← ભક્ત-હૃદય ગુજરાતનો જય
'ધીર બનો'
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૯
યવનો કેવા હશે ! →





19
'ધીર બનો !'

ડાવમાં વસ્તુપાલ અને એ, બે એકલા જ હતા. રાત્રિવેળાએ રાસોત્સવો ને નાટકો થતાં ત્યાં મંત્રીપરિવાર પણ મોડી રાત સુધી હાજર રહેતો. મંત્રી પોતે જ થોડીહાજરી આપીને પાછા વળ્યા હતા.

"કાં સુવેગ !” મંત્રીએ માલવી ભટરાજનો પાઠ ભજવતા ગુપ્તચરને કહ્યું, "પેલી ડાકણ પછી ઓળખાઈ કે નહીં?”

“હા જી, દેવગિરિની નામાંકિત ગણિકા ચંદ્રપ્રભા છે.”

"કંઈ માછલાં પકડી શકી છે?”

"જી હા, આપણી સેનામાંથી પણ કેટલાક ઊંચા અધિકારીઓ એના પડાવમાં જતા-આવતા થયા છે.”

“તને લાગે છે કે તેમાંથી કોઈ આપણાં યુદ્ધ-રહસ્યો કહી દેતા હોય?”

“ચંદ્રપ્રભા ગણિકાના હાથની એક પાનપટી જ બસ થાય તેવી છે, પ્રભુ ! એની સુરાની કટોરી અને એનો એક કટાક્ષ જ માણસના મનમાંથી બધું રહસ્ય ઓકાવી નાખવા માટે બસ થાય છે.”

“ત્યારે તો આપણા ઘરમાં પણ દ્રોહીઓ છે.”

"દ્રોહીઓ નહીં પ્રભુ, દુર્બલો.”

"લાવ, નામ દે, એમને જલદી પકડાવી લઉં છું. વારુ, ચંદ્રપ્રભા તરફથી કોઈ દૂત હજુ જઈ શક્યો નથીને”

“ના જી.”

“તો હવે એ દૂત તારે જ બનવું પડશે. જો, પાકે પાયે સમાચાર છે કે દિલ્હીપતિ મોજુદ્દીનનાં ધાડાં સિંધુતટ તરફ કૂચ કરી ગયાં છે.”

“આપને કોણે કહ્યું?”

"તું કેટલાં વર્ષોથી મારી પાસે છે?”

"સાત.”

“તોપણ આવું પૂછવાની મૂર્ખાઈ કરી શકે છે? ગાંડો નહીં તો ! તેં અત્યાર સુધી ન જાણ્યું હોય એવું માનનારો હું થોડો નાદાન છું !”

મંત્રીના આ હળવા ઠપકાથી અને ગર્ભિત પ્રશંસાથી આ માણસ છોભીલો પડ્યો ને એણે ક્ષમા માગી. મંત્રીએ કહ્યું: “સાંભળી લે. મોજુદ્દીનનાં સૈન્ય ચડ્યાં છે તે સત્ય છે. ગુજરાત પર આવે છે કે બીજે જાય છે તે તો કેવળી જાણે. પણ બે શત્રુઓની ભીંસ નહીં પોસાય. પેલા ઢોંગી શ્રેષ્ઠી પાસેનાં આપણે હાથ કરેલાં ગુપ્ત પત્રો બતાવે છે કે સિંઘણદેવ તાપીના કાંઠાથી પચાસ કોસ કરતાં વધુ દૂર નહીં હોય. તેને રોકી રાખવો છે. પણ સૈન્યથી નહીં, આવડતથી. ચંદ્રપ્રભા પાસેથી એક પત્ર મેળવ, ને એ લઈને તું સિઘણદેવ પાસે પહોંચ. વધુ નહીં. ફક્ત પંદર જ દિવસ એને તાપીને આ પાર આવતો અટકાવવો છે. દરમ્યાન તો આપણે પહોંચીએ છીએ.”

“જી, આપ નચિંત રહો. હું યત્ન કરું છું.”

