← બાળકો જેવાં! ગુજરાતનો જય
કાષ્ઠપિંજર
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૯
મહામંત્રીનું ઘર →


ખંડ 2



1
કાષ્ઠપિંજર

ધોળકાનગરનો દક્ષિણાદો દરવાજો ઊઘડવાને હજુ ઘણી વાર હતી. તે છતાં ત્યાં લોકોની ભીડ સમાતી નહોતી. વધુ ને વધુ ટોળાં આવતાં હતાં – કોઈ સીધા ઊંઘમાંથી ઊઠીને, કોઈક લગભગ પાછલી રાતનો ઉજાગરો ખેંચીને, કોઈ કશુંક પર્વ હોય તેવા ભાવે નહાઈ ધોઈને, કોઈક વળી નવાનકોર વસ્ત્રો પહેરી કરીને.

દરવાજો વહેલો ઉઘાડવા માટે કેટલાક તો દરવાનોની ખુશામદ કરતા હતા ને કેટલાક ચિડાતા હતા. દ્વારપાળ ચાવીઓનો ઝૂડો ખખડાવતો ખખડાવતો સૌને ટગાવતો પોતાના સામર્થ્યનું પ્રદર્શન કરતો હતો.

અનેક લોકોના હોઠ પર એક નવીન શબ્દ રમતો હતો – કાષ્ઠપિંજર; કોઈ એક કાષ્ઠપિંજર એ પ્રભાતે ધોળકે આવવાનું હતું. એમાં શું આવનાર હતું તેની કોઈને ખબર નહોતી, પણ સૌ પોતપોતાને ખબર હોય તેવો ડોળ કરતા હતા.

કાષ્ઠપિંજર ! એ શબ્દ પુરાણો ને પરિચિત હતો પણ પોણોસો'ક વર્ષથી એ શબ્દ ગુર્જરીની સ્મૃતિમાંથી લોપાઈ ગયો હતો. કાષ્ઠપિંજરની વાર્તાઓ પણ કહેવાતી બંધ થઈ હતી. 'કાષ્ઠપિંજર' શબ્દ બોલતાં બોલતાં લોકો નવીનતાની નવાઈ સાથે અજાણ્યો એક ભય પણ અનુભવતા હતા. શિયાળો ઊતરી ગયો હતો તે છતાં 'કાષ્ઠપિંજર' શબ્દ બોલતાં કેટલાંક લોકોનાં મોંમાં ડાકલી વાગતી હતી.

દરવાજો ઊઘડ્યો અને જનમેદની એકબીજાથી ધકેલાતી, પડતી ને આખડતી બહાર ધસી ગઈ ત્યારે સૂર્યોદયના તેજમાં મહીકાંઠાની દિશામાં ધૂળની આછી આછી ડમરી વચ્ચે એક વિચિત્ર, ભયની કંપારી પેદા કરે તેવું શકટ (ગાડું) ચાલ્યું આવતું નજરે પડ્યું. શકટની પાછળ તેમ જ બેઉ પડખે અગણિત ભાલાનાં ફળો ચમકવા લાગ્યાં. થોડી વારે તો એ પ્રત્યેક ભાલા ઉપર ફરકતી નાની નાની ધજાઓ પર ચીતરેલો કૂકડો પણ ઓળખાયો. શકટ જેમ જેમ વધુ પાસે આવતું ગયું તેમ તેમ એના ઉપર એક કાષ્ઠપિંજરનું માળખું પણ દેખાતું થયું. એમાં પૂરેલું નવીન પ્રાણી કયું હશે તે વિશે પણ લોકોમાં વાર્તાલાપ ચાલતો હતો. કોઈને ખબર નહોતી કે રાણા વીરધવલનો કયો શિકારશોખ સંતોષવા સેનાપતિ તેજપાલ પંદરેક દિવસ પહેલાં ગયા હતા ને કેવુંક જાનવર જીવતું પકડીને લાવતા હતા.

શકટ વધુ નજીક આવતાં કોઈકે કહ્યું કે 'સિંહ!' બીજો બોલ્યો, 'શાહુડી!' ત્રીજાએ અનુમાન કર્યું કે 'આ તો માનવમર્કટ લાગે છે.'

