← ગામડાંની વહારે ગામડાંની વહારે
આર્ષવાણી
મોહનદાસ કરમચંદ ગાંધી
૧. ગ્રામકેળવણી →



આર્ષવાણી

અંગ્રેજોએ અહીં પગલાં કર્યાં તે અગાઉ હિંદ પોતાનાં લાખો ઝૂંપડાંઓમાં કાંતતું તથા વણતું અને ખેતીમાંથી મળી રહેનારી પોતાની નાનીશી આજીવિકામાં રહેતી ખોટ ભરી કાઢતું. જીવાદોરી સમો આ હિંદનો ગૃહઉધોગ, માની ન શકાય એટલા નિષ્થુર અને અમાનુષ ઉપાયો વડે નષ્ટ કરવામાં : આવ્યો, જેનાં બ્યાનો અંગ્રેજ સાક્ષીઓએ કરેલાં છે. હિંદની અધપેટે રહેનારી આમપ્રજા કેવી ધીમે ધીમે મૃતપ્રાય થતી જાય છે એની શહેરોના રહેનારાઓને ભાગ્યે જ ભાળ છે. તેઓને ખબર નથી કે તેમને ભોગવવા મળતા ક્ષુદ્ર્ એશઆરામ તેઓ હિંદને ચૂસનારા પરદેશી મૂડીદારોનાં ઘર ભરવા જે મહેનત કરે છે તેની દલાલી સિવાય બીજું કશું નથી. અને પેલાઓનો બધો નફો તેમ જ આમની દલાલી બંને હિંદની ગરીબ પ્રજાને નિચોવીને જ નિતારી કાઢેલાં હોય છે. તેમને ગમ નથી કે બ્રિટિશ હિંદમાં કાયદાથી સ્થપાયેલી સરકાર એ ગરીબ આમપ્રજાને આ રીતે ચૂસવાની ખાતર જ ચલાવવામાં આવે છે. આજે હિંદનાં ગામડાંઓ પોતાનાં બોલતાંચાલતાં હાડપિંજરોથી નરી આંખને પણ જે પુરાવો આપી રહેલ છે તેને ચાહે તેવાં વિતંડાવાદથી કે આંકડા-અહેવાલોનાં ચાહે તેવાં માયાવી કોષ્ટકોથી ઉડાવી શકાય તેમ નથી.મારા મનને તો છાંટાભાર શક નથી કે ઈશ્વર જેવો કોઈ માલિક જો દુનિયાને માથે હોય તો તેના દરબારમાં ઈંગ્લંડને તેમ જ હિંદુસ્તાનના આ બધા શહેરોમાં વસનારાઓને બેઉને આ ગુનાને માટે - ઇતિહાસમાં કદાચ જેની જોડ ન મળી શકે એવા આ માનવજાતિ સામેના ગુનાને માટે જવાબ દેવો પડશે.

—ગાંધીજી
 
(૧૯૨૨માં અદાલત સમક્ષ રજુ કરેલા એકરારમાંથી)