ગાંધીજીનો અક્ષર દેહ - ૧/મિ. ચેમ્બરલેનને અરજી-૪

←  નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસ-૨ ગાંધીજીનો અક્ષરદેહ
મિ. ચેમ્બરલેનને અરજી-૪
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
હિંદ જતાં પહેલાંની મુલાકાત →


૮ર. મિ. ચેમ્બરલેનને અરજી
ડરબન,


મે ૨૨, ૧૮૯૬


પરમ માનનીય જોસફ ચેમ્બરલેઈન,
સમ્રાજ્ઞીના મુખ્ય સંસ્થાન મંત્રી,
લંડન જોગ
નાતાલ સંસ્થાનમાં વસતા નીચે સહી કરનારા હિંદી બ્રિટિશ પ્રજાજનોની અરજી

નમ્રપણે જણાવવાનું જે:

અમો આપના અરજદારો મતાધિકાર કાનૂન સંશોધન વિધેયક સંબંધમાં આપ મહાનુભાવની વિચારણા માટે નીચેનું નિવેદન રજૂ કરીએ છીએ. આ વિધેયક નાતાલ સરકાર તરફથી, નાતાલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે. ૧૩મી મે, ૧૮૯૬ના રોજ કેટલાક સુધારા સાથે એ ત્રીજા વાચનમાંથી પસાર થઈ ગયું છે.

૩જી માર્ચ, ૧૮૯૬ના નાતાલ સરકારના ગૅઝેટમાં પ્રગટ થયા મુજબનો એનો મૂળ પાઠ નીચે મુજબ છે:

મતાધિકાર અંગેના કાનૂનને સુધારવા માટે:
કારણ કે મતાધિકાર સંબંધી કાનૂન સુધારવાનું જરૂરી છે,
એટલા માટે નાતાલની વિધાનપરિષદ અને વિધાનસભાની સલાહ અને સંમતિથી અને તે દ્વારા મહામહિમાવાન સમ્રાજ્ઞી નીચે મુજબનો કાનૂન બનાવે છે:
૧. ૧૮૯૪નો કાનૂન નં. ૨૫ રદ કરી દેવામાં આવશે, અને તે આથી રદ કરવામાં આવે છે.
૨. જે લોકો આ કાનૂનના વિભાગ ૩ના અમલ નીચે છે તેમને બાદ કરતાં કોઈ બીજી વ્યક્તિઓને, જે (યુરોપિયન વંશની ન હોઈને) સ્થાનિક રહેવાસી છે અથવા સ્થાનિક રહેવાસીના પુરષ શાખાની વંશજ છે, જે એવા દેશોની છે જેમાં આજ પહેલાં ચૂંટણીમૂલક પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ અસ્તિત્વમાં નથી, ત્યાં સુધી કોઈ ચૂંટનારાઓની યાદી અથવા મતદારોની યાદીમાં નામ નોંધાવવાનો, અથવા ૧૮૯૩ના બંધારણ કાનૂનની કલમ ૨૨ ના, અથવા વિધાનસભાના સભાસદોની ચૂંટણી સંબંધી કોઈ બીજા કાનૂનના અર્થમાં રહીને ચૂંટનારા તરીકે મત આપવાનો હક રહેશે નહીં જ્યાં સુધી તેઓ કાઉન્સિલ સમેત ગવર્નર પાસેથી આ કાનૂનના અમલમાંથી તેમને અપવાદરૂપ ગણવાને હુકમ પ્રથમ મેળવી નહીં લે.
૩. આ કાનૂનના વિભાગ ૨ની જોગવાઈઓ એ વિભાગમાં દર્શાવેલી એવી વ્યક્તિઓને લાગુ નહીં પડશે જેમનાં નામો આ કાનૂન અમલમાં આવવાની તારીખે જારી હોય એવી કોઈ પણ મતદાર યાદી ઉપર વાજબી રીતે ચડેલાં હોય અને જે વ્યક્તિઓ બીજી રીતે ચૂંટનારા તરીકેની યોગ્યતા અને હક ધરાવતી હોય.

ઉપરના વિધેયકના વિભાગ ૧ વડે રદ થયેલો કાનૂન નીચે મુજબ છે:

કારણ કે મતાધિકાર સંબંધી કાનૂનમાં સુધારો કરવાનું અને ધારામંડળને લગતી સંસ્થાઓ નીચે મતાધિકારનો ઉપયોગ કરવાથી નહીં ટેવાયેલી એશિયાઈ જાતિઓને એમાંથી બાદ રાખવાનું જરૂરી છે.
એટલા માટે નાતાલની વિધાન પરિષદ અને વિધાનસભાની સલાહ અને સંમતિથી અને તે દ્વારા મહામહિમાવાન સમ્રાજ્ઞી નીચે મુજબનો કાનૂન બનાવે છે :
૧. આ કાનૂનના વિભાગ ૨ માં અપવાદ કરવામાં આવ્યો છે તેમને બાદ કરતાં એશિયાઈ જાતિઓના લોકોને કોઈ પણ ચૂંટનારાની યાદી કે મતદારોની યાદી ઉપર પોતાનાં નામો નેાંધાવવાનો, અથવા ૧૮૯૩ ના બંધારણ કાનૂનની કલમ ૨૨ના અથવા વિધાનસભાના સભાસદોની ચૂંટણી સંબંધી કોઈ પણ કાનૂનના અર્થની અંદર રહીને ચૂંટનારાઓ તરીકે મત આપવાનો અધિકાર રહેશે નહીં.
૨. આ કાનૂનના વિભાગ ૧ની જોગવાઈઓ એ વિભાગમાં દર્શાવેલી એવી વ્યક્તિઓને લાગુ નહીં પડશે જેમનાં નામો આ કાનૂન અમલમાં આવવાની તારીખે જારી હોય એવી કોઈ પણ મતદાર યાદી ઉપર વાજબી રીતે ચડેલાં હોય અને જે વ્યક્તિઓ બીજી રીતે ચૂંટનારા તરીકેની યોગ્યતા અને હક ધરાવતી હોય.
૩. આ કાનૂન ત્યાં સુધી અમલમાં આવશે નહીં જ્યાં સુધી ગવર્નર નાતાલ સરકારના ગૅઝેટમાં એવી ઘોષણા નહીં કરે કે સમ્રાજ્ઞીએ કૃપા કરીને આ કાનૂનને નામંજૂર કર્યો નથી, અને એ પછી એ કાનૂન, ગવર્નર એ જ ઘેાષણા અથવા બીજી ઘોષણા વડે જાહેર કરશે તે દિવસે અમલમાં આવશે.

વિચારણા નીચેના વિધેયક સંબંધમાં હિંદી કોમના વિચારો રજૂ કરતી એક અરજી[૧] ૨૮મી એપ્રિલ, ૧૮૯૬ના રોજ વિધાનસભાને મોકલવામાં આવી હતી. क ચિહનવાળી એની એક નકલ આ સાથે સામેલ કરી છે.

૧૮૯૬ના મેની ૬ઠ્ઠી તારીખે વિધેયક બીજા વાચનમાંથી પસાર થયું, એ વખતે મુખ્ય મંત્રી માનનીય સર જૉન રૉબિન્સને પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું કે મંત્રીઓએ આપની પાસે એ જાણવાની કોશિશ કરી હતી કે આપ ઉપરના વિધેયકમાં “ચૂંટણીમૂલક પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ” શબ્દો પહેલાં “મતાધિકાર પર રચાયેલી” શબ્દો મૂકવાને સંમત થશે ખરા, અને આપ એમાં સંમત હતા.

એ ઉપરથી ૧૮૯૬ના મેની ૭મી તારીખે આ૫ના અરજદારોએ આપ મહોદયને નીચેની મતલબનો તાર મોકલ્યો :

હિંદી કોમ આપને દિલપૂર્વક વિનંતી કરે છે કે નાતાલ મતાધિકાર વિધેયકને અથવા ગઈ રાત્રે રજૂ કરેલા તેના ઉપરના મંત્રીઓના સુધારાને મંજૂરી આપવામાં નહીં આવે. અરજી તૈયાર કરી રહ્યા છીએ.

પરંતુ ૧૧ મે, ૧૮૯૬ના રોજ માનનીય સર જૉન રૉબિન્સને કમિટીમાં જાહેરાત કરી કે આપ મહોદય 'મતાધિકાર' શબ્દ આગળ એક વધુ શબ્દ એટલે “સંસદીય” (પાર્લમેન્ટરી) શબ્દ વધારામાં ઉમેરવાને સંમત થયા છો.


  1. ૨૭, એપ્રિલ ૧૮૯૬ની અરજી, જુએ પા. ૨૪૨.
એટલે હવે પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ વિષેની વિધેયકની વાત આ પ્રમાણે વંચાશે : “સંસદીય મતાધિકાર પર રચાયેલી ચૂંટણીમૂલક પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ”.

આ૫ના અરજદારો નમ્રપણે એવું ધારે છે કે હિંદી કોમને અને ખરેખર બધી જ કોમોને સંબંધ છે ત્યાં સુધી હાલનું વિધેયક જે કાનૂનને એ રદ કરે છે તેના કરતાં વધારે ખરાબ છે.

એટલે આપના અરજદારોને એ વાતનું દુ:ખ છે કે આપે વિધેયકને મંજૂર રાખવાનું પસંદ કર્યું છે. પરંતુ એઓ એવી શ્રદ્ધા રાખે છે કે આપની સમક્ષ અહીં નીચે રજૂ કરેલી હકીકતો અને દલીલો એવી છે કે એનાથી આપને આપના વિચારો ફરીથી તપાસી જવાને ઉત્તેજન મળશે.

તમારા અરજદારો આખો વખત ભારપૂર્વક કહેતા આવ્યા છે કે હિંદીઓ હિંદમાં ચૂંટણીમુલક પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓનો લાભ ઉઠાવતા આવ્યા છે, પણ મતાધિકારના પ્રશ્ન બાબતમાં પ્રગટ થયેલાં લખાણો એવું બતાવતાં લાગે છે કે હિંદીઓ આવી સંસ્થાઓ ધરાવે છે એવું આપ માનતા નથી. આપ “મહોદયના વિચારો પ્રત્યે ખૂબ જ આદર સાથે આપના અરજદારો આપનું ધ્યાન, વિરદ્ધ અભિપ્રાયનું સમર્થન કરતાં બિડાણ “क”માં ટાંકેલા ઉતારા તરફ ખેંચવાની રજા ચાહે છે. હિંદમાં ચૂંટણીમૂલક પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ બાબતના આપ મહાશયના વિચારો અને હાલના વિધેયકને આપે આપેલી મંજૂરી નાતાલમાંની હિંદી કોમને ઘણી જ દુ:ખદ અને કઢંગી સ્થિતિમાં મૂકી દે છે.

