ગુજરાતની ગઝલો/તમારી રાહ
← આપની રહમ | ગુજરાતની ગઝલો તમારી રાહ [[સર્જક:|]] ૧૯૪૩ |
શરાબનો ઈનકાર → |
થાળે તમારી રાહમાં ઊભો રહી હાવાં, સનમ !
રાહત ઉમેદીમાં હતીઃ જાતી ગળી હાવાં, સનમ !
પી કાફરોના હાથનું પાણી ઊગેલું ઘાસ, તે
મિટ્ટી ગણી અંગે વીંટાયું મૂળ નાખીને, સનમ !
પહાડો હતા, રેતી બન્યાઃ રેતી બની પહાડો; અને
આવી કબર સામે ઊભીઃ જાગી–ઊઠે કાં ? સનમ !
પાણી બની ઢોળાઉં છું, દમબદમ ગમને કૂવે;
અંધાર છે, લાચાર છું, સિંચો–હવે સિંચો, સનમ !
સાબૂત છે ના દોર આ, આવે, લગાવો મીણ તો,
ખેંચી ઊભા છે ખંજરો, આ દુશ્મનો નીચે, સનમ !
આંહી શરાબે નીર ભેળ્યું છે હમારા જાલિમે;
પીતાં ન ફાવે પ્ચાસમાં, આ દમ લબે આવ્યો, સનમ !
પીતાં ન ફાવે છે હવે, પીતો મઝાથી જે સદા;
કાને તમારી સાંભળી મીઠી શરાબી છે, સનમ!
છીપી રહ્યાં છે પ્યાસને આ ઝાંઝવે લાખો અહીં,
હું તો તમારૂં નીર સાચું શોધતાં પ્યાસો સનમ !
છે પ્યાસ, છે ભૂખે, ઉપર બોજો બૂરાઈનો વળી;
છે રાહ જોવી એકલાં, ક્યાં–ક્યાં સુધી હાવાં? સનમ !
માફી તમારી છે બધે, જાણું અહીંયે ખૂબ છે;
માફી પુકારો ને દઈ ઝીલી હવે લેજો, સનમ !
લાઝિમ બૂરાઈ આ બધીને ચૂપકી, ખાવિંદ ! છે;
તોયે ઊઠે છે ઊકળી ખૂને જિગર બૂમે, સનમ !
હુંથી થયું ના, ના થતું, યા ના થશે કાંઈ અહીં,
તકલીફ તો આખર તમારે ને તમારે છે સનમ !
થાકી રહ્યો પૂરો અહીં, માફી હવે તો મોકલો;
છે માફ જો કરવું બધું, તો આજ ના શાને? સનમ !