ગાંધીજીનો અક્ષર દેહ - ૧/હિંદના શાકાહારીઓ
← કર્નલ જે. ડબલ્યુ. વૉટસનને પત્ર | ગાંધીજીનો અક્ષરદેહ હિંદના શાકાહારીઓ [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] |
કેટલાક હિંદી તહેવારો → |
[ગાંધીજીએ ઘણુંખરું પહેલવહેલા લખેલા આ લેખો धि वेजिटेरियनમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.]
જુદી જુદી ન્યાતોના અને જુદા જુદા ધર્મોના બસો પચાસ લાખ [૧]લોકો હિંદુસ્તાનમાં વસે છે. જે અંગ્રેજો હિંદુસ્તાન ગયા નથી અથવા જેમને હિંદની વાતોમાં ઝાઝો રસ નથી તેમની બહુ સામાન્ય માન્યતા એવી છે કે હિંદીમાત્ર જન્મના શાકાહારી હોય છે. હવે, આ વાત માત્ર થોડે અંશે સાચી છે. હિંદના લોકો ત્રણ મુખ્ય ભાગમાં વહેંચાયેલા છે: હિંદુ, મુસલમાન અને પારસી.
હિંદુઓમાં વળી ચાર મુખ્ય વર્ણો છે : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એ બધામાંથી સિદ્ધાંતની રૂએ માત્ર બ્રાહ્મણો અને વૈશ્યો શુદ્ધ શાકાહારી છે. વહેવારમાં જોકે લગભગ બધા હિંદીઓ શાકાહારી હોય છે. એમાંના કેટલાક સ્વેચ્છાએ શાકાહારી છે તો બીજા ફરજિયાત તેવા છે. આ ફરજિયાત શાકાહારીઓ હંમેશા માંસ ખાવાને રાજી હોવા છતાં એટલા ગરીબ છે કે તે ખરીદી શકતા નથી. હિંદમાં હજારો એવા લોકો છે જેમને રોજના એક પૈસા (૧/૩ પેની) પર ગુજારો કરવો પડે છે એ બીના પરથી એ વાતની સાબિતી મળે છે. આ બધા લોકો રોટલો ને મીઠા પર જીવે છે અને મીઠા પર ભારે કરવેરો નાખવામાં આવેલો છે. એટલે ગરીબીમાં સબડતા હિંદ જેવા મુલકમાં પણ ૧/૩ પેનીમાં ખાવાલાયક માંસ મેળવવાનું છેક અશકય નહીં તોયે અત્યંત મુશ્કેલ છે.
હિંદમાં શાકાહારીઓ કોણ છે એ સવાલની આ સમજ સ્પષ્ટ થયા પછી બીજો કુદરતી સવાલ એ ઊભો થાય કે એ લોકો શાકાહારનો સિદ્ધાંત વહેવારમાં કઈ ઢબે અમલમાં મૂકે છે. પહેલું તો એ કે હિંદી શાકાહારના આચારમાં વી. ઈ. એમ. [૨] આહારની વાત આવતી નથી. હિંદીઓ એટલે કે શાકાહારી હિંદીઓ મચ્છી, જાનવરોનું માંસ, અને પંખીઓનું માંસ એ ત્રણ ઉપરાંત ઈંડાં પણ લેતા નથી. તેમની દલીલ એવી છે કે ઈંડું ખાવું એ જીવની કતલ કર્યા બરાબર છે કેમ કે ઈંડાને છેડવામાં ન આવે તો તેનું સામાન્યપણે પંખી બને. પણ અહીંના કેટલાક શાકાહારી અંતિમવાદી દૂધ અને માખણને પણ વજર્ય માને છે તેમ તે લોકો નથી માનતા એટલું જ નહીં, તેમને 'ફળાહારના દિવસો'એ લઈ શકાય એટલાં પવિત્ર માને છે. એવા દિવસો દર પખવાડિયે આવે છે અને ઊંચ વર્ણના ઘણાખરા હિંદુઓ સામાન્યપણે પાળે છે. તેમની દલીલ એવી છે કે ગાયનું દૂધ તેની પાસેથી લેવામાં અમે તેની કતલ કરતા નથી અને ખરેખર, ગાયને દોહવાની ક્રિયા જેને ચિત્રોનો અને કાવ્યોનો વિષય બનાવવામાં આવ્યો છે તે તેની કતલની જેમ માણસની નાજુકમાં નાજુક લાગણીઓ પર આઘાત પહોંચાડી શકતી નથી. સાથે સાથે અહીં જણાવવું જરૂરી છે કે ગાય હિંદુઓમાં પૂજ્ય મનાય છે અને કતલને માટે ગાયોને પરદેશ લઈ જવાને વહાણોમાં ચડાવાતી અટકાવવાને શરૂ કરવામાં આવેલું આંદોલન ઝપાટાબંધ આગળ વધતું જાય છે.
[મૂળ અંગ્રેજી]
धि वेजिटेरियन, ૭–૨–૧૮૯૧
હિંદી શાકાહારીઓ જે ભાગોમાં રહે છે તે મુજબ તેમના આહારમાં ફેર હોય છે. જેમ કે બંગાળમાં ખોરાકમાં મુખ્ય અનાજ ચોખા છે જયારે મુંબઈ ઈલાકામાં ઘઉં છે.