“રેવતાચલ પહોંચીએ તે પહેલાં, તાલધ્વજગિરિ (તળાજા) સુધીમાં તૈયાર થા તો જ તને દરિયામારગ સુગમ પડે. હું મધુમતીના બારામાં એક હળવું વહાણ તૈયાર રખાવું છું. જા તું.”

"આજ્ઞા.” કહીને એ માણસ બહાર નીકળી ગયો અને વસ્તુપાલે આંગળીના વેઢા પર ગણતરીઓ ગણી. એને દિલ્લીના યવન-સૈન્યની હિલચાલના પાકા સમાચાર આપનાર ગુરુદેવ વિજયસેનસૂરિ હતા. દિલ્લી નજીકનું ચાતુર્માસ પૂરું કરીને એ સૂરિએ આ ખબર દેવાને ખાતર જ પવનવેગી પ્રવાસ કર્યો હતો.

વસ્તુપાલના મોં પર ઘડીવાર પ્રસન્નતા રમી રહી. વીતરાગના ત્યાગી બાળને હૃદયે પણ ગુર્જરભૂમિ પ્રત્યેનું મમત્વ વસ્યું હતું એ એના આનંદની વસ્તુ હતી. પચાસ વર્ષના પાકટ તપસ્વીએ આટલા ટૂંકા સમયમાં આખો ખંડ વીંધીને આંહીં સુધી આવવા માટે જાંઘો તોડી નાખી હતી. ઉઘાડા પગે એને ચીરા પડ્યા હતા. આમ હતું ત્યાંસુધી તો ગુર્જર દેશના અભ્યુદયની આશા હતી.

એણે એનો સ્વધર્મ બજાવ્યો તો મારે પણ મારો અદા કરવો રહ્યો. મારે જલદી પહોંચવું જોઈએ અને સૈન્યનું સંચાલન કરવું જોઈએ. તેજપાલને વારંવાર શું મોં લઈને મોતના મોંમાં ઓરું? એ માંડ માંડ આજે યાત્રાએ નીકળ્યો છે. એને પાછો ધકેલીશ તો અનુપમા શું ધારશે?

વિચારના મણકા ફરતા હતા ત્યાં બીજો યુવાન મળવા આવ્યો. મંત્રીએ પૂછ્યું:. "કાં, ક્યાં છે? શું કરે છે?"

“એ રંગશાલામાં છે. નાટક જુએ છે.”

“વારુ, ચાલ.” પોતે સામાન્ય માણસનાં વસ્ત્રો પહેરી અને મોંએ મોટી મૂછો લગાવી સાથે ચાલ્યા. નાટક ચાલતું હતું તેને ગોળ કૂંડાળે જામેલી લોકગિરદીને એક ખૂણે એક માણસના ખભા પર હાથ ટેકવીને ઊભેલા પુરુષ પ્રત્યે યુવાન ગુપ્તચરે આંગળી ચીંધી.

મંત્રીએ એ માણસને ખંભે હાથ મૂક્યો. નાટક જોતો પુરુષ ચમક્યો. એણે પાછળ જોયું. મંત્રીએ કહ્યું: “ચાલો, થોડી વાત કરીએ.”

અવાજ પરખાયો કે તરત એ પુરુષ મંત્રીની સાથે ચાલ્યો. અંધારામાં એને દૂર લઈ જઈને મંત્રીએ કહ્યું: “રંગ છે આપને ! મને એકને તો કહેવું હતું કે સંઘ જોવા આવવું છે ! તો રાજધાનીને તો રેઢી ન રહેવા આપત !”

પેલો પુરુષ શરમાઈ ગયો. મંત્રીએ પૂછ્યું: “જેતલબાને જણાવ્યું હતું?”

“હા – ના – હા – આ – પણ –" પેલા પુરુષનો જવાબ ભોંઠામણથી ભરેલો હતો.

“સ્પષ્ટ કહોને, હું નહીં ઠપકો દઉં.”

