ગુજરાતની ગઝલો/અમારા રાહ
← સરસ્વતીચંદ્રનો સ્નેહ | ગુજરાતની ગઝલો અમારા રાહ [[સર્જક:|]] ૧૯૪૩ |
ફરિયાદ શાની છે ? → |
કલાપી
કટાયેલું અને બૂઠું ઘસીને તીક્ષણ તેં કીધું;
કર્યું પાછું હતું તેવું, અરે ! દિલબર હૃદય મારું.
ગમીના જામ પી હરદમ ધરી માશૂક ! તને ગરદન;
ન ખંજરથી કર્યા ટુકડા ! ન જામે ઈશ્ક પાયો વા.
પછી બસ ! મસ્ત દિલ કીધું, ઉઘાડી ચશ્મ મેં જોયું;
સિતમગર તોય તું મારો, ખરો ઉસ્તાદ છે પ્યારો.
ગુલો મેં બાગનાં તોડી દીધાં સૌ ધૂળમાં ચોળી;
બિછાનું ખારનું કીધું, ઉપર લોટી રહ્યો તે હું.
મુબારક હો તમને આ તમારા ઈશ્કના રસ્તા;
અમારો રાહ ન્યારો છે, તમોને જે ન ફાવ્યો તે.
તમારા માર્ગમાં મજનૂ અને લૈલી શીરીં ફરહાદ
ચિરાયેલાં કપાયેલાં પડ્યાં છે લોહીથી ભીનાં.
ગુલામો કાયદાના છે ! ભલા ! એ કાયદો કોનો ?
ગુલામોને કહું હું શું ? અમારા રાહ ન્યારા છે.
મને ઘેલો કહી લોકો, હઝાર નામ આપો છો !
અમે મનસૂરના ચેલા ખુદાથી ખેલ કરનારા.
નહીં જાહોજહાલીના, નહીં કીર્તિ, ન ઉલ્ફતના-
અમે લોભી છીએ, ના ! ના ! અમારા રાહ ન્યારા છે.
તમારી બેવફાઈના, હરામી ને હલાલીના-
ચીરી પડદા અમે ન્યારા, અમારા રાહ ન્યારા છે.
અમે મગરૂર મસ્તાના, બિયાંબામાં રઝળનારા,
ખરા મહબૂબ સિંહો ત્યાં ! હમારા રાહ છે ન્યારા !
કુરંગો જ્યાં કૂદે ભોળાં, પરિન્દાનાં ઊડે ટોળાં,
કબૂતર ઘૂઘવે છે જ્યાં, હમારા મહેલ ઊભા ત્યાં.
લવે છે બેત નદીઓ જ્યાં, ગઝલ દરખત રહ્યાં ગાતાં,
અમે ત્યાં નાચતા નાગા, અમારા રાહ છે ન્યારા.
તમારા કૃષ્ણ ને મોહમદ, તમારા માઘ કાલિદાસ,
બિરાદર એ બધા મારા, હમારા રાહ છે ન્યારા.
હતાં મહેતો અને મીરાં ખરાં ઈલ્મી, ખરાં શૂરાં;
અમારા કાફલામાં એ મુસાફિર બે હતાં પૂરાં.
પૂજારી એ અમારાં, ને અમો તો પૂજતા તેને,
અમારાં એ હતાં માશૂક, અમો તેના હતા દિલબર.
તમારા રાજ્યદ્વારોના ખૂની ભપકા નથી ગમતા;
મતલબની મુરવ્વત ત્યાં, ખુશામદના ખઝાના જ્યાં.
અમો તમને નથી અડતા, અમોને છેડશો કો ના,
લગાવી હૂલ હૈયે મેં નિચોવી પ્રેમ દીધો છે.
હવાઈ મહેલના વાસી અમે એકાન્ત દુઃખવાદી.
અમોને શોખ મરવાનો, અમારો રાહ છે ન્યારો.
ખુવારીમાં જ મસ્તી છે, તમે ના સ્વાદ ચાખ્યો એ;
અમોને તો જગત ખારું થઈ ચૂક્યું ! થઈ ચૂક્યું !