ગંગા - એક ગુર્જર વાર્તા/વઢકણાં સાસુજી
← "ઉમરાવજાદાની દીકરી" | ગંગા - એક ગુર્જર વાર્તા વઢકણાં સાસુજી ઇચ્છારામ દેસાઇ ૧૯૨૮ |
ગંગાની પતિ પ્રત્યેની રીતભાત → |
વાદળ હજુ ઉતરી ગયું નહોતું. લલિતા શેઠાણીનો ગુસ્સે નરમ પડ્યો નહોતો. જેમ ધુંધવાતું છાણું ભડકો થયા પહેલાં ધુમાડા કાઢીને સૌને હેરાન કરે છે, તેમ આપણી શેઠાણીનો દાયરો ચઢ્યો હતો. ગંગા, તુળજા અને વેણીગવરી બધાં ધ્રૂજ્યા કરતાં હતાં. જરા પણ ઉણું ન પડે અને અગ્નિ પાછો સળગી ઉઠે નહિ, તેની બધાં તપાસ રાખતાં હતાં.
સવારના પહેલા પહોરમાં સૌ પોતપોતાના કામમાં રોકાઈ ગયાં હતાં. આજે રવિવાર હતો, તે રીત પ્રમાણે સૌને માટે સારાં સારાં ભોજન તૈયાર હતાં. બપોરના સઘળી રસોઈ તૈયાર થઈ. સઘળા પુરુષો જમવાને બેઠા અને બાપદીકરાઓએ ઘણી મીઠાસથી જમી લીધું. જમ્યા પછી લલિતા લડકણી સાસુને બોલાવ્યાં, પણ તેઓ જમવાને આવ્યાં નહિ, થોડીકવાર સૌ થોભ્યાં કે હમણાં આવશે. લડકણી શેઠાણી પોતાની દીકરી પાસે ગયાં હતાં. ત્યાં થોડીવાર અબોલા ગ્રહણ કીધા, પણ કમળીએ બોલાવ્યાથી તેમની સાથે મીઠી મીઠી વાતે વળગ્યાં. માનો રોષ ઉતારવા માટે કમળીએ પહેલે કેટલીક ઠાવકી અને કજીયો વિસરી જવાની વાતો, કીધી, અને પછી આવા ટંટાથી ન્યાતજાતમાં અાબરુ રહેતી નથી તેમાં મન ખેંચ્યું, અને જે શેઠાણીને રુચતું નહોતું તેવું કહેવામાં આવ્યું. આપણા ઘરની વહુવારુઓ ઘણી શાણી ને ડાહીઓ છે, તેમની સાથે માન અને વિવેકથી વર્તવું જોઈયે એમ દીકરીએ માને કહ્યું. વઢકણાં બાઈને આ કંઈ રહ્યું નહિ. તેમના મોં આગળ તે પથ્થર પર પાણી જેવું થયું. શેઠાણીના મનમાં લડવાનો ઝડાકો બતાવી દેવાનું તો ઘણુંએ થયું, પણ કરે શું ? દીકરી સાથે લડવાથી કંઈ ફળ નહિ, તેથી મન મારીને બેસી રહ્યાં, પણ ઝડાકો લેવાને મન તલ્પી રહ્યું ખરું. થોડીવાર કમળાએ આડી તેડી વાતોમાં મન ગુંથ્યા પછી પૂછ્યું, “માજી ! કિશોર ભાઈને મળ્યાં? ભાઈ ઘણો સુકાઈ ગયો છે જો મા. એને અભ્યાસ કરતાં બહુ મહેનત પડતી હશે. વારુ, હવે બે ત્રણ મહિના હમણાં અહીંયાં રહેશે ને પરીક્ષા વખતે જશે તો ભાઈ શરીરે વળી જશે. પણ એ માજી, તારા હાથમાં છે.” કમળાએ માર્મિક વચન કહ્યું.
