ગુજરાતનો જય/ચાલો માનવીઓ
← પૌરુષની સમસ્યા | ગુજરાતનો જય ચાલો માનવીઓ ઝવેરચંદ મેઘાણી ૧૯૩૯ |
સાચક ભટરાજ → |
માઘ મહિનો બેઠો અને વસંતના ધીરા વાયરા વૃક્ષવૃક્ષને નવી ચમક આપવા મંડ્યા. એવો જ એક નવજીવનનો વાયુ ગુર્જર દેશ અને તેના પાડોશી પ્રદેશોની પ્રજાને પણ મૂર્ચ્છામાંથી ઢંઢોળી નવપલ્લવિત કરવા લાગ્યો.
ગામડે-ગામડેથી શકટો ને સુખપાલો, ઘોડાંને સાંઢ્યો, તરેહ-તરેહનાં વાહનો ને વાહિનીઓ વહેતાં થયાં. પશુઓની ડોકે ઘૂઘરમાળ ગુંજી, ગાડાંનાં પૈડાંમાં પાંદડીઓ રણઝણી. શ્રીમંતોનાં વાહનો કિનખાબની ઝૂલે સજ્જ થતાં હતાં અને નિર્ધનો પણ ખૂટતા બળદોની જોડ વસાવવા સીમાડે ખેતરે ઘૂમતા ખોળતા, પાડોશીઓ પાસે ઉછીનાં પશુઓ લેતાં હતાં. ધનિકોની ત્રિયાઓ હીરચીરના દાબડા ભરવા લાગી ને ગરીબોની બૈરીઓએ ગાભાનાં બચકાં બાંધ્યાં. પાટણથી લઈ નડૂલ પર્યત અને ધોળકાથી માંડી લાટદેશ સુધીનો આ સળવળાટ અપૂર્વ હતો. લોકપ્રાણ થીજેલાં પાણીની દશામાંથી મોકળો બનીને નવા સૂર્ય-સ્પર્શે, વર્ષો પછી, અરે પેઢીઓ વીત્યે, ફરી એકવાર પ્રવાહિત બન્યો હતો.
શું હતું?
એ હતું એક અણધાર્યું, અણકહ્યું અને અતિ આકર્ષક યાત્રાતેડું. નગરે અને ગામડે ધોળકાના મંત્રીશ્વર વસ્તુપાલ ઠક્કુરની કંકોતરી ફરી વળી હતી. ખેપિયાઓએ એક નાનકડા નેસડાને પણ બાકી ન રાખ્યું. ચાલો, ચાલો, ઓ માનવીઓ સૌરાષ્ટ્રનાં તીર્થસ્થાનોની યાત્રાએ ચાલો. નિર્ધનો ને ધનિકો, શ્રાવકો ને અશ્રાવકો, જેને જોડાવું હોય તે જોડાવ; આંધળાં ને અપંગો, તમે પણ ચાલો. બુઢ્ઢાં ને બાળકો, તમને પણ નિમંત્રણ છે. સંસારભારે ભાંગેલાં હોય તેઓને સંઘમાં શામિલ થવાને વધુ હક છે. પ્રવાસો અને પર્યટનો જેના પ્રારબ્ધમાં કદી સાંપડ્યાં નથી તેને તો પહેલું તેડું છે.
વાહનવિહોણાંને વાહન પૂરાં પાડશું, ઓઢણ-પાગરણનો અભાવ હશે તેને ધડકલી ઢાંકશું. પ્રભુના પૂજન અર્ચનાદિકની ત્રેવડ વગરનાંને તે પણ મફત મળશે. આજાર પડશો તો ઔષધિઓ આપીશું, ભોજનપાણી માટે સૌને પેટ ભરીને પીરસશું. ઘરાણાં ને દાગીના કોઈને ઘરમાં સંતાડવાની જરૂર નથી; યાત્રિકોની રક્ષા રાણા વીરધવલનાં સાથે ચાલનારાં અજિત સૈન્યો કરશે. ગુલતાનપ્રેમી જીવડાઓ ! ગભરાશો નહીં, સંઘની સાથે ભોજકો ને ગાયકો, નાટ્યવિશારદો ને વિદૂષકોની પણ જોગવાઈ કરી છે. પડાવે પડાવે રંગભૂમિઓ ખડી કરશું, રાસો ને વાર્તાઓ મંડાવશું, ગાન તાન ને ગુલતાન કરશું. માટે આવો ! આવો ! દળબળ બાંધીને, વૃંદે મળીને, વસ્ત્રાભૂષણે ભાંગી પડતા પધારો.
