← ગઝલરૂપ ! ગુજરાતની ગઝલો
પ્રકાશ દેજે
[[સર્જક:|]]
૧૯૪૩
તું સુખી મારા વાસમાં? →


૭૫ : પ્રકાશ દેજે !


રંગો વસંતના છે, મુજ દાગદાર દિલમાં,
પુષ્પો ખીલી રહ્યાં છે સુરભિપ્રસાર દિલમાં.

પ્રીતિમહીં જગતની–દીઠી વિભુની મૂર્તિ;
પામી ગયો હું નિજને–હર હર પ્રકાર દિલમાં.

આશાના પ્રાણ જૂઠા–માયાની કાય જૂઠી;
ઊર્મિ પ્રમાદની છે–જગનો ચિતાર દિલમાં.
 
સૌન્દર્યની વિભૂતિ ઊર્મિ બનીને આવી;
છેડી રહ્યો છે કોઈ–ચેતન–સિતાર દિલમાં.

કૌમુદીએ શશીની–પ્રેમી કુમુદ ખીલે;
એવો પ્રકાશ દેજે પરવરદિગાર! દિલમાં.

આશા 'ફકીર' કેવી–ના આશના જગતની;
મૃગજળના વારિધિના ભરજે ન ક્ષાર દિલમાં.