“હા ડાહી ડમરી ! તું બહુ શાણી તે મને શિખામણ આપતી હશે ! આવ મારી ઘરડી મા, મારી દાદી થઈને હવે તું બેઠી છે તે તારે જોઈયે તે કહે!! તું મને કહે છે કે, ભાઈને રાખવો, કે નહિ રાખવો, તે મારા હાથમાં છે એટલે ? આજકાલની છોકરીઓ, અમારામાં તો કંઈ અક્કલ જ ન હોય તેમ અમને શીખવવા આવી છે. પણ રાંડો અમને જેટલાં વરસ થયાં છે, તેટલા તમને દહાડા પણ થયા નથી, તો શિખામણ શી આપવાની હતી ? હું તારા ભાઈની વેરણ છું ખરી કેની, તે તારા ભાઈને રાખવાની ના કહીશ. પણ પેલી રાંડ વંત્રીને રાખવા હશે તો એ મુવો રહેશે, નહિ તો એની મેળે ચાલ્યો જશે. મારાં કોણ કહ્યાં માને છે ? તું કેટલું માને છે કે તે માનવાનો હતો ?” શેઠાણીએ પોતાને જાતિસ્વભાવ જારી કીધા.
“મેં આજ્ઞાનો શો ભંગ કીધો કે તમે મને આટલો બધો દોષ દો છો ? પણ તમારે સ્વભાવ પડ્યો છે તે તમે પવનની સાથે પણ લડી પડો છો, તેમ મને ગરીબડીને નહિ પજવો.” કમળીને પેટમાં બળતું હતું, તેથી પોતાનો ઉભરો કાઢ્યો.
“ત્યારે તું શું મને પજવશે કે રાંડ ?”
“મેં ક્યારે કહ્યું છે માજી ? મેં ક્યારે પજવ્યાં ?”
“ત્યારે તું શું કરે છે ? આ તારા પજવવાના ઢંગ નહિ ને માને હલકી પાડવાના ઢંગ નહિ તો બીજું શું છે ?”
“એવા ખોટા ખોટા આરોપ તમે મારા ઉપર નહિ મૂકો. મારી કોઈ પણ જાતની કસૂર નહિ છતાં તમે જેમ સૌને પજવો છો તેમ મને પણ સંતાપો છો. તમારી દીકરીને ન મૂકો તો વહુપર કેમ કરુણા કરશો ?” કમળીએ સારી રીતે પોતાની માને થથરાવી, શેઠાણી તો આ બોલવું સાંભળતાં બોલતાં જ અટકી ગયાં. એટલામાં ગંગા, સાસુજીને તથા કમળીને જમવા તેડવાને ઓરડામાં આવી. સાસુજીનો રોષ જબરો તેણે જોયો, થોડીક પળ તે ઉભી રહી, પછી ધણી નમ્ર વાણીથી કહ્યું:
“સાસુજી, હેઠળ પાટલા માંડી ભાણાં પીરસેલાં છે.” પછી ફરી કમળીને પણ કહ્યું. “મેાટી બહેન, તમે પણ ઊઠો.”
“મારે નથી જમવું, તમે તમારાં હોઝરાં ભરો.” સાસુજી બેાલ્યાં.
“તમારા આવ્યા પહેલાં કોઈ જમશે નહિ.” ગંગાએ ઉત્તર દીધો.
“ગમે તે થાય, હવે આ ઘરમાં હું નહિ જમીશ !” પાછાં રોષમાં લડકણાંબાઈ બેાલ્યાં.
“તેનું કારણ કંઈ કહેશો માજી ?” કમળીએ પૂછ્યું.
“તેની તારે શી જરૂર છે ? હું મારી પોતાની માલીક છું તે ચાહે તેમ કરીશ. તને રાંડને કોણ ડાહીચતરી કરે છે કે છાકીછાકી આટલું આટલું બોલે છે ! ઘણું બોલીને સૌનાં નામ તો બોળ્યાં. જરા પણ ભાન બળ્યું છે ? જીભે આવ્યું તે ભરડી જતાં જ શીખી છે, બીજું શું ? પેલા ડોસાએ નિશાળે પડાપડ ભણવા મોકલી ત્યારે તો કહેતા હતા જે ભણી ગણીને ડાહી તથા શાણી વિવેકી થશે, તે આ જ કે ? રાંડ શાણી થવાવાળી એ જ કે, માને લડકણી, ખોટ્ટા બોલી, જુઠ્ઠી, સાચ્ચી એવી અનેક વાતો કહે છે, બળ્યું રાંડનું ભણતર, ને મુઆં એ ભણતાં ને ભણાવતાં ! ભણીગણીને માબાપની આમન્યા રાખવાને બદલે તડતડ સામા ઉત્તર દેતાં તે શીખી છે, એ શિવાય શું શીખી આવી છે ?” લડકણાં લલિતાગવરીએ પોતાનો સઘળો રેાષ ગરીબ વિધવા દીકરીપર કાઢ્યો, અને એ બોલતાં અનેક જાતના ચાળા ચસ્કા કીધા.
