ગંગા - એક ગુર્જર વાર્તા/સસરો ને વહુ
← પ્રેમ પરીક્ષા | ગંગા - એક ગુર્જર વાર્તા સસરો ને વહુ ઇચ્છારામ દેસાઇ ૧૯૨૮ |
ધણિયાણી → |
ઉનાળો પૂરો થઈને ચોમાસું બેસી ચૂક્યું હતું. આ વખતે મોહનચંદ્રની તબીયત ઘણી નાદુરુસ્ત ચાલતી હતી. તેનામાં ઉઠવાની જરા જેટલી પણ ગતિ નહોતી, ને હમણાં છેક જ ખાટલાવશ થયેા હતો. શ્રાવણ માસના ઘણા રમણીય દિવસેામાં આપણી નાયિકાનું ઘર શોકાતુર અવસ્થામાં આવી ગયું હતું.
મોહનચંદ્રને ઘણો સખત તાવ આવતો હતો, છતાં તેની આવી માંદગીમાં લલિતાબાઈએ લઢવા વઢવાનો પોતાનો સ્વભાવ છોડી દીધો નહોતો. વૈદ્યરાજનું ઔષધ ચાલતું હતું, ને જેમ જેમ મોહનચંદ્રની પ્રકૃતિ વધારે બગડતી ગઈ તેમ તેમ ડોકટરની જરૂર ગંગાને ઘણી જણાઈ, પણ શેઠાણી તો વારંવાર પોતાની અશુભ વાણીમાં એટલુંજ બોલ્યા કરતાં કે “ડોસાને તો ધાડે ખાવાની નથી.” ગંગા એથી તદ્દન ઉલટું જ જોતી હતી. તેની પૂર્ણ ખાત્રી થઇ હતી કે આ વેળાનો મંદવાડ ઘણો ભારી છે ને તેમાંથી બચવું ઘણું મુશ્કેલ છે. મોહનચંદ્રની તબીયત સંભાળવાને ગંગા ને કમળા બે તેમની પાસેનાં પાસે બેસી રહેતાં હતાં. ઋતુ અતિઘણી રમણીય હતી. શ્રાવણ માસનો સરવરીઓ મેહુલો ધીમે ધીમે પડતો હતો ને આકાશ ઘેરાયલું જણાતું હતું, મંદ મંદ પવનની લહેર અને રૂપેરી સૂર્યનો સફેદ પ્રકાશનો બહાર દિલ લલચાવનાર હતો. આખો દહાડો વરસાદ પડવાને લીધે કોઈથી ઘરબહાર નીકળાતું નહિ, પણ જો નીકળાત તો પણ ગંગા કદી આવી ખરાબ અવસ્થામાં પોતાના પિતાતુલ્ય સસરાજીને મૂકીને બહાર નીકળત પણ નહિ. ડોસાનો મંદવાડ જબરો હોવાને લીધે તેણે આજ લગભગ દશ દિવસ થયા ઘરબહાર પગલું ભર્યું નથી, એટલું જ નહિ, પણ તેમની પાસેની પાસે જ ખડી રહેતી. વૈદ્યરાજ પણ તેને ખસવાની મના કરી ગયા હતા.