આપના અરજદારો જણાવે છે કે

૧. નાતાલમાં હિંદીઓના મતાધિકાર ઉપર નિયંત્રણ મૂકતો કોઈ પણ કાનૂન જરૂરી નથી.
૨. આ મુદ્દા અંગે જો કોઈ પણ જાતની શંકા હોય તો આવી જરૂરિયાત છે કે નહીં તે વિષે પ્રથમ એક તપાસ હાથ ધરાવી જોઈએ.
૩. એવું માની લેવામાં આવે કે જરૂરિયાત છે તો હાલનું વિધેયક આ મુશ્કેલીનો સરળપણે અને ખુલ્લી રીતે સામનો કરતું હોય એવું દેખાતું નથી.
૪. જો સમ્રાજ્ઞીની સરકારને આ વિધેયકની જરૂરિયાત વિષે પૂરેપૂરી ખાતરી થઈ હોય અને તેમને એ પણ ખાતરી થઈ હોય કે જાતિ કે વર્ગનું ધોરણ સ્વીકાર્યા સિવાય આ મુશ્કેલીને ઉકેલ કાઢે એવા કોઈ વિધેયકની કલ્પના પણ થઈ શકતી નથી, તો એ વધારે સારું છે કે કોઈ પણ મતાધિકાર અંગેના વિધેયકમાં હિંદીઓનો ખાસ નામ દઈને ઉલ્લેખ થવો જોઈએ.
૫. હાલના વિધેયકમાં મોઘમપણું અને અસ્પષ્ટતા રહેલાં હોઈ તેનાથી છેડા વિનાની કોરટબાજી ઊભી થશે.
૬. એ હિંદી કોમને, તેના ગજા બહારના ખર્ચમાં ઉતારી દેશે.
૭. માની લેવામાં આવે કે વિધેયક હિંદી સમાજ ઉપર અસર પહોંચાડે છે તો પછી એ સમાજની કોઈ પણ વ્યક્તિ માટે એના અમલમાંથી અપવાદરૂપે છૂટા રહેવા માટે વિધેયકમાં જે પદ્ધતિની જેગવાઈ કરવામાં આવી છે તે, આપના અરજદારો આદરપૂર્વક જણાવે છે કે મનસ્વી અને અન્યાયભરી છે અને એનાથી હિંદી સમાજના સભ્યોમાં અંદર અંદર ઝઘડા પેદા થાય એવો સંભવ છે.
૮. રદ કરવામાં આવેલા કાનૂનની માફક આ વિધેયક યુરોપિયનો અને બીજાઓ વચ્ચે પક્ષપાતભર્યો ભેદભાવ ઊભો કરે છે. તમારા અરજદારો નમ્રપણે જણાવે છે કે નાતાલની મતદારયાદીની હાલની સ્થિતિ, હિંદી

મતાધિકાર ઉપર નિયંત્રણ મૂકવા માટે કોઈ પણ કાનૂન બનાવવાનું તદ્દન બિનજરૂરી બનાવી દે છે. એવું દેખાય છે કે સમ્રાજ્ઞીના પ્રજાજનોના બહુ મોટા વિભાગ ઉપર અસર પાડનારો કાનૂન પસાર કરવામાં નાહકની ઉતાવળ થઈ રહી છે. એ વાત સ્વીકારવામાં આવી છે કે ૯૩૦૯ યુરોપિયન મતદારો સામે હિંદી મતદારો માત્ર ૨૫૧ જ છે; તેમાંના ૨૦૧ વેપારીઓ અથવા કારકુનો, મદદનીશો, શાળાશિક્ષકો વગેરે છે અને ૫૦ માળીઓ તથા બીજાઓ છે; અને આ મતદારોમાંના મોટા ભાગના લાંબા સમયથી સંસ્થાનમાં વસેલા છે. તમારા અરજદારો જણાવે છે કે આ આંકડાઓથી કોઈ પણ નિમંત્રણમૂલક કાનૂનની જરૂર સાબિત નથી થતી. વિચારણા નીચેના વિધેયકનો હેતુ દૂરના, સંભવિત અને શકય ભયનો ઉપાય કરવાનો છે. જેનું અસ્તિત્વ જ નથી એવા ભયને ખરેખરો માની લેવામાં આવ્યો છે. માનનીય સર જૉન રૉબિન્સને વિધેયકનું બીજું વાચન રજૂ કરતી વખતે યુરોપિયન મતને હિંદી મત ગૂંગળાવી દેશે એવા ભયનાં ત્રણ કારણો ગણાવ્યાં છે : તે છે

૧. હાલના વિધેયક વડે રદ કરાયેલા મતાધિકાર કાનૂન બાબતમાં સમ્રાજ્ઞીની સરકારને મોકલાયેલી અરજી ઉપર લગભગ ૯૦૦૦ હિદીઓએ સહીઓ કરી હતી એ હકીકત.
૨. સંસ્થાનમાં નજીક આવતી સામાન્ય ચૂંટણી.
૩. નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસનું અસ્તિત્વ.

પ્રથમ કારણ બાબતમાં એ વિષય ઉપરના પત્રવ્યવહારમાં પણ નાતાલ સરકારે એવી દલીલ કરી છે કે આ ૯૦૦૦ સહી કરનારાઓ મતદારોની યાદી ઉપર પોતાનાં નામો ચડાવવા માગતા હતા, એ અરજીનો પહેલો ફકરો એ દલીલનો પૂરતો જવાબ છે. આપના અરજદારો નમ્રપણે જણાવે છે કે આ અરજી ઉપર સહી કરનારાઓએ આવી કોઈ વસ્તુની કદી માગણી કરી નથી. બેશક એમણે હિંદીઓને એકસામટા મતાધિકારથી વંચિત કરવા સામે વાંધો લીધો છે. તમારા અરજદારો નમ્રપણે માને છે કે એ વિધેયકને કારણે દરેક હિંદી ઉપર, પછી તે મિલકતની લાયકાત ધરાવતો હોય કે ન હોય, ઘણી જ મહત્ત્વની અસર થયેલી છે. આપના અરજદારો એ વાત સ્વીકારે છે કે માનનીય વિધેયક રજૂ કરનાર સભાસદે દર્શાવેલી આ હકીકત ઉપરથી દેખાય છે કે હિંદીઓમાં અમુક હદની સંગઠન શક્તિ રહેલી છે. પરંતુ આપના અરજદારો આદરપૂર્વક દાવો રજૂ કરે છે કે સંગઠન શક્તિ ગમે એટલી બળવાન હોય તોપણ તે કુદરતી બળોની રુકાવટોને દૂર કરી શકે એમ નથી. ૯૦૦૦ સહી કરનારાઓમાંથી જેઓ મતદારોની યાદી ઉપર આ પહેલાં ચડેલા છે તેમના ઉપરાંત સો જેટલા લોકો પણ કાયદેસરની મિલકતની લાયકાત ધરાવતા નથી.

બીજાં કારણ બાબતમાં માનનીય વિધેયક રજૂ કરનાર સભાસદે કહ્યું :

હું સભાસદોને એ વાત યાદ દેવડાવવા માગું છું કે સામાન્ય ચૂંટણી નજીકમાં જ આવી રહી છે. અને એ સામાન્ય ચૂંટણી કઈ મતદારયાદીને આધારે લડાવાની છે એનો સભાસદોએ વિચાર કરવો પડશે. આવતી વખતની મતદારયાદી ઉપર કેટલા હિંદીઓ હશે કે નહીં હોય એ કહેવાનું મારું કામ નથી, પણ સરકાર સમજે છે કે એવો સમય આવી ગયો છે કે જયારે આ પ્રશ્નને ઉઠાવી લેવામાં વધારે ઢીલ નહીં કરવી જોઈએ, અને એનો હંમેશાંને માટે એક વારનો નિકાલ પાડી દેવો જોઈએ.

માનનીય વિધેયક રજૂ કરનાર સભાસદ પ્રત્યે ઘટતા આદર સાથે તમારા અરજદારો જણાવે છે કે આ બધાં જોખમો માટે હકીકતમાં કોઈ પાયો નથી. १८९५ना वर्ष माटेना वसाहती संरक्षकना हेवाल मुजब સંસ્થાનમાંના ૪૬,૩૪૩ હિંદીઓમાંથી માત્ર ૩૦,૩૦૩ સ્વતંત્ર હિંદીઓ છે. તેમાં આશરે પ૦૦૦ વેપાર કરનારી હિંદી વસ્તીની સંખ્યા ઉમેરી શકાય. આ રીતે ૪૫,૦૦૦ ઉપરાંત યુરોપિયનો સામે, જો એમની જોડે હરીફાઈ કરી જ શકે એમ હોય તો માત્ર ૩૫,૦૦૦ હિંદીઓ છે. એ વાત સહેલાઈથી જોઈ શકાય એવી છે કે ગિરમીટ નીચેના ૧૬,૦૦૦ હિંદીઓ, તેમની ગિરમીટની મુદત દરમિયાન હરીફાઈ કરી નહીં શકે. પણ ૩૦,૩૦૩ લોકોમાંની મોટી બહુમતી ગિરમીટ નીચેના હિંદીઓ કરતાં માત્ર એકાદ પાયરી આગળ હશે, અને તમારા અરજદારો અંગત અનુભવ ઉપરથી કહી શકે એમ છે કે આ સંસ્થાનમાં હજારો હિંદીઓ એવા છે જે વરસ દિવસે ૧૦ પાઉન્ડ જેટલું ભાડું પણ ભરતા નથી. હકીકત એ છે કે હજારો લોકો એવા છે કે તેમણે આટલી રકમ ઉપર તેમનો જીવનવ્યવહાર ગબડાવવાનો છે. તો પછી, તમારા અરજદારોનો સવાલ એ છે કે, આવતે વર્ષે હિંદીઓ મતદારોની યાદી ઉભરાવી કાઢશે એવો ભય કયાં રહ્યો છે?

મતાધિકાર ખેંચી લેવાની ધમકી બે વર્ષથી અપાઈ રહી છે. એ ગાળામાં બે વાર મતદારોની યાદીમાં સુધારા કરવામાં આવ્યા છે. રખેને ઘણા લોકોને બાતલ રાખવામાં આવે એવી ધાસ્તી હતી એટલે હિંદીઓ માટે હિંદી મતોમાં વધારો કરવા માટેનું દરેક રીતનું પ્રલોભન રહેતું હતું. અને તે છતાં હિંદી કોમ તરફથી મતદારોની યાદી ઉપર એક નામનો ઉમેરો થયો નહોતો.

પરંતુ માનનીય વિધેયક રજૂ કરનાર સભાસદે આગળ કહ્યું:

કદાચ, સભાસદોને એ વાતની માહિતી નહીં હોય કે આ દેશમાં એક એવી સંસ્થા છે જે એની રીતે બહુ બળવાન સંસ્થા છે, બહુ સંગઠિત સંસ્થા છે, જોકે તે લગભગ ગુપ્ત સંસ્થા છે, હું ઇન્ડિયન કૉંગ્રેસની વાત કહી રહ્યો છું. આ સંસ્થા પાસે મોટાં ફંડો છે, એ સંસ્થામાં પ્રમુખસ્થાને ઘણા કુશળ અને શક્તિશાળી માણસો છે અને એ સંસ્થા એક એવી સંસ્થા છે જેનું નિશ્ચિત ધ્યેય આ સંસ્થાનના વહીવટમાં મજબૂત રાજદ્વારી તાકાત અજમાવવાનું છે.