“માજી ! તમારે ગમે તે કહો, હું અનાથ થઈ ત્યારે જે તમે કહો ! તે મારે સાંભળવું જ.” અાંખમાં અાંસુ લાવતાં કમળી તૂટક તૂટક શબ્દથી બોલી.
“સાંભળશે નહિ તે જશે ક્યાં ચૂલામાં ! અત્યારમાં આટલી ફાટી ગઈ છે તો અગાડી જતાં માબાપનું કાળું કરાવશે; પણ કામ મારા હાથ નીચે લેવું છે. તે જરા ચસકવા દઉં કે ? આ વઝાઓ જેમ શીખવે છે તેમ માને પજવે છે; પજવ, પજવ, જેમ પજવાય તેમ પજવ; પણ અગાડી તમને સૌને બતાવું છું.”
લડકણાં બાઈ આટલું બોલી રહ્યાં કે, તુળજાગવરીએ ઓરડામાં આવીને તોફાન થતું હતું તે જોયું; આંખના અણસારામાં ગંગાએ તેને તરત સમજાવ્યું. મિનિટ બે મિનિટ થઈ કોઈ કાંઈ બોલ્યું નહિ, એટલે પછી ગુણવંતી ગંગા બેલી, “સાસુજી ચાલશો ? ઘણીવાર થઈ ને ભાણાં ઠંડાં પડી જાય છે.”
“મેં ક્યારે ના પાડી કે તું નહિ જમ ?” કડવા કટાણા મોંથી લડકણાં લલિતા સાસુજી બોલ્યાં.
“તમારા આવ્યા વિના અમારાથી કેમ જમાય ?” ગંગાએ નમ્રતાથી કહ્યું.
“તો ઓં ઓં, મારા વગર તમે જમતાં નહિ હો તો ! તમે તમારે નચિંતાઈએ જઈને જમો, હું મારું લાગ્યું ભોગવી લઈશ.”
“જેમ સાસુજીની મરજી,” તુળજાગવરીથી નહિ રહેવાયું, એટલે તે વચ્ચે બોલી. “અત્યારે સાસુજીના જીવને કંઈ સારું નહિ હશે તેથી નહિ જમતાં હશે; તેમાં ગંગા જિદ શી કરે છે ? ભૂખ લાગશે ત્યારે સૌ મેળે જમશે, તેમાં શી પોતાને હરકત છે ? ચાલો આપણે સૌ જમી લઇએ, ને એમને માટે ઢાંકી મૂકીયે.”
જ્યાં આવાં કટાક્ષનાં વેણ તુળજાએ કહ્યાં, ત્યાં હવે લલિતા લડકણી બાઈની જીભલી હાથમાં ઝાલી કેમ રહે ? વાત જ શી કરો છો ? તેઓ બળી જળી તો રહ્યાં હતાં તેમાં આ વાક્યો તો તેમને તીવ્ર બાણ જેવાં લાગ્યાં.
“હા, જા જા તારો ભસ્તો ભર ! દકાળવાની દીકરી, રાંડ ભીખારણ, તને ખાવાને મળતું નહોતું તે મકરખુધીપર આવી છે તો જા ખા, તારું પેટ ભર.” શેઠાણીએ ઝડાકો લીધો. “જે જેવું હોય તે તેવું જાણે ! મેં કંઈ તમને બોલાવ્યાં નથી કે તમે વચ્ચે માથું મારો છો. તમને મેં બોલાવ્યાં હતાં કે વચ્ચોવચ્ચ બોલ્યાં ? વગર બોલાવ્યું બેાલે તે તરણાને તોલે.” તુળજા પણ મસેમસે બોલવાથી હઠે તેવી નહોતી. એ થોડું બોલીને થાંભલો કોરે તેવી હતી.
