ગાફલ બેગરજુ
દેવાનંદ સ્વામી


પદ ૮ રાગ એજ.

ગાફલ બેગરજુ, આ તન એળે ગમાયો;
ધર્મ વિસારી ધંધે વળગ્યો, કૂડે ધૂડ્ય કમાયો રે... ગાફલ° ૧

કામનિયુંમાં ફરતો ડોલે, વિષય ભરેલી વાતું;
પાપ કરીને પૂરું બાંધ્યું, ભવસાગરનું ભાતું રે... ગાફલ° ૨

દેવમંદિરમાં દર્શન કરવા, ભૂલ્યો ભટક્યો આવે;
માનનિયુંનાં મુખ જોવાને, આંખડિયું અટકાવે રે... ગાફલ° ૩

આરત્ય રાખી ના ઉચ્ચારે, રામકૃષ્ણ મુખ વાણી;
ગ્રામ્યકથામાં દીએ ગપોડા, જૂઠે જૂઠું જાણી રે... ગાફલ° ૪

ગાંજો ભાંગ્ય લીલાગર મફર, હોકો પીવે ચાવે;
દેવાનંદ કહે દેખ વિચારી, દુઃખનો અંત ન આવે રે... ગાફલ° ૫