આખરે સૌ જૂઠા પડ્યા. ભાગોળે આવી લાગેલા એ ગાડા પરના કાષ્ઠપિંજરમાં એક પૂરા શરીરનો માનવી પુરાયેલો હતો ને તે પણ કોઈ જંગલી અર્ધપશુ મનુષ્ય નહીં પણ સુધરેલું, પૂરે વસ્ત્રે પરિધાન પામેલું કોઈક માનવી હતું.

પણ એ માનવીને નિહાળી લોકોમાં વિસ્મયનો પાર ન રહ્યો. આ તે શું કોઈ સ્ત્રીને પકડી લાવેલ છે ! એ માનવી મોંને તો સંતાડીને બેઠું હતું. એના શરીર પર તાજી જ પહેરાવી હોય તેવી એક પટોળાની સાડી હતી. પણ એના અણદેખાતા મોં ઉપર વીખરાઈને પડેલા વાળ તો ફક્ત ઓડ સુધીના ટૂંકા હતા.

એટલામાં તો એક યોદ્ધાએ શકટની નજીક આવીને કાષ્ઠપિંજરના સળિયા સોંસરું એક ભાલું ગોદાવ્યું. ગોદો લાગતાં વાર જ એ ટૂંટિયું વાળીને બેઠેલ સ્ત્રીવેશધારી કેદીએ વિકરાળ કોઈ વનચરની માફક ઘુરકાટ કરતું વદન ઊંચું કર્યું ને હુંકાર સંભળાવ્યો.

'ઓ બાપા' કરતાં લોકો પૂંઠ વાળીને નાઠા ને દૂર જઈ ઊભા. કોઈક જ એવો હશે કે જેનું કલેજું ધ્રૂજી નહીં ઊઠ્યું હોય. તેઓ જોઈ શક્યા કે આ પટોળામાં સજ્જ થયેલી સ્ત્રીને તો મોંએ ત્રણ ત્રણ વળ નાખેલી જથ્થાદાર મૂછો હતી અને જડબાં સુધી ખેંચાયેલા લાંબા ઘાટા થોભિયા હતા.

આંખો એની ગોળ-ગોળ, મોટી અને લાલઘૂમ હતી. ગરદન પાડાની કાંધ જેવી ધીંગી અને જાણે કે ગંઠેલી હતી. સળિયાને પકડીને હચમચાવવા પ્રયત્ન કરતા એના હાથ લોખંડી બાંધાના હતા. એની ખસી ગયેલી સાડી એની છાતી પરના ઘાટા રોમગુચ્છને ઉઘાડા કરતી હતી. એને ગળે એક કાળી દાબડી દોરે પરોવીને લટકાવેલી હતી. એ કેદીના આવા વિચિત્ર વેશની અવધિ કરનાર તો એની આંખોમાં આંજેલ કાજળના રેલાઈ ગયેલા લાંબા લપેડા હતા.

શકટની પાછળ કદાવર ઘોડા પર સવાર બનેલો યોદ્ધા-વેશધારી આદમી ચાળીસેક વર્ષનો હતો. એના દેહ પર થાકના ને લાંબી મુસાફરીની ધૂળના થર ચડેલા હતા. છતાં એના મુખ પર વિજયશ્રી દીપતી હતી. એની પાછળ હજારેક હયદળ પેદલ ફોજ ચાલતી હતી. અને એ ફોજની વચાળે સંખ્યાબંધ બીજાં શકટો હતાં જેમાં ચરુઓ ને દેગો, સોનારૂપાના લાટા અને જરજવાહિરોના દાબડા ખડક્યા હતા.

જે લોકો ઠઠ વળીને ધસી આવતા હતા તે આપોઆપ દૂર ખસી ગયા અને લાકડાના પાંજરાવાળા શકટે માનવમેદની વચ્ચેના સુવિશાળ ગોળાકાર પટમાં પ્રવેશ કર્યો.

આ આખા પ્રદર્શનનો કોઈ ફોડ પાડે તે પહેલાં તો દરવાજાની અંદરથી છડીદારનો અવાજ ઊઠ્યો કે 'રાણક વીરધવલનો જય!'

'ગુજરેશ્વરનો જય' એવો સામો અવાજ ભાગોળેથી ઊઠ્યો. એ સાદ અશ્વે ચડેલા સેનાપતિનો હતો. એ ઘોડેથી હેઠા ઊતર્યો.