“તું લખાપતિની દીકરી, તેની વચ્ચે બેાલાય કેમ ? પણ તું બોલી કોને માટે ? ભીખારણ, કોના જીવને સારું નથી ? તારો બાપ મરવા પડ્યો હોય તો કોણ જાણે ! જા તેનો ચોકો કરવા જા. આ ઘરમાં આવીને છાકી ગઈ છે, અને પેલે મૂઓ તારો ચોટલો જોઈ રહ્યો છે, તેમાં બહુ લાંબું બોલતાં શીખી હશે, પણ હજી તો હું સાત વાઘ ખાઉ તેવી છું ! મારા જીવને સારું ને નરસું કહેનારી તું કોણ ? તારી મા મરે ને તારો બાપ મરે, મારી વાત તું શાને કરે છે ? હવે મારો પીછો છોડ, હું તો મરી રહી છું ને મારાથી બોલાતું સરખુંએ નથી. તમે રાંડોએ તો મારો કેડો લીધો છે તે મને પીંખી નાખશો કે શું ? હું મરી તો રહી છું તેમાં વધારે ક્યાં મારો છો ?” સાસુજી બોલ્યાં.
“તમને આટલું બધું બોલાવે છે કોણ ? મારો બાપ ને નહિ બાપ કરતાં જરા શરમાઓ. તમે જમવાની ના કહી ત્યારે મેં તે માત્ર ગંગાને જમવાને કહ્યું: તેમાં તમે શાનાં સુગાઈ ઉઠ્યાં ? તમારું તો હું જરાએ નામ દઉં તેવી નથી, ને મારો બાપ તો તમને નાહતાંએ સંભારવાનો નથી. બધું ગામ જાણે છે કે તમારી એાલાદ કેવી છે. તમારો બાપ કોણ હતો તે તો તમે જાણો છો જ ! તમારી મા રેંટિયો કાંતી સુતર આપતી ને તમારો બાપ વેચી આવતો તે જ કેની ! પોતાના પગ તળે બળે છે તે તો તપાસો. તમારો બાપ તે કયો લક્ષાધિપતિ હતો ? આત્મા રામ ભૂખણને ત્યાં આવ્યાં છો તેમાં જ તો આટલો બધો તુમાખ આવ્યો છે તો, બાકી તો નાગર વાણિયાની ન્યાતમાં ક્યાંએ ઠેકાણું લાગત નહિ ! હુ તમને સાફ કહું છું કે, તમારે મને બોલાવવી નહિ.”
“તને બોલાવાય કેમ ? નવાબ સાહેબની બેગમને તે બોલાવાય ! તારી ઓલાદ ને સાત પેઢીની વાત સારું શહેર જાણે છે. હવે તું કહે છે શું? મારે ખાવું હશે તે ખાઈશ. નહિ તો નહિ ખાઉં, પણ તું મને કહેનારી કોણ ?”
“તમને ભૂખ લાગે તો ખાઓ, નહિતર નહિ ખાએાની; મારી કયી બલાને, ભૂખ લાગશે ત્યારે એની મેળે ચૂલા પાસે જશો, કંઈ ચૂલો તમારી પાસે નથી આવવાનો. નહિ ખાશો તો તમારા હાથ પગ અટકશે. પણ છપ્પનવાર ના કહીને પછી જખ મારીને ખાવાને ગયાં તો હતાં.” વહુએ વહુવારુપણું બતાવ્યું.
“હું શાને માટે નહિ ખાઉં ? મારા ધણીનું છે તે ખાઈશ. લે હું તો ખાવા ચાલી; પણ જા તારા માટીનું જ તું ખાજે, મારા ઘરમાં ખાવા આવે તો તને તારા બાપના સમ છે.” શેઠાણી તો આમ બોલતાં જ કે ઉઠીને હેઠળ રસોડામાં ગયાં. ગંગા તેની પછાડી ગઇ, ને જતી વેળા તુળજા ભાભીનો હાથ ખેંચ્યો, પણ તેઓ છોડવીને પોતાના ઓરડામાં ચાલી ગયાં. ગંગાએ જાણ્યું કે, એમને સમજાવી શકાશે, પણ પેલા લડાઈના ગોધા સાસુજીને સમજાવવાં દોહેલાં છે; એટલે તરત તો તે તેની પછાડી ગઇ. કમળી પણ જમવાને ગઇ. ગંગા તથા કમળીને તુળજાગવરી જમવા નહિ આવી, તેથી ખાવું ભાવ્યું નહિ; તેથી સેજસાજ ખાધું ન ખાધું કરી ઉઠી ગયાં. લલિતાગવરીએ પેટ પૂર જમી લીધું ને બે દહાડાનો બરાબર ખંગ વાળ્યો.