આપના અરજદારો એટલું કહેવા માગે છે કે કૉંગ્રેસ વિષેનો આ અંદાજ સાચી હકીકતો વડે યોગ્ય ઠરી નથી શકતો. નાતાલના માનનીય મુખ્યમંત્રી તથા કૉંગ્રેસના માનદ મંત્રી વચ્ચેના પત્રવ્યવહાર ઉપરથી એ દેખાઈ આવશે કે ગુપ્તતાનો આક્ષેપ એક ભૂલભરેલી છાપને કારણે કરવામાં આવ્યો છે. (પરિશિષ્ટો ક, ખ, ગ [૧]). આ પ્રશ્વ અંગે ગઈ તા. ૨૦મીએ વિધાનસભામાં એમણે એક નિવેદન પણ કર્યું હતું, એ જ પ્રમાણે કૉંગ્રેસે કોઈ પણ આકારે કે સ્વરૂપે મજબૂત રાજદ્વારી તાકાત અજમાવવાનો હેતુ રાખ્યો નથી કે પ્રયાસ કર્યો નથી. ગયે વર્ષે દક્ષિણ આફ્રિકાના લગભગ દરેક અખબારમાં નીચેનાં કૉંગ્રેસનાં ધ્યેયો પ્રગટ થયાં હતાં :

"(૧) સંસ્થાનમાં વસતા યુરોપિયનો અને હિંદીઓ વચ્ચે વધારે સારી સમજણ પેદા કરવી તથા ભ્રાતૃભાવ કેળવવો. "(૨) હિંદ અને હિંદીઓ વિષે છાપાંઓને લખીને, પુસ્તિકા પ્રગટ કરીને, ભાષણો ગોઠવીને માહિતીનો ફેલાવો કરવો.


  1. ૧. જુએા પા. ૧૪૯, ૨૫૦.

"(૩) હિંદીઓને, ખાસ કરીને સંસ્થાનમાં જન્મેલા હિંદીઓને હિંદના ઇતિહાસ વિષે શિક્ષણ આપવું, અને હિંદ સંબંધના વિષયોનો અભ્યાસ કરવા પ્રેરણા આપવી.

"(૪) હિંદીઓ જેનાથી કષ્ટ ભોગવતા હોય એવી જુદી જુદી ફરિયાદોની તપાસ કરવી અને તે દૂર કરવા માટે બધી બંધારણીય રીતોનો આશરો લઈને ચળવળ ચલાવવી.

"(પ) ગિરમીટ નીચેના હિંદીઓની હાલત વિષે તપાસ કરવી અને તેમને ખાસ મુસીબતોમાંથી છૂટવા મદદ કરવી.

"(૬) ગરીબો અને કંગાલોને બધા યોગ્ય ઉપાયે મદદ કરવી.

"(૭) અને એકંદરે જેનાથી હિંદીઓ નૈતિક, સામાજિક, બૌદ્ધિક અને રાજદ્વારી દૃષ્ટિએ વધારે સારી પાયરીએ પહેાંચે એવાં બધાં કામો કરવાં."

આ રીતે એ વાત દેખાઈ આવશે કે કૉંગ્રેસનું ધ્યેય અવનતિને રોકવાનું છે અને રાજદ્વારી અધિકાર મેળવવાનું નથી. ફંડ બાબતમાં આ લખતી વખતે કૉંગ્રેસ પાસે પાઉન્ડ ૧,૦૮૦ની કિંમતની મિલકત છે અને બેંકમાં પાઉન્ડ ૧૪૮-૭-૬ પેન્સ જેટલી સિલક છે. આ પૈસા મફત મદદ આપવામાં, વિનંતીપત્રો છપાવવામાં અને બીજાં કામકાજના ખર્ચમાં વાપરવાના હોય છે. તમારા અરજદારોના નમ્ર મત પ્રમાણે કૉંગ્રેસનાં ધ્યેયો પાર પાડવા માટે એ ભાગ્યે જ પૂરતાં છે. પૈસાની તંગીને કારણે કેળવણીનું કાર્ય મોટે ભાગે ખોટકાઈ પડયું છે. એટલા માટે તમારા અરજદારો જણાવે છે કે હાલના વિધેયકનો હેતુ જે જોખમ સામે રક્ષણ આપવાનો છે તે જોખમનું બિલકુલ અસ્તિત્વ જ નથી.

તોપણ તમારા અરજદારો સમ્રાજ્ઞીની સરકારને એવી વિનંતી નથી કરતા કે એમના પોતાના કહેવા માત્રથી ઉપરની હકીકતો સાચી હોવાનું સ્વીકારી લેવામાં આવે જો એમાંથી કોઈ પણ બાબતમાં કાંઈ પણ શંકા હોય તો અરજદારોનું કહેવું એ છે કે સાચો રસ્તો એ બાબતમાં તપાસ કરાવવાનો છે. સૌથી મહત્વની બાબત એ છે કે હજારો લોકો એવા છે કે જેઓ મતદારો થવા માટે જરૂરી મિલકતની લાયકાત ધરાવતા નથી. એટલા ખાતર તમારા અરજદારોનું કહેવું એ છે કે એ વાતની ખાસ કરીને તપાસ કરવી જોઈએ કે સંસ્થાનમાં ૫૦ પાઉન્ડની કિંમતની સ્થાવર મિલકત ધરાવતા અથવા જેઓ વાર્ષિક પાઉન્ડ ૧૦નું ભાડું ભરતા હોય એવા કેટલા હિંદીઓ છે. આવા અાંકડા તૈયાર કરવામાં ઘણા પૈસા કે ઘણો સમય ખર્ચાવાના નથી. અને તેનાથી મતાધિકારના પ્રશ્નના સંતોષકારક ઉકેલ અંગે ઘણી મહત્ત્વની મદદ મળશે. આપના અરજદારોના નમ્ર અભિપ્રાય મુજબ कोई ने कोई કાનૂન પસાર કરવાની ભારે ઉતાવળ કરવાનું એકંદરે સંસ્થાનનાં ઉત્તમ હિતોને બાધારૂપ છે. હિંદી કોમના પ્રતિનિધિ તરીકે તમારા અરજદારોને લાગેવળગે છે ત્યાં સુધી અને જે સંસ્થાના સભ્યો હોવાનું તેમને માન મળેલું છે તેના તરફથી અધિકારપૂર્વક બોલતાં આથી સમ્રાજ્ઞીની સરકારને ખાતરી આપે છે કે આવતા વર્ષની સામાન્ય ચૂંટણી માટેની મતદારોની યાદી ઉપર એક પણ હિંદી મતદારનું નામ ચડાવવાનો પ્રયાસ કરવાનો તેમનો હેતુ નથી.

હાલના વિધેયકની ચર્ચા કરતાં સરકારી મુખપત્રે એક ઘણુંખરું બહારની પ્રેરણાથી લખાયેલા લેખમાં એવા અભિપ્રાયને ટેકો આપ્યો છે કે "જોખમ" કાલ્પનિક છે. એ કહે છે:

એ ઉપરાંત અમને એ વાતની ખાતરી લાગે છે કે, જો કદી એશિયાઈ મત સંસ્થાનમાંના યુરોપિયન રાજઅમલની સ્થિરતાને જોખમરૂપ બને તો શાહી સરકાર આવી મુશ્કેલીમાંથી નીકળવાનો કોઈ ને કોઈ રસ્તો કાઢશે. નવું વિધેયક, જેઓ યુરોપિયન જાતિના નથી તે

સૌના ઉપર મતાધિકાર મેળવવા અંગે અમુક મર્યાદાઓ મૂકે છે. હાલમાં છે તેમ, દેશી લોકો માટેના કાનૂન નીચે દેશીઓનો અપવાદ કરીને બધી જ જાતિના અને વર્ગના બ્રિટિશ પ્રજાજન માટે મતાધિકાર ખુલ્લો હોવા છતાં કુલ ૯,૫૬૦ નોંધાયેલા મતદારોમાંથી માત્ર ૨૫૦ હિંદીઓ મતદારયાદી ઉપર મોજૂદ છે અથવા મતાધિકાર ધરાવતા દરેક ૩૮ યુરોપિયને એક હિંદીનું પ્રમાણ છે. એટલે અમે ધારીએ છીએ કે નવું વિધેયક આ બાબતની જરૂરિયાત કાયમને માટે નહીં તો બધા સંજોગોમાં ઘણાં વર્ષો સુધી સંપૂર્ણ રીતે પૂરી પાડશે, દાખલા તરીકે, દક્ષિણ કેરોલિનામાં ૨૧ વર્ષ ઉપરની ઉંમરના સીદીઓની સંખ્યા ૧,૩૨,૯૪૯ છે, જયારે ૨૧ વર્ષ ઉપરની ઉંમરના ગોરાઓની સંખ્યા ૧,૦૨,૫૬૭ છે. આમ છતાં પોતે લધુમતીમાં હોવા છતાં ગોરાઓએ પોતાની સર્વોપરી સત્તા જાળવી રાખી છે. સાચી વાત એ છે કે સંખ્યાનો પ્રશ્વન તદ્દન અલગ રાખતાં ચડિયાતી જાતિના લોકો હમેશાં સત્તાનાં સૂત્રો પોતાના હાથમાં રાખશે एटले अमे एवुं मानवाने प्रेराया छीए के हिंदीं मत युरोपियन मतने गळी जवानी वातनुं जोखम काल्पनिक छे. આ બાબતમાં અમને જે માહિતી મળી છે તે ઉપરથી અમે એવું માનવાના વલણવાળા થયા છીએ કે હિંદ એ "ચૂંટણીમૂલક પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ" ધરાવતો દેશ છે એવું ગણી લેવામાં આવશે. હકીકતમાં, અનેક વાર આગળ કરવામાં આવતી જે એક દલીલ છે કે હિંદીઓ એના સ્વરૂપથી અને જવાબદારીઓથી અપરિચિત છે તે ખરેખર અણઘટતી છે. કારણ કે હિંદમાં કાંઈ નહીં તો ૭૫૦ મ્યુનિસિપાલિટીઓ એવી છે જેમાં અંગ્રેજ અને હિંદી મતદારોને સમાન હકો મળેલા છે અને ૧૮૯૧માં ૮૩૯ યુરોપિયન મ્યુનિસિપલ કમિશનરો (સભાસદો) સામે ૯,૭૯૦ હિંદી સભાસદો હતા. . . . આમ છતાં જો આપણે એવું માની પણ લઈએ કે હિંદના વતનીઓને "ચૂંટણીમૂલક પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ" ધરાવતા દેશમાંથી આવનારાઓ તરીકે ગણી લેવામાં આવશે, તો अमे एवुं नथी मानता के गूंगळावी देवानो भय जरा पण संभवित छे, कारण के भूतकाळना अनूभव उपरथी ए वात साबित थयेली छे के नियम तरीके अहीं आवता हिंदींओनो वर्ग पोते मताधिकार विषे चिंता करतो नथी अने वधारामां तेमनामांनो मोटो समूह जरुरी एवी मिलकत अंगेनी नानी सरखी लायकात पण धरावतो नथी. આ બધા ઉપરાંત, જે સામ્રાજ્યના અમે અંગ છીએ તે સામ્રાજયની ફરજો, મતાધિકાર જેવા ખાસ અધિકારનો ઉપયોગ કરવામાંથી હિંદીઓને હિંદીઓ તરીકે બાદ રાખવાની છૂટ નથી આપતી. એટલે અમને લેવાદેવા છે ત્યાં સુધીં આવી જાતનું વલણ નકારાત્મક છે અને તેથી છોડી દેવાવું જોઈએ. જો નવા કાનૂનનાં નિયંત્રણો અનિચ્છનીય તત્વને મતદારોની યાદી ઉપર ચડતું રોકી નહીં શકે તો પછી મતાધિકારની લાયકાતો ઊંચી બનાવતાં આપણને કશું પણ રોકી શકે એમ નથી. હાલમાં એ ઘણી જ નીચી છે. એટલે મિલકત બાબતની લાયકાત સહેલાઈથી વધારી શકાય, બમણી પણ કરી શકાય, ઉપરાંત કેળવણી બાબતની કસોટી લાગુ પાડી શકાય.. આ કસોટી મતદારની યાદી ઉપરથી એક પણ યુરોપિયનને કમી નહીં કરશે પણ, હિંદી મતદારોનો ખોડો કાઢી નાખશે. લગભગ ૧૦૦ પાઉન્ડની કિંમતની મિલકત ધરાવનારા અથવા વાર્ષિક ૨૦ પાઉન્ડનું ભાડું ભરનારા તથા અંગ્રેજી વાંચીલખી જાણનારા હિંદી મતદારોની સંખ્યા અવશ્ય તદ્દન નાની જ રહેવી જોઈએ. અને જો આ ઉપાયો નિષ્ફળ જાય તો મિસિસિપી યોજના