રાજછત્ર દેખાયું. રાણા વીરધવલની સવારી આવી પહોંચી. અંબાડીવંતા હાથી પર રાણાની પાછળ બેઠેલો પુરુષ તેંતાલીસેક વર્ષનો હતો ને તેનો લેબાસ રાજવંશીનો નહીં પણ રાજપુરુષનો હતો. રાણાની પાછળ બીજી બાજુએ એક બીજા પણ તેવડી જ ઉંમરના પુરુષ બેઠા હતા. તેમના દેહ પર ખભાથી ઢળકતું ઉત્તરીય હતું. તેમના માથા પરથી મોટો ઘાટો ચોટલો ખુલ્લા ખભા પર ઢળકતો હતો ને જનોઈના ત્રાગ સાક્ષી પૂરતા હતા કે એ બ્રાહ્મણ છે.

રાણાની બેઉ બાજુએ બેઠેલા આ નરો તે મંત્રી વસ્તુપાલ અને રાજગુરુ સોમેશ્વરદેવ હતા. બેઉના ગોરા દેહની વચ્ચે શ્યામવરણ રાણા વધુ શોભતા હતા. એ બેઉની વચ્ચે એક પંદરેક વર્ષનો છોકરો બેઠો હતો.

રાજહસ્તી કાષ્ઠપિંજરવાળા શકટથી થોડે દૂર થંભ્યો અને પેલા ભાલો ગોદાવનારે ફરી વાર એ કેદીને ગોદાવ્યો. કેદીએ એક વાર ઊંચે નજર કરીને પાછું મોં બે પગનાં ટૂંટિયા વચ્ચે છુપાવી દીધું. ઘોડા પરથી ઊતરી ગયેલા સેનાપતિએ હાથીની નજીક જઈને રાણાને નમન કર્યું. રાણાએ તેને પોતાની નજીક બોલાવીને એના નમતા શિર પર હાથ લંબાવીને કહ્યું: “તેજલ ! અવધિ કરી !”

"દેવ કપર્દીની, ગુર્જરી મહૂલણદેવીની ને રાણાજીની કૃપાથી” એટલું જ એ પુરુષ બોલી શક્યો. એટલા શબ્દ પણ એ નર મહામહેનતે બોલી શક્યો. પ્રથમથી જ ઓછાબોલા અને વખત જતાં વધુ ને વધુ મૂંગા બનેલા એ ધોળકાના વણિક સેનાપતિ તેજપાલ હતા.

પંદરેક વર્ષની એક કન્યા આગળ આવી. એના હાથમાં કુંકુમથાળ હતો. એણે સેનાપતિ તેજપાલને કપાળે ચાંદલો કરી ચોખા ચોડ્યા ને ઓવારણાં લીધાં. એ રાજગુરુ સોમેશ્વરદેવની પુત્રી રેવતી હતી.

એ દેખાવને રાણા વીરધવલની પાછળ, અંબાડીમાં બેઠેલા એક પંદર વર્ષના કિશોરે મોઢું બગાડીને જોયો. આખી જનમેદનીના મોં પરના ભાવથી આ છોકરાના મોંની ચેષ્ટા છેક જુદી પડતી હતી. એના ચહેરા પર ઘૃણા અને કંટાળો હતાં. મંત્રી વસ્તુપાલ રથમાં બેઠાં બેઠાં ત્રાંસી નજરે એ છોકરાના મોંની વિચિત્ર રેખાઓ વાંચતા હતા. એ છોકરો રાણક વિરધવલનો પાટવી રાજપુત્ર વીરમદેવ હતો. આ ઉત્સવમાં વીરમદેવ એક બસુરો તાર હતો.

“જુઓ, કંઈક બોલાશે હમણાં. સાંભળો હવે.” એમ કહીને વસ્તુપાલે વીરમદેવને ધીરેથી ચમકાવ્યો. વીરમદેવે અનિચ્છાએ પણ 'હા જી' કહ્યું અને સન્મુખ નજર ચોંટાડી.

પેલા યોદ્ધાએ કાષ્ઠપિંજર પાસે જઈ, વિચિત્રવેશધારી કેદીને કહ્યું: “ગોધ્રકના ઘુઘૂલરાજ ! મહીના કોતરોના કેસરીસિંહ ! મુજરો કરો. જે સાડી ને કાજળ તમે અમારા રાણાને મોકલ્યાં હતાં તેના પ્રિય શણગારે હવે તમે જ ધોળકાના અંતઃપુરને શોભાવો.”

"મને ઠાર મારો." પિંજરવાસી બોલ્યો.