સામાન્યપણે બધા હિંદીઓ અને તેમાંયે મોટી ઉંમરનાં માણસો અને તેમાં વળી ઊંચ વર્ણના હિંદુઓ દિવસમાં બે વખત ભોજન કરે છે અને તરસ લાગે ત્યારે તે બે સમયની વચ્ચેના ગાળામાં એકાદ બે પ્યાલા પાણી પીએ છે. પહેલું ભોજન તે લોકો સવારના દસ વાગ્યાના અરસામાં લે છે. તેને અંગ્રેજોના ડિનર સાથે સરખાવી શકાય. બીજું ભોજન સાંજે આઠના અરસામાં લે છે અને તેને અંગ્રેજી સપર સાથે સરખાવી શકાય કારણ કે તેને રાતનું ભોજન અથવા વાળુ કહે છે; જોકે એ સરખામણી નામ પૂરતી જ થાય કારણ કે હકીકતમાં વાળુ રીતસરનું ભોજન હોય છે. ઉપરના વર્ણન પરથી માલૂમ પડશે કે એ લોકો સવારમાં નાસ્તો લેતા નથી. હિંદીઓ સામાન્યપણે સવારના છ વાગ્યે ઊઠે છે, અને થોડા તો વળી ચાર કે પાંચ વાગ્યા જેટલા વહેલા ઊઠે છે એ જોતાં તેમને સવારના નાસ્તાની જરૂર રહેવી જોઈએ. તેઓ બપોરનું સામાન્ય ભોજન પણ લેતા નથી, કેટલાક વાચકોને બેશક નવાઈ થશે કે પહેલા ભોજન બાદ હિંદીઓ નવ કલાક સુધી કંઈ પણ ખાધા વગર કેવી રીતે ચલાવતા હશે! બે રીતે આ વાતનો ખુલાસો મળી શકે. એક તો આદત સ્વભાવ જેવી બની જાય છે. કેટલાકને ધર્મની આજ્ઞા હોય છે તેથી અને બીજા કેટલાકને રોજગારના રોકાણને લીધે અથવા રિવાજને લીધે એક દિવસમાં બે વખતથી વધારે વાર ભોજન ન કરવાની ફરજ પડે છે. એ ટેવનું બીજું કારણ એ કે હિંદની આબોહવા થોડા ભાગો બાદ કરતાં ઘણી ગરમ છે. અહીં ઇંગ્લંડમાં પણ અનુભવ થાય છે કે શિયાળામાં જેટલા ખોરાકની જરૂર રહે છે તેટલાની ઉનાળામાં રહેતી નથી. અંગ્રેજો જેમ દરેક વાની અલગ અલગ જમે છે તેમ હિંદીઓ જમતા નથી પણ ઘણી વાનીઓનું મિશ્રણ કરે છે. હિંદુઓમાંના કેટલાકને તો ધર્મની આજ્ઞા મુજબ પોતાને જમવાની બધીયે વાનીઓ એકઠી કરી દેવી પડે છે. વળી, ભોજનની એક એક વાનગી ઘણી સંભાળથી ઝીણી ઝીણી વિગતોનું ધ્યાન રાખીને રંધાય છે. હકીકતમાં એ લોકો સાદા બાફેલા શાકમાં માનતા નથી પણ તેમને તે હરેકમાં મરી, મરચાં, મીઠું, લવિંગ, તજ, રાઈ, અને એવા બીજા ઘણા મસાલા કે જે બધાંનાં અંગ્રેજી નામો ઔષધિઓની યાદીમાંથી લઈએ તે સિવાય મળે નહીં તે નાખવાને જોઈએ છે.
પહેલા ભોજનમાં સામાન્યપણે રોટલા અથવા કહો કે રોટલી હોય છે. એ રોટલી વિષે પાછળથી વધારે લખું છું. તે ઉપરાંત થોડું કઠોળ જેમ કે વાલ, વટાણા, ચણા વગેરે, ભેગાં અથવા છૂટાં રાંધેલાં બે કે ત્રણ શાક, તે પછી પાણીમાં રાંધેલા ચોખા એટલે કે ભાત અને અનેક મસાલાથી સ્વાદિષ્ટ કરેલી દાળ હોય છે. એ પછી કેટલાક લોકો દૂધ અને ભાત અથવા એકલું દૂધ, અથવા દહીં અથવા ખાસ કરીને ઉનાળામાં છાશ પણ લે છે.
બીજા ભોજનમાં એટલે કે વાળુમાં પહેલા ભોજનના જેવી જ ઘણીખરી વાનીઓ હોય છે. પણ તેમનું પ્રમાણ ઓછું હોય છે. આ ભોજનમાં શાક પણ પહેલાના કરતાં ઓછાં હોય છે. વાળુમાં દૂધનો વપરાશ વધારે છૂટથી થાય છે. અહીં વાચકને યાદ કરાવવું જરૂરી છે કે હિંદીઓ અનિવાર્યપણે હંમેશ આ જ આહાર લે છે એવું નથી અને હિંદુસ્તાનભરમાં અને બધા વર્ગોના લોકોમાં ઉપર ગણાવેલી અસલ વાનીઓ જ હોય છે એવું પણ નથી. જેમ કે નમૂના તરીકે વર્ણવવામાં આવેલા ભોજનમાં મીઠાઈનો ઉલ્લેખ કર્યો નથી પણ સારી સ્થિતિવાળા વર્ગોના લોકો અઠવાડિયામાં એકાદ ટંક તેનો ઉપયોગ કરે જ છે. વળી, ઉપર કહ્યું છે તેમ મુંબઈ ઈલાકામાં ચોખાના કરતાં ઘઉંનો વપરાશ વધારે છે તો બંગાળમાં ઘઉંના કરતાં ચોખાને વધારે મહત્વ અપાય છે તેવું જ ત્રીજા અપવાદનું છે, જે મૂળ નિયમને સિદ્ધ કરી આપે છે કે ઉપર જણાવવામાં આવેલા આહારના કરતાં મજૂરી કરનારા વર્ગોનો આહાર જુદો હોય છે. બધી જુદી વાનગીઓ ગણાવવા જતાં મોટાં મોટાં થોથાં ભરાય ને તેમ કરવા જતાં આ લેખમાંથી રસ ઊડી જાય એવો ડર રહે છે.
ઇંગ્લંડમાં અથવા સંભવ છે કે યુરોપમાં વપરાય છે તેના કરતાં રસોઈને માટે માખણનો અથવા તમારે જોઈએ તો કહો કે તાવેલા માખણનો એટલે કે ઘીનો ઉપયોગ ઘણો વધારે થાય છે. અને કંઈક અધિકારથી વાત કરી શકે એવા એક દાક્તરના કહેવા પ્રમાણે હિંદુસ્તાનના જેવી ગરમ આબોહવામાં માખણનો વધારે વપરાશ, ફાયદો નહીં કરતો હોય તોયે, ઇંગ્લંડના જેવી ઠંડી આબોહવામાં કરે તેવું નુકસાન નહીં કરે.
