ગુજરાતની ગઝલો/સનાતન 'થી'
← બનાવી જા | ગુજરાતની ગઝલો સનાતન 'થી' [[સર્જક:|]] ૧૯૪૩ |
વાત શું જાણે? → |
અનુભવથી બધું મળશે, ન મળશે તુજને વાચનથી,
તડપવાનું છે સમજણથી, સમજવાનું છે જીવનથી !
ખરી ભક્તિ એ જીવન છે, થશે પાવન તું જીવનથી;
ન મળશે કંઈ તને વંદનથી, પૂજનથી કે અર્ચનથી !
મરણ પહેલાં જુદો ક્યારે થયો છે આત્મા તનથી ?
મટી શકતો નથી હું કોઈ દિવસ આપના મનથી !
પ્રથમ તું તારા દિલને ફૂલ સમ કોમળ બનાવી દે;
મળી જાશે તને પણ રંગ-ખુશબૂ કોઈ ઉપવનથી !
જીવનનો ભેદ, મૃત્યુ–હસ્તે ખુલ્લો થાય તે પહેલાં,
જીવન શું છે, એ જીવનને સમજવાનું છે જીવનથી !
નિરાશા નાશ કર, ગમ દૂર કર, મૂકી દે કાયરતા;
હઝારો મોત પેદા કાં કરે છે એક જીવનથી ?
ખુદાની યાદ, વાતો ધર્મની ને ફિક્ર દુનિયાની;
છૂટો એ સૌથી હું બંધાઈને એક પ્રેમ-બંધનથી !
મને મિત્રોથી જે કડવા અનુભવ પ્રાપ્ત થાયે છે,
છુપાવીને હું રાખું છું એ એક જ ચીજ દુશ્મનથી !
બની જા રૂપ પોતે, રૂપનું સ્વરૂપ જોવું છે;
નીકળ હે દિલ ! તું પહેલાં પ્રેમ કેરા પ્રેમ–બંધનથી !
નકામો પ્રેમને બદનામ શાને તું કરે ' આસિમ' ?
ખબર છે? રૂપ પોતે પ્રેમ-ચાહક છે સનાતનથી !