ઘરકામ આટોપી લીધું, ને કમળા તથા ગંગાએ તુળજાગવરીને ઘણું સમજાવ્યું, પણ તેમણે નીચેથી ઉંચે જોયું નહિ. ઓસીકાપર માથું નાખીને તેઓ નવધાર આંસુએ રડ્યા કરતાં હતાં. એક પણ શબ્દ તેમણે સાંભળ્યો નહિ, ને ગંગા કમળાએ વિચાર્યું કે હમણાં બોલાવવાં એ વ્યર્થ છે, એમ જાણીને તે બન્ને છૂટી પડી. થોડા વખત સુધી લલિતા શેઠાણીએ ગંગાને પોતાની હુજુર ને હજુર રોકી રાખી, એટલા માટે કે ને પોતાના પતિને મળવાને દોડી જાય નહિ, પણ અકસ્માત તેઓ કોઈ બીજા કામમાં ગુંથાયાથી ગંગા છૂટી પડીને પોતાના ઓરડામાં ગઇ. ખરેખરા ઉમંગમાં આવીને ગંગાએ પોતાના ઓરડામાં પ્રવેશ કીધો. સંધ્યાકાળ થઇ હતી ને એારડામાં દીવાની ઘણી જરૂર જોઇ, પણ દીવો લેવા જતાં વળી પાછી સાસુજીના સપાટામાં સપડાય, તે ભીતિએ ત્યાં ને ત્યાંથી જ મીણબત્તી સળગાવી. કિશેાર ઈઝીચેરપર પડ્યો હતો. દૂર લજજાવંત રીતે ગુણવંતી ગંગા ઉભી રહી. તેના નેત્રમાં પ્રેમ ઝળકી રહ્યો હતો, ને પોતાના પતિના દર્શનથી સીતાને જેમ આનંદ વ્યાપ્યો હતો, તેમ ગંગાની રગેરગમાં આનંદ પ્રસરી રહ્યો. કિશેાર ને ગંગાનાં નેત્ર મળતાં જ પ્રેમભાવથી બંને હસ્યાં; સહજ લજજા પામ્યાં, ને હસતાં હસતાં ગંગાએ પોતાનું પ્રેમ વદન પાછું ફેરવ્યું. પ્રિયા પ્રિયતમ મળે તે વેળાએ આદરાતિથ્ય હોય નહિ, પણ આવી જ વિવેકી સંજ્ઞાઓ થાય છે. હર્ષિત વદને ઉભયનાં નેત્ર, એકમેકને અંતઃકરણથી ભેટ્યાં, અને તે ખરાં અંતઃકરણની ઉર્મીઓનું વર્ણન કાળિદાસ સરખા કવિ વગર કોણ કરી શકે વારુ ?
ઘણા પ્રેમથી સ્મિત હાસ્યવદન કર્યા પછી કિશોરે પોતાની પ્રાણપ્રિયાને, આજ ત્રણ વરસે જે પ્રેમ વછૂટે તે પ્રેમના આવેશમાં હાથ પકડી પાસે તેડી બીજી ખુરસી પર બેસાડી, અને પ્રેમના ઠપકામાં પોતાને જે લાગી આવ્યું, તે જણાવવા બેાલ્યો, “ત્રણ વર્ષે જ્યારે તારાં નિર્મળ પ્રેમ દર્શન કરવાને માટે હું આવ્યો ત્યારે તને તો ઘણો વિલંબ થયો ! પ્રિયે ! ઠીક, આજે આપણે બહુ લાંબે સમયે મળ્યાં છીએ, પણ જલદી તારાથી નહિ અવાયું?”
“વલ્લભ ! કારણ આપથી ક્યાં અજાણ્યું છે? આપનાં માતુશ્રી હોય ને પછી તમારી પાસે આવવું, એ તરવારની ધાર પર ચાલવા જેવું નથી ?” ગંગાએ પ્રેમથી ગળગળી જતાં કહ્યું, “સવારે આપને સહજ કારણસર કેટલું કરી મૂક્યું હતું ?”