વાચકને સહેજે ધ્યાનમાં આવશે કે ઉપર ગણાવેલી નમૂનારૂપ આહારની વાનીઓમાં ફળોનો અને બેશક સર્વ રીતે ખોરાક તરીકે , મહત્વનાં ફળોનો દુ:ખ સાથે કહેવું પડે છે કે ઉલ્લેખ નથી તેથી તેમનો અભાવ તરત વરતાય છે. તેનાં અનેક કારણોમાં થોડાં એ છે કે હિંદીઓને આહાર તરીકે ફળોનું ઘટતું મૂલ્ય સમજાયું નથી અને મોટાં શહેરો સિવાય સારાં ફળો હિંદમાં બધે મળી શકતાં નથી. અલબત્ત, અહીં જોવામાં નથી આવતાં એવાં કેટલાંક ફળ હિંદમાં બધા વર્ગના લોકો વાપરે છે; પણ અફસોસ ! તે વધારાની ખાવાની ચીજો તરીકે વપરાય છે અને પોષક તત્વોના રસાયણની દૃષ્ટિથી તેમનું મૂલ્ય કોઈ સમજતું નથી કેમ કે તેમનું તે દૃષ્ટિથી પૃથક્કરણ કરવાની કોઈ મહેનત કરતું નથી.
[મૂળ અંગ્રેજી]
धि वेजिटेरियन, ૧૪–૨–૧૮૯૧
આની પહેલાંના લેખમાં રોટલીની બાબતમાં 'હવે પછી વધારે' જણાવવાનું વચન આપ્યું હતું. આ રોટલી સામાન્યપણે ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે ઘઉંને પહેલાં ઘંટીમાં દળવામાં આવે છે. આ ઘંટી હાથથી ફેરવવાની હોય છે અને તે અનાજનો લોટ દળવાને માટેની સાદી રચના હોઈ તેમાં સંચાનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. ધઉંના અામ દળેલા લોટને મોટાં કાણાંવાળી ચાળણીમાં ચાળવામાં આવે છે જેથી જાડું થૂલું ચાળણીમાં રહી જાય છે. અને ગરીબ વર્ગના લોકો તો ખરેખર ઘંટીમાં દળેલા ઘઉંને ચાળતાયે નથી. આમ જોકે અહીંના શાકાહારીઓ વાપરે છે તેવો એ લોટ હોતો નથી એ ખરું છતાં ખૂબ વગોવાયેલી સફેદ ડબલ રોટી અથવા પાંઉને માટે જે સામાન્ય પ્રકારનો લોટ અહીં વપરાય છે તેના કરતાં એ ઘણો ચડિયાતો હોય છે. માખણ તદ્દન ચોખ્ખું હોય તો જે ક્રિયા કેટલીક વાર નકામી હોય છે તે તેના પર કરી એટલે કે તાવી, ગળણીથી ગાળી, ઠંડું પાડી, ઠરવા દઈ શુદ્ધ કરેલું માખણ અથવા ઘીનું શેરે એક મોટા ચમચાને હિસાબે લોટમાં મોણ નાખવામાં આવે છે, અને પછી તેના પર જરૂર જોગું પાણી રેડી બે હાથે મસળી, કેળવી કણકનો લૂઓ તૈયાર કરવામાં આવે છે. આ મોટા લૂઆમાંથી લીંબુના જેવડા એકસરખા નાના નાના લૂઆ પાડવામાં આવે છે. એ દરેક નાના લૂઆની વેલણથી આશરે છ ઇંચ વ્યાસની ગોળ રોટલી વણાય છે. આ વેલણ લાકડાની ટૂંકી લાકડી જેવું હોઈ આ કામ માટે ખાસ સંઘાડા પર ઉતારવામાં આવે છે. પછી વણાયેલી દરેક રોટલીને તાવી પર બરાબર શેકવામાં આવે છે, એક રોટલીને બરોબર શેકાતાં અથવા ચડી રહેતાં પાંચથી સાત મિનિટ થાય છે. આવી રોટલી માખણ એટલે કે ઘી સાથે ગરમ ગરમ ખાવાની હોય છે. તેનો સ્વાદ બહુ મજાનો હોય છે, એ રોટલી તદ્દન ઠંડી પણ ખાઈ શકાય છે અને ખવાય છે ખરી. સામાન્ય અંગ્રેજને સારુ જેવું ખોરાકમાં માંસ હોય છે તેવી શાકાહારી કે માંસાહારી હિંદીને માટે આહારમાં આ રોટલી હોય છે. આનું કારણ એવું છે કે આ લેખકના અભિપ્રાય મુજબ હિંદમાં માંસાહાર કરનારો માણસ પોતે ખાય છે તે માંસને ખોરાક તરીકે તદ્દન આવશ્યક માનતો નથી પણ કહો કે રોટલીની સાથે ખાવાની એક વાની ગણે છે.
સારી સ્થિતિના હિંદી શાકાહારીના ખોરાકની આવી આ રૂપરેખા અને માત્ર રૂપરેખા છે. હવે, એવો સવાલ પૂછવામાં આવે કે, “હિંદી લોકોની રહેણીકરણીની ટેવોમાં બ્રિટિશ અમલને લીધે કોઈ ફેર નથી પડયો?” ખાવાપીવાની ટેવોને લાગેવળગે છે ત્યાં સુધી આ સવાલનો જવાબ છે “પડયો છે” અને “નથી પડયો”. નથી પડયો કહેવાનું કારણ એ કે સામાન્ય સ્ત્રીઓ અને પુરુષો પોતાના અસલ ખોરાકને અને ભોજનની બે ટંકને વળગી રહ્યાં છે. પડયો છે કહેવાનું કારણ એ કે જે લોકો થોડું અંગ્રેજી શીખી નીકળ્યા છે તેમણે કયાંક કયાંક આમ કે તેમ અંગ્રેજી ખ્યાલો અપનાવવા માંડયા છે. આ ફેરફાર સુધારો છે કે કુધારો તેનો નિર્ણય કરવાનું વાચકને સોંપી એટલું કહેવું જોઈએ કે એ ફેર બહુ નજરે પડે એવો નથી.
