાતો કરવા લાગ્યાં ને ઘણે મોટે ભાગ તેની વર્તણુકના વખાણ કરતાં હતાં. ગંગાને મોઢે જ તેનાં વખાણની વાતો કેટલીક સ્ત્રીઓ કરતી ને તેની કલાંઠ સાસુને ગાળો દેતી. પણ વખાણ કે નિંદા સાંભળવાને માટે તેના કાન ન હોતા, તેથી જ્યારે એવી વાતો નીકળતી કે તે ગમે તેમ વાતનું સ્વરૂપ ફેરવી નાખતી. વાતો કરતાં સૌ ઘેર આવ્યાં. એ સગાને ત્યાં આજે જમવાનું હતું. સઘળાં સગાંવહાલાં ઘરધણિયાણીને મદદ કરવાને બદલે વાતોના તડાકા મારતાં, પણ એક સળી ભાંગીને કટકા કરતાં નહિ. ઘરધણિયાણીએ આવીને લલિતા શેઠાણીને કહ્યું, “બેહેન, આ તગારો તે ક્યાંસુધી ખેંચાશે ? જોની મારી ત્રણ વહુઓ તો શેઠાણી થઈ બેઠી છે ને કામ જાણ્યા છતાં ઓરડે ભરાઈ બેઠી છે. તમારી વહુઓ જરા મદદ કરે તો રસોઈ જલદી તૈયાર થઈ જાય. સઘળું તો તૈયાર થયું છે, પણ માત્ર શીરો કરવાનો છે તે સારુ બે માણસ જોઈયે.” લલિતાએ કહ્યું, “હારે બેહેન ! નઠારાં માણસ મળે તો તેાબા પરમેશ્વર ! મારીએ ક્યાં ઓછી છે, તારી વહુઓના મોંમાં થુંકે તેવી છે. મોટી વહુ તો હરામનું ખાનારી છે, ને નાનીમાં તો કશી આવડત જ નથી. પેલાં અમારાં ગંગા શેઠાણીની તો વાત જ ન બોલશે. તે તો બેગમ સાહેબ છે એટલે કામ જ શેનાં કરે ! હું કહું તો મને કાચીને કાચી કરડી ખાય.”

નંદગવરી ઘણી શાણી હતી, પણ ઘરડા માણસમાં જે ટેવ હોય છે, તેવી ટેવથી તે કમનસીબ ન હોતી. તેથી, “હા બા, એ આજકાલની વહુઓ એવી જ કમજાત હોય છે,” એમ ટાપસી પૂરી. તોપણ જેમ લલિતાએ વગોણું કીધું તેમ માન્યું નહિ, પણ ઉલટું શેઠાણીની કઢંગી રીત, અવિવેકી ચાલ તથા કુટુંબ સાથે વર્તવાની રીત માટે વાંધો કહાડ્યો; ને તેમ માનવાને તરત જ કારણ મળ્યું. નંદગવરીના મોંપર જે ચિંતા ફરી વળી હતી તે ગંગા તરત પામી ગઈ; તેથી પોતાની જગ્યાએથી ઉઠી ને તરત નંદગવરી પાસે ગઈ અને તેમને કારણ પૂછ્યું; ને જેવું ચિન્તાનું કારણ જણાયું કે લૂગડું બદલી કામે વળગી ગઈ. નંદગવરી ઘણી રાજી થઈ ને ગંગાનાં ઘણાં વખાણ કરવા લાગી. ગંગા આત્મારામશાહના કુટુંબમાં એક રત્ન જ છે એમ તેને ભાસ્યું. શું કરવાનું હતું તે સમજાવી બંને કામે વળગી ગયાં. નંદગવરીના ઘરની વહુવારુઓ પણ શરમાઈને કામ કરવા મંડી પડી. એક કલાકમાં બાકી સાકીની રસોઈ કરીને સૌને જમવા બેસાડી દીધાં, ને વાડામાં “શીરો શીરો” ને “પાણી પાણી”ની બૂમ પડી રહી.