“હશે, એ તો એમનો સ્વભાવ છે. સવારનો બનાવ તો હવે શાંત પડ્યો ના ? અને શું તે માટે તેઓ તમને અટકાવતાં હતાં?” કિશોરે પૂછ્યું. “છેક એમ તો નહતું; પરંતુ પાછાં ભાભીજી જોડે માજી લડ્યાં, ને તે ટંટામાં પણ ઘણો વખત વીતી ગયો. ભાભીજી ખાવાને ઉઠતાં નથી અને ચોધાર આંસુએ રડે છે. ઘણા કાલાવાલા કીધા, પણ તેઓ સમજતાં નથી. સાસુજીનો સ્વભાવ છે, તેમ ભાભીજી પણ વખત વિચારી જતાં નથી. બંને જણાં સામસામાં થઈ પડ્યાં ને તેનું પરિણામ એ આવ્યું છે કે, હવે ઘરમાં ઝાઝો સમય શાંતિ રહેવાની નથી. ભાઇજી પણ ઘણા કંટાળી ગયા છે, અને તેમની મરજી પણ ઘર છોડવાની છે. જેવી ઈશ્વરેચ્છા.” ગંગાએ ઘણે દયામણે મુખે કહ્યું.
“ખરેખર ઘરના ઉઠ્યા વનમાં ગયા તે વનમાં લાગી લાહ્ય; તેમ જ્યારે આગબોટ સળગી ઉઠી ત્યારે તેમાંથી બચવા માટે દરિયામાં કૂદી પડ્યો, તો તેમાં પણ ડૂબી મરવાનો સમય આવ્યો. કોલેજમાં આ ત્રણ વરસમાં હું ઘણો કંટાળી ગયો છું, ત્યારે થોડો વખત નીરાંત લેવાને ઘેર આવ્યો, તો ત્યાં કજીયો, કંકાસ ને લડાલડી શિવાય બીજું કંઈ જ નથી. ઘણીવાર મેં માતાજીને આવી ખરાબ રીતને માટે કહ્યું છે, મોટા ભાઈએ મોટી ભાભીને ઠપકો દેવા કંઈ પણ કચાસ રાખી નથી, પણ એ બને એવાં છે કે, એમાં કોણ વધારે નઠોર છે તે હું કહી શકતો નથી. હવે તો બંને જણ સમજે તો જ ઘરની આબરુ જળવાશે, નહિ તો વાત ઘણી વધી પડી છે. તમારી સાથે તો હું ધારું છું કે, માતાજી સારી રીતે વર્તતાં હશે. આજે પ્રિયે, તમને ઘણો શ્રમ પડ્યો હશે ?”
“મારા શ્રમની વાત નહિ કરો ! હું તે શી ગણતીમાં ? સાસુજી કૃપાદૃષ્ટિ રાખે તો બસ. ઘરનાં સૌ તોબાતોબા કરી રહ્યાં છે. ચાકર નફર અને બીજા સઘળા સાથે વઢવાડ જ મંડાઈ છે. એક દિવસ પણ લઢાઈ વગર જતો નથી.” ગંગા બોલી, પછી થોડીવાર ચૂપ રહી કહ્યું, “મોટી બહેન ને ભાભીજી, એ બંને સાથે રોજનાં છોડાં ફાડવામાં આવે છે, તે આપણા ગૃહસ્થ ઘરને છાજતું નથી. ગૃહિણીના ધર્મ તો સાસુજી વિસરી જ ગયાં છે, સસરાજી પણ ઘણા કંટાળ્યા છે. કહેતાં લજજા ઉપજે છે, પણ ગૃહસ્થાઈને ન છાજે એવા અપશબ્દો આપણા કુટુંબને લજાવે છે.”
“હશે, હવે એ વાત પડતી નાંખો. તમે શરીરે તો આરોગ્ય છેાની ?” કિશેારે પ્રેમથી પૂછ્યું.
“આ૫ સ્વામીનાં દર્શન થયા પછી આરોગ્યતા ક્યમ નહિ હોય ! પણ આ વેળાએ તમે ઘણા લેવાઈ ગયા છો. પરીક્ષાનું કામ ઘણું મહેનતનું છે, તેને લીધે આ વેળાએ તમારા મોપરથી નૂર ઉડી ગયું છે. સાચે, તમે અથાગ શ્રમ લીધો છે, અને ઈશ્વરેચ્છા હશે તો તેનો સારો બદલો મળશે. તમારી નાજુક પ્રકૃતિને લીધે તો તમે છેક જ સુકાઈ ગયા છો, હમણાં કેમ છો વારુ ?” શરમાતાં શરમાતાં ગંગા ગુણવતીએ પ્રશ્ન પૂછ્યો.
