ગાંધીજીનો અક્ષર દેહ - ૧/હિંદી મતાધિકાર (धि नाताल विटनेसને પત્ર)

← મિ. ચેમ્બરલેનને અરજી-૩ ગાંધીજીનો અક્ષરદેહ
હિંદી મતાધિકાર (धि नाताल विटनेसને પત્ર)
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
નાતાલ એસેમ્બલીને અરજી →


૭૭. હિંદી મતાધિકાર

ડરબન,

એપ્રિલ ૪, ૧૮૯૬

તંત્રીશ્રી,

धि नाताल विटनेस

સાહેબ,

"જી. ડબલ્યુ ડબલ્યુ."એ ગઈ તા. ૧૧મી માર્ચને રોજ આપને એક પત્ર લખ્યો હતો. એમણે મારી હિંદી મતાધિકાર[]વિષેની પુસ્તિકાની ટીકા કરીને મારું સન્માન કર્યું છે. એ પત્રના જવાબરૂપે નીચેનું લખાણ આપ પ્રગટ કરશો તો હું આપનો ઘણો આભારી થઈશ.

"જી. ડબલ્યુ ડબલ્યુ."એ પુસ્તિકાની આલોચના દરમિયાન મારા પ્રત્યે જે વ્યક્તિગત સદ્દભાવ બતાવ્યો છે એ બદલ હું એમનો આભાર માનું છું. એની સાથે સાથે જો એમણે મારી 'વિનંતી'ના મૂળ વિષયને એટલી જ સદ્દભાવનાથી ચર્ચ્યો હોત તો ઘણું સારું થાત. જો એમણે એ પુસ્તિકા નિષ્પક્ષ ભાવથી વાંચી હોત તો હું માનું છું કે તેમાં પ્રગટ કરેલા વિચારોથી જુદા પડવાને તેમને માટે કોઈ કારણ રહેતે નહીં. મેં આ વિષયને એવા દૃષ્ટિબિંદુથી છણવાનો પ્રયાસ કર્યો છે કે જેથી યુરોપિયન સાંસ્થાનિકોને સંકોચ વિના પોતાનો મૈત્રીનો હાથ લંબાવવાને ઉત્તેજન મળે અને એમ કરવામાં તેમને તેમની હાલની સ્થિતિમાંથી કોણી ખાઈને હઠવાનું પણ નહીં


  1. ૧. જુઓ પા. ૧૯૮.


થાય. હું હજી પણ મારી વાતને વળગી રહું છું કે ભયનું કશું પણ કારણ નથી, અને જો યુરોપિયન સાંસ્થાનિકો માત્ર અાંદોલનને મરવા દેશે અને જૈસે થે હાલતને ફરી ચાલુ રાખવાને સંમતિ આપશે તો તેઓ જોઈ શકશે કે હિંદીઓના મત તેમના મતને ગૂંગળાવી નહીં દે. એ ઉપરાંત મારું એવું કહેવું છે કે જો આવા સંજોગો ઊભા થવા પામે તો સીધી અથવા પરોક્ષ રીતે રંગ બાબતનો ભેદભાવ દાખલ કરવાની જરૂર વિના એનો પહેલેથી ઉપાય થઈ શકે. કેળવણીની એક સાચી અને બુદ્ધિપુર:સરની કસોટી હિંદી મત યુરોપિયન મતને ગૂંગળાવી દેવાના ભયને (જો કદી એવો ભય હોય તો) કદાચ કાયમને માટે નાબૂદ કરી દેશે, અને બને ત્યાં સુધી એ કસોટી જ એવા કોઈ ખૂબ વાંધાભર્યા યુરોપિયન મતદારો હોય તો તેમને પણ મતદારોની યાદી પરથી દૂર રાખશે.

"જી. ડબલ્યુ ડબલ્યુ." ખરેખરા મતોની તુલનાત્મક સંખ્યાને આધારે કરેલી દલીલો સામે વાંધો ઉઠાવે છે અને "આવતા વર્ષની મતદાર યાદીમાં શું ભરેલું હશે" એ વાત તરફ ધ્યાન ખેંચે છે, હું એમને એ હકીકત તરફ ધ્યાન આપવા વિનંતી કરું છું કે જોકે હિંદીઓ માટે ગયે વર્ષે અને તે પહેલાંને વર્ષે મતદાર યાદીને ઉભરાવી દેવાની દરેક તક હતી, અને હવે રદ થવાની અણી પર છે એવા મતાધિકાર કાનૂનના પરિણામ વિષેના ભયને કારણે એમ કરવાનું તેમને દરેક પ્રલોભન પણ હતું, તોપણ હિંદી મતદારોની સંખ્યામાં કશો વધારો થયો નથી. આવું પરિણામ આવવાનું કારણ કાં તો એમની અસાધારણ ઉદાસીનતા હોઈ શકે અથવા મતદાતા તરીકેની લાયકાતનો અભાવ હોઈ શકે. પણ એ કાંઈ એવી કોઈ ઉદાસીનતાને કારણે હોવા સંભવ નથી કારણ કે છેલ્લાં બે વર્ષ થયાં આદોલન તો જારી જ હતું.