પાછળથી ગણાવેલા એટલે કે થોડું અંગ્રેજી શીખી નીકળેલા વર્ગે સવારના નાસ્તાની વાત માનવા માંડી છે અને તે નાસ્તો સામાન્યપણે ચાના એકાદ બે પ્યાલા હોય છે. આ પરથી આપણે પીણાંની વાત પર આવવાનું થાય છે. હવે, મુખ્યત્વે બ્રિટિશ અમલની અસરને પરિણામે ભણેલા કહેવાતા હિંદીઓએ ચા અને કૉફી પીવાનું શરૂ કર્યું છે તેની વાત બહુ ટૂંકમાં પતાવી શકાય એવી છે. ચા અને કોફીથી બહુ થાય તો ખરચમાં થોડો વધારો થાય અને વધારે પડતાં પિવાય તો તબિયતમાં સામાન્ય નબળાઈ આવે, પણ બ્રિટિશ અમલનાં વધારેમાં વધારે વરતાતાં અનિષ્ટોમાંનું એક માણસજાતનાં દુશ્મન અને સંસ્કૃતિના શાપ સમાં મદ્યાર્કવાળાં પીણાંઓની એક અથવા બીજે રૂપે હિંદમાં થયેલી આયાત છે. પારકા પાસેથી વહોરી લીધેલા આ અનિષ્ટની બૂરાઈના પ્રમાણનું માપ વાચક એટલી એક બીના પરથી બરાબર કાઢી શકશે કે એ દુશ્મનનો ફેલાવો ધર્મની મનાઈ હોવા છતાં હિંદમાં એક છેડેથી બીજે છેડે સુધી થયો છે; પોતાના ધર્મના ફરમાન મુજબ મુસલમાનને મદ્યાર્કની બાટલીનો સ્પર્શ સુધ્ધાં અપવિત્ર કરે છે અને હિંદુનો ધર્મ તેને મદ્યાર્કનો કોઈ પણ રૂપે ઉપયોગ કરવાની સખત મનાઈ ફરમાવે છે; અને છતાં અફસોસની વાત છે કે સરકાર જાણે કે મદ્યાર્કવાળાં પીણાંઓનો ફેલાવો અટકાવવાને બદલે તે ફેલાવવાના ગુનાને પ્રોત્સાહન આપે છે ને સહાય કરે છે. બીજાં સર્વ સ્થળોની જેમ હિંદમાં પણ એથી ગરીબ લોકોને વધારેમાં વધારે સોસવાનું આવે છે. પોતે જે કંઈ થોડી રોજી કમાય છે તે સારો ખોરાક અને બીજી જરૂરિયાતો ખરીદવામાં વાપરવાને બદલે દારૂ જેવાં મદ્યાર્કવાળાં પીણાંઓ ખરીદવામાં તે વાપરી નાખે છે એ કમબખ્ત ગરીબ માણસને જ દારૂ પીને પોતાની જાત પર દુ:ખ તેમ જ અકાળ મૃત્યુ વહોરી લેવાને માટે પોતાના કુટુંબને ભૂખે મારવું પડે છે અને પોતાનાં બાળકો હોય તો તેમને સંભાળવાની ટ્રસ્ટરૂપી પવિત્ર ફરજનો ભંગ કરવો પડે છે. અહીં એટલું કહેવું જોઈએ કે બૅરો મતવિભાગના પાર્લમેન્ટના માજી સભ્ય મિ. કેઈને એ અનિષ્ટના ફેલાવાની સામે જે પ્રશંસનીય લડત હજી નીડરપણે ચાલુ રાખી છે તે સારુ તેમને ધન્યવાદ ઘટે છે; પણ ગમે તેવા શક્તિશાળી એકલદોકલ માણસનું જોર હૈયાસૂની ઊંઘતી સરકારની નિષ્ક્રિયતાની સામે કેટલુંક ચાલવાનું હતું!
[મૂળ અંગ્રેજી]
धि वेजिटेरियन, ૨૧-૨-૧૮૯૧
હિંદમાં શાકાહારીઓ કોણ છે અને સામાન્યપણે તે લોકોનો આહાર શું હોય છે તે જાણી લીધા પછી નીચે આપવામાં આવેલી હકીકતો પરથી વાચક શાકાહારી હિંદુઓના શરીરના બંધારણની કમજોરી અંગે કેટલાક લોકો તરફથી આગળ ધરવામાં આવતી દલીલો કેવી પોકળ અને પાયા વગરની છે તેનો નિર્ણય બાંધી જ શકશે.
હિંદી શાકાહારીઓને વિષે એક એવી વાત વારંવાર કહેવામાં આવે છે કે તે બધા શરીરના બહુ નબળા હોય છે અને તેથી શાકાહારના સિદ્ધાંતનો શરીરબળની વાત સાથે મેળ ખાતો નથી.
હવે, હિંદમાં સામાન્ય રીતે શાકાહારીઓ હિંદી માંસાહારીઓ કરતાં વધારે મજબૂત નહીં તોયે તેમના જેટલા જ અને વળી અંગ્રેજોના જેટલા પણ મજબૂત છે એવું સાબિત કરી શકાય અને વધારામાં એવું પણ બતાવી શકાય કે જયાં નબળાઈ છે ત્યાં તેનું કારણ નિરામિષાહાર નથી પણ બીજાં ઘણાં છે તો જેના પર ઉપરની દલીલ ઊભી કરવામાં આવી છે તે આખુંયે માળખું ભાંયભેગું થઈ જાય છે.
શરૂઆતમાં જ સ્વીકારવું જોઈએ કે સામાન્યપણે હિંદુઓ નબળાં શરીરને માટે નામીચા થયેલા છે; પણ પૂર્વગ્રહ વગરનો કોઈ પણ માણસ જે માંસાહારી હોય અને જે હિંદને તેમ જ તેના લોકોને માત્ર ઉપર ઉપરથી જાણતો હોય તે પણ તમને કહેશે કે બહુ ગવાયેલી આ કમજોરીને માટે સતત કાર્ય કરતાં બીજાં અનેક કારણો જવાબદાર છે. એમાંનું સૌથી મહત્વનું એક જ નહીં તોયે મહત્વનાં પૈકીનું એક કારણ બાળલગ્નનો કમનસીબ રિવાજ અને તેની સાથેનાં બીજાં અનિષ્ટો છે. સાધારણ રીતે બાળકો નવ વરસની ઘણી મોટી ઉંમરે પહોંચી જાય એટલે તેમના પર લગ્નની બેડીનો ભાર લાદવામાં આવે છે! ઘણા દાખલાઓમાં તો એથી પણ નાની ઉંમરે તેમને પરણાવવામાં આવે છે અને કેટલાક દાખલાઓમાં તો જન્મ થાય તે પહેલાં તેમનાં વેવિશાળ ગોઠવી દેવાય છે. દાખલા તરીકે એક બાઈ બીજી સાથે એવી બોલીથી બંધાય છે કે મારે દીકરી આવશે ને તમને દીકરો આવશે અથવા મારે દીકરો આવશે ને તમને દીકરી આવશે તો તેનો વિવાહ કરીશું. બેશક, આવા કિસ્સાઓમાં લગ્ન બાળકો દસ કે અગિયાર વરસનાં થાય તે પહેલાં કરવામાં આવતાં નથી. બાર વરસની ઉંમરની પત્નીને સોળ કે સત્તર વરસની ઉંમરના પતિથી બાળક થયાના દાખલાઓ નેાંધાયા છે. મજબૂતમાં મજબૂત શરીરના બંધારણ પર આવાં લગ્નોની માઠી અસર થયા વગર રહે ખરી કે?