"હજુ શી ઉતાવળ છે? થોડો વધુ રાણીવાસ મહાલી લોને!”

પછી સેનાપતિએ રાણા પાસે જઈ કંઈક વાત કરી, ચારેય જણા વચ્ચે હળવી મંત્રણા થઈ.

“બહુ થશે!” રાણાના મોં પર અકળામણ હતી.

"બાકી શીદ રાખવું? કોણ ગુજરાતની દયા ખાવાનું હતું? ભલેને દુશમનો દાંત કરડે!” વસ્તુપાલે સ્મિત કરતે કરતે કહ્યું, “બોલો દેવ ! શાસ્ત્રો શું કહે છે?” એણે સોમેશ્વરને પૂછ્યું. શાસ્ત્રો જેને કંઠસ્થ હતાં એવા રાજગુરુએ શત્રુ સાથેના વર્તાવ વર્ણવતો એક શ્લોક બબડીને સંમતિ આપી.

તે પછી રીતસર રાજસવારીની રચના કરીને આખી મેદનીએ નગરમાં પ્રવેશ કર્યો. મોખરે કાષ્ઠપિંજરવાળું શકટ હંકારીને નગરના રાજમાર્ગ પર સવારી ગાજતેવાજતે ચાલી અને ચૌટે ચૌટે સવારીને ઊભી રાખી એ અફાટ લોકમેદનીને - રાજયોદ્ધો સંભળાવતો ગયોઃ

"ગુર્જરો! આ ગોધ્રકપુરના ઘુઘૂલરાજ છે. એક વાર એ ગુર્જરપતિના મંડળિક હતા. પોલું ભાળીને એ સ્વતંત્ર બન્યા. એની ક્ષાત્રવટ ગુજરાતને સુદ્રઢ બનાવવાને બદલે છિન્નભિન્ન કરવાને શત્રુઓના હાથમાં રમી ગઈ. એણે ક્ષત્રિય છતાં ડાકુના ધંધા આદર્યા. એણે દેશાવરથી આવતી વણજારોને મહીકાંઠે વિનાકારણે નાકાબંધી કરીને રોકી રાખી. અને એને મોટા રાણા લવણપ્રસાદે ઉપરાઉપરી કાકલૂદીઓ મોકલી કે રાજ, મોરલાની કળામાં પીછું બનીને જ આપણે શોભી શકીએ, ગુર્જરદેશના કલાપિંચ્છ બની રહો. એના જવાબમાં મોટા રાણાને આ ઘુઘૂલરાજે એક સાડીને એક કાજળની દાબડી મોકલીને કહેવરાવ્યું કે તમે પણ મારા અંતપુરમાં મેં બૈરીઓ બનાવીને બેસારેલા રાજવીઓનો સંગાથ કરવા આવો, મુજરો કરો ! યાદ છે, ગુર્જરો? વર્ષો પૂર્વેની આ વાત વીસરાય તેવી છે? આજે આપણા મોટા રાણાને એ શ્રમમાંથી ઉગારવા માટે ઘુઘૂલ પોતે જ પધારેલ છે. એ જ સાડી ને એ જ કાજળના શણગાર એમને પોતાને ધારણ કરવાં પડેલ છે."

એમ ચૌટે ચૌટે ફરતી રાજસવારી રાજગઢના ચોકમાં પહોંચી. ગોખે ને ઝરૂખે અંતઃપુરની સ્ત્રીઓની ભીડ જામી હતી. રાણકી જેતલદેની સાથે મંત્રી વસ્તુપાલની બેઉ સ્ત્રીઓ – લલિતાદેવી અને સોખુ – પણ હતી. નહોતાં ફક્ત એક તેજપાલપત્ની અનુપમાદેવી. સોખુનો ઉત્સાહ સૌથી અનેરો, એક કુતૂહલપ્રેમી બાળકના જેવો હતો. એ તો ઘડીક ઊભી થતી હતી ને ઘડીક બેસતી હતી. રાણી જેતલને પણ કોણી મારીને એ ગોખમાં આગળ ધસી ધસી, ડોક લંબાવી આ તમાશો જોવા અધીરાઈ દાખવતી હતી.

“અનુપમા કેમ ન આવ્યાં?” જેતલદેએ પૂછ્યું.

“એ તો દેરે ગયાં છે."

"બે ઘડી મોડાં ન જવાત?”

