ગાંધીજીનો અક્ષર દેહ - ૧/દાદાભાઈ નવરોજીને પત્ર-૩
← લૉર્ડ રિપનને અરજી | ગાંધીજીનો અક્ષરદેહ દાદાભાઈ નવરોજીને પત્ર-૩ [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] |
નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસ → |
ધિ ઑનરેબલ મિ. દાદાભાઈ નવરોજી, એમ. પી. સાહેબ,
ચાલુ માસની ૧૪મી તારીખના મારા પત્રના અનુસંધાનમાં મારે નીચેની માહિતી આપવાની છે:
વિલાયતની સરકારને કરેલી અરજી જેની નકલ તમને અત્યાર અગાઉ મોકલવામાં આવી છે તે મેં સાંભળ્યું છે કે ગયે અઠવાડિયે અહીંથી રવાના થઈ ગઈ છે.
મને ખબર આપનારની વાત સાચી હોય તો ઍટર્ની જનરલ મિ. એસ્કંબે એવી મતલબનો રિપોર્ટ મોકલ્યો છે કે ખરડાને મંજૂર કરવાનું એકમાત્ર કારણ દેશીઓ પરની સરકારને એશિયાઈઓના તાબામાં જતી અટકાવવાનું છે. ખરું કારણ જોકે અસલમાં આવું છે. એ લોકો હિંદુસ્તાનીઓ પર એવી ગેરલાયકાતો લાદવા માગે છે અને તેમને એવી રીતે અપમાનિત કરવા ધારે છે કે તેમને અહીં કૉલોનીમાં રહેવામાં કશો સાર ન લાગે. અને છતાં હિંદુસ્તાનીઓ વગર તેમને ચલાવવું છે એટલે કે તેમને સમૂળગા અહીંથી હાંકી કાઢવા છે એવુંયે નથી. જે હિંદુસ્તાનીઓ પોતાના સાધનના જોર પર અહીં આવે છે તે બેશક એમને ખપતા નથી અને કરારથી બંધાઈને આવતા હિંદુસ્તાનીઓની તેમને ખૂબ ગરજ છે; પણ તેમનાથી પાડી શકાતી હોય તો કરારથી બંધાઈને આવનારા હિંદુસ્તાનીને કરારની મુદત પૂરી થયે હિંદ પાછા જવાની ફરજ પાડવા માગે છે. ખરેખરો સિંહભાગ એમને ખાવો છે! એ લોકો બરાબર જાણે છે કે આ વાત તેઓ એકે તડાકે સાધી શકે એમ નથી. અને તેથી તેમણે ફ્રૅંચાઈઝ બિલ[મતાધિકારના કાયદાના ખરડા]થી શરૂઆત કરી છે. એ સવાલ પર વિલાયતની સરકારનું વલણ કેવું રહેશે તે તેમને ચકાસી જોવું છે. ઍસેમ્બલીના એક સભ્ય મને લખે છે કે વિલાયતની સરકાર ખરડાને મંજૂરી આપશે એવું તે પોતે માનતા નથી. બિલને મંજૂરી ન મળે એ હિંદી કોમની દૃષ્ટિથી કેટલું મહત્ત્વનું છે તે કહેવાની ભાગ્યે જ જરૂર છે.
નાતાલ હિંદીઓને માટે ખોટી જગ્યા નથી. હિંદુસ્તાની વેપારીઓમાંથી ઘણા અહીં આબરૂભેર રોજી રળે છે. આ ખરડો કાયદો બનશે તો હિંદુસ્તાનીઓની ભવિષ્યમાં વેપારરોજગારનું સાહસ કરવાની વાતને ભારે ફટકો પડશે.
અલબત્ત, આ પહેલાં એક વાર મેં જણાવેલું તેમ ફરી પણ હું જણાવું કે દેશી લોકો પરની હકૂમત યુરોપિયનોના હાથમાંથી સરકીને હિંદીઓના હાથમાં જાય એવી જરાયે સંભાવના નથી. એ વાત તો ખાલી વિલાયતની સરકારને ભડકાવવાને સારુ ચલાવવામાં આવી છે. અહીંની સરકાર સમેત અહીં રહેનારાં સૌ કોઈ બરાબર જાણે છે કે એ વાત કદી બને એવી નથી. હિંદુસ્તાનીઓ બે કે ત્રણ ગોરાઓને સભ્યો તરીકે ચૂંટી મોકલે એવું તેમને જોઈનું નથી; કેમ કે તે સભ્યો પછી હિંદીઓના હિતના બચાવમાં રહે. અને સરકારનો ઇરાદો એવો છે કે આવા સભ્યો નહીં હોય ત્યારે કોઈ પણ પ્રકારના વિરોધ વગર પોતે હિંદુસ્તાનીઓને બરબાદ કરવાને ફાવે તેમ કરી શકે.
આ અરજીની નકલો મેં સર વિલિયમ વેડરબર્નને તેમ જ બીજાઓને મોકલી છે. ઉપરાંત મેં હિંદુસ્તાનનાં અખબારોને માટે પણ મોકલી છે.
મારા પત્રના લંબાણને માટે ક્ષમા કરવા વિંનંતી છે કેવી રીતે કાર્ય કરવું તે વિશે સૂચના કરશો તો તમારો મારા પર ભારે ઉપકાર થશે.
[મૂળ અંગ્રેજી]
ગાંધીજીના પોતાના હસ્તાક્ષરમાંના મૂળ લખાણની છબી પરથી.