ફક્ત શ્રાવકો જ શા માટે, શ્રાવકેતરો પણ પધારો ! કેમ કે એકલાં જૈનધામો જ નહીં, પણ રેવતગિરિ ગિરનાર અને ચંદ્રમૌલિ પ્રભુ મહાદેવનાં સંતાપહર શીળા પ્રભાસ સુધીનું આ તો 'મહાપર્યટન' છે.
દેશદેશાન્તરોમાં ખાસ દોડાવેલા સેંકડો સંદેશવાહકોએ આવા એક મહાન સંકલ્પની સૌને જાણ કરી, અને અઠ્ઠાવીશ વર્ષોથી અણખેડ્યા પડેલા સૌરાષ્ટ્રી દેવતીર્થોના કેડા પાછા ઊઘડતા જાણીને જનસમાજ ઉલ્લાસમાં આવી ગયો. આખા ભારતવર્ષનો પુનિત યાત્રાપ્રદેશ આ સુરાષ્ટ્ર દ્વીપકલ્પ મહારાજ ભીમદેવના ગાદીએ બેસવા પછી રફતે રફતે તસ્કરો ધાડપાડુઓને જ સોંપાઈ ગયો હતો. એકલપંથીયાત્રા તો અશક્ય બની હતી, પણ સંઘોનાં સ્વપ્નાં જ બની ગયાં હતાં, મંદિરોની ઇમારતોમાં બાકોરાં પાડીને ઘુવડો બેઠાં બેઠાં ધૂકતાં હતાં, ને પુનિત ડુંગરાઓની તળેટીઓ વરુઓએ ને વાઘોએ ચાટીને ત્યજેલાં ગાય-ભેંસોનાં કરકાં (હાડપિંજરો)થી ઢંકાયેલી હતી. ગાન ત્યાં કેવળ હોલાં ને ચીબરીઓનું રહ્યું હતું; મર્દન ને અર્ચન તો કેવળ હિંસક પશુઓનાં મોં ઉપર રુધિરનું જ રહ્યું હતું. નાચ તો દેવોની નજીક કેવળ શિયાળોના જ થતા હતા, અને ઝંકાર તો કેવળ લૂંટણહાર ઠાકરોએ કેદ કરેલા બંદીવાનોની બેડીઓના જ બજતા હતા.
સોરઠના સીમાડાના નામ માત્રથી દૂર દૂરના પ્રભુપ્રેમી પ્રજાજનો થરથરી ઊઠતા હતા. તેમને કાને થોડાંક વર્ષોથી સમાચાર તો પહોંચ્યા હતા કે ઉદ્ધારકો જાગી ઊઠ્યા છે. વામનસ્થલીના ડાકુ રાજપિયરને પોતે જ આગળ ચાલીને શિક્ષા કરાવનાર રાણકી જેતલદેવીનું અને એના સ્વામી વીરધવલનું નામ મેવાડ ને દક્ષિણાપથ પર્વતનાં માનવીઓની જીભે રમતાં થયાં હતાં. વાઘદીપડાથીયે વધુ વિકરાળ એવા સૌરાષ્ટ્રના પ્રદેશ પ્રદેશના ઠાકોરોને ઠાર મારનાર અથવા કબજે કરનારા બે વણિક ભાઈઓએ દૂર અને નજીક સર્વત્ર વિસ્મયભર્યો આનંદ પ્રસરાવ્યો હતો. અને જેના નામમાત્રથી ગર્ભિણીના ગર્ભ પડી જતા તેવા ગોધ્રકપતિ ઘુઘૂલને મળેલી જીભ કરડીને મરવાની ગતિને માટે તો ધોળકા અજબ આશ્ચર્યકર ગણાયું હતું. સ્તંભતીર્થના સદીકની પ્રાણહારક ચંપી કરનાર અને ભૃગુકચ્છના માનવદૈત્ય શંખની આબરૂને સાગરતીરની રેતમાં રોળનાર મંત્રી વસ્તુપાલે જ આ નોતરાં કાઢ્યાં છે તેથી પ્રજાને વિશ્વાસ બેઠો, તીર્થોની વંદના સાથે વીરોના દર્શનનું પણ આકર્ષણ વધ્યું, જેતલ અને અનુપમા જેવી જોગમાયાઓને મળવાનું પણ કૌતુક જાગ્યું.