તોપણ હું સમય અને સ્થળના અભાવને કારણે "જી. ડબલ્યુ ડબલ્યુ."નો પત્ર વિગતે તપાસવા નથી માગતો અને ફક્ત એમણે માગેલી માહિતી જ આપીશ. અને પછી આવતી બેઠકમાં રજૂ થનારા નવા વિધેયક અંગે એનો ઉપયોગ કરીશ.

તે સમયના ઉપ-ભારતમંત્રી મિ. કર્ઝને હિંદી વિધાનપરિષદ કાનૂન (૧૮૬૧) સુધાર વિધેયક (ઇન્ડિયા કાઉન્સિલ એકટ ૧૮૬૧ – ઍમેન્ડમેન્ટ બિલ)નું બીજું વાચન રજૂ કરતી વખતે બીજી બાબતો સાથે કહ્યું :

વિધેયકના ઉદ્દેશની સભાગૃહ આગળ ઝીણવટથી છણાવટ કરવાની હું મારી ફરજ સમજું છું. તે ઉદ્દેશ એ છે કે હિંદી સરકારના પાયાને મજબૂત બનાવવામાં આવે તથા તેનાં કાર્યોને વિસ્તૃત કરવામાં આવે, જેથી હિંદી સમાજમાંનાં બિનસરકારી અને દેશી તત્વોને સરકારી કામોમાં ભાગ લેવાની હાલ છે એના કરતાં વધુ તકો આપવામાં આવે, અને એ રીતે જયારથી ૧૮૫૮ની સાલમાં બ્રિટિશ સરકારે હિંદની સરકારનો કારભાર હાથમાં લીધો છે ત્યારથી હિંદી સમાજના ઉપલા વર્ગોમાં, રાજદ્રારી પ્રવૃત્તિ અને રાજદ્રારી કાર્યશક્તિ બંનેમાં જે ગણનાપાત્ર વિકાસ જોવામાં આવ્યો છે તેને સત્તારાહે માન્યતા આપવામાં આવે. ૧૮૬૧ના હિંદી વિધાન પરિષદ કાનૂનમાં સુધારો કરવાને માટે આ વિધેયક રજૂ કરવામાં આવ્યું છે. હિંદમાં ઘણા લાંબા સમયથી એક અથવા બીજા પ્રકારના કાનૂન ઘડવાના અધિકાર અસ્તિત્વમાં છે. પણ એ અધિકારો કાંઈક અસ્પષ્ટ સ્વરૂપના હતા અને તેનું કાયદેસરપણું ઊલટાસૂલટી હતું. ટયુડર અને સ્ટુઅર્ટ રાજાઓએ આપેલા અધિકારપત્રોની તારીખથી