“ના રે, બા!” લલિતાએ કહ્યું. “સૂર્ય મોડોવહેલો ભલે ઊગે, પણ એની દેવપૂજા મોડી ન પડે.”

"પણ આ તો એના વરનું જ પરાક્રમ છે.”

"પણ અક્કલ તો મારા વરની ને !" સોખુ લહેકો કરતી બોલી ઊઠી.

"હા રે હા, મોટી વરવાળી !” જેતલદેવી હસ્યાં અને લલિતા લજવાઈ નીચે જોઈ ગઈ.

“સોખુ ! ગાંડી!” લલિતાએ સમય પારખીને કહ્યું, “નથી તારા દેરનું પરાક્રમ કે નથી કોઈની અક્કલ કામ લાગી. એ તો મોટા રાણાજીના આશીર્વાદ અને નાના રાણાજીનાં ઊજળાં પુણ્યને પ્રતાપે દેરજી ફાવ્યા."

ત્યાં તો રણભેરી અને નિશાનનો બુબારવ થયો. રાજગઢની સામેના ચોકમાંથી છડીદારનો અવાજ ઊઠ્યો: "ગુર્જરીઓ ! આ ગોધ્રકપુરના ઘુઘૂલરાજ ધોળકે મુજરો કરવા આવ્યા છે."

સ્ત્રીઓએ નીચે નજર નાખી. કાષ્ઠપિંજરના કેદીએ એક વાર ઊંચે જોયું. પછી એણે મોં છુપાવી દીધું.

ચોપદારે ફરી વાર માનવમેદનીને કહ્યું: “બરાબર નિહાળી લેજો, ગુર્જરીઓ! આ ઘુઘૂલના નામથી દેશ થરથર ધ્રૂજતો, છોકરાં છાનાં રહેતાં, ગર્ભિણીઓના ગર્ભ પડી જતા, દૂરથી એ દાનવરૂપ લાગતો. એના નામ સાથે અલૌકિક અલગારી કથાઓ રચાણી હતી." “પણ જોઈ લો, છે એનામાં કશી અસામાન્યતા છે એને ચાર હાથ? છે એનાં નાક, કાન કે મોં તમારા કોઈથી જુદાં? એ પણ લોહી ને માંસનું માળખું જ છેને? કેવા નાદાન હતા આપણે, કે એને અવિજેય અને અપરાજિત માની લઈ કલ્પનાને ભયે જ કંપતા હતા! ન ડરો ગુર્જરો ! આઘે આઘેથી સંભળાતી પરાક્રમકથાઓના આડમ્બરે ન અંજાઓ, ન ત્રાસો, ન દબાઓ ! આ તો ડાકુઓ છે – દૂરથી ડર પમાડતા; નજીકથી નિહાળો તો એ પણ ચીંથરાના જ છે."

“આ ઘુઘૂલરાજ જો કેવળ શત્રુ જ હોત, તો તેનું આવું અપમાનકારી પશુપ્રદર્શન આપણા રાણાએ અને સેનાપતિએ કદાપિ ન કર્યું હોત. શત્રુ વીર હોય તો એના પરાજય પછી પણ વીરતાને શોભતો વર્તાવ કરવો એ તો ગુર્જરપતિઓનો ગુણ છે. પણ આ તો નરાધમ છે. ચોરડાકુનાં દળો બાંધીને બેઠેલો ક્ષાત્રધર્મનો દ્રોહી છે. રાજમાતા અને રાજનારીઓ ! એની કોઈ દયા ન ખાજો ને એનો આ મુજરો સ્વીકારજો."

“રાણીવાસનો મુજરો કરો, ઘુઘૂલરાજા” એમ કહેતાં એ સૈનિકે ફરી એક વાર પિંજરમાં ગોટો વળીને બેઠેલા કેદીને ગોદાવ્યો. પણ કેદીએ મોં ઊંચક્યું નહીં. એને વધુ ગોદાવતાં એનું શરીર નીચે પડી ગયું અને એનું મોં નજરે જોનાર સૌની ચીસ ઊઠી: “અરરર!”

એ મોં પર મોતની ભયાનકતા ફરી વળી હતી. એની જીભ અર્ધ કરડાયેલી સ્થિતિમાં બહાર નીકળી પડી હતી. એણે શરમથી જીભ કરડીને આત્મઘાત કર્યો હતો.