અથવા સંજોગોને અનુરૂપ તેનું કોઈ સુધારેલું સ્વરૂપ અમલમાં આણતાં આપણને કોઈ રોકી શકે એમ નથી. (૫ માર્ચ, ૧૮૯૬)

આ રીતે એ વાત સ્પષ્ટ છે કે સરકારી મુખપત્રના કહેવા પ્રમાણે મતયાદી ઉપર હિંદી મતદારોનો અણઘટતો ધસારો અટકાવવાને માટે હાલની મિલકત અંગેની લાયકાતો પૂરતા પ્રમાણમાં ઊંચી છે અને હાલના વિધેયકનો એકમાત્ર ઉદ્દેશ હિંદી કોમને હેરાન કરવાનો – તેમને ખર્ચાળ કોરટબાજીનો ભોગ બનાવવાનો છે.

૧૮૯૫ના મોરિશિયસની ડાયરી (અલ્મેનાક) મુજબ ૧૮૯૪માં એ ટાપુની વસ્તી "સામાન્ય વસ્તી" એ મથાળાં નીચે ૧,૦૬,૯૯૫ માણસો સામે ૨,૫૯,૨૨૪ હિંદીઓની હતી. ત્યાં મતાધિકારની લાયકાત નીચે મુજબ છે:

દરેક પુરુષને કોઈ પણ વર્ષમાં, કોઈ પણ ચૂંટણી વિભાગ માટે મતદાર તરીકે નોંધાવાનો હક રહેશે, અને નામ નેાંધાઈ જતાં એ વિભાગ માટેના કાઉન્સિલના સભાસદની ચૂંટણી વખતે મત આપવાનો હક રહેશે. એનામાં નીચેની લાયકાતો હોવી જોઈએ:

૧. એ ૨૧ વર્ષની ઉંમરે પહોંચેલો હોવો જોઈએ.

૨. એ કોઈ કાનૂની ગેરલાયકાતના દોષમાં નહીં હોવો જોઈએ.

૩. એ જન્મથી અથવા વસવાટથી બ્રિટિશ પ્રજાજન હોવો જોઈએ.

૪. નેાંધાયાની તારીખ પહેલાં કાંઈ નહીં તો ત્રણ વર્ષ માટે સંસ્થાનમાં રહેતો હોવો જોઈએ. અને તે નીચેની લાયકાતોમાંથી કોઈ એક ધરાવતો હોવો જોઈએ:

(ક) દર વર્ષની ૧લી જાન્યુઆરીના રોજ અને તે પહેલાંના છ મહિના દરમિયાન એની પાસે એ વિભાગમાં એટલી સ્થાવર મિલકત હોવી જોઈએ કે જેની આવક બધો ખર્ચ અને એના ઉપરના બધા બોજા બાદ જતાં વાર્ષિક રૂ. ૩૦૦ હોય અગર માસિક રૂ. ૨પ હોય.

(ખ) નામ નોંધાવવાની તારીખે તે એ વિભાગમાં સ્થાવર મિલકતનું ઓછામાં ઓછું માસિક રૂ. ૨૫ ભાડું આપતો હોવો જોઈએ. આ ભાડું તે એ વર્ષની ૧લી જાન્યુઆરી પહેલાંના છ માસ દરમિયાન આપતો હોવો જોઈએ.

(ગ) એ વર્ષની ૧લી જાન્યુઆરી પહેલાંના ત્રણ માસ દરમિયાન તે એ વિભાગમાં રહેતો હોવો જોઈએ અથવા તેનું ધંધો અગર નોકરીનું મુખ્ય સ્થળ ત્યાં હોવું જોઈએ. અને એ વિભાગમાં તે ઓછામાં ઓછી રૂ. ૩,૦૦૦ની કિંમતની જંગમ મિલકતનો માલિક હોવો જોઈએ.

(ઘ) તે ઉપરની કોઈ પણ લાયકાતોમાંની એક ધરાવતી પત્નીનો પતિ હોવો જોઈએ અથવા વિધવાનો સૌથી મોટો પુત્ર હોવો જોઈએ.

(ઙ) એ વર્ષની ૧લી જાન્યુઆરી પહેલાંના ત્રણ માસ દરમિયાન તે એ વિભાગમાં રહેતો અગર પોતાના ધંધાનું કે નોકરીનું મુખ્ય સ્થળ ધરાવતો હોવો જોઈએ અને ઓછામાં ઓછા વાર્ષિક રૂ. ૬૦૦ અગર માસિક રૂ. પ૦નો પગારદાર હોવો જોઈએ.

(ચ) એ વર્ષની ૧લી જાન્યુઆરી પહેલાંના ત્રણ માસ દરમિયાન તે એ વિભાગમાં રહેતો અગર પોતાના ધંધાનું કે નોકરીનું સ્થળ ધરાવતો હોવો જોઈએ અને ઓછામાં ઓછી રૂ. ૫૦ની પરવાના-ફી ભરતો હોવો જોઈએ. આમાં શરત એટલી કે:

(૧) એવી કોઈ વ્યક્તિને મતદાર યાદીમાં નામ નોંધાવવાનો અથવા પરિષદના સભાસદની ચૂંટણીમાં મત આપવાનો હક રહેશે નહીં, જેને આપણાં સંસ્થાનોની કોઈ પણ કોર્ટમાં ખોટી સાક્ષી પૂરવાના ગુના માટે સજા થઈ હોય અથવા જેને એવી કોર્ટે મોતની, કાળાપાણીની અથવા સખત મજૂરીની કેદની અથવા બાર માસથી વધારે મુદતની સજા કરી હોય અને જેણે એ સજા અથવા કોઈ લાયક અધિકારીએ એને બદલે આપેલી સજા ભોગવી નહીં હોય અથવા જેને અમારા તરફથી માફી નહીં મળી હોય.

(૨) એવી કોઈ વ્યક્તિને કોઈ વર્ષમાં મતદાર તરીકે નોંધવામાં નહીં આવશે જેણે એ વર્ષની ૧લી જાન્યુઆરી પહેલાંના ૧૨ મહિના દરમિયાનમાં સરકાર પાસેથી કે દેવળમાંથી કોઈ પણ પ્રકારની આર્થિક મદદ મેળવી હોય.

(૩) કોઈ પણ વર્ષમાં કોઈ પણ વ્યક્તિને મતદાર તરીકે નામ નેાંધાવવા દેવામાં નહીં આવશે, સિવાય કે તે નોંધણી અમલદાર અથવા કોઈ એક ન્યાયાધીશની હાજરીમાં નોંધણીના પોતાના દાવાપત્ર ઉપર પોતાના હસ્તાક્ષરમાં પોતાનું નામ લખે, અને તેના ઉપર નોંધણીની તારીખની તથા નેાંધાવા માટે જે લાયકાતનો દાવો કરતો હોય તેની નોંધ કરે.

(૪) કોઈ પણ વ્યક્તિ જે ગ, ઘ, ઙ, અને ચ લાયકાતોમાંની એક લાયકાત નીચે પોતાના વિભાગમાં રહેતી હોવાના કારણે મતદાર તરીકે નામ નોંધાવવાનો દાવો કરતી હશે તેને એ જ લાયકાતો અંગે તેના ધંધાના કે નોકરીના મુખ્ય સ્થળવાળા વિભાગમાં નામ નોંધાવવા દેવામાં આવશે નહીં. આ વાત ઊલટાસૂલટી લાગુ પડે છે એટલે તે જો નોકરી કે ધંધાના સ્થળવાળા વિભાગમાં નેાંધાવવાનો દાવો કરશે તો તેને રહેવાના સ્થળવાળા વિભાગમાં નામ નોંધાવવા દેવામાં આવશે નહીં.

જોકે મોરિશિયસમાં હિંદીઓની વસ્તી સામાન્ય વસ્તી કરતાં બમણી છે અને મોરિશિયસમાંના હિંદીઓ નાતાલમાંના હિંદઓ જે વર્ગમાંથી આવે છે તેમાંથી જ આવે છે. છતાં આ લાયકાતોને લઈને ત્યાં દેખીતી રીતે જ કોઈ મુસીબત દેખાઈ નથી. માત્ર ત્યાં તેઓ તેમના નાતાલના ભાઈઓ કરતાં ઘણા વધારે સમૃદ્ધ છે.

આમ છતાં જો એવું માની લેવામાં આવે કે હિંદી મતાધિકારના પ્રશ્નનો ઉકેલ કાઢવાની જરૂર જ છે તો તમારા અરજદારો આદરપૂર્વક કહેવા માગે છે કે હાલનું વિધેયક એને સરળતાથી અને ખુલ્લી રીતે પહોંચી વળશે એવું માની શકાતું નથી. નાતાલના માનનીય અને વિદ્વાન ઍટર્ની જનરલે, વિધેયકના બીજા વાચનની ચર્ચા દરમિયાન, ચાલુ કાનૂનમાં થોડો ફેરફાર કરવાના સૂચનના જવાબમાં એવું કહ્યાનું જાણવામાં અાવ્યું છે કે:

આ ફેરફાર કરવાની હું ના પાડું છું તેનું કારણ એ છે કે દેખીતી રીતે એ પ્રમાણે કરવાનો અર્થ એ ચૂપચાપ પાછલે હાથે કરવા બરાબર છે, જ્યારે સરકારે તો એ ધોળે દિવસે ખુલ્લંખુલ્લા કરવા ધાર્યું હતું.