દશ દિવસનો ઉજાગરો હોવાથી રાત્રિના દશ વાગી ગયા પછી બાજુએ એક કોચપર ગંગા જરા આડી થઇ, કમળાએ ડોસાને સાબુચોખાની કાંજી કરીને પાઇ, ને તે ડોસાએ ધીમે સાંસ્તે પીધી. રાત્રિના વરસાદ રહી ગયો હતો, ને આકાશ નિર્મળ થયું હતું. કમળા બારીએ ઉભી ઉભી મન સાથે વિચાર કરતી હતી, ને ખરેખર આ દેખાવ જ મનમોહક હતો. એ સમય તરુણ તરુણીને પ્રેમમાં નિમગ્ન કરે તેવો હતો, પણ જે ભૂખ્યું હોય તેનું કંઈ આવી ખૂબીઓ તરફ મન લાગે નહિ, ને જેને માથે ધગધગતો અગ્નિ તપતો હોય તેને શીતળ પવન સુખ આપે નહિ, તેમ જ કમળાને મનમાં થયું હતું. જે વેળાનું વર્ણન અમે લખીએ છીએ તે વેળા, ગમે તેવી કુદરતી લીલાનું વર્ણન કરવા યોગ્ય હતી, પણ કમળા ચિત્તભ્રમ થયેલી ઉભી હતી, ને તેવામાં ડોસાએ બૂમ મારી કે “કોઇ છે ?” કમળાએ તે સાંભળ્યું નહિ, ને તેથી તે ઉભીજ રહી. તેવામાં ડોસા પથારીમાંથી ઉઠવા ગયા ને એકદમ ચકરી આવી ને ભોંયપર પડ્યા. આના ધબાકા સાથે જ ગંગા એકદમ જાગી ઉઠી.
મીનારાના ઘડિયાળમાં રાત્રિના બરાબર બાર વાગ્યા. દીવો ધીમો ધીમો બળતો હતો, ને ઉપર મોગરો આવવાથી તે સહજ સહજ ઝાંખો થતો જતો હતો. આખા મોહલ્લામાં તદ્દન શાંતિનું રાજ્ય ચાલતું હતું; ને આ શાંતિ ઉલટી ભય ઉત્પન્ન કરતી હતી. કંઇ પણ શબ્દ સંભળાતો નહોતો, ગગડાટ પણ નહોતો. કમળા ચિત્તભ્રમ હતી, ગંગા સૂતેલી હતી, શેઠાણી બીજા ઓરડામાં નાક ગગડાવતાં પડેલાં હતાં, એારડો દૂર હોવાથી તેમના નાકના સુસવાટાનો અવાજ સંભળાતો નહોતો, તેમના જીવને ધીરજ હતી, કે ડોસાને કશુંએ થવાનું નથી. તેઓ તદ્દન નિશ્ચિંત જીવે હતાં, એટલે ઓરડામાં શું થાય છે તેથી તદ્દન અજાણ્યાં હતાં.
“આવો ! આવો!” એકદમ ડોસાએ પડતા સાથે બૂમ મારી.
“શું છે ? શું છે ? સસરાજી !” આંખ એકદમ ઉઘાડી ઉભી થઇ તરત જ પાસે આવતાં ગંગા બોલી, “કેમ તમને શું થયું ? પડી ગયા ?” તરત જ કોચ નજીક આવતાં તે બોલી ઉઠી, “કમળા બહેન ક્યાં ગયાં ? મોટી બહેન મોટી બહેન ?” એમ આસપાસ ઉઘાકળી આંખે કમળાને ન જોઈ તેથી બૂમ મારી.-
“ભાભી, કેમ, કેમ ?” તરત જ સાવધ થઈને કમળા પાસે આવી.
“તમે નહિ સાંભળ્યું ?”
“ના, મને ખબર નથી.”
“ક્યાં ગયાં હતાં ?”
“એ પાસે બારીએ ઉભી હતી.”
“સસરાજી ઘણું કરીને પડી ગયા!”
“નહિ હોય, મેં કંઈ સાંભળ્યું નથી, તમને ભ્રાંતિ થઇ હશે.”
“નહિ, નહિ, ખરેખર પડી ગયા છે.”
“બાપાજી, બાપાજી !” કમળાએ ત્રણવાર બૂમ મારી પણ કશો જવાબ મળ્યો નહિ.