"કહ્યું હતું કે ગામડાં જોવા જાઉં છું, બેત્રણ રાત માટે.”

“તો તો બાને બરાબર ફાળ પડાવી હશે ! રાણીઓને તો તત્કાળ એક જ વહેમ આવેને, કે જતા હશો નવાં ઠકરાણાંની વેતરણ માટે ! ઠીક, હવે ! રક્ષકો ક્યાં છે?"

"ધંધુકે.”

“ક્યારે ઊપડવું છે ત્યાં બધું રેઢું છે. આ કાંઈ સેલગાહોનો સમય છે ! આપને હું ખાતરી કરાવીશ કે હું કે તેજપાલ સેલગાહ માણવા નથી નીકળ્યા. પણ અત્યારે તો આપ જલદી નીકળો ને ત્યાં પહોંચી સૈન્ય તૈયાર કરો. વાહન શું છે?”

"સાંઢ્ય.”

"તો હવે વેળા ન ગુમાવો. હોશિયાર રહેજો. આપને માટે મોટું ટાણું આવતું લાગે છે. વિજય વરજો !”

“ભારે થઈ” પેલા પુરુષ, જે રાણા વીરધવલ હતા, તેમણે એટલું બોલીને ભોંઠામણમાંથી છુટકારો શોધ્યો.

“કંઈ નહીં. હું જેતલબાને નહીં કહું. ઊપડો ક્ષેમકુશળ.”

“પણ અનુપમાદેવીએ મને ઓળખ્યો છે, હો કે!”

“મને ખબર છે. આપ માગણોની પંગતમાં ઘી-કંસાર લેવા બેઠા હતા તે તો સરસ થયું. પ્રભુને દ્વારે તો સૌ દરિદ્રો જ છીએ. આપે પુણ્ય બાંધ્યું. લહેર કરો; અનુપમા રાજગઢમાં જઈને કશું પણ બકે તેવી ગાંડી નથી.” નાટ્યમંદિર વખરાયા પછી વસ્તુપાલ પોતાના નાના ભાઈને ઉતારે ગયો અને નવા સમાચાર વિશે ચર્ચા કરીને પોતે પોતાનો વિચાર જણાવ્યો: "તું અને અનુપમા, લલિતા અને સોખુ, સંઘનું સંચાલન કરો. હું એકલો પાછો ફરી જાઉં.”

તેજપાલ ચૂપ રહ્યો.

“ચૂપ કેમ બેઠો છે?” મોટાભાઈએ પૂછ્યું.

“તમે કહો તેમ કરું. બીજું તો શું બોલું?” તેજપાલે એક આજ્ઞાંકિત નાનેરા તરીકે જ નહીં પણ જીવનભરના સૈનિકની અદાથી ટૂંકોટચ જવાબ વાળ્યો.

“તારા જવાબમાં ઉત્સાહ નથી, તેજલ !” વસ્તુપાલે ટકોર કરી.

“સંઘનું સંચાલન તો હું શું કરી શકું? હું તો સૈન્યના સંચાલનમાં જ સમજું.” તેજપાલે બગાસું ખાધું.

"જે કાળે જે માથે આવે તે કરતાં આવડવું જોઈએ ને?"

પતિને ચૂપ રહેલો જોઈ અનુપમાએ કહ્યું: “સંઘપતિથી સંઘ છોડાય?”

"પણ ગુર્જર રાજ્યને ઉપરથી ને નીચેથી બેય બાજુથી આપત્તિ આવી રહી છે. છૂપી ચડાઈઓ ગોઠવાય છે. હું અહીં કેમ રહું?"

એમ કહેતાં કહેતાં વસ્તુપાલ તંબુમાં આંટા મારવા લાગ્યો. પોતાને સંઘ ન છોડવાનું કહેનાર અનુપમા પ્રત્યે એને કંઈક ચીડ આવી.

અનુપમાએ પોતાનો પાલવ વધુ અદબરૂપે સંકોય અને નીચે જોઈને ફરીથી કહ્યું: “તોય આપનાથી સંઘને અંતરિયાળ ન છોડાય.”