સૌ જમી રહ્યા પછી ગંગાને જમવાને માટે કહ્યું. તુળજાગવરી જમી નહતી, તેથી તેને મૂકીને તે જમવાને તૈયાર થઈ નહિ. મદન જાગ્યો તેને ગંગા તેડી લાવી ને પછી તુળજાને ઉઠાડી, કેમકે તેની તબીયત જરાક બગડી હતી. કમળા તથા સાસુજી તો પંગતમાં જમી ગયાં હતાં. ગંગા રસોડામાંથી નીકળી ને સાસુજીને જોવા ગઈ, ત્યારે તેને આ પ્રમાણે ઘેર ગયેલાં જાણી તે દિલગીર થઈ. હવે જો ગંગા જમ્યા વગર જાય તો નંદગવરી નારાજ થાય, ને જમીને જાય, ને સાસુજી જમ્યા વગર ગયાં હોય તો ઘેર જવા પછી માથે ગજબ ગુજરે. આખરે જે થાય તે ખરું એમ વિચારી પાંચ સાત બૈરાં સાથે તે જમવા બેઠી. ગંગાની રસોઈનાં પણ વખાણ થયાં ને સૌએ તેને ઘણી વખાણી.

આજનો સગાવહાલાંનો સમાજ ઘણો સંતોષકારક થયો હતો. નંદગવરીએ ગંગાને કિમ્મત નહિ અંકાય તેવી જોઈ અને પોતાના કિશેારને ખરેખર સુખી ગણ્યો; તેમ જ લલિતાગવરીને ખરેખરી રાક્ષસી સાસુ પીછાણી. તે ઘર ચલાવવાને જ નાલાયક છે એમ બડબડી. ગંગા ને કિશેારનું જોડું ઘણું રુડું હતું; કિશેાર ઘણો ખૂબસૂરત નહોતો, તથાપિ તે નાગર ન્યાતમાં એ રત્નરૂપ હતો. મજાક કરતાં નંદગવરીએ ગંગાને પૂછ્યું કે, “કિશેાર કેમ જમવાને આવ્યો નથી ?” બીજાં બૈરાં પેઠે ગંગાએ નીચે મોઢું સંતાડ્યું નહિ, પણ ધીમેથી કહ્યું કે, “મને ખબર નથી.”

“અને હવે ગંગા !” નંદગવરીએ ઘેર જતી વેળાએ કહ્યું, “તમારી સાસુએ તો તમારાં ઘણાં વખાણ કીધાં હતાં ! પણ મને સંપૂર્ણ ખાત્રી થાય છે કે જેવી તું ખૂબસૂરત, સારા સ્વભાવવાળી, અને માયાળુ છે તેવી કામ કરવે પણ ચપળ ને હોશિયાર તથા મમતાળી પણ છે. આજે મારા ઘરની, ત્રણ ત્રણ વહુઓ છતાં રાતના બાર વાગતે પણ જમવાનો સમય આવતે નહિ પણ આઠ વાગતાંમાં આપણે પરવારી ગયાં તે બેહેન તારે લીધે.”

ગંગાએ નમ્રપણે આ વિનય વચન માટે ઉપકાર માન્યો. “હું તારાં ખોટાં વખાણ કરતી નથી, પરંતુ હાલની વહુવારુમાં જે દુર્ગુણ આવેલા હોય છે તેથી તું દૂર છે. મેં સાંભળ્યું હતું કે તું રત્ન નીવડી છે, ને પણિયતનું ખરું સુખ ભોગવવે ભાગ્યશાળી થઈ છે, તે સદ્દગુણ તારામાં જોઈને તને મારો આશીર્વાદ છે !” નંદગવરીએ કહ્યું.

“કાકીજી, કામ કરવે મને જરા પણ શરમ નથી, ને મારા હાથ ઘસાઈ જવાના નથી. મેં શું કીધું છે? કંઈ જ નહિ. તમારી વહુવારુઓ પણ મારા જેવી જ કામગરી છે.” ગંગાએ આ બેાલવા સાથે વહુવારુએાને શરમાવી નાખી, ને તેઓ ઝટપટ પાછી કામે વળગી ગઈ.

ગંગા ને તુળજાગવરી, નંદગવરીના ચાકર સાથે પોતાને ઘેર આવ્યાં. ગંગાએ રાંધ્યું તે સાસુજીને ગમ્યું નહિ ને તેથી રોષે ભરાયાં હતાં. ઘેર આવીને તેઓ સુઈ ગયાં હતાં એટલે શાંતિ હતી. પોતાના શયનગૃહમાં ગંગા કમળી સાથે ગઈ તો ત્યાં કોઈ અજાણ્યો પરોણો બેઠો હતો. તરતનો જ તે રેલવેપરથી આવેલો હતો.