હવે આવાં લગ્નોની સંતતિ કેવી નબળી પેદા થાય તેનો વિચાર કરો. પછી એવાં જોડાંને જે ફિકરચિંતા વેઠવી પડે તે જુઓ. અગિયાર વરસના વરનાં આશરે એટલી જ વયની કન્યા સાથેનાં લગ્નનો દાખલો લઈએ. આમ જે સમયે પતિ હોવું એટલે શું એ વાતથી છોકરો અજ્ઞાન હોવો જોઈએ અને હોય છે તે જ સમયે પત્ની તેને માથે મારવામાં આવે છે. તે અલબત્ત, નિશાળે જાય છે. નિશાળના અભ્યાસની મહેનત ઉપર છે ને તેની બાળપત્નીની સંભાળ રાખવાની આવે છે. પત્નીનું ભરણપોષણ કરવાનું સાચેસાચ તેને માથે આવતું નથી કેમ કે હિંદુસ્તાનમાં દીકરો પરણે એટલે તેનાં માબાપની સાથે મેળ ન હોય[૩] તે સિવાય તેનાથી અવશ્યપણે અલગ રહેવા માંડતો નથી; પણ ભરણપોષણ કરવા સિવાયનું બાકીનું બીજું બધું જ કરવાની જવાબદારી તેને માથે પડે છે. ત્યાર બાદ છએક વરસના અરસામાં તેને બાળક થાય છે. હજી ઘણુંખરું તેનો અભ્યાસ પૂરો થયેલો હોતો નથી અને તેને એકલા પોતાના જ નહીં, પોતાની પત્ની અને બાળકના ભરણપોષણને માટે કમાણી કરવાનું વિચારવું પડે છે કેમ કે પોતાના પિતાની સાથે આખી જિદગી કાઢવાની અપેક્ષા તે રાખી શકે નહીં; અને ધારો કે તે તેમ કરી શકે તોયે પોતાની પત્ની અને બાળક બન્નેના ભરણપોષણના ખર્ચમાં કંઈ ફાળો આપવાની અપેક્ષા તો તેની પાસે અવશ્ય રાખવી જોઈએ. પોતાની આ ફરજના ખાલી ભાનનો બોજો તેના મન પર રહેશે ખરો કે નહીં? અને એ રીતે તે ફિકર તેની તંદુરસ્તીને કોરી ખાશે કે નહીં? આનાથી ગમે તેવું મજબૂત શરીરનું બંધારણ પણ ખખડી નહીં જાય એવું કહેવાની હિંમત કોઈ કરી શકશે કે ? એવી દલીલ જોકે સહેજે થઈ શકે કે આ દાખલામાંનો છોકરો માંસાહારી હોત તો શરીરમાં રહ્યો તેના કરતાં વધારે પુષ્ટ રહી શકયો હોત. આવી દલીલનો જવાબ માંસાહાર કરવા છતાંયે પોતાની અતિ વિષયસેવનની આદતથી નબળા રહેતા ક્ષત્રિય રાજાઓના દાખલામાંથી મળી રહે છે.
વળી, બિનતંદુરસ્તીનાં બીજાં વિરોધી કારણો કાર્ય ન કરતાં હોય તો હિંદી શાકાહારી શરીરથી કેટલો મજબૂત હોઈ શકે તેનો સરસ દાખલો હિંદના પશુપાલક ભરવાડો પૂરો પાડે છે. હિંદી ભરવાડ ભીમકાય એવો ઉત્તમ બાંધાનો આદમી હોય છે. પોતાની જાડી મજબૂત કડિયાળી ડાંગથી તલવારવાળા સામાન્ય યુરોપિયનનો તે ખુશીથી બરોબરીનો સામનો કરી શકશે. પોતાની એ કડિયાળી ડાંગથી ભરવાડોએ વાઘ અને સિંહને માર્યાના અથવા હાંકી કાઢયાના દાખલાઓ નોંધાયેલા છે. પણ એક દિવસ એક મિત્રે દલીલ કરી કે 'આ તો અણઘડ કુદરતી અવસ્થામાં જીવન ગાળનારાં માણસોનો દાખલો થયો. સમાજની આજની અત્યંત અકુદરતી અવસ્થામાં તમારે કેવળ શાકપાંદડાં ને કઠોળ ઉપરાંત બીજું કંઈ જોઈએ જ જોઈએ. તમારા ભરવાડમાં બુદ્ધિનો અભાવ હોય છે, તે પુસ્તકો વાંચતો નથી વ. વ.' આ દલીલનો એકમાત્ર જવાબ એ હતો અને છે કે શાકાહારી ભરવાડ માંસાહારી ભરવાડથી શરીરબળમાં ચડિયાતો નહીં હોય તોયે તેનો બરોબરિયો તો હોય જ છે આમ એક વર્ગના શાકાહારી સાથે તે જ વર્ગના માંસાહારીની સરખામણી થાય. અને આ સરખામણી એક પ્રકારના અને બીજા પ્રકારના જોર વચ્ચેની અને નહીં કે એક બાજુ પર ખાલી જોર અને બીજી બાજુ પર બુદ્ધિબળ સમેતના જોર વચ્ચેની થાય છે કેમ કે અત્યારે મારો પ્રયાસ માત્ર હિંદી શાકાહારીઓ પોતાના શાકાહારને કારણે શરીરના કમજોર હોય છે એ વાતને ખોટી સાબિત કરવાનો છે.
ખોરાક તમે ફાવે તેવો લો પણ એમ લાગે છે કે કોઈક વિરલ દાખલાઓ બાદ કરતાં શરીરબળ અને બુદ્ધિબળ બન્ને સાથે સાથે કેળવવાનું અશકય છે. અવેજી વળતરના નિયમ મુજબ બુદ્ધિની શક્તિમાં જે મેળવાય તે શરીરની શક્તિથી ભરી કાઢવાનું થયા વગર રહે નહીં. સેમસન [૪]કદી ગલેડસ્ટન[૫] થઈ શકે નહીં.