વસ્તુપાલે ઊંચે જોયું. આ સ્ત્રી પોતાના નાનેરા ભાઈની વહુ, ધનદોલતના વપરાશમાં ને દાનપુણ્યાદિની વ્યવસ્થામાં સલાહ દેતી હતી ત્યાં સુધી તો વાત હદમાં હતી, પણ આજે એ એક ભયાનક જીવનક્ષેત્રમાં માથું મારી રહી છે ! એણે ભ્રૂકુટિ ખેંચીને કહ્યું: “પણ તમે કાંઈ સમજો છો કે સમજ્યા વગર બોલો છો? સૂરિજીને પણ મેં કબૂલ કરાવ્યું છે કે મારે પાટણ પહોંચી જવું જ જોઈએ. કહું છું કે ગુર્જર દેશને બે તરફથી ભીંસ થવાની છે.”

“તો જેઠજીએ ત્રીજી દિશાએથી પણ શત્રુ જાગવાનું નક્કી સમજી લેવું.”

અનુપમા હજુ પણ જેઠનાં નયનોનાં અગ્ન્યાસ્ત્રોને અવગણતી જવાબ દેતી ઊભી.

“ત્રીજી દિશા?”

“હા, આ સૌરાષ્ટ્ર દેશના ઠાકોરોને ખબર પડે એટલી જ વાર લાગશે.”

“કઈ રીતે પડશે?”

“મંત્રીજી પાછા જશે એટલે સંઘમાં ચણભણ થયા વગર રહેશે? કોના મોં આડા હાથ દેવાશે? ને બીને બધા ભાગશે તો?” સાંભળીને વસ્તુપાલ સહેજ ગમ ખાઈ ગયો. અનુપમાએ પોતાનું જોર વધાર્યું: “આ મેળામાં આપ પડાવે પડાવે ફરો છો, સૌનાં મોઢાં તપાસતા હશો. આપ બીજાને ઘેર ગુપ્તચરો ફેરવો છો તેમ આપણા શત્રુઓને પણ શું નહીં આવડતું હોય? આંહીં કોણ હેતુ છે ને કોણ શત્રુ એ કોને ખબર? એ બધા કાંઈ સંઘમાં ભંગાણ પાડવાનો ને સૌરાષ્ટ્ર ઠાકોરોને ઉશ્કેરવાનો લાગ જતો કરશે?”

વસ્તુપાલ ટહેલતો બંધ થઈને ઊભો ઊભો પગના અંગૂઠા વડે ધરતી ખોતરવા લાગ્યો એટલે અનુપમાએ ઉમેર્યું: “સંઘને પગલે પગલે સૌરાષ્ટ્રવાળાઓ આપની શક્તિના અંબાડમાં અંજાતા આવે છે. એ અંબાડ આપની પીઠ ફર્યા ભેળો જ ઊડી જશે.”

“તો શું ધોળકા ને પાટણનો નાશ થવા દઉં?” મંત્રી ટહેલતા ટહેલતા અનુપમાની દલીલે અકળામણ પામી બોલતા હતા.

“પણ આપ પાછા જશો તોયે શો બચાવ કરી શકશો? આપે કહ્યું કે ઉપરથી ને તળેથી બેઉ તરફથી ચંપાવાનું છે !”

"હા, પણ એ સૈન્યની ને સંગ્રામની વાત –" મંત્રી બડબડતા હતાઃ “– હું તમને શી રીતે સમજ પાડું? તમારી અક્કલ કેટલે સુધી –"

એવી ત્રુટક વાક્યમાળા બોલતાં ધગેલો વસ્તુપાલ એકાએક શરમાયો. એણે અનુપમાનું એક હળવું હાસ્ય સાંભળીને ઊંચે જોયું. અનુપમાની મુખમુદ્રા જાણે એની મૂંગી મશ્કરી કરતી હતી. જે અનુપમાએ સૌરાષ્ટ્રમાં જો સંઘ રેઢો મુકાય તો તેનાં ભયસ્થાનો બતાવી દીધાં હતાં, જે અનુપમાની બુદ્ધિનો આશરો પોતાની માતાએ ને પોતે વારંવાર વ્યવહારમાં સમસ્યા-ઉકેલ માટે લીધેલો, તે જ અનુપમાની અક્કલ પ્રત્યે તોછડાઈ દાખવવાનો આ પહેલો જ પ્રસંગ હતો.

