ગુજરાતની ગઝલો/ઝખ્મો હસ્યા કરે છે
← દિલબરની પાની હો | ગુજરાતની ગઝલો ઝખ્મો હસ્યા કરે છે [[સર્જક:|]] ૧૯૪૩ |
આંખડી ભરી જોયું ! → |
છે રંગ એ જગતનો જ્યારે હવા ફરે છે,
સાગર તરી જનારો કાંઠે ડૂબી મરે છે.
એની મદીલી આંખો મુજ આંસુમાં તરે છે,
જળમાં છુપાઈ જાણે મછલી મઝા કરે છે.
મારી નઝરની સામે દુનિયા નવી ફરે છે,
જાઉં છું સર્વ ભૂલી જ્યારે તું સાંભરે છે.
દિલની અને દીપકની હાલત છે એકસરખી,
એ પણ બન્યા કરે છે તે પણ બન્યા કરે છે.
દીપક બિચારો થાકી છેવટ ગયો બુઝાઈ,
મારું જિગર છે કેવું નિશદિન બળ્યા કરે છે !
તારા ગણી રહી છે આતુરતાથી આંખો,
એના વિરહથી મારા ઝખ્મો હસ્યા કરે છે.
એને નકામું માણી ઓ બેકદર સમજ ના,
આશા તણો ખજાનો મુજ આંખથી ખરે છે.
જોઉં છું આંસુમાં તો જોઉં છું એટલું હું,
નેકી ડૂબી ગઈ છે પાપો ફકત તરે છે.
તેં આવી આ જગતમાં મિથ્યા જીવન ગુમાવ્યું,
તારાથી જંતુ સારા પથ્થરમાં ઘર કરે છે.
વિશ્વાસ રાખ 'શયદા' લાતકનતૂની ઉપર,
બીજાની પાસે જઈ તું શું કામ કરગરે છે?