હવે હિંદની લડાયક કહેવાતી ક્ષત્રિય કોમનો દાખલો લો. એ લોકો અલબત્ત માંસાહારી છે પણ તેમાંના તલવાર ચલાવનારા કેટલા થોડા છે! એક કોમ તરીકે તેઓ કમજોર લોકો છે એવું કહેવાનો મારો મુદ્દલ આશય નથી. પ્રાચીન જમાનાની વાત છોડી દઈ આજના જમાનાના પૃથ્વીરાજ અને ભીમ બાણાવળીની અને તેમના જેવા બીજા બધાની સ્મૃતિ કાયમ છે ત્યાં સુધી એ કોમ કમજોર છે એમ મનાવનારો મૂરખામાં ખપે. પણ હમણાંના એ લોકો ઊતરી ગયા છે એ દુ:ખદ હકીકત છે. બીજાઓની સાથે ખરેખર લડાયક ગણી શકાય એવી કોમ વાયવ્ય સરહદ પ્રાંતના ભૈયાઓની છે. તેમનો આહાર માત્ર ઘઉં, કઠોળ, અને સબ્જી છે. તેઓ શાંતિના રક્ષણહાર હોઈ તેમાંના મોટા ભાગનાની દેશી લશ્કરમાં ભરતી કરવામાં આવે છે.
ઉપરની હકીકતો પરથી સહેજે સ્પષ્ટ થાય છે કે શાકાહાર શરીરબળને નુકસાન કરનારો નથી એટલું જ નહીં, તેને પોષક છે અને શાકાહારને હિંદુઓની શારીરિક દુર્બળતાનું કારણ ગણાવનારી દલીલ તદ્દન ભ્રામક પાયા પર રચાયેલી છે.
[મૂળ અંગ્રેજી]
धि वेजिटेरियन, ૨૮–૨–૧૮૯૧
છેલ્લા લેખમાં આપણે જોઈ ગયા કે હિંદી શાકાહારીના શરીરના દુર્બળપણાનું કારણ તેમનો આહાર નથી, તેનાં કારણો બીજાં છે. વળી, આપણે એ પણ જોઈ ગયા કે ભરવાડો જે શાકાહારી છે તે માંસાહારીઓના જેટલા જ શરીરે સશક્ત હોય છે. આ ભરવાડ શાકાહારીનો ઉત્તમ નમૂનો હોઈ આપણે તેની દિનચર્યા અને તેનું જીવન નીરખી ઘણો લાભ મેળવી શકીએ; પણ એ વાતમાં આગળ વધતા પહેલાં વાચકને જણાવવું જોઈએ કે હવે પછી જે વર્ણન આવે છે તે હિંદી ભરવાડમાત્રને લાગુ પડતું નથી. હિંદના અમુક એક ભાગના ભરવાડોનું જ એ વર્ણન છે. જેમ સ્કૉટલેન્ડમાં રહેનારા લોકોની રહેણીકરણીની ટેવો ઇંગ્લંડમાં રહેનારા લોકોની રહેણીકરણીની ટેવોથી જુદી હોય તેવી જ રીતે હિંદના એક ભાગમાં રહેતા લોકોની રીતરસમો બીજા ભાગમાં રહેનારા લોકોની ટેવોથી જુદી હોય. હવે હિંદી ભરવાડની વાત આગળ ચલાવીએ. તે ઘણુંખરું સવારના પાંચ વાગ્યે ઊઠે છે. તે જો ધાર્મિક વૃત્તિનો હોય તો ઊઠીને પહેલી પોતાના દેવની પ્રાર્થના કરશે. પછી શરીરની સ્વચ્છતા સંભાળશે, તેમાં તે પોતાનું મોં અંદરથી અને બહારથી બરાબર ધુએ છે. અહીં વાચકની પરવાનગીથી થોડું વિષયાન્તર કરી હું એક હિંદી પોતાના દાંત સાફ કરવાને જે બ્રશ એટલે કે પીંછી વાપરે છે તેનો તેને પરિચય કરાવું. એ બ્રશ માત્ર બાવળ નામના કાંટાળા ઝાડની ડાંખળી હોય છે અને તે દાતણ કહેવાય છે. એક ડાંખળીના દસથી બાર આંગળના માપના કાપીને કકડા કરવામાં આવે છે. અલબત્ત, તેમ કરતાં પહેલાં ડાંખળી પરના બધા કાંટા ઉતારી લેવામાં આવે છે. પછી આપણો હિંદી એ દાતણની લાકડીનો એક છેડો ચાવી દાંત પર ઘસવાને કામ આવે એટલો નરમ કૂચો બનાવે છે. આમ તે રોજ રોજ નવું ઘરનું તૈયાર કરેલું બ્રશ બનાવી લે છે. પોતાના દાંતને બરાબર ઘસી મોતી જેવા ચકચકતા સફેદ બનાવી પછી તે દાતણની એટલે કે પેલા બ્રશની બે ચીરી કરે છે અને તેમાંની એકને વચ્ચેથી વાળી તેનાથી જીભ પરથી ઓલ ઉતારી લે છે. સામાન્ય હિંદી માણસના મજબૂત સુંદર દાંત ઘણુંખરું દાતણ કરવાની આ ક્રિયાને આભારી છે તે દંતમંજનની કોઈ ભૂકી વાપરતો નથી એટલું ઉમેરવું કદાચ બિનજરૂરી હોય. દાતણનો છેડો ચાવી નરમ કૂચો કરવા જેટલા પોતાના દાંત મજબૂત રહ્યા નહીં હોય ત્યારે વૃદ્ધ હિંદીઓ તે માટે નાની હથોડી વાપરે છે. આ આખી ક્રિયામાં વીસ કે પચીસ મિનિટથી વધારે વખત જતો નથી.
