ગુજરાતની ગઝલો/મારી સનમ
← જોગીની ગઝલ | ગુજરાતની ગઝલો મારી સનમ [[સર્જક:|]] ૧૯૪૩ |
નિજાનંદ → |
ગા ! ગા તું, બર્બત ! દમ બ દમ :
ગા ઈશ્ક, ગા ગા રહમે સનમઃ
ગા ! ગા અગમ રાહે સનમઃ
તૂં હિ તૂં હિ ! મારી સનમ !
મારી સનમ ! મારી સનમ !
કાયમ દિલે મારૂં હરમઃ
પડઘમ બજે જ્યાં દમ બ દમ:
સુરસારીગમઃ મારી સનમ !
તુજ ઈશ્ક એ જ અજબ રહમઃ
એ એ જ નેતિ અગમ નિગમ:
ભાંગી તૂટી બૂડી કલમ,
કમજોર છે મારીઃ સનમ !
ઝાંખી થતાં જ ઢળી પડ્યો:
હજરત મુસા હાંફી ગયો:
ના ! ના દિદાર સહી શક્યો !
તાકાત શી મારી ? સનમ !
દર દર ફરું નગરે નગર,
હરચીજ સુન્દર હો અગર,
જળતું જિગર સૂનું મગર,
તારા વગરઃ મારી સનમ !
તારા પીધા ગેબી સુખનઃ
ના ! ના દીઠું તારું બદનઃ
ઈક્તન થશું: મળશું વતનઃ,
લે ! લે વચનઃ મારી સનમ !
પણ–ચશ્મથી માણિક્ય શો,
શો ઈશ્ક તુ જ વરસે અહો !
દાવો અનામી છે. કશો :
તારે તખત: મારી સનમ !
મારા ગુનાહ સો લાખ છેઃ
બિસ્મિલ બન્યું દિલ ચાક છેઃ
જો ! જો ! જિગર પૂર ખાક છે:
તું ઝિન્દગીઃ મારી સનમ !
ગોયા જહાં સહુ ખ્વાબ છેઃ
હક લબશરાબ ગુલાબ છેઃ
એ સાફ ઈશ્કહિસાબ છેઃ
છે ઈશ્ક તું: મારી સનમ !
દિલદાર ! પરદેપોશ છેઃ
દર્દી જિગર બેહોશ છેઃ
પણ-ઈશ્ક પર ખામોશ છે.
તું જહાંપનાહઃ મારી સનમ !
સૂળી ઉપર હસતો સૂતો !
મનસૂર 'અનલહક' બોલતો !
દાવો ખુદાઈ કરી શક્યો !
તારી હુંફે: મારી સનમ !
કૌવત કશું ઈન્સાનનું ?
'છું હું ખુદા !' શી રીતે કહ્યું ?
તેં તેં જ ત્યાં કામણ કર્યું !
બની તું ઝબાંઃ મારી સનમ !
મુરદાં, અહો ! જીવતાં થતાં !
'દમ્કુમ્બ-ઈઝ્ની !' બોલતાં !
નહીં શમ્સ એ કરતો ખડાં:
દમ તું ફૂંકેઃ મારી સનમ !
દરખત ભીતર દરખત થતો !
દિલ 'લેલ! લેલ!' પુકારતો:
મજનું તને જપતો ખડો:
પગ તુજ દુઃખેઃ મારી સનમ !
ફરહાદ પહાડ શું ફોડતો ?
નહીં ! કોહકન આશક હતોઃ
એ હાથ તો પણ ખોદતો-
તારો હતો.: મારી સનમ !
કઈ ઝૂલેખા બાપડીઃ
કો ઘેલી ઘેલી ગરીબડીઃ
જીવતી શિરીં કબરે સૂતી !
સૌ તુજ કદમ: મારી સનમ !
જડ પથ્થરે જોગી થતી !
કોઈક 'મીરાં રાંકડી' !
નામે સનમ! જીતી જતી !
ભળતી તુંમાં: મારી સનમ !
જડમાં તુંને જોતી સતી,
ખુદી જલાવી જલી જતીઃ
કાફર કહે કાફર કદી !
પણ ઈશ્ક ! ઓ મારી સનમ !
આબાદ લગની લાગતી,
તેને, સનમ ! તું તારતીઃ
જડ ચેતના ભેદો નથીઃ
જોતી ફનાઃ મારી સનમ !
છો હોય જડ યા ચેતનાઃ
દિલ એકમાં હો પૂર ફનાઃ
તો ખુદ ખુદાની કશી તમા?
શું છે ખુદા ? મારી સનમ !
જ્યાં આશકોના આહ છે,
ભર અશ્ક પર દરગાહ છે,
ત્યાં ખુદ ખુદા જ પ્રવાહ છે:
છે ગેબ એ: મારી સનમ !
ઝુલમ, ઝખમ તોબાહ છેઃ
છે દૈવી પણ દિલદાહ એ:
ના જોગીઓ ગૂમરાહ છેઃ:
છે રાહબર મારી સનમ !
કરૂં શું હું વેદપુરાણને ?
શું તીર્થ, સંધ્યાસ્નાન છે?
દિલબર જહીં દિલજાન છેઃ
તૂંહિ ! તૂંહિ ! મારી સનમ !
ના ! ના ! સનમ પંડિત નથી !
વેદાન્તી વા ફિલસૂફ નથી !
છે–છે બધું:પણ પ્રીતડી !
બસ પ્રીતડી મારી સનમ !
દુનિયાની ઈજ્જત આબરૂઃ
એને શું પહેરું? પાથરું?
સારી જહાંને શું કરું? -
તું રૂબરૂ હો ! મારી સનમ !
વહાલાં ન કો અળખામણાં:
પણ–આપણાં શમણાં ફળ્યાં:
દિલ દિલ, સનમ ! આપણ જડ્યાં !
રહેજો નિકટઃ મારી સનમ !
લાખો કરોડ વરસ વીત્યાં:
આપણ હતાં બે એકઠાં:
વિખૂટાં પડ્યાં: પાછાં જડ્યાં:
ફરીથી જુદાં:મારી સનમ !
દરિયાવદિલ મોતી ઝર્યા !
રે ઈશ્ક!–યા શું કરું બયાં?
જુગજુગ ભમ્યાં દિલનાવડાં:
તરવા પડ્યાં: મારી સનમ !
કૈંક લાખ જહાજ તૂટી ગયાં:
બચવા નવા મછવા મળ્યાં:
ભરપૂર સાગરિયે મળ્યાં:
આમીન ! અહો ! મારી સનમ !
તું માં ડૂબું છું હું: સનમ !
હુંમાં ડૂબે છે તું: સનમ !
આ વસ્લ ! સાગરિયે સનમ !
કાયમ રહો ! મારી સનમ !
કૈં કૈં સિફત બોલત અગર જો હોત હું શાયર:
હું તો સનમ ! તારા, મગર, લબનું બનું સાગર.