સૌને અંધારામાં રાખનારી ચાલુ વિધેયકને પસાર કરવાની રીત કરતાં "ચૂપચાપ પાછલે હાથે” કરવાની વધારે સારી રીતની કલ્પના કરવાનું મુશ્કેલ છે. ૮મી મે, ૧૮૯૬નું नाताल एडवर्टाईझर કહે છે:

. . . હાલનું વિધેયક પાછલા હાથની કરામત નહીં તો બીજું શું છે? એનો પૂરો હેતુ જે વસ્તુ ગઈ વખતની બેઠકનો કાનૂન પાર પાડવામાં નિષ્ફળ ગયો હતો તેને ચૂપચાપ અને પાછલે હાથે અમલી બનાવવાનો પ્રયાસ કરવાનો છે. મિ. એસ્કંબે સ્વીકાર્યું કે આ કાનૂન નિર્દય રીતે કચરનારો છે અને એ વાતને જ તેઓ શાહી સરકારની સ્વીકૃતિ મેળવવાની નિષ્ફળતાનું કારણ માનતા હતા. વધારામાં તેમણે એ પણ સ્વીકાર્યું કે હાલના વિધેયકનો બરાબર તે જ હેતુ છે જે પેલાં "ઘાતકી" વિધેયકનો હતો, માત્ર એ પોતાનો હેતુ પ્રમાણિકપણે અને સરળતાપૂર્વક જણાવતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો એ સીધેસાદે રસ્તે દેખીતી રીતે જ જે ધ્યેય સિદ્ધ થાય એમ નથી તેને ચૂપચાપ પાછલે હાથે સિદ્ધ

કરવા મથે છે.

જો સમ્રાજ્ઞીની સરકારને ખાતરી થઈ હોય કે નાતાલમાં હિંદી મતાધિકારને નિયંત્રિત કરવા માટે કાનૂન બનાવવાની ખરેખરી જરૂરિયાત છે અને તેને એવું સમાધાન થઈ ગયું હોય કે જાતિગત કાનૂન સિવાય આ પ્રશ્નનો ઉકેલ આવી શકે એમ નથી, અને વધારામાં સમ્રાજ્ઞીની સરકાર સંસ્થાનોના એવા મતને મંજૂર રાખતી હોય કે ૧૮૫૮ના ઉદાર ઢંઢેરા છતાં બ્રિટિશ હિંદી પ્રજાજનો સાથે યુરોપિયન બ્રિટિશ પ્રજા કરતાં જુદા જ ધોરણે વર્તાવ રાખવામાં આવે તો પછી તમારા અરજદારોનું કહેવું એ છે કે બેવડા અર્થવાળો કાનૂન કરીને કોરટબાજી અને હેરાનગતિને માટે દરવાજા ખુલ્લા રાખવાને બદલે સમ્રાજ્ઞીની સરકારના અભિપ્રાય મુજબ હિંદીઓને જે કોઈ હકો અને વિશેષાધિકારો ભોગવવા દેવા નહીં હોય તેમાંથી તેમને નામ દઈને બાદ રાખવાનું અનેક રીતે વધારે સારું અને વધારે સંતોષકારક થઈ પડશે.

એ વાત સ્વીકારવામાં આવેલી છે કે જો વિધેયકને મંજૂરી અપાશે તો એના અર્થની સંદિગ્ધતાને લઈને તે છેડા વિનાની કોરટબાજીને જન્મ આપશે. એ વાત પણ પ્રથમ મહત્વની વાત તરીકે સ્વીકારવામાં આવી છે કે હિંદી મતાધિકારના પ્રશ્નનો, નાતાલના માનનીય મુખ્ય મંત્રીના શબ્દોમાં કહીએ તો "છેવટનો ઉકેલ કરી દેવો જોઈએ". આમ છતાં નાતાલમાંના લોકમતના મોટા ભાગના આગેવાનોના અભિપ્રાય મુજબ આ વિધેયક આ પ્રશ્નનો છેવટનો ઉકેલ કાઢી શકશે નહીં.

નાતાલ ધારાસભામાંના વિરોધ પક્ષના આગેવાન મિ. બિન્સે, એ વાત સ્પષ્ટ કરવા માટે કે હિંદમાં હિંદીઓ સંસદીય મતાધિકાર ઉપર રચાયેલી ચૂંટણીમૂલક પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ ધરાવે છે, સંખ્યાબંધ ઉતારાઓ ટાંકયા છે, જેમાં તેમણે નીચેની હકીકત જણાવી છે:

હું આશા રાખું છું કે આ કારણસર આ વિધેયક ભૂલભર્યું છે એ મેં સ્પષ્ટ રીતે

બતાવી આપ્યું છે. હિંદમાં પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ મોજૂદ છે અને ત્યાં ચૂંટણીનું તત્ત્વ માન્ય થયેલું છે. તેઓ સંસદીય મતાધિકાર ધરાવે છે અને એમને ત્યાં સ્થાનિક સરકાર ઉપર અસર કરે એવો બહુ ભારે મ્યુનિસિપલ મતાધિકાર અસ્તિત્વમાં છે. અને જો સ્થિતિ આ પ્રમાણે જ હોય.' તો પછી આપણે માટે આ વિધેયક પસાર કરવાનો અર્થ જ શો છે? વિધાનસભા આગળ મેં રજૂ કરેલી હકીકતો મેં મળી શકે એવી ઉત્તમ અધિકારી વ્યક્તિઓ પાસે મેળવી છે. અને તેના ઉપરથી એ વાત સાબિત થાય છે કે આ સંસ્થાઓ અસ્તિત્વમાં છે. એક મુદ્દા બાબતમાં શંકાને કોઈ કારણ નથી કે આ પ્રકારનું વિધેયક પસાર થઈને કાનૂન બન્યું તો ते आपणने छेडा विनानी कोरटबाजी, मुश्केलीओ अने हेरानगतिओमां मूकी देशे. विधेयक जेटलुं होवुं जोईए एटलुं स्पष्ट अथवा चोक्क्स नथी. આપણે કાંઈક વધારે સ્પષ્ટ અને ચોક્કસ વસ્તુ જોઈએ છે. મારે આ પ્રશ્નનનો ઉકેલ આણવો છે અને એ ઉકેલ અંગે મારાથી બની શકે એટલી મદદ હું કરીશ. પણ હું ધારું છું કે आ विधेयकनी रचना खोटे रस्ते थयेली छे.એમાં એક બિના એવી છે કે જે साची नथी अने ते आपणने छेडा विनानी कोरटबाजी, मुसीबत अने हेरानगतिमां मूकी देशे. આ વિધેયકના બીજા વાચન માટે મત આપવાનું મારે માટે અશકય થશે.

મિ. બેઈલ ધારાસભાના એક આગળપડતા સભાસદ અને નાતાલના એક આગળ પડતા વકીલ છે. સંસ્થાનના સામાન્ય કાનૂન નીચે હિંદીઓ પાસે મતાધિકાર કાયમ રહે એ વાતના તેઓ વિરોધી છે તે છતાં મિ. બિન્સના વિચારો સાથે સંમત થઈને તેમણે હિંદીઓ તરફથી તેમ જ એકંદરે સંસ્થાન તરફથી વિધેયક પસાર નહીં કરવા ભાવનાવશ થઈને સભાગૃહને નીચે પ્રમાણે વિનંતી કરી:

ए कोरटबाजीने जन्म आपशे, दुश्मनावटनी लागणी पेदा करशे अने हिंदीओमां आपसाआपसमां उपद्रव उभो करशे. એ ઉપરાંત એનાથી પ્રિવી કાઉન્સિલને અપીલ કરવાને ઉત્તેજન મળશે અને આ સભાગૃહના સભાસદોની ચૂંટણી પર એનો બૂરો પ્રભાવ પડશે. આ પગલાંમાં સંડોવાયેલા મોટા પ્રશ્નોનો વિચાર કરતાં હું આશા રાખું છું કે આ વિધેયકને બીજા વાચનમાંથી પસાર થવા દેવામાં નહીં આવશે.

૮મી મેનું धि नाताल विटनेस પરિસ્થિતિનું સિંહાવલોકન નીચે મુજબ કરે છે:

જો વિધેયકને જેવું છે તેવું પસાર કરવામાં આવે અને તે કાનૂન બની જાય તો સંસ્થાન ગંભીર કોરટબાજીમાં ફસાઈ પડશે એ અમારી ચેતવણીને મિ. બિન્સ અને મિ. બેઈલનો ટેકો છે. અને મિ. સ્મિથનો અડધો લાડુ જે કશું નહીં કરતાં વધારે સારો છે તે એ કિંમતે ઘણો મોંઘો પડી જશે. વિધેયકને સમ્રાજ્ઞીની સરકારના કાયદાના સલાહકારોએ તપાસ્યું નથી એવું માનવાને અમને કારણ આપનાર એણે ઊભા કરેલા અત્યંત નાજુક પ્રશ્નો જ છે જો વિધેયકની ભાષામાં કાનૂનનો આશરો લેવાની જરૂર ન પડે એવો ફેરફાર નહીં કરવામાં આવે તો એ વાત નક્કી છે કે એ પ્રશ્નોને કોર્ટમાં લઈ જવામાં આવશે. એમાંના થોડા પ્રશ્નો આ રહ્યા : શું કોઈ સંસ્થાન એવા કાનૂનો બનાવી શકે જે ઇંગ્લંડના મૂળ નાગરિક હકના કાનૂનનો વિરોધ કરે છે? બ્રિટિશ હિંદીઓ બ્રિટિશ પ્રજાજન છે કે નહીં? બીજા શબ્દોમાં કહીએ તો आ विधेयक साम्राज्यमांना ब्रिटिश हिंदना स्थान विषेना आखा प्रश्नने आगळ करे छे. શું ૧૮૫૮ના ઢંઢેરા પછી એની મારફતે આપવામાં આવેલા ખાસ હકોનો કોઈ પણ ભાગ લઈ લેવા માટે નાતાલમાં ખાસ કાનૂનો પસાર થઈ શકે?

૮મી મેના પોતાના અગ્રલેખમાં વિધેયકનું દ્વિઅર્થીપણું અને અસ્પષ્ટતા વિષે ખેદ દર્શાવ્યા બાદ नाताल एडवर्टाईझर કહે છે:

આ આખી પરિસ્થિતિ પાછળની સાચી વાત એ છે કે હાલના આ વિધેયકની એક એક લીટી ઝઘડાઓનું ગૂઢ આશ્રયસ્થાન છે, જે આ સંસ્થાનમાંની હિંદીઓ અને યુરોપિયનો વચ્ચેની મત સંબંધેની લડાઈને, વર્ષો સુધી અને કદાચ વધતી જતી કડવાશ સાથે કાયમી બનાવવાને માટે કોઈ દિવસે ખુલ્લું થશે.