“ગુર્જરીના શત્રુના હાલ જુઓ !” એટલું બોલીને મંત્રી વસ્તુપાલે આખી જનમેદની પર દૃષ્ટિ ફેરવી અને પછી સવારી વીખરાઈ ગઈ.

ઘુઘૂલ જેવો ભયાનક શત્રુ આટલી સહેલાઈથી સેનાપતિ તેજપાલને હાથે શી રીતે માત થયો તેનું આશ્ચર્ય શહેરમાં પ્રસરી ગયું હતું. એ આશ્ચર્યને શમાવતા સમાચાર સૈનિકો તરફથી મળવા લાગ્યા. વાત આમ સાવ સાદી દેખાતી પણ વિકટ હતી. વિરાટ યંત્રકામની ચાવી જેમ નાનકડી હોય છે તેમ ગોધ્રકપુરના પરાજય સંબંધ પણ બન્યું હતું. તે દિવસ પોતાના ઉપર આવેલ સાડી અને આંજણની ડબી રાજસભામાં સૌને દેખાડી રાણા લવણપ્રસાદે ઘુઘૂલને પાડવા માટે ફેકેલું બીડું યુવાન તેજપાલે ખાધું હતું તે વખતે ભલભલા ભડવીરોને પણ શરીરે પરસેવો વળી ગયો હતો. તેજપાલ તો તા'માં ને તા'માં ગોધકપુર પર ત્રાટકીને આ પાર ને પેલે પાર કરી નાખવા બેઠો હતો. પણ મોટાભાઈ વસ્તુપાલે જ એને વારી રાખીને વર્ષો સુધી ગોધ્રકના ઘુઘૂલરાજના નાશનું રહસ્ય વિચારી જોયું હતું. તેજપાલને પલે પલે કીડીઓ ચટકા ભરી રહી હતી, એને શરમ લાગતી હતી કે મારું પણ લેવાઈ રહ્યું છે. એની પ્રતિજ્ઞાને ડંફાસ કહી હસનારા ક્ષત્રિયોનો ને નાગરોનો તોટો નહોતો. વસ્તુપાલના કાન પર આ મશ્કરીના પડઘા પડતા હતા. છતાં તેણે તેજપાલને લાંબો સમય સુધી વારી રાખીને બે બાબતો કરી હતીઃ

એક તો તેની ગુપ્તચર-વિદ્યા કામે લાગી હતી. ગોધ્રકપુરમાં પેસીને એના રાજદૂતો છૂપે વેશે ધોળકાની ને પાટણની હાંસી હાંકવા લાગ્યા હતા. પાટણ અને ધોળકામાં સૈન્યના સાંસા છે; સોરઠ તો બોડી બામણીનું ખેતર એટલે સીધું પાર ઊતરી ગયું, પણ મહીકાંઠો તો ફણીધરની ફેણ પરના મણિ જેવો છે; તેજપાલે પણ લીધું તે જ દિવસથી ધોળકાની સેનામાંથી યોદ્ધાઓ ખડવા લાગ્યા છે, વગેરે વગેરે.

બીજી તરફથી મંત્રીએ ખબર કઢાવીને ઘુઘૂલનો સર્વોત્કૃષ્ટ સદ્ગુણ કયો છે તેની ચોકસી કરી લીધી. મંત્રીને ઇતિહાસનું જ્ઞાન હતું. ક્ષત્રિય રાજાઓમાંના ઘણાખરાનો વિનાશ એમના અવગુણોને નહીં પણ સદ્‌ગુણોને આભારી હતી તેવી એની ઐતિહાસિક ઉકલત હતી. ઘુઘૂલનો સદ્ગુણ એને હાથ લાગ્યો. એ સદ્ગણને વસ્તુપાલે ઘુઘૂલની અભેદ્ય અપરાજેય શક્તિમાં બાકોરા સમો સમજી લીધો.

ઘુઘૂલ અનન્ય ગૌપ્રેમી હતો. ગાયો પ્રત્યેની એની ભક્તિ આંધળીભીંત હતી. પોતાને ગૌપ્રતિપાળ કહેવરાવવામાં એનો પરમ ગર્વ હતો. ગાયો પર હાથ પડે તે ઘડીએ એ ગાંડોતૂર બનીને બચાવવા ધાતો. એ વખતે પોતે ન જોતો શુકન, ન વિચારતો ત્રેવડ ન થોભતો કોઈની વાટ જોઈને.