“કેમ હસો છો? તમારે કંઈ કહેવું હોય તો હું સાંભળું." વસ્તુપાલે સ્વરમાં સહેજ કૂણાશ મૂકી.

“આપ એક વાર જેવા છો તેવા ધીર તો બનો ! તો કાંઈક સૂઝ પડશે.”

એ ધીરત્વને ફરી ધારણ કરવા વસ્તુપાલ શરમાઈને મથવા લાગ્યો. એણે ધરતી ખોતરવાનું પણ છોડી દઈ મોં પરની તંગ રેખાઓને ઢીલી કરી.

અનુપમાએ કહ્યું: “આપની ધીરતાને અત્યારે ન ડગવા દેતા.”

વસ્તુપાલને એ વાક્યે બળવાન બનાવ્યો. એણે પૂરી શાંતિ પ્રાપ્ત કરી.

"આપે નહીં, એમણે જ જવું જોઈશે.” એમ કહેતાં અનુપમાએ પોતાના, ઊંધું માથું રાખીને ઊભેલા સ્વામી તરફ દ્રષ્ટિ ચીંધાડી. પત્નીના એ બોલે તેજપાલના નિસ્તેજ ચહેરામાં નવું તેલ પૂર્યું. એણે માથું ઊંચું કર્યું. અનુપમાએ ફરી કહ્યું: “સૌરાષ્ટ્રનો કાંઠો તો જોખમને ન હોય ત્યાંથી તેડાવે તેવો છે. એ રેઢો ન મુકાય. તાપીનો કાંઠો સાચવવામાં તો એકલા લડાયક બળની જરૂર છે. આટલો એક પ્રહર જવા દીધો શા માટે? અત્યારે તો એ ધોળકે પહોંચી ગયા હોત.”

“મને જવા દો, મોટાભાઈ ! મોડું થાય છે.” તેજપાલ હિંમત કરીને બોલ્યો.

"સારું,” શરમિંદા વસ્તુપાલે ટૂંકું પતાવ્યું, “વધુ ચર્ચાથી લાભ શો ! વહુ સાચું કહેતી હશે ! તું ઊપડ; ગોધ્રા ઉપર થઈને તાપીને તીરે સૈન્ય ગોઠવ અને પચીસ હજારને આબુ તરફ રવાના કર. હું મહામંડલેશ્વર ધાર પરમારને ખબર આપું છું, તારે ઉતાવળ કરવાની નથી. આ લે.” એમ કહીને એણે તેજપાલને એક મુદ્રા આપી, “તને આવી મુદ્રા સાથે કોઈનો સંદેશો મળે ત્યારે જ હુમલો કરજે, તે પૂર્વે નહીં.”

એમ કહીને એ ગયો, અને તેજપાલને શરીરે પત્નીએ તે રાત્રિએ અર્કો અને ફૂલહારો સજાવવા સાચવ્યાં હતાં તેને છુપાવી દઈ વિદાયનાં વસ્ત્રો-શસ્ત્રો સજવામાં સહાય કરી; થોડું કંકુ એને કપાળે ચોપડ્યું.

“ઠીક થયું, અનુ” તેજપાલે હસીને કહ્યું, “મને તો આ દેરાં ને દેવલાં વચ્ચે, આ મેળા અને નાટકો વચ્ચે કીડીઓ ચટકા ભરતી'તી. આ તે કંઈ મારું કામ છે” કહેતો એ સાંઢ્ય પલાણી ગયો.