શરૂ થઈને જૂની ઈસ્ટ ઇંડિયા કંપનીના રાજયકાળ સાથે સાથે તે અસ્તિત્વમાં હતા. પરંતુ આધુનિક વિધાનસભાની પદ્ધતિનો આરંભ તો એ સમયે થયો હતો જ્યારે લોર્ડ કૅનિંગ વાઈસરોય હતા અને સર સી. વૂડ, જેમને પાછળથી લૉર્ડની પદવી અપાઈ હતી, તેઓ ભારતમંત્રી હતા. સર સી. વૂડે ૧૮૬૧માં એ સાલનો હિંદી વિધાનપરિષદ કાનૂન પાર્લમેન્ટમાં પસાર કરાવ્યો. . .૧૮૬૧ના કાનૂને હિંદમાં ત્રણ વિધાનપરિષદોની રચના કરી. વાઈસરૉયની સર્વોચ્ચ વિધાનપરિષદ અને મદ્રાસ અને મંબઈની પ્રાંતીય પરિષદો, વાઈસરૉયની સર્વોચ્ચ વિધાનપરિષદ માત્ર ગવર્નર જનરલ અને તેની કારોબારી કાઉન્સિલની બનેલી હોય છે તથા એમાં ઓછામાં ઓછા છ અને વધારેમાં વધારે બાર વધારાના સભ્યો લેવામાં આવે છે. એ સભ્યો ગવર્નર જનરલે નિયુક્ત કરેલા હોય છે અને એમાંના અડધોઅડધ સભ્યો બિનસરકારી હોય છે જેઓ કાં તો યુરોપિયન અથવા દેશી ગમે તે લોકોમાંથી લેવાય છે. મદ્રાસ અને મુંબઈની વિધાનપરિષદોમાં પણ ઓછામાં ઓછા ચાર અને વધારેમાં વધારે આઠ વધારાના સભ્યો હોય છે અને તેમની નિયુક્તિ પ્રાંતીય ગવર્નર કરે છે. એમાંના ઓછામાં ઓછા અડધા સભ્યો બિનસરકારી હોવા જોઈએ. એ કાનૂન પસાર થયા બાદ બંગાળ અને સરહદ પ્રાંતમાં પણ વિધાનપરિષદો રચાઈ છે. બંગાળની વિધાનપરિષદમાં લેફ્‌ટનન્ટ ગવર્નર તથા ૧૨ નિયુક્ત સભ્યો અને સરહદ પ્રાંતની પરિષદમાં લેફ્‌ટનન્ટ ગવર્નર તથા ૯ નિયુક્ત સભ્યો હોય છે. જેમાંના બંને ઠેકાણે એકતૃતીયાંશ સભ્યો બિન-સરકારી હોવા જ જોઈએ. . . . અનેક પ્રતિભાવાન, શક્તિશાળી અને લોકસેવાની ભાવનાવાળા હિંદી સજજનોને આગળ આવીને સરકારના કામકાજમાં તેમની સેવા આપવાને સમજાવવામાં આવ્યા છે અને આ વિધાનપરિષદોની ગુણવત્તાનું ધોરણ બેશક ઊંચું રહ્યું છે.

સુધારક કાનૂન વિધાનપરિષદોને બજેટ ઉપર चर्चा करवानो અને સવાલો પૂછવાનો અધિકાર આપે છે. (આ હકો અત્યાર સુધી ભોગવાતા નહોતા.) એનાથી પરિષદોના સભ્યોની સંખ્યા વધારવામાં આવી છે. અને એમાં "ચૂંટણીની એક પદ્ધતિની (મોઘમ રીતે) જોગવાઈ કરવામાં આવી છે. અલબત્ત આ સુધારક કાનૂન માત્ર છૂટ આપનારો છે, ફરજિયાત નથી.

ઉપરના કાનૂન નીચે બહાર પડેલાં નિયમનો મુજબ મુંબઈની કાઉન્સિલના વધારાના સભ્યો માટેની અઢાર બેઠકોમાંથી આઠ બેઠકો ચૂંટણીથી પૂરવામાં આવે છે અને મુંબઈનું કૉર્પોરેશન (જે ખુદ એક પ્રતિનિધિત્વવાળી સંસ્થા છે) એવાં બીજાં મ્યુનિસિપલ કોર્પોરેશનો અથવા તેનું જૂથ અથવા જૂથો, જેમને કાઉન્સિલ સાથે રહીને ગવર્નર વખતોવખત નક્કી કરે, જિલ્લા લોકલબોર્ડો અથવા ઉપર મુજબ નક્કી થયેલાં તેનાં જૂથો, દક્ષિણના સરદારો અથવા ઉપર મુજબ નક્કી થયેલો મોટા જમીનમાલિકોનો એવો જ વર્ગ, ઉપર મુજબ નક્કી થયેલા વેપારીઓ, ધંધાદારીઓ અથવા કારખાનેદારોનાં મંડળો, અને મુંબઈ યુનિવર્સિટીની સેનેટ-આટલાને બહુમતી મતોથી એ સભ્યોને ચૂંટવાનો અધિકાર છે. વિધાનપરિષદો ધરાવતા જુદા જુદા પ્રાંતોની જુદા જુદા પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ મારફતે થતી ચૂંટણી માટે અથવા તેમની ભલામણથી થતી. નિયુક્તિ માટે આવી જ જાતના નિયમો પ્રગટ કરવામાં આવ્યા છે.

