ગાંધીજીનો અક્ષર દેહ - ૧/હિંદીઓ અને મતાધિકાર

← નાતાલ કાઉન્સિલને બીજી અરજી ગાંધીજીનો અક્ષરદેહ
હિંદીઓ અને મતાધિકાર
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
નાતાલના ગવર્નરને પત્ર  →


૩૨. હિંદીઓ અને મતાધિકાર

[૧૮૯૪ના જુલાઈની ૭મી તારીખે धि नाताल मर्क्युरीએ हिंदी ग्रामसमाजो એવા મથાળાના વિસ્તૃત અગ્રલેખમાં મતાધિકારના કાયદામાં સુધારો કરનારા ખરડાની બાબતમાં હિંદી કોમે નાતાલ લેજિસ્લેટિવ કાઉન્સિલને કરેલી અરજી પર નુકતેચીની કરતાં એવી દલીલ કરી કે હિંદમાં ગ્રામસમાજોને જેનો અનુભવ હતો એવા કોઈ પણ સ્વરૂપના પ્રતિનિધિત્વ કરતાં પાર્લમેન્ટની પદ્ધતિની રાજ્યવ્યવસ્થા ઘણી જુદી છે. હિંદીઓએ પોતાના મુલકમાં મતાધિકારનો અમલ કર્યો નથી એટલા કારણસર એ બિલમાં તેમને મત આપવાના અધિકારમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. હિંદીઓએ એવી દલીલ રજૂ કરી હતી કે અમારા ગ્રામસમાજોમાં અમે પ્રાચીન કાળથી મતાધિકારનો અમલ કરતા આવ્યા છીએ. પણ धि नाताल मर्क्युरी એ એ વિચારની સામે દલીલ ઉઠાવી હતી. વળી, તેણે સર હેન્સી સમ્નર મેઈને પોતાના धि विलेज कॉम्युनिटीझ इन धि ईस्ट ऍन्ड वेस्ट (પૂર્વ અને પશ્ચિમમાં ગ્રામસમાજો) નામના ગ્રંથમાં હિંદીઓને લગભગ પ્રાચીન કાળથી પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓનો પરિચય હતો એવી જે દૃષ્ટિ રજૂ કરી હતી તેની સામે પણ તકરાર ઉઠાવી હતી. धि नाताल मर्क्युरीએ એવી દૃષ્ટિનું સમર્થન કર્યું હતું કે હિંદી ગ્રામસમાજોને રાજકીય પ્રતિનિધિત્વ સાથે કશી લેવાદેવા નહોતી, તેમને કેવળ જમીન ધારણ કરવાના કાનૂની સવાલની સાથે નિસબત રહેતી હતી. ગ્રામસમાજની વ્યવસ્થાની જીવનપદ્ધતિ સંસ્કારની પ્રારંભિક અવસ્થાવાળી બધી પ્રજાઓને સમાન હોય છે અને બીજું કંઈ નહીં તો તેનાથી જે તે પ્રજાનું પછાતપણું માત્ર સાબિત થાય છે એવી તેની દલીલ હતી. नाईन्टीन्थ सेन्चुरीમાં પ્રગટ થયેલા જનરલ સર જ્યૉર્જ ચીઝનીના હિંદીઓ હજી રાજકીય વિકાસની દૃષ્ટિથી બાળપણામાં છે એવા વિચાર પોતાની દલીલના સમર્થનમાં તેણે ટાંકયા હતા. તેના જવાબમાં ગાંધીજીએ નીચે મુજબ લખ્યું હતું.]

ડરબન,

જુલાઈ ૭, ૧૮૯૪

શ્રી તંત્રી
धि नाताल मर्क्युरी

સાહેબ,

આજના અંકમાં તમારો વિદ્રત્તાથી ભરેલો અને કુશળતાથી લખાયેલો અગ્રલેખ વાંચવામાં ખરેખર મજા આવી. હિંદીઓની મતાધિકાર બાબતની અરજીની સામે કશું કહેવાપણું નહીં હોય એવી અપેક્ષા રાખવામાં આવી નહોતી. આ આધુનિક કાળમાં જેને બે બાજુ ન હોય એવી વાતને અદ્ભુત, અરે, હું તો કહેવા જતો હતો કે અલૌકિક માનવી પડે એ નિયમ મુજબ તમારે કામ આવે એવા સર જયોર્જ ચીઝની એકલા લેખક નથી, સર હેન્રી સમ્બનર મેઈન પણ આખરે આ મર્ત્ય દુનિયાના જ માણસ હતા ને ! તેથી તેમના સિદ્ધાંતો તેમ જ નિર્ણયો સામે દલીલ ઉઠાવવામાં આવે તે તદ્દન કુદરતી છે, મર્ત્ય માનવીને સારુ પરસ્પર વિરોધી 'દ્વંદ્રો' ની પકડમાંથી ઊગરવાપણું નથી. આમ છતાં એ બાબતની બીજી બાજુ અત્યારે ને અત્યારે રજૂ કરવાને બદલે તે મુદ્દા પર ભવિષ્યમાં કોઈક પ્રસંગે પાછા વળવાને હું તમારી રજા માગી લઉં છું.