આપણા ભરવાડની વાત પર પાછા આવીએ. પછી તે સવારનો નાસ્તો અથવા શિરામણ કરે છે. તેમાં મિલેટ જે બાજરીનું ઍંગ્લો-ઈન્ડિયન નામ છે તેનો એક જાડો રોટલો હોય છે. આ બાજરી હિંદમાં મોટે ભાગે ઘઉંની સાથે વધારામાં અગર તેને બદલે વપરાય છે. રોટલા સાથે નાસ્તામાં ઘી અને ગોળ હોય છે. સવારના આઠથી નવ વાગ્યાના અરસામાં તે તેની સંભાળમાં રાખવામાં આવેલાં ઢોર ચરાવવાને ચરણમાં જાય છે. ચરણનું સ્થળ ઘણુંખરું તેના કસબાથી બે કે ત્રણ માઈલને અંતરે હોય છે એ ડુંગરાળ જમીનનો ભાગ હોઈ તેના પર હરિયાળી વનસ્પતિ પૂરા બહારમાં પથરાયેલી હોય છે. આમ તેને તાજામાં તાજી હવાની સાથે કુદરતી રળિયામણા દૃશ્યનો ઉપભોગ કરવાનો અનન્ય લાભ મળે છે. ઢોર આજુબાજુ ચરતાં ફરતાં હોય ત્યારે તે પોતાનો વખત ગાવામાં અથવા પોતાના સોબતી કે જે તેની વહુ, ભાઈ અગર બીજું સગું હોય તેની સાથે વાતો કરવામાં ગાળે છે. બાર વાગ્યાના અરસામાં તે સાથે આણેલું બપોરનું ભોજન લે છે. આ ભોજન ઢોર ચરાવવા આવતી વખતે સાથે લેતા આવવાનો તેનો રિવાજ છે. આ ભોજનમાં હમેશના રોટલા, ઘી, એક શાક અથવા કઠોળ, તેની સાથે વધારામાં અથવાં તેની અવેજીમાં કંઈક અથાણું અને ગાયનું ત્યાં જ તાજું દોહેલું દૂધ હોય છે. ત્યાર બાદ તે ઘણુંખરું હમેશા બે કે ત્રણ વાગ્યાના અરસામાં અર્ધોએક કલાક સુધી કોઈ ઘેરી છાયાવાળા ઝાડ નીચે ઊંઘ કાઢી લે છે. બપોરના આકરા તડકામાંથી આ ઊંઘમાં તેને રાહત મળે છે. છ વાગ્યે તે ઘેર પાછો વળે છે. સાત વાગ્યે વાળુ કરે છે, તેમાં ગરમ રોટલા, કઠોળ અથવા શાક જમે છે અને છેવટે ભાત અને દૂધ અથવા ભાત અને છાશથી પૂરું કરે છે અને થોડું ઘરનું કામકાજ જે સામાન્યપણે પોતાના કુટુંબની સાથેની હસીખુશીની વાતો હોય છે તે પતાવીને દશ વાગ્યે સૂઈ જાય છે. તે કાં તો ખુલ્લી હવામાં આકાશ નીચે અથવા કેટલીક વાર ભીડથી ભરેલા છાપરામાં સૂવાનું રાખે છે. શિયાળાની ઠંડીની અથવા વરસાદની મોસમમાં તે છાપરાનો આશ્રય લે' છે. અહીં એટલું જણાવી લેવું જોઈએ કે આ છાપરાં દેખાવમાં કંગાળ હોય છે ખરાં અને ઘણી વાર તો બારીઓ વગરનાં હોય છે છતાં હવાને રોકી રાખનારાં હોતાં નથી. અણઘડ રીતે બાંધેલાં એ છાપરાંનાં બારણાં પવન અથવા વરસાદનાં ઝાપટાંની સામે નહીં પણ ચોરની સામે બચાવમાં મૂકવામાં આવે છે, આ બધું સાચું પણ એ છાપરાંઓમાં સુધારાને ઘણો અવકાશ છે એ વાતનો ઇન્કાર થાય એવું નથી.
સારી સ્થિતિના ભરવાડની રહેણીકરણી આવી હોય છે. તે ઘણી રીતે આદર્શ છે. તેની ટેવો ફરજિયાત નિયમિત હોય છે, પોતાનો ઝાઝો વખત તે ઘર બહાર ગાળે છે, બહાર ફરતાં ફરતાં તેને તાજામાં તાજી હવા સહેજે મળે છે, તેને જરૂરી કસરત મળી રહે છે, સારો પૌષ્ટિક આહાર મળે છે અને જોકે છેલ્લી ગણાવેલી વાત હોવા છતાં મહત્વમાં છેલ્લી નહીં એવી શરીરની નબળાઈના કારણરૂપ થનારી ઘણી ફિકરચિંતામાંથી તે મુક્ત હોય છે.
[મૂળ અંગ્રેજી]
धि वेजिटेरियन, ૭-૩–૧૮૯૧
આપણા ભરવાડની રહેણીમાં જે એક ખામી જોવાની મળે છે તે એ છે કે તે રોજ નાહતો નથી. ગરમ આબોહવામાં સ્નાન ઘણું ઉપયોગી હોય છે. એક બાજુથી એક બ્રાહ્મણ દિવસમાં બે વાર સ્નાન કરશે, વૈશ્ય એક વાર કરશે તો બીજી બાજુથી ભરવાડ અઠવાડિયે એક વાર નાહશે. અહીં હું ફરી એક વાર થોડું વિષયાન્તર કરી એક હિંદી કેવી ઢબે સ્નાન કરે છે તે સમજાવી લઉં. સામાન્ય રીતે તે પોતાના કસબાની પાસેથી વહેતી નદીમાં સ્નાન કરે છે પણ નદીએ જવાનું તેને આળસ હોય, અથવા પાણીમાં ડૂબી જવાની બીક હોય, અથવા તેના ગામ પાસે નદી ન હોય તો તે ઘર આગળ નાહી લે છે. બાથનું ટબ અથવા જેમાં પડીને સ્નાન કરી શકાય એવું વાસણ તે, રાખતો નથી. પાસે રાખેલી એક મોટી પાણીની કૂંડી- માંથી કળશા વડે તે પાણી લઈ શરીર પર રેડે છે કેમ કે તેનું માનવું એવું હોય છે કે બંધિયાર પાણીમાં પડીને નાહવાથી પાણી અપવિત્ર થાય છે અને પછી વપરાશને લાયક રહેતું નથી. એ જ કારણસર તે બેસિન અંથવા કૂંડામાં પોતાના હાથ ધોતો નથી પણ કોઈકની પાસે હાથ પર પાણી રેડાવે છે અથવા બન્ને હાથ વચ્ચે લોટો પકડી જાતે પાણી રેડી લે છે.
પણ પાછા આપણી મૂળ વાત પર આવીએ. ઓછું નાહવાથી આપણા ભરવાડની તંદુરસ્તી પર માઠી અસર થતી હોય એવું લાગતું નથી, પણ બ્રાહ્મણ પોતાનાં રોજનાં બે સ્નાન કરવાનું એક જ દિવસ માંડી વાળે તો તેને ઘણી બેચેની થયા વગર રહે નહીં, અને એથીયે વધારે દિવસ સુધી તેને સ્નાન કરવાનું ન મળે તો તે ખરેખર માંદો પડી જાય એ ઉઘાડું છે.