મતાધિકાર બાબતમાં અથવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ બાબતમાં વર્ગનો કે રંગનો કોઈ ભેદભાવ રાખવામાં આવ્યો નથી. સર્વોચ્ચ વિધાનપરિષદમાંના મુંબઈ પરિષદ તરફના (હિંદી) સભ્યો રાજીનામું આપતાં ઉમેદવારો તરીકે હિંદીઓ તથા એક યુરોપિયન ઊભા છે. એનું પરિણામ આવતા અઠવાડિયાની ટપાલમાં આવતાં જાહેર થઈ જશે. જે સૌથી નામાંકિત માણસો આવા વિષય ઉપર અધિકારપૂર્વક બોલવાની લાયકાત ધરાવે છે તેઓ આને અને મ્યુનિસિપલ પ્રતિનિધિત્વને કેવી નજરથી જુએ છે તે બતાવતો માત્ર એક જ ઉતારો હું અહીં આપીશ. સોસાયટી ઑફ આર્ટ્સ (કલામંડળ) આગળ ભાષણ કરતાં સર વિલિયમ વિલ્સન હંટરે તા. ૧૫મી ફેબ્રુઆરી ૧૮૯૩ના રોજ કહ્યું:

આપણા પ્રમુખ લૉર્ડ રિપને જે હિંદી મ્યુનિસિપાલિટીઓને આટલું યાદગાર પ્રોત્સાહન આપ્યું છે એમના વહીવટ નીચે સન ૧૮૯૧માં દોઢ કરોડ માણસોની વસ્તી હતી. અને જે ૧૦,૫૮૫ સભ્યો તેમના બોર્ડ અથવા કાઉન્સિલ ઉપર બેઠા હતા તેમાંના અડધા કરતાં વધારેને કરદાતાઓએ ચૂંટી કાઢયા હતા. ૧૮૯૨ના લૉર્ડ ક્રૉસના કાનૂન નીચે પ્રતિનિધિત્વનો સિદ્ધાંત હવે સાવચેતીપૂર્વક સર્વોચ્ચ અને પ્રાંતીય બંને વિધાનપરિષદો સુધી વિસ્તૃત કરવામાં આવી રહ્યો છે.
૧૮૫૮ના ઢંઢેરાનો થોડો ભાગ આ મુજબ છે :
અમે અમારી જાતને અમારા હિંદી પ્રદેશના રહેવાસીઓ પ્રત્યે ફરજના તેવા જ બંધનથી બંધાયેલા સમજીએ છીએ જેનાથી અમે અમારી બીજી પ્રજાઓ પ્રત્યે બંધાયેલા છીએ. . . . અને અમારી બીજી ઈચ્છા એ છે કે અમારાં પ્રજાજનો પોતાની કેળવણી, આવડત અને ઈમાનદારીથી અમારી જે નોકરીઓની ફરજ અદા કરવાને લાયક હોય તેમાં શકય હોય ત્યાં એમને જાતિ કે ધર્મના ભેદભાવ વિના છૂટથી અને નિષ્પક્ષ રીતે દાખલ કરવામાં આવે.

આ હકીકતો ધ્યાનમાં રાખીને નવા મતાધિકાર વિધેયકને તપાસીએ તો તેને સમજવાનું ઘણું મુશ્કેલ છે. સાંસ્થાનિકો સામેનો પ્રશ્ન બહુ સાદો છે. શું હિંદી કોમ પાસેથી મતાધિકાર લઈ લેવાનું જરૂરી છે? જો એ હોય તો હું કહીશ કે તેઓ હિંદુસ્તાનમાં પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ ભોગવે છે એ હકીકતની સાબિતી એને ઓછું જરૂરી નહીં બનાવશે. જો એ જરૂરી નથી તો પછી દ્વિઅર્થી કાનૂનો વડે હિંદીઓને હેરાન શા માટે કરવા? હિંદીઓ હિંદમાં પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓનો લાભ ઉઠાવે છે કે નહીં એ પ્રશ્નનનો જવાબ જ જો મતાધિકારના પ્રશ્નનો નિર્ણય લાવવાનો હોય તો હું જણાવીશ કે આ વિષય અંગેની માહિતીની સામગ્રી કોઈ પણ હિસાબે એટલી કમી નથી કે સાંસ્થાનિકો એ પ્રશ્નનનો હમણાં અને સદાને માટે નિર્ણય નહીં કરી શકે, અને તે પણ એક એવા કાનૂનની જરૂર વિના કે જે કાનૂન હવે પછી આ પ્રશ્નનને કાયદાની કોર્ટ ઉપર છોડી દઈને પૈસાને નાહકને બગાડ કરાવે એમ છે.

આપનો, વગેરે

મો. ક. ગાંધી

[ મૂળ અંગ્રેજી].

धि नाताल विटनेस, ૧૭–૪–૧૮૯૬