“હમણાં ?” કિશોરે આશ્ચર્ય પમાડવા પાછો પ્રશ્ન કીધો. “જો આ ક્ષણને માટે મને પૂછવામાં આવતું હોય તો હું એમ કહું છું કે, ઈંદ્રનું નંદનવન પણ કુછ બિસાતમાં નથી. તારું પ્રેમાળ મુખડું નિરખતાં કોણ પોતાનું દુઃખ વિસરી નહિ જાય ? ખરેખર નેત્રમણિ ગંગા, તારા પત્રોથી જ મારાં ત્રણ વરસ બહુ સુખશાંતિમાં ગુજરી ગયાં. જે દિવસે તારો પત્ર મળતો, તે દિવસે જે ઉમંગથી અભ્યાસમાં રોકાતો, તેવો ક્વચિત જ રોકાતો હતો.”
“મારા પિતાજી આપને મળ્યા હતા ? હમણાં પૂનેથી તેઓ મુંબઈ આવ્યા હતા.” ગંગાએ પોતાના બાપની ખબર પૂછી. એટલામાં દરવાજા નજીક કોઈનાં પગલાં સંભળાયાં, ને ગંગા ઘણી ચમકી તે બારણા બહાર ગઈ, પણ કોઈ જણાયું નહિ. મદન તુળજાના ઓરડામાં જાગ્યો હતો, ત્યાંથી તેને લઈ પાછી ફરી. એટલામાં નીચે વાળુની વેળા થઈ હતી, તેની બૂમ પડી. કિશોરે કહ્યું કે, “મોટી ભાભી હમણાં તબીયત નાજુક છે તે ભૂખ્યાં રહેવાથી ઘણાં હેરાન થશે, માટે તેમને તેડતાં જવું જોઈયે.” પછી બંને દંપતી તેના ઓરડામાં ગયાં, પણ તેનું રડવું રહ્યું નહોતું. સાસુજીએ જે કેટલાક શબ્દો કહ્યા હતા, તે ઘણા વજ્રબાણ જેવા લાગ્યા હતા, જો કે તેણે પણ કંઈ ઓછું કહ્યું નહોતું.
કિશેારે મદનને પોતાના હાથમાં લીધો, પણ તે પોતાની કાકીના હાથપર પડવાને ઝીંપલાવતો હતો. ગંગાએ જઈને તુળજાના મોંપરથી લૂગડું ખસેડ્યું, પણ તેણે આંખ ઉઘાડી નહિ. કિશેારે એક જ વાકય કહ્યું કે, “આમ જુઓ ભાભી સાહેબ ! દિયેરજીની પરોણાગત આ પ્રમાણે કરશો કે ? ભલે, જેમ ઘટિત લાગે તેમ કરો, પણ હું આવ્યો ને તમે રુસણાં લઈને બેસો તો પછી મારે જલદી ઘરથી પાછા ફરવું પડશે.”
તુળજા ઘણી શરમાઈ ગઈ
તે ઉઠીને ઉભી થાત, પણ શરમાઈ તેથી ઉઠાયું નહિ.
તે ઉંચે જોઈ શકી નહિ, પણ ગંગાએ કહ્યું, “જરા આંખ ઉઘાડીને જુવો કે કોણ છે ? નાના દિયરજીનો આવો સત્કાર કે ?”
તુળજાએ આંખ ઉઘાડીને જોયું કે બન્ને - કિશેાર ને ગંગા ખડખડાટ હસી પડ્યાં.
“ચાલો, ચાલો, વાળુનો વખત થઈ ગયો ને વળી તમારાં સાસુજી તમને અને અમને બંનેને વખાણશે !!” કિશોરે કહ્યું.
મદન, કિશેાર, ગંગા ને તુળજા ચારે જણ રસોડામાં ગયાં.
સૌ જમી રહ્યાં હતાં, ને માત્ર એ ચાર જ જમવાનાં હતાં: તુળજાગવરી સાથે સૌ બેસી ગયાં. વેણુગવરીની ગેરહાજરીમાં ગંગાએ જાતે પીરસી લીધું.
જમી રહ્યા પછી સૌ પોતપોતાના શયનગૃહમાં ગયાં.
આપણી નાયિકા ને નાયક આનંદભેર પોતાના શયનગૃહમાં ગયાં. પ્રેમવીણાનો તાર અપાર હતો.