બંને જણાં ઘણાં ભરાયાં, ને પાસે મીણબત્તી પડી હતી, તે સળગાવી લાવીને ગંગાએ તેમના મોં આગળ ધરી, તો તેમનો ચેહેરો તદ્દન ફીકો અને કંઈ પણ હીલચાલ વગરનો જણાતો હતો, ને બિછાનાપર ચત્તાપાટ પડ્યા હતા. માત્ર નસકોરામાંથી શ્વાસ ધોકારાબંધ ચાલ્યો જતો હતો. તરત જ પાસેના ઘડિયાળમાં એક વાગ્યો. દવા આપવાનો સમય થયો હતો, તેથી પાસે જઈને ગંગાએ તેમનું માથું તપાસ્યું તો માથાપર શ્રમને લીધે ઝરી છૂટી હતી. છાતીએ ડોકટરનું આપેલું તેલ ઘસ્યું ને થોડીવારે શ્વાસ ધીમો પડ્યો, “ઓ રે” કરીને બૂમ મારી જરાક પાસું ફેરવ્યું ને ત્યારે બંને જણાંને ધીરજ આવી.
થોડીકવાર ડોસા પડી રહ્યા. ગંગા ને કમળી પાસેનાં પાસે બેઠાં હતાં, અડધો કલાક વીત્યા પછી ધીમે સાદથી ડચકીયાં ખાતા ખાતા ડોસા બોલ્યા.
“ગંગા ! મારી વહાલી દીકરી ! તું નહિ હોત તો મારી શી અવસ્થા થાત ? હાય હાય, કોઈ પણ મારી ચાકરી કરનાર નથી. તું જ એકલી મારી પાસેની પાસે બેસી રહે છે. એ તારો મારા પર થોડો ઉપકાર થાય છે કે ?"
“સસરાજી ! એ શું બોલો છો ? મારો ધર્મ છે ને તે હું બજાવું છું, તેમાં વધારે શું કરું છું ? તમારી તો જેટલી સેવા થાય તેટલી થોડી.” ગંગાએ ખરેખરા આદરથી જવાબ દીધો.
“નહિ, નહિ, દીકરી ! તું તો મારે ત્યાં રત્ન છે. મારા કિશોરનું ધન્યભાગ્ય છે ! સાથે મારા આખા કુટુંબનું ભાગ્ય પણ તેટલું જ મોટું છે, કે તારા જેવું રત્ન મારે ત્યાં આવ્યું છે.”
ગંગા આ વાત ઉડાવવા માટે બોલી ઉઠી.
“હવે વૈધરાજના ઔષધનો સમય થયો છે, માટે તે લેશો સસરાજી?”
“હા બેટા ! પણ હવે વૈદ બૈદના નકામા પૈસા નહિ ખરચો, હવે તો ઈશ્વરસ્મરણ કરવાનો સમય છે, બેહેન કમળી, ગંગા, તમે મારી પછાડી જે મહેનત લો છો, તેને બદલો તો પ્રભુ વાળશે, પણ હવે ઔષધની વાત જવા દો, હવે તો અંબામાતાને સંભારો. આપણા દહાડા તો ભરાઈ ચૂક્યા છે. વૈદ્યરાજ ગમે તેટલી આશા આપે, પણ મને ખાત્રી છે કે હવે હું બચવાનો નથી,” તૂટક તૂટક શબ્દમાં ઘણી વેળાએ મોહનચંદ્રે આ પ્રમાણે કહ્યું. “સસરાજી, એવા વિચાર તમે મનમાંથી કાઢી નાખો.”
“ના બેટા, હવે તે નીકળવાના નથી, મને સાક્ષાત્ માતાનાં દર્શન થાય છે ! તે પોતાના અલૌકિક સ્વરૂપમાં મારી પાસેનાં પાસે ઉભાં છે, ને હવે તો હું તેમની સાથે જઈશ.”
“તમે જરાક ઔષધ લો, એટલે તમને આરામ પણ થશે, ને જરાક કૌવત પણ આવશે. વૈદ્યરાજ કહેતા હતા કે તમારા શરીરમાં અશક્તિ છે, બીજું કશુંએ નથી.”