તમારા અરજદારો સમ્રાજ્ઞીની સરકારને એવી વિનંતી કરે છે કે તે સારા સંસ્થાનને નહીં તો માત્ર હિંદી કોમને, જે ભયનું અસ્તિત્વ જ નથી તેને ટાળવા માટેની આવી ઉદ્દેગભરી ભાવિ ઘટનામાંથી – કાયમી આંદોલનમાંથી –બચાવી લે. હિંદી કોમને માટે આવી લડતના ખર્ચા તેમના કાબૂ બહારના જ રહેવાના એ વાત સાબિત કરવાને કોઈ દલીલ જરૂરી નથી. આ લડત જ સરખેસરખા વચ્ચેની નથી.

એનાથી આગળ હવે એમ માની લઈએ કે સર્વોચ્ચ અદાલતે પોતાનો એવો અભિપ્રાય આપી દીધો કે હિંદીઓ "સંસદીય મતાધિકાર ઉપર આધારિત ચૂંટણીમૂલક પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ" ધરાવતા નથી તો પછી વિધેયકમાં હિંદીઓને મતદારોની યાદી ઉપર ચડાવવાની જે પદ્ધતિની જોગવાઈ કરવામાં આવી છે તે આપના અરજદારોના નમ્ર મત પ્રમાણે દરેક રીતે અસંતોષકારક છે.

વિધેયકનો જે ભાગ ગવર્નરને સત્તા આપે છે તેને તો યુરોપિયનોએ પણ ભારપૂર્વક નાપસંદ કર્યો છે એ વિષયની આ બાજુ વિષે ચર્ચા કરતાં धि नाताल विटनेस કહે છે:

. . . એ મહાન બંધારણીય સિદ્ધાંતો ઉપર હુમલો કરે છે અને વધારામાં નાતાલમાંની પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓના કાર્યમાં જેને અજાણ્યું કહી શકાય એવું તત્વ દાખલ કરે છે. એ તત્વ છે એ સંસ્થાઓ ઉપર ત્રીજી કલમની અસર આ ત્રીજી કલમ મતદાર યાદી માટેના લાયક એશિયાઈઓને પસંદ કરવા માટે છ વ્યક્તિઓના એક મંડળની (પેનલની) જોગવાઈ કરે છે. એવું દેખાય છે કે મંત્રીમંડળ આ વિચારને (એટલે આડકતરી ચૂંટણીના વિચારને) વળગી પડયું છે. પરંતુ તેઓ પોતાને તથા ગવર્નરને આડકતરું મતદારમંડળ બનાવવામાં માત્ર એક ઘૃણાસ્પદ જ નહીં પણ ભારે અયોગ્ય કાર્ય કરી રહ્યા છે.

એ જ પ્રશ્ન વિષે ફરીથી બોલતાં એમણે કહ્યું:

મોટા ભાગના આગળપડતા સભાસદોનો જેને વિષે વિશ્વાસ નથી એવા એક વિધેયકને પસાર કરીને વિધાનસભાએ લોકનજરમાં આદર મેળવ્યો નથી. અા સભાસદો જોઈ શકે છે કે એ એક સમાધાન છે, એક એવું સમાધાન છે જે બિલકુલ બિનઅસરકારક નીવડી શકે એમ છે. એ જયારે પહેલવહેલું પ્રગટ થયું હતું ત્યારે અમે કહ્યું હતું કે તે વિધાનસભાના ખાસ અધિકારો ઉપરનું ખૂબ જ ભયંકર આક્રમણ છે તેમ જ બંધારણીય સિદ્ધાંતો ઉપરનો હમલો છે. અને દરેક સભાસદ પાસેથી અપેક્ષા તો એ રાખવામાં આવી હતી કે તે આ સિદ્ધાંતોને અખંડ રાખવાને માટે પોતાને ગંભીર જવાબદારીથી બંધાયેલો માનશે.

આ છેલ્લા વાંધા વિષે કેટલાક સભ્યોને યાદ આપવાની જરૂર રહેતી નથી. મિ. બેઈલે કહ્યું હતું કે મતાધિકારનો હક એવો હક છે જે માત્ર લોકો પાસે જ રહેવો જોઈએ, એટલે તે ગવર્નર અને મંત્રીમંડળ પાસે નહીં રહેવો જોઈએ. અલબત્ત તેનો ઉપયોગ લોકોના પ્રતિનિધિઓએ જ કરવાનો છે. . . . પરંતુ અખબારોને તો આજની સંસદની નહીં પણ ભવિષ્યની બધી સંસદોની ચિંતા કરવાની છે. . . . જ્યારે એક મહાન બંધારણીય સિદ્ધાંતનો એક વાર ભંગ કરવામાં આવે છે, પછી ભલે તે ભંગ ગમે એટલો નજીવો હોય, ત્યારે એ જોખમ હંમેશાંને માટે ઊભું થઈ જાય છે કે કોઈ પણ સત્તાના લોભવાળી સરકાર એ ભંગાણને ગમે ત્યારે મોટું બનાવી દે.

એ વાંધો યુરોપિયનોના દૃષ્ટિબિંદુ મુજબનો છે. આપના અરજદારો એ દૃષ્ટિબિંદુ સાથે તો સંમત છે જ, પણ તેમને આ કલમના સિદ્ધાંત સામે વધારે મજબૂત વાંધો છે. હિંદી કોમ મતદાર યાદી ઉપર હિંદીઓનાં નામોની સંખ્યા જોવાને એટલી આતુર નથી, જેટલી તે બ્રિટિશ પ્રજા તરીકે પોતાના હકો તથા ખાસ અધિકારોની રક્ષાને માટે આતુર છે. તેઓ યુરોપિયન બ્રિટિશ પ્રજાજન સાથે સમાન दरज्जो ઇચ્છે, જેનું આશ્વાસન મહામના સમ્રાજ્ઞીએ હિંદીઓને અનેક વાર આપ્યું છે. અને ભૂતપૂર્વ મુખ્ય સંસ્થાન મંત્રીના એક ખાસ ખરીતા મારફતે સમ્રાજ્ઞીની સરકારે હિંદી કોમને આ ખાસ આશ્વાસન આપેલું છે જો અમુક લાયકાતો ધરાવતાં બીજાં બ્રિટિશ પ્રજાજનો હકપૂર્વક મતાધિકાર માગી શકતાં હોય તો આપના અરજદારો નમ્રપણે પૂછે કે તો પછી હિંદી બ્રિટિશ પ્રજાજનો શા માટે એ માગી નહીં શકે?

આ પદ્ધતિ અટપટી છે અને તેનાથી મતાધિકારનું આંદોલન કાયમને માટે જાગતું રહેવાને ઉત્તેજન મળશે. એ ઉપરાંત એનાથી આ આંદોલન યુરોપિયનોના હાથોમાંથી ખસીને હિંદીઓના હાથમાં જશે. વિધાનસભામાંના બીજા વાચન સમયનાં ભાષણો ઉપરથી દેખાય છે કે કાઉન્સિલ સાથે રહીને જો ગવર્નર સત્તા વાપરશે જ તો તે બહુ સાચવી સાચવીને જ હશે.

એવી ગણતરી છે કે એનાથી હિંદી કોમમાં અંદર અંદરના ઝઘડા પેદા થશે. કારણ કે જે અરજદારને નામંજૂર કરવામાં આવ્યો હોય તે જો પોતાની જાતને જેના તરફ મહેરબાની બતાવાઈ છે તેવા સાથી અરજદારની બરાબર સમજતો હશે તો એથી જરૂર નારાજ થવાનો.

આપ મહાનુભાવના મતાધિકારના પ્રશ્ન અંગેના ખરીતામાં કેળવણી, બુદ્ધિમત્તા અને મિલકતને હિંદીઓને મતાધિકારનો હક આપનારાં કારણો તરીકે ગણાવવામાં આવ્યાં છે. આપના અરજદારોનું કહેવું એ છે કે જે અમુક પ્રમાણની કેળવણી, બુદ્ધિમત્તા અને મિલકત જે સંસ્થાનમાં એક હિંદીને માટે મતદાર બનવાની લાયકાત માટે પૂરતાં થતાં હોય તો પછી એ સત્તા ગવર્નરના હાથમાં છોડવાને બદલે આવી કસોટી જારી કરી શકાય. અહીં આપના અરજદારો આપનું ધ્યાન આ પહેલાં ટાંકવામાં આવેલા नाताल मर्क्युरीના અગ્રલેખનાં એક ભાગ તરફ દોરવા માગે છે. જો એ વિધેયકના અમલ નીચે આવનારાઓ માટે જરૂરી લાયકાતો દર્શાવવામાં આવી હોત તો તેનાથી વિધેયકના તે ભાગનું ચર્ચાસ્પદ સ્વરૂપ નાબૂદ થઈ જાત, અને એના અમલ નીચે આવનારાઓને ચોક્કસપણે ખબર પડત કે તેમને મત આપવાને લાયક બનાવવા માટે કેવી લાયકાતો જોઈશે ૮મી મેના नाताल एडवर्टाईझरમાં પરિસ્થિતિ ટૂંકામાં સારી રીતે રજૂ કરવામાં આવી છે:

હાલના વિધેયકની બેવડી ચાલની હજી એક વધુ સાબિતી એની એ જોગવાઈમાં રહેલી છે કે અમુક હિંદીઓને મતદારોની યાદી ઉપર મૂકવાનો અધિકાર કાઉન્સિલ સમેત ગવર્નરને રહેશે. દેખીતી રીતે જ આ કલમ શાહી સરકારને એવું મનાવવાના હેતુથી સામેલ કરવામાં આવી છે કે નિયમમાં અપવાદ કરવાનો આ અધિકારનો પ્રસંગોપાત્ત ઉપયોગ કરવામાં આવશે, એનો ઉપયોગ કોઈ કોઈ વાર જ થશે; પરંતુ થશે તો ખરો જ. આમ છતાં ઍટર્ની જનરલે જાહેર કર્યું કે, "આ વિધેયક નીચે આ સંજોગોમાં અપાયેલો મતદાર યાદીમાં સામેલ કરવાનો અધિકાર કોઈ પણ રીતે કાઉન્સિલ સમેત ગવર્નર મારફતે

જ પ્રાપ્ત થઈ શકે એમ છે. એ સિવાય બીજી રીતે પ્રાપ્ત થઈ શકે એમ નથી. મંત્રીઓની જવાબદારીનો સાચો અર્થ શો હતો તે કોમના દરેક વર્ગે સમજવા માંડયું હતું, અને તેઓ એ વાત બહુ સારી રીતે જાણતા હતા કે જે મંત્રીઓ હિંદી મતદારોને મતદારયાદી ઉપર દાખલ કરીને મતદારમંડળને નબળાં બનાવવાની જવાબદારી પોતાને માથે ઓઢી લે તો તેઓ ચૌદ દિવસ પણ પોતાની ખુરશી પર ટકી નહીં શકે." એમણે આગળ કહ્યું, "સારા દક્ષિણ આફ્રિકામાં આના સિવાય કોઈ બીજો અવાજ હશે નહીં કે દેશની મતદારયાદી માત્ર યુરોપિયન જાતિના લોકો પૂરતી જ મર્યાદિત રાખવી જોઈએ. આ જ વાતથી અમે

શરૂઆત કરી છે અને આખો સમય અમારી નજર સામેનું ધ્યેય પણ એ જ રહ્યું છે." આ મંત્રીઓની જાહેરાતોનો જે કાંઈ અર્થ હોય તો તે એટલો જ છે કે આ સરકારનો ઇરાદો અપવાદ કરવાના પોતાના હકનો ઉપયોગ કરવાનો નથી. તો પછી એ વાત વિધેયક ઉપર મૂકવામાં શા માટે આવી છે? એક વિધેયકમાં એક જોગવાઈ સામેલ કરવામાં આવે છે, એના ઘડવૈયાઓ વિધેયકને મંજૂરી માટે રજૂ કરતી વખતે જાહેર કરે છે કે તેઓ એ જોગવાઈને નિરર્થક ગણવાના છે. તો પછી આ વસ્તુ કાંઈ નહીં તો ખોટો ઢોંગ નથી? અથવા વધારે સ્પષ્ટ રીતે કહીએ તો પાછલા હાથની રમત નથી?

