ગણેશ પાટ બેસાડિયે
અજ્ઞાત



ગણેશ પાટ બેસાડિયે

ગણેશ પાટ બેસાડિયે વા'લા નીપજે પકવાન
સગા સંબંધીને તેડિયે જો પૂજ્યા હોય મોરાર

જેને તે આંગણ પીપળો તેનો ધન્ય ધન્ય અવતાર
સાંજ સવારે પૂજીયે જો પૂજ્યા હોય મોરાર

જેને તે આંગણ ગાવડી તેનો ધન્ય ધન્ય અવતાર
સાંજ સવારે દોણું મળે જો પૂજ્યા હોય મોરાર

જેને તે પેટે દીકરી તેનો ધન્ય થયો અવતાર
સાચવેલ ધન વાપરે જો પૂજ્યા હોય મોરાર

જેને તે પેટ ચાર દીકરા તેનો ધન્ય થયો અવતાર
વહુવારુ પાયે પડે જો પૂજ્યા હોય મોરાર

રાતો ચૂડો તે રંગભર્યો ને કોરો તે કમખો હાર
ઘરચોળે ઘડ ભાંગીએ જો પૂજ્યા હોય મોરાર

કાંઠા તે ઘઉંની રોટલી માંહે ઢાળિયો કંસાર
ભેગા બેસી ભોજન કરે જો પૂજ્યા હોય મોરાર

ગણેશ પાટ બેસાડિયે ભલા નીપજે પકવાન
સગા સંબંધીને તેડિયે જો પૂજ્યા હોય મોરાર