“એ બધુંએ ખરું, પણ હવે કૌવત આવવાનું ઔષધ વૈદ્ય પાસે નથી. મને હવે મારી ફિકર નથી, પણ તમારી ફિકર છે. કમળા બેહેન, તારી મા ઘણાં સારાં માણસ છે, પણ તમે તેમને સંભાળી લેશો. વારંવાર લડવાનો તેમને શોખ છે, પણ તમે તેમને તપાસશો તો ઘરની આબરૂ રહેશે. હવે હું તમને કોઈ દહાડો શીખામણ આપવા આવનાર નથી, તેથી આટલું છેલ્લું કહી લઉં છું. તમારા પિતાજીનાં આ છેલ્લાં વચન છે તે છેલ્લાં દાન તરીકે માની લેશો. ગંગા, મને અટકાવીશ નહિ. આજે અહિયાં કેાઈ નથી, તેથી તમને બંનેને શીખામણ આપવી જરૂરની છે, કેમકે તમે બંનેને લીધે ઘર ચાલે છે. જો બેહેન, યાદ રાખજે કે તારી મા કદી સુધરવાની નથી, તેથી ગમે ત્યારે તેને લડવાનો રસ્તો જડી આવશે, પણ તમારે બંનેએ એકકે ઉત્તર તેને દેવો નહિ. ગંગાને તો મારે કંઇ જ કહેવાજોગ નથી. તારામાં શું ઓછું છે કે હું કહું, મારા કિશોરને સંભાળી લેજો. તે ઘણો નમ્ર, કુમળો ને માયાળુ છે.”
“હવે આ ઘડીએ એવા વિચાર કશા કામના નથી, સસરાજી !” ગંગાએ તેમને શ્વાસ ઘણો વધતો જતો જોવાથી કહ્યું: “તમે ઔષધ લો !”
“ઠીક છે, લાવો, જ્યારે તમારી મરજી છે ત્યારે લઇશ.” ગંગાએ ગ્લાસમાં ઔષધ આપ્યું, પણ પીતાં પીતાં બે તૃતીયાંશ ભાગ ઢોળાઇ ગયો, ને એક તૃતીયાંશ પીવામાં ગયો.
પીતાંની સાથે થાક ચઢવાથી પાછા ડોસા પડ્યા. ગંગા તેમના પડખામાં બેઠી હતી, તેણે પાસે જઇને બરાબર સુવાડ્યા, અને વળી વધારે વાત કરશે, એવા ભયથી બંને જણ ત્યાંથી ખસી જવા તૈયાર થયાં.
“ક્યાં જશો ?”
“અમે અહિયાં જ છીએ, સસરાજી !”
“ના, મારી પાસે બેસો.”
“હવે તમે જરાક ઊંઘી જાએ તો ઠીક.”
“હવે ઉંઘ કેવી ?”
“તમે નિશ્ચિંત જીવે ઉંઘશો તો કશી હરકત નથી.”
“બેહેન કમળી, બેટી ગંગા ! હવે મને ઉંઘ આવે ? રામ રામ કરો ! આપણી ઉંઘ તો હવે ગઈ. પણ મારે તમને કહેવું છે તે સાંભળો.”
“પિતાજી, સવારે નહિ સંભળાવાય ?”
“ના;” જરાક તરડાઇને જવાબ દીધો. પણ રખેને ગંગાને ખોટું લાગે તેટલા માટે એકદમ પાછું બેાલવું જારી કીધું. “ગંગા, હું ચીઢવાઇને જવાબ દઉં છું, તેથી તારા મનમાં ખોટું ન આણતી, હવે ઘરડાં ને ગાંડાં બરાબર છે.”
“સસરાજી એવા વિચાર શું કામ આણો છો ? મારા પિતાના ચીઢવાથી ખેદ આણું તો તમારા બોલવાથી ખેદ આણું; પણ હવે તમે ઉંઘો તે ઠીક.”