કોઈ ધનિક હિંદી વેપારી માટે વિધેયકના અમલમાંથી મુક્તિ મેળવવા માટેની પરમિટ કઢાવવા અરજી કરવાનું અને તે નામંજૂર થઈ જાય એનું જોખમ વહોરવાનું ભાગ્યે જ આનંદ આપનારું થાય. એ વાત સમજવાનું મુશ્કેલ છે કે જે દેશોએ આજ સુધી સંસદીય મતાધિકાર ઉપર નિર્ભર ચૂંટણીમૂલક પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ ધરાવી નથી તેમાંથી આવનારા યુરોપિયનોએ શા માટે મત આપવાના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ જયારે એ જ પરિસ્થિતિમાં મુકાયેલા બિનયુરોપિયનો સંસ્થાના સામાન્ય કાનૂન નીચે એમ કરી શકતા નથી.

સરકારના અભિપ્રાય મુજબ, હાલનું વિધેયક પ્રયોગાત્મક છે. એના બીજા વાચન વખતે બોલતાં માનનીય એટર્ની જનરલે કહ્યું: "જો, અમારી માન્યતા વિરુદ્ધ, અમારી દૃઢ માન્યતા વિરદ્ધ, વિધેયક જો રાખવામાં આવેલા ઇરાદા કરતાં ઓછું ઊતર્યું તો સંસ્થાનમાં કદી શાંતિ જળવાશે નહીં" વગેરે. એટલે વિધેયક મર્યાદિત સ્વરૂપનું નથી. આવી પરિસ્થિતિમાં, તમારા અરજદારો જણાવે છે કે જયાં સુધી વર્ગ કે જાતિગત કાનૂનનો આશરો લીધા સિવાયનાં બધાં જ સાધનોની અજમાયશ કર્યા બાદ તે નિષ્ફળ ગયેલાં દેખાય (એટલે માની લઈએ કે હિંદી મત યુરોપિયન મતને ડુબાવી દેવાનું જોખમ મોજૂદ છે) ત્યાં સુધી હાલના જેવું વિધેયક પસાર નહીં કરવું જોઈએ. તમારા અરજદારો જણાવે છે કે અાં પ્રશ્ન કાંઈ સમ્રાજ્ઞીની માત્ર મૂઠીભર પ્રજા ઉપર અસર કરનારો નથી પણ તે સમ્રાજ્ઞીના ૩૦ કરોડ વફાદાર પ્રજાજનો ઉપર અસર કરનારો છે. તમારા અરજદારો નમ્રતાપૂર્વક રજૂ કરે છે કે પ્રશ્ન કેટલા અને કયા હિંદીઓને મતનો અધિકાર મળવાનો છે એ નથી, પણ બ્રિટિશ હિંદીઓને હિંદની બહાર અને સંસ્થાનોમાં તેમ જ સાથી રાજ્યોમાં કેવો दरज्जो મળવાનો છે એ છે. શું કોઈ આદરપાત્ર હિંદી વેપાર અથવા બીજા કોઈ ઉદ્યમ માટે હિંદ બહાર જવાનું સાહસ કરે અને કોઈ જાતનું मोभानुं स्थान મેળવવાની આશા રાખી શકે ખરો? હિંદી કોમ દક્ષિણ આફ્રિકાનું રાજદ્વારી ભાવિ ઘડવા નથી ઇચ્છતી, પણ તે એટલું જરૂર ઈચ્છે છે કે તેને કોઈ પણ જાતની અપમાનજનક શરતો લાદ્યા સિવાય પોતાના શાંતિપૂર્ણ ધંધારોજગાર ખલેલ વિના ચલાવવા દેવામાં આવે. એટલે તમારા અરજદારોનું કહેવું એ છે કે જો હિંદી મત બળવાન બની જવાનું સહેજ પણ જોખમ હોય તો સૌના ઉપર સમાન એવી એક સાદી કેળવણીની કસોટી મૂકવામાં આવે અને એની સાથે મિલકત અંગેની લાયકાતોમાં જોઈએ તો વધારો કરવામાં આવે અથવા નહીં કરવામાં આવે. એનાથી સરકારી મુખપત્રના અભિપ્રાય મુજબ પણ બધું જોખમ અસરકારક રીતે દૂર થશે. અને જો આવી કસોટી સફળ નહીં નીવડે તો એવી વધારે સખત કસોટી મૂકવામાં આવે જે યુરોપિયનોના મત ઉપર મહત્વની અસર કર્યા સિવાય હિંદીઓ વિરુદ્ધ અસર પાડશે. જો નાતાલની સરકાર માટે હિંદીઓને મતાધિકારમાંથી સંપૂર્ણ રીતે બાદ રાખવાથી કશું પણ ઓછું મંજૂર નહીં હોય, અને જો સમ્રાજ્ઞીની સરકાર આ જાતની માગણીની તરફેણ કરવાના વલણની હોય તો પછી તમારા અરજદારોનું કહેવું એ છે કે હિંદીઓને નામ દઈને બાદ કરવાથી જ મુસીબતનો સંતોષકારક ઉકેલ આવી શકશે, એનાથી ઓછાથી નહીં આવે.

પરંતુ તમારા અરજદારો તમારું ધ્યાન એ હકીકત તરફ ખેંચવા માગે છે કે સમૂહગત રીતે યુરોપિયન સાંસ્થાનિકો આવી કોઈ માગણી કરતા નથી, તેઓ તદ્દન બેફિકર દેખાય છે.

આ બેફિકરાઈ વિષે नाताल एडवर्टाइझर આ રીતે ઠપકો આપે છે:

કદાચ જે ઢબે આ ઘણા જ મહત્ત્વના વિષયની સંસદમાં ચર્ચા થઈ છે તેનાથી એક ચોથો મુદ્દો પણ બહાર આવ્યો છે – તે છે સંસ્થાનની એના પોતાના રાજકારણ વિષેની બેફિકરાઈ. જે શોધી કાઢી શકાય તો એ જાણવાનું ઘણું રસપ્રદ થશે કે કેટલા સાંસ્થાનિકોએ પ્રસ્તુત વિધેયક વાંચવાની પણ તસ્દી લીધી છે. જેમણે એ નથી વાંચ્યું તેમનું પ્રમાણ કદાચ ઘણું આશ્ચર્યકારક નીવડે એવો સંભવ છે. આ બાબત અંગેની સાંસ્થાનિકોની સામાન્ય લાપરવાહી એ હકીકત ઉપરથી જોવા મળે છે કે સંસ્થાનના ખૂણે ખૂણાની વાત તો બાજુએ રહી પણ તેના દરેક કેન્દ્રીય સ્થળમાં પણ એને પ્રકાશમાં લાવવાને માટે અને એવી માગણી કરવાને માટે સભાઓ ભરવામાં નથી આવી કે સંસદ માત્ર એવું જ વિધેયક પસાર કરે જેથી આ વિષય પરની વધુ વાદવિવાદ નિષ્ફળ બની જાય. જો સંસ્થાન આ બાબતની સાચી ગંભીરતા પ્રત્યે પૂરેપૂરું જાગ્રત હોત તો અખબારોનાં પાનાં આ પ્રશ્વન વિષેના ગંભીર અને બુદ્ધિમત્તાવાળા પત્રવ્યવહારથી ઊભરાઈ ગયાં હોત. પરંતુ આમાંની કોઈ પણ વાત બનવા પામી નથી. એને પરિણામે સરકાર એક એવું વિધેયક પસાર કરાવી શકી છે જે આ બાબતનો અસરકારક ઉકેલ કાઢી શકયું હોવાનું મનાય છે, પરંતુ ખરું પૂછો તો વિધેયક એ બાબતને પહેલાં કદી પણ હતી એના કરતાં ઘણી જ ખરાબ અને જોખમકારક સ્થિતિમાં મૂકી દે છે.

ઉપર ટાંકેલા ઉતારા ઉપરથી જણાશે કે હાલનું વિધેયક બેમાંથી એકે પક્ષને સંતોષ આપતું નથી. નાતાલનું મંત્રીમંડળ અને અહીંની બંને ધારા ઘડનારી સંસ્થાઓ પ્રત્યે વધારેમાં વધારે આદર સાથે તમારા અરજદારો જણાવે છે કે આ વિધેયક તેમણે મંજૂર રાખ્યું છે એ હકીકતનું કોઈ ખાસ મહત્ત્વ નથી. ખુદ જે સભાસદો આ વિધેયકના કોઈ પણ જાતના સક્રિય વિરોધથી દૂર રહ્યા હતા, તેઓ धि नाताल विटनेस કહે છે તેમ એના વિષે શંકાશીલ હતા.

તમારા અરજદારો આશા રાખે છે કે તમને સંતોષ થાય એ રીતે એમણે એ બતાવી આપ્યું છે કે ઉપર દર્શાવેલું જોખમ કાલ્પનિક છે અને હાલનું વિધેયક જેઓ હિંદીઓને મતાધિકારથી વંચિત થયેલા જોવા ઇચ્છે છે તેમના દૃષ્ટિબિંદુથી તેમ જ ખુદ હિંદીઓના દૃષ્ટિબિંદુથી અસંતોષકારક છે. તેમ છતાં કોઈ પણ સંજોગોમાં તમારા અરજદારો એવો દાવો કરે છે કે એટલું બતાવવા માટે પૂરતી હકીકતો અને દલીલો રજૂ કરવામાં આવી છે કે આ સવાલનો નિકાલ ઉતાવળે નહીં કરવો જોઈએ, અને એવું કરવાની કોઈ જરૂર પણ નથી. नाताल विटनेसનું એવું માનવું છે કે “આ વિધેયકને ઝટ ઝટ પસાર કરી દેવાની ઉત્સુકતા વિષે કશી સ્પષ્ટતા કરવામાં નથી આવી, કાંઈ નહીં તો સંતોષકારક સ્પષ્ટતા કરવામાં નથી આવી.” नाताल एडवर्टाइझर પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે કે “આ હિંદી મતાધિકારનો પ્રશ્ન એક ઘણો જ મહત્વનો પ્રશ્ન છે અને એનો કાયમનો ઉકેલ કરવામાં ઉતાવળ કરવી નહીં જોઈએ. ખરેખર સૌથી સારો રસ્તો તો એ છે કે પ્રસ્તુત વિધેયકને મુલતવી રાખવામાં આવે અને જ્યારે મતદારમંડળ પાસે ચોક્કસ માહિતી આવી જાય ત્યારે આ આખો પ્રશ્ન તેમની સામે વિચારણા માટે મૂકવામાં આવે.” (૨૮–૩–૧૮૯૬).