હું ધારું છું કે જે ઘણી વાતનો બીજી રીતે ખુલાસો મળી શકતો નથી અને જેને આદત ગણવાથી તેનું કારણ સમજાય છે તે પૈકીનો આ એક દાખલો છે. જેમ કે એક ભંગી ગંદવાડ સાફ કરવાના પોતાના વ્યવસાયમાં રોકાયેલો છતાં પોતાની તંદુરસ્તી જાળવી શકે છે પરંતુ કોઈ પણ સામાન્ય માણસ તે ધંધો કરવા જાય તો મરણને મોઢે પહોંચી ગયા વગર રહે નહીં. નાજુકાઈમાં ઊછરેલો ઉમરાવ લંડનના ઈસ્ટ એન્ડ જેવા મજૂર લત્તાના મજૂરની નકલ કરવા જાય તો યમરાજ તેનું બારણું ઠોકયા વગર રહે નહીં.
આ મુદ્દો બરાબર સ્પષ્ટ કરી બતાવતી એક વાર્તા અથવા કિસ્સો અહીં આપ્યા વગર હું રહી શકતો નથી. એક રાજા રતિ જેવી રૂપસુંદરી એક દાતણવાળીના પ્રેમમાં પડયો. પછી સહેજે અપેક્ષા રખાય તેમ તેને રાજાના મહેલમાં રાખવાનો હુકમ થયો. હકીકતમાં તો તે મોજશોખના ધામમાં પહોંચી ગઈ. ઉત્તમમાં ઉત્તમ ખાવાપીવાનું, ઉત્તમમાં ઉત્તમ કપડાંલત્તાં, ટૂંકમાં બધુંયે ઉત્તમમાં ઉત્તમ તેને સારુ આવી મળ્યું. પણ અરે ! જે પ્રમાણમાં મોજમજાની ચીજો તેને મળતી થઈ તે જ પ્રમાણમાં તેની તબિયત કથળવા માંડી. કોડીબંધ વૈદોને તેની તહેનાતમાં રજૂ કરવામાં આવ્યા પણ નિયમિતપણે આપવામાં આવેલી ઘણી ઔષધિમાંની એકે કામ ન આવી. દરમિયાન એક ચતુર વૈદ બાઈની માંદગીનું સાચું કારણ પામી ગયો. તેણે કહ્યું કે બાઈને વળગાડ છે. તેથી બાઈને વળગેલાં ભૂતપ્રેતને સંતોષવાને તેણે બાઈને રહેવાના આલીશાન ઓરડાઓમાંના દરેકમાં ફળફળાદિની સાથે વાસી રોટલાના કકડા રાખવાનું ફરમાન કાઢયું. યોજના એવી હતી કે જેટલા ઓરડા હતા તેટલા દિવસમાં પેલાં ભૂતપ્રેત નાસી જાય. અને તેણે કહ્યું કે એ બધાં નાસી જશે તેની સાથે માંદગી પણ ગઈ જાણો. અને બન્યુંયે તેવું જ. અલબત્ત, પેલા વાસી રોટલાના ટુકડા ગરીબ બિચારી રાણીને કામ લાગ્યા હતા.
હવે આ પરથી માણસો પર ટેવનો કાબૂ કેવો જબરો હોય છે તે જોવાનું મળે છે. તેથી મને લાગે છે કે ભરવાડ સ્નાન પૂરતાં કરતો નથી તેથી તેને ખાસ કશું નુકસાન થતું નથી.
છેલ્લા લેખમાં આપણે આ પ્રકારની રહેણીનું કેવું સારું પરિણામ આવે છે તે જોયું હતું. તે પરિણામ એ છે કે શાકાહારી ભરવાડ શરીરે સબધો હોય છે. તે આવરદા પણ લાંબું ભોગવે છે. ૧૮૮૮ની સાલમાં જેની ઉંમર સો વરસ વટાવી ગઈ હતી એવી એક ભરવાડણને હું ઓળખું છું. છેલ્લો હું તેને મળેલો ત્યારે તેની નજર સાબૂત હતી. તેની યાદદાસ્ત તાજી હતી. પોતાના બચપણમાં જે જોયેલું તેને તે બરાબર સંભારી શકતી. લાકડીને ટેકે તે ચાલતીયે ખરી. હું આશા રાખું છું કે તે હજી જીવતી હશે.
વળી, ભરવાડની શરીરાકૃતિ સપ્રમાણ સુંદર હોય છે. તેનામાં ખોડખાંપણ જવલ્લે જ જોવામાં આવે છે. વાઘના જેવો વિકરાળ નથી છતાં તે તેના જેટલો જ સશક્ત હોય છે, શૂરો હોય છે અને છતાં ઘેટાના લવારા જેટલો નરમ ને નિર્દોષ હોય છે. તેના કદથી ડર લાગતો નથી પણ તે પ્રભાવશાળી હોય છે. એકંદરે હિંદી ભરવાડ શાકાહારીના ઉત્તમ નમૂનો હોઈ શરીરબળની વાતને લાગેવળગે છે ત્યાં સુધી કોઈ પણ માંસાહારીની સરખામણીમાં પાર ઊતરે એવો છે.
[મૂળ અંગ્રેજી]
धि वेजिटेरियन, ૧૪–૩–૧૮૯૧
- ↑ દેખીતી જ આ છાપકામની ભૂલ લાગે છે, પચીસ લાખ એટલે કે પચીસ કરોડને બદલે અઢી કરોડ એમ છપાઈ ગયું છે.
- ↑ ૨. વી. ઈ. એમનો અર્થ ઘણું કરીને વેજેટેરિયનિઝમ એક્સકલુડિંગ મિલ્ક એટલે કે દૂધ વગરનો શાકાહારને સિદ્ધાંત એવો થાય છે.
- ↑ ૧. અહીં અંગ્રેજીમાં ऍट वेरायन्स ને બદલે ऍट सिक्सिझ ऍन्ड सेक्स એવો પ્રયોગ ગાંધીજીએ કરેલોછે જેનો સંભવ છે કે તેઓ આવે અર્થ કરતા હોય. બાકી એવો પ્રયોગનો અર્થ ગોટાળો એવા થાય છે,
- ↑ ૧. પ્રચંડ શરીરબળના નમૂનાનું બાઈબલમાં આવતું એક પાત્ર.
- ↑ ૨. ઈગ્લંડનો એક વખતનો અત્યંત બુદ્ધિમાન લેખાયેલો વડો પ્રધાન.