થોડીકવાર ડોસા પડી રહ્યા. અડધોક કલાક એમને એમ વહી ગયો, ને કમળી ભેાંયપર પડી ને ઉંઘી ગઈ. એકલી ગંગાજ જાગતી હતી. ગંગાએ પોતાની જે બરદાસ્ત ને ચાકરી કીધી હતી, તેથી ડાસાના મનમાં એટલો બધો પ્રેમનો ઉમળકો છૂટતો હતો કે તેનાથી પોતાના ઉભરા કાઢવા વિના રહેવાયું નહિ. “અરે ગંગા !” એમ બોલી જરાક ચૂપ રહ્યા, “બેટા, હું હવે તને છેલ્લું જ કહીશ. તને હું મારા દીકરાની વહુ ગણું તેના કરતાં પણ તું વધારે લાયક છે. આજ દશ દશ દિવસ થયા તું અખંડ ઉજાગરા કરે છે, એ જ તારું સુલક્ષણાપણું બતાવે છે. મારી દીકરીઓમાં પણ તું વડી છે. મારા કુટુંબમાં પણ તું વડી છે. તારા જેવી કુળવધૂ નાગરી ન્યાતમાં કોઈ નહિ હશે. તેં મારી સેવા કરવામાં કશી પણ કચાશ રાખી નથી. આ મારી માંદગીમાં મારી માતા પ્રમાણે તેં ચાકરી કીધી છે. શું તું પેલે ભવે મારી મા હતી ? જેમ એક મા પોતાના બાળકની માવજત કરે તેમ તે મારી માવજત કીધી છે. ઓ મારી મા, હવે તું ક્યારે મળશે ? હવે હું મરીશ, પણ મને ઘણો સંતોષ છે કે મારા કુળમાં એક અનુપમ રત્ન છે, જેનાથી આખું કુળ તેજસ્વી જણાય છે. પણ ઓ મા, તું ક્યાં છે ?” એમ કહીને ગંગાનો કોમળ હાથ પોતાના હાથે પકડી માથે ફેરવ્યો.
ગંગાની આંખમાંથી મોહનચંદ્રની કોમળ વાણી સાંભળી ઢળક ઢળક આંસુ પડવા લાગ્યાં, તે કંઈ પણ બોલી શકી નહિ.
“ખરેખર તું મારા ઘરની દેવી છે, તેનાથી પણ વધારે છે. સાક્ષાત્ તું જ અંબા છે, એક વહુમાં આવા સદ્દગુણ એ તો ખરે ઈશ્વરની જ બક્ષીસ છે.”
“સસરાજી, હવે ઘણું નહિ બોલો, તમને વધુ દુ:ખ થશે, જુવોની વારુ, તમારાથી હમણાં બોલાતુંએ નથી.” ગંગાએ ઝીણે સ્વરે ધીમેથી કહ્યું.
“નહિ હું બેાલીશ-મારાથી બોલાશે ત્યાં સુધી તારી ને તારી જ સાથે બોલીશ, ને મારાથી જોવાશે ત્યાં સૂધી તારું મુખડું જોઇશ. હવે હું થોડા દહાડાનો છું. તારો ઉપકાર, તારી સેવા હું કદીપણ ભૂલીશ નહિ. હું કોઇ પણ જન્મમાં તને યાદ કરીશ, તું એક ચંદ્રમુખી દેવી મારા ધરમાં વસી છે.”
“તમને પંખો નાખું ?”
“ના, હવે શી જરૂર છે ?”
“તમારા પગ ચાંપું ?”
“તેનીએ શી જરૂર છે ? બેટા તેં બહુ માથું ચાંપ્યું ને પગ ચાંપ્યા છે, હવે તને શ્રમ આપું? હવે મને જે પરસેવો થાય ! આખરનો સમજવો. હવે તો માત્ર તારી સાથે બોલીશ. તારા ગુણ ગાઇશ. જ્યારથી તું મારા ઘરમાં આવીને વસી છે, ત્યારથી મારે આનંદ ને લીલાલેહેરમાં આવ્યું છે. હું તને આશિષ આપું છું સુખી થજે.”