લંડનના टाइम्स પત્રના શબ્દોમાં હિંદી કોમની લાગણી બહુ સારી રીતે વ્યક્ત કરી શકાય.टाइम्स (૨૦ માર્ચ, ૧૮૯૬ની અઠવાડિક આવૃત્તિ) કહે છે:

હિંદીઓ જયારે પરદેશોમાં કે બ્રિટિશ સંસ્થાનોમાં કામધંધો શોધવા માટે જાય છે ત્યારે તેમને જો બ્રિટિશ પ્રજાજન તરીકેનો दरज्जो સાથે લઈને જવા દેવામાં આવે તો આફ્રિકાની ખિલવણીના કાર્યમાં હિંદી મજૂરો માટે નવી જ શકયતાઓ રહેલી છે. હિંદી સરકાર અને ખુદ હિંદીઓ પોતે એવું માને છે કે ખુદ દક્ષિણ આફ્રિકામાં જ તેમના दरज्जाના આ પ્રશ્નને નિશ્વિત સ્વરૂપ અપાવું જોઈએ. જો તેઓ દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ પ્રજાજનનો દરજજો હાંસલ કરી શકે તો બીજી જગ્યાએ તેમને એની ના પાડવાનું લગભગ અશકય બનશે. જો તેઓ દક્ષિણ આફ્રિકામાં આ દરજજો હાંસલ નહીં કરી શકે તો બીજી જગ્યાએ તેમને માટે તે હાંસલ કરવાનું અતિશય મુશ્કેલ થશે. તેઓ એ વાતનો ઝટ સ્વીકાર કરે છે કે જે હિંદી મજૂરો વસાહત અંગે મળેલી મદદના બદલામાં અમુક ચોક્કસ વર્ષોની મુદત માટે નોકરી કરવાનો જે કરાર કરે છે એની શરતોનું એણે પાલન કરવું જ જોઈએ, પછી ભલે એમ કરતાં એના હકો ઉપર ગમે એટલો કાપ પડતો હોય. પરંતુ તેઓનું માનવું એવું છે કે મજૂરીના કરારની મુદત પૂરી થતાં તેમણે જે કોઈ દેશ અથવા સંસ્થાનમાં વસવાટ કર્યો હોય, તેમાં તેઓ બ્રિટિશ પ્રજાના दरज्जाના હકદાર છે.. . . હિંદી સરકાર માટે એવી માગણી કરવાનું ઉચિત જ છે કે હિંદી મજૂરોએ પોતાના જીવનનાં ઉત્તમ વર્ષો દક્ષિણ આફ્રિકાની સેવામાં આપ્યા બાદ આ તેમના પોતાના તરીકે સ્વીકારેલા દેશમાં બ્રિટિશ પ્રજાનો દરજજો આપવાની ના પાડીને તેમને બળજબરીથી હિંદને માથે નહીં લાદવા જોઈએ. નિર્ણય ગમે તે લેવામાં આવે તોપણ એની હિંદના મજૂરોના પરદેશગમનના વિકાસ ઉપર ગંભીર અસર પડશે.

મતાધિકારના આ પ્રશ્નની તથા नाताल गवर्नमेन्ट गेझेटમાંથી એકઠા કરેલા અને હવે સાચા તરીકે સ્વીકારાયેલા આંકડાઓની ખાસ ચર્ચા કરતાં એ જ અખબાર ૩૧મી જાન્યુઆરી ૧૮૯૬ના અંકમાં (અઠવાડિક આવૃત્તિ) કહે છે:

આ આંકડાઓ મુજબ સંસ્થાનમાં ૨૫૧ નોંધાયેલા બ્રિટિશ હિંદી મતદારો સામે ૯,૩૦૯ નેાંધાયેલા યુરોપિયન મતદારો છે. . . . જો શ્રી ગાંધીનાં નિવેદનો સાચાં હોય તો વ્યવહારુ રાજકારણની સીમામાં કોઈ પણ વખતે એવી શકયતા નથી દેખાતી કે હિંદી મત યુરોપિયન મતને ગૂંગળાવી દેશે. બધા ગિરમીટ નીચેના હિંદીઓ જ માત્ર મતાધિકારથી વંચિત નથી રખાયા પણ એક બાજુથી બધા જ બ્રિટિશ હિંદીઓ પણ વંચિત રાખવામાં આવ્યા છે અપવાદરૂપે મતદાર તરીકે એક ઘણો જ નાનો વર્ગ રહ્યો છે જેમણે બુદ્ધિશક્તિ અને ઉદ્યમ વડે પોતાની જાતને ધનિક શહેરીઓના દરજજે ચડાવી છે. . . .
આ આંકડાઓ બતાવે છે કે હાલના ચાલુ કાનૂન નીચે પણ એક બ્રિટિશ હિંદી માટે નાતાલમાં મતાધિકાર મેળવવામાં લાંબો સમય જાય છે, કુલ ૨૫૧ બ્રિટિશ હિંદી મતદારોમાંથી માત્ર ૬૩ સંસ્થાનમાં દસ વર્ષથી ઓછી મુદત માટે રહ્યા છે અને એમાંના ઘણાએ પોતાની મૂડીથી શરૂઆત કરી છે. બાકીના મતદારો ૧૦ કરતાં વધારે વર્ષથી અને
ઘણા તો ૧૪ કરતાં પણ વધારે વર્ષથી અહીં રહેલા છે. જે લોકો આ પ્રશ્નનો નિકાલ આવેલો જોવા ઇચ્છે છે એમને માટે બ્રિટિશ હિંદી મતદારોની યાદીનું ધંધા પ્રમાણેનું પૃથક્કરણ ખૂબ જ ઉત્સાહજનક પરિણામો લાવનારું છે.
હિંદમાં બરાબર આ જ વર્ગના લોકો મ્યુનિસિપલ અને બીજા મતદારમંડળોમાં સૌથી મહત્ત્વનું અંગ બનતા હોય છે. એવી જે દલીલ કરવામાં આવે છે કે નાતાલમાંના હિંદીઓ જે ખાસ હકો હિંદમાં ભોગવે છે તેના કરતાં વધારે હકોનો દાવો નહીં કરી શકે અને તેઓ હિંદમાં કોઈ પણ જાતનો મતાધિકાર ધરાવતા નથી તેનો સાચી બીના સાથે કોઈ મેળ નથી. . . . જેટલે અંશે હિંદમાં મતાધિકારનું શાસન અસ્તિત્વમાં છે તેટલે અંશે અંગ્રેજો અને હિંદીઓ બંને સમાન કક્ષા ઉપર છે. અને મ્યુનિસિપલ, પ્રાંતીય અને સર્વોચ્ચ ત્રણે કાઉન્સિલોમાં હિંદીઓનાં હિતોને એકસરખું મજબૂત પ્રતિનિધિત્વ અપાયેલું છે. એ દલીલ પણ કસોટીમાં ટકતી નથી કે બ્રિટિશ હિંદીઓ પ્રતિનિધિત્વવાળા શાસનનું સ્વરૂપ અને જવાબદારીઓથી અપરિચિત છે. કદાચ દુનિયામાં એવો એકે દેશ નહીં હોય જયાં પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ લોકોના જીવન સાથે આટલી સરસ રીતે ઓતપ્રોત થઈ હોય. . . .
હાલમાં મિ.ચેમ્બરલેન સામે જે પ્રશ્ન ખડો થયો છે તે कोई खाली सिद्धांतनो प्रश्न नथी. ए दलीलनो प्रश्न नथी पण जातिविषयक भावनानो छे. साम्राज्ञीना १८५८ना ढंढेराथी हिंदीओने ब्रिटिश प्रजाना पूरा हको अपायेला छे. अने तेओ इंग्लंडमां अंग्रेजो साथे समान रीते मत आपे छे अने ब्रिटिश पार्लामेन्टमां सभासद बने छे. પરંતુ ઘણી પ્રજાઓના બનેલા વિશાળ સામ્રાજ્યમાં આ પ્રશ્નો અનિવાર્ય છે અને જેમ જેમ વરાળયંત્રથી ચાલતાં જહાજો બૃહત્તર કહેતાં વ્યાપક બ્રિટનની જદી જુદી પ્રજાઓને એકમેકના ગાઢ પરિચયમાં લાવતાં જાય છે તેમ તેમ એ પ્રશ્નો વધારે ઉગ્ર સ્વરૂપમાં આગળ આવશે. બે ચીજો સ્પષ્ટ છે. આવા પ્રશ્નો તરફ નિષ્કાળજી કરવાથી કાંઈ તેમનો આપમેળે ઉકેલ આવશે નહીં અને બ્રિટનમાં બેઠેલી મજબૂત સરકાર એ પ્રશ્નનો અંગે ન્યાય આપવા માટેની ઉત્તમ અપીલ-કોર્ટનું કામ કરી શકે છે. आपणी पोतानी प्रजाओ वच्चेनी लडाई आपणने पालवी शके एम नथी. હિંદી સરકાર માટે, નાતાલમાં મજૂરો મોકલવાનું બંધ કરીને તેની પ્રગતિને એકાએક રોકી દેવાનું એટલું જ ભૂલભરેલું થશે જેટલું નાતાલ માટે બ્રિટિશ હિંદી પ્રજાના નાગરિક હકોની ના પાડવાનું થશે. આ હિંદીઓએ વર્ષોની કરકસર અને સંસ્થાનમાં કરેલાં સારાં કાર્ય વડે નાગરિકના સાચા दरज्जा સુધી પહોંચવા જેટલી ઉન્નતિ કરી છે. (બધી જગ્યાએ નાગરી તમારા અરજદારોએ કર્યું છે.)

હવે તમારા અરજદારો પોતાની ફરિયાદ તમારા હાથમાં છોડે છે અને એમ કરતાં ખરા દિલથી વિનંતી કરે છે અને શ્રદ્ધાપૂર્વક આશા રાખે છે કે પ્રસ્તુત વિધેયકને સમ્રાજ્ઞીની મંજૂરી મળશે નહીં, અને જો યુરોપિયન મતને હિંદી મત ડુબાવી દે એવું કોઈ જોખમ રહેતું હોય તો એ વાતનો નિર્ણય કરવાને એક તપાસપંચ નીમવાને હુકમ કાઢવામાં આવે કે હાલના કાનૂન નીચે એવું કોઈ જોખમ ખરેખર મોજૂદ છે કે નહીં, અથવા એવી કોઈ બીજી રાહત આપવામાં આવે જેથી ન્યાયનો હેતુ બર આવે. અને આ ન્યાય અને દયાના કૃત્ય બદલ તમારા અરજદારો ફરજ સમજીને હંમેશ બંદગી કરતા રહેશે વગેરે વગેરે.

(સહી)અબદુલ કરીમ હાજી આદમ


અને બીજાઓ

[ મૂળ અંગ્રેજી ]

છાપેલી નકલની છબી પરથી.