તમને આ પત્ર લખવાનો આશય તમારા પર 'છાપો મારવાનો' એટલે કે તમને નવાઈ લાગે એવું કંઈક જણાવવાનો છે. મને જણાવતાં આનંદ થાય છે કે મૈસૂર રિયાસતે પોતાની રૈયતને રાજવહીવટ ચલાવવા માટે પ્રતિનિધિઓ પસંદ કરવાને મત નોંધાવવાનો અધિકાર આપ્યો છે. નીચેનો ઉતારો મેં એક અખબારી હેવાલમાંથી લીધો છે.

દીવાને હવે જેની દરખાસ્ત કરી છે તે પદ્ધતિના અમલમાં રૂપિયા ૧૦૦ કે તેથીવધારે જમીન મહેસૂલ અથવા રૂપિયા ૧૩ કે તેથી ઉપરનો મોહાતફ [ઘરવેરો] ભરનારા સૌ જમીન ધારણ કરનારાને પ્રતિનિધિ એસેમ્બબ્લી[ધારાસભા]ના સભ્યો પસંદ કરવાને મત નેાંધાવવાનો અધિકાર છે અને તે બધા સભ્ય બનવાને પણ લાયક ઠરે છે. વળી, જે તે તાલુકામાં સામાન્યપણે વસવાટ કરીને રહેવાવાળા હિંદની કોઈ પણ યુનિવર્સિટીના બિનઅમલદાર ગ્રેજયુએટોને ચૂંટવાનો તેમ જ ચૂંટાવાનો હક આપવામાં આવ્યો છે. અામ મિલકત તેમ જ બુદ્ધિ બંનેને એસેમ્બલી ધારાસભા]માં પ્રતિનિધિત્વ મળશે. વધારામાં એવું સ્પષ્ટપણે નામ પાડીને સૂચવવામાં આવ્યું છે કે સાર્વજનિક મંડળીઓ, સુધરાઈઓ, અને લોકલ બોર્ડે પણ સભ્યોની ચૂંટણી કરી શકશે. સભ્યોની કુલ સંખ્યા ૩૪૭ મુકરર કરવામાં આવી હોઈ આશરે ૪,૦૦૦ મત આપવાનો અધિકાર ધરાવનારા તેમની ચૂંટણી કરશે.

સાહેબ, તમારી સદ્બુદ્ધિને અપીલ કરી હું પૂછું છું કે બે પ્રજાની વચ્ચે ઘણી વાર તો તાણીતૂશીને ઊભા કરવામાં આવેલા અથવા કેવળ કલ્પિત, માણસની માત્ર બૂરામાં બૂરી લાગણી જગાડનારા અને ખરેખર કોઈનુંયે ભલું ન કરનારા જુદાઈના મુદ્દાઓ જાહેર પ્રજાની નજર પર લાવવાને બદલે તેમની વચ્ચે રહેલા સરખાપણાના મુદ્દા દર્શાવી તમે માનવજાતની વધારે સારી સેવા નહીં કરી શકો કે? બંને પ્રજાઓ વચ્ચે ઈર્ષા અને અંટસનાં બીજ વાવવામાં તમારું હિત હોય એવું હું કેમ માનું? અને એ તમારા હાથની વાત નથી અથવા વત્તેઓછે અંશે કોઈનાયે હાથની વાત નથી એમાં મને રજભાર શંકા નથી. ઊલટું, એથી કયાંયે ચડિયાતી અને વળી કયાંયે વધારે ઉદાર વસ્તુ તમારા હાથમાં છે; તે વસ્તુથી તમને એકલી મોટાઈ નહીં, ભલાઈ પણ મળશે અને તેથીયે વિશેષ એક ચમત્કાર કહી શકાય એવી રીતે બારસો બારસો વરસના જુલમ અને દમનથી પણ જે કચડાઈ ગઈ નથી તેવી પ્રજાના આભારની તમે કમાણી કરશો; તે . વસ્તુ છે હિંદુસ્તાન અને તેના લોકો વિષે સંસ્થાનને સાચી રીતે કેળવવાની, તેમને વિષે તેને સાચી સમજ આપવાની. ,

હું છું, વગેરે

મો. ક. ગાંધી

[મૂળ અંગ્રેજી]
धि नाताल मर्क्युरी, ૧૧–૭–૧૮૯૪