મંત્રીની સલાહ મેળવીને તેજપાલે એક ઠીક ઠીક દળકટક સાથે છૂપું પ્રયાણ કર્યું, ગોધ્રકપુરના સીમાડાથી ઠીક ઠીક બહાર દૂર એણે સૈન્યને છૂટક છૂટક ઝૂમખાં પાડીને વહેંચી નાખ્યું અને પોતે ફક્ત દસવીસ માણસોને લઈ, ગાયોના ચોરોને વેશે ગોધ્રકપુરના સીમાડા પર ગયો. મહીકાંઠે ગૌધણ ચરતું હતું, ને પાંચેક ગોવાળિયા ચલમો પીતા હતા. તેજપાલે પાંચમાંથી એકને નાસવા દઈને ચારને જખમી કર્યા. ધણ વાળીને દસે માણસે તેજપાલ પાછો વળ્યો. પણ એને ઉતાવળ નહોતી. એ પાછળ જોતો જતો હતો કે છૂટો મૂકેલો ગોવાળ દોટાદોટ નગર તરફ વેગ કરી રહેલ છે.

અરધીક ઘટિકામાં તો એણે પોતાની યુક્તિ પાર પડી જાણી. એક આદમી ગોધ્રકપુર તરફથી ઘોડો દોટાવતો ચાલ્યો આવે છે. એના ઘોડા પર પલાણ પણ નથી. એણે પોતેય પૂરાં લૂગડાં પહેર્યા નથી. એના હાથમાં એકલું ફક્ત ખડગ ખેંચાયેલું છે. એકલા ચડવાની એની હિંમત અસ્થાને નહોતી. એનો કદાવર દેહ, એની કરડાઈ, એનો મરોડ, ને એનો કસાયેલો હાથ જ કહી દેતો હતો કે ગેડી જેમ દડાને ઉપાડી લે તેમ એ દસ જણાને તો કાપી નાખે તેવો મહાકાય હતો.

તેજપાલે વેગ વધાર્યો. ગાયો ઉપર ડંડાની પ્રાછટ બોલાવીને ધણને હાંક્યે રાખ્યું. ગાયો ભાંભરતી હતી ને પરોણાની પ્રાછટ દૂર સુધી સંભળાય તેવી હતી. એકાકી ઘુઘૂલની ગૌપાલકતાને પાનો ચડાવે તેવી એ યુક્તિ ફળતી હતી. ઘુઘૂલ ગગનમાંથી ખરતા તારાની જેમ આવતો હતો.

ઘુઘૂલ લગોલગ આવી લાગ્યો તે વખતે તો તેજપાલે ગોધણને પોતાની છુપાયેલી સેનાના ચકરાવામાં દાખલ કરી દીધું હતું. એને નજીક આવવા દઈને પછી જ સેના અને ભરડો લઈ વળી. એકલ યોદ્ધો ઘુઘેલ અમાપ બળજોર દાખવીને આટક્યો. પણ આખરે એને પછાડી, મારી લોથ કરી, પાંચવડીએ બાંધી, ઘોડે નાખી થોડાક માણસો સાથે રવાના કરીને તેજપાલે ગૌધનને પાછું ગોધરા તરફ તગડ્યું.

ગૌધનને ગામ તરફ આવતું દેખીને ગોધ્રકનાં સૈન્ય ભુલાવામાં પડ્યાં. ઘુઘૂલ પર વિપદ પડી માની મોટી સેના એની શોધમાં રવાના થઈ ગઈ. એમ કરતાં રાત પડી. એટલે તેજપાલ ગુર્જર ફોજ લઈને ગોધરા ઉપર તૂટી પડ્યો. હજુ દ્વાર દેવાયાં નહોતાં એટલે ગુર્જર કટક અણસજ્જ ગોધ્રકસૈન્ય પર ફાવી ગયું. મહીકાંઠો ધોળકાના કબજામાં આવ્યો, ને ઘુઘૂલે કેદ રાખેલા અન્ય મંડલેશ્વરોને મુક્ત કરીને તેજપાલે પોતાનો પક્ષ મજબૂત બનાવી લીધો. ઘુઘૂલને પકડી, વંઠકોએ રસ્તામાં એને એની પોતાની જ મોકલેલી સાડી તેમ જ કાજળ-ડબીના સાજ કરાવી કાષ્ઠપિંજરમાં પૂર્યો અને છૂપો છૂપો ધોળકામાં આણ્યો.