ગિરિકોકિલ
નરસિંહરાવ દિવેટિયા
(ઢાળ : અલબેલી રે અંબે માત જોવાને જઈએ!)




ગિરિકોકિલ

નરસિંહરાવ દિવેટિયા

ઓ ગિરિકોકિલ !તું,
શું અદ્ભુત રેલે ગાન, ઓ ગિરિકોકિલ !તું,
તુજ ગૂઢ અર્થનું જ્ઞાન પામું ન કો દિન હું.

મેઘ શિખર છૂપી ચંદા વ્ચરસે સ્મિત-અમીધાર અનન્ત રે,
ને ગિરિ, તરુમ, જળ મત્ત જ ઘૂમે, -હેવું ગાન રેલંત,
ઓ ગિરિકોકિલ !તું,

લતામાધવી- ઉછંગ ઉછળી કળી રમે લાગજળ રે,
સુગન્ધ ને સ્મિત ચોગમ વેરે,-હેવી મધુરરવધાર
ઝરે,ગિરિકોકિલ ! તું.

ટિટ્ટૂ ટિટ્ટૂ ગાન કુંડાળે ભમતું નભમોઝાર રે;
ગિરિશૃઙ્ગોમાં ધ્વનિ મધુરો દઈ રમ્ય રજતરણકાર
કરે,ગિરિકોકિલ ! તું.

મધ્ય રજનિ ચાંદનીમાં ચળકે, સાગવાને ગૂંચવાયું રે,
ધુમસ રૂપેરી તે પર તરતું ગાન ચમકતું આવ્યું,
જો ! ગિરિકોકિલ ! તું.

પ્રિય સહચરીને શું તું સોધે ગાન ગાઇ વનવનમાં રે ?
તે થકી શું કંઈ મધુર ગાનને રંગે ભાવ કરુણમાં,
ઓ ગિરિકોકિલ ! તું.

અવિરત મધુરા ગાન તણી તુજ કવિતા કદી ન સૂકાય રે,
એ અદ્ભુત ગુણ ક્ય્હાંથી સાંપડ્યો ? મધુર જ મધુર જ ગાય,
ઓ ગિરિકોકિલ ! તું.

માનવ જીવનના સૂર ઉંડા, પ્રફુલ્લને વળી ઘેરા રે,
તે સર્વેનાં રહસ્ય સાચાં વાંચી સકે જ અનેરાં,
તે ગિરિકોકિલ ! તું.

નૂતનધન રંગે રંગીલી સન્ધ્યા લટકે આવે રે,
મધુર અનિલ-ઉચ્છવાસથી કરતી અધરસ્પર્શો ભાવે,
ઉંચા ગિરિવરને;

તોય અડગ ગિરિ સમાધિ ન તજે, તે ગિરિ પણ દ્રવ્ય ધારે રે,
જેહ વેળ સુરસુન્દરી સન્ધ્યા લલિત સૂરો લલકારે,
આ ગિરિકોકિલના.

ગૂઢ શક્તિને ગૂઢ અર્થ તુજ કળી સકું શી પેરે રે?
મૂઢ અબ્ને ગિરિવર જ્ય્હાં પીતાં અવિરત અમીરસેર
તુજ ગિરિકોકિલ ઓ!