ગાંધીજીનો અક્ષર દેહ - ૧/દાદાભાઈ નવરોજીને પત્ર-૨

← નાતાલના ગવર્નરને પત્ર ગાંધીજીનો અક્ષરદેહ
દાદાભાઈ નવરોજીને પત્ર-૨
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
લૉર્ડ રિપનને અરજી →


૩૪. દાદાભાઈ નવરોજીને પત્ર
C/૦ મેસર્સ દાદા અબદુલ્લા ઍન્ડ કં.,

ડરબન,

જુલાઈ ૧૪, ૧૮૯૪

ધિ ઑનરેબલ મિ. દાદાભાઈ નવરોજી, એમ.પી.

સાહેબ,

ચાલુ માસની ૭મી તારીખના પત્રના [૧]અનુસંધાનમાં મારે જણાવવાનું રહે છે કે ફ્રૅન્ચાઈઝ લૉ ઍમેન્ડમેન્ટ બિલ[મતાધિકારના કાયદામાં સુધારાના ખરડા]ની સામેની પ્રવૃત્તિ નીચે મુજબ અાગળ વધી છે :

૭મી તારીખે ખરડો લેજિસ્લેટિવ કાઉન્સિલમાં ત્રીજા વાચનમાં મંજૂર થયો. કાઉન્સિલને કરવામાં આવેલી બીજી અરજી સ્વીકારાઈ હતી. કાઉન્સિલની સભા અરજી પર વિચારણા કરે ત્યાં સુધી ખરડાનું ત્રીજું વાચન મુલતવી રાખવાની દરખાસ્ત એક માનનીય સભ્યે રજૂ કરેલી. તે દરખાસ્ત નામંજૂર થયેલી.

સિવાય કે નામદાર શહેનશાહબાનુ ખરડાને નામંજૂર કરે તે શરતે ગવર્નરે તેને પોતાની સંમતિ આપી છે.

નામદાર શહેનશાહબાનુની ખરડાને નામંજૂર કરવાની ઇચ્છા નથી એવી ઢંઢેરા મારફતે અગર બીજી રીતે ગવર્નર જાહેરાત ન કરે ત્યાં સુધી તે કાનૂન બનશે નહીં એવી જોગવાઈની ખરડામાં એક કલમ છે.

આ પત્રની સાથે વિલાયતની સરકારને કરવામાં આવેલી અરજીની[૨]નકલ મોકલું છું. તે ઘણુંખરું ચાલુ માસની ૧૭મી તારીખે અહીં ગવર્નરને રવાના કરવામાં આવશે. તેના પર લગભગ ૧૦,૦૦૦ હિંદીઓ સહી કરશે. પ,૦૦૦ સહીઓ અત્યાર સુધીમાં આવી ગઈ છે.

કાઉન્સિલને કરવામાં આવેલી અરજીની[૩] નકલ તમને મોકલી શકતો નથી તે માટે હું દિલગીર છું. છતાં જેમાં તેને વિષે ઠીક ઠીક સારો હેવાલ આવેલો છે એવી વર્તમાનપત્રની એક કાપલી મોકલવાની રજા માગી લઉં છું.

અાથી વધારે કહેવાનું કંઈ રહી જતું હોય એવું મને લાગતું નથી. અહીંની સ્થિતિ એવી અણી પર આવી છે કે મતાધિકારના કાયદામાં સુધારો કરવાનો ખરડો કાનૂન બનશે તો દસ વરસ બાદ હિંદી માત્રની સ્થિતિ સંસ્થાનમાં છેક અસહ્ય બની જશે.

હું છું,

તમારો આજ્ઞાંકિત સેવક

મો. ક. ગાંધી

[મૂળ અંગ્રેજી]
ગાંધીજીના પોતાના હસ્તાક્ષરના મૂળ લખાણની છબી પરથી


  1. ૧. આ પત્ર મળતા નથી.
  2. ૧. આગળ પા. ૮૭ જોવું.
  3. ૩. પાછળ પા. ૮૦ જોવું.