ચાતુર્માસના સ્થિરનિવાસથી મોકળા થયેલા જૈન સૂરિઓ પોતપોતાનાં શિષ્યમંડળો સાથે ઠેર ઠેરથી ધોળકા તરફ પગપાળા વિહાર કરી રહ્યા હતા. એમની સંખ્યા બે હજાર ને સાતસોની હતી. તાજા લોચે કરીને તેજસ્વી બનેલાં તેમનાં મુંડિત મસ્તકો અને તેમનાં શ્વેત પીળાં પરિધાનો, રજોહરણો, તેમ જ લાલ લાલ પાતરાં માર્ગે માર્ગે ભાત પાડતાં આવે છે. પરંતુ રખે તેમને એવો ગર્વ ઊપજે કે આ સંઘ તો તેમનો એકલાનો જ ઇજારે રાખેલ હતો ! વસ્તીથી વેગળા જઈ નગ્નદેહે વસતા ક્ષપણકો (દિગમ્બર સાધુઓ) પણ એક હજાર ને એકની સંખ્યામાં પોતાના દેહને માત્ર એબ પૂરતાં ઢાંકી દઈ બાકીનાં ખુલ્લાં શરીરે ધોળકાના કેડાને અવધૂતોની ખુમારી આરોપતા આવી રહ્યા હતા. એકસો નગરોના સંઘોએ તો પોતપોતાનાં દેવાલયો પણ સાથે લીધાં હતાં. તેમની પ્રત્યેકની સાથે ગાતા, બજાવતા ને નૃત્ય રમતા આવનારાઓમાં ત્રણ હજાર તો ગાયકો હતા, અઢારસો વાજિંત્રો હતાં, તેત્રીસસો ભાટ અને એક હજાર ચારણો હતા.
હાતીદાંતના રથોમાં બેસીને સવા બે હજાર કોટ્યાધિપતિઓ નીકળ્યા. પાંચસો પાલખી ઉપાડીને આવતા ભાઈઓના તાલબંધ શબ્દોએ સૌરાષ્ટ્રના કેડા ગજાવ્યા. બે હજાર પોઠિયા પર અન્નની પોઠો લાદીને માળવા તરફથી વણજારા ઊતર્યા. તેમના મારગ રૂંધનાર મહીકાંઠાનો લૂંટારો ઘુઘૂલ હવે જીવતો નહોતો. ગોધ્રકપુરની ડાકુટોળી વેરવિખેર થઈ ગઈ હતી.
ધોળકાની ધર્મશાળાઓ અને સર્વ દેવમંદિરો યાત્રાળુઓથી ઊભરાઈ ગયાં હતાં. દસે દરવાજાની ભાગોળે વિસ્તીર્ણ ભૂમિ પર નવાં જાણે કે ચાર નગરો થોડા દિવસોની અંદર ખડાં થયાં હતાં. રાજદુર્ગની અટારીએ ચડીને રાણો વીરધવલ અને રાણી જેતલદે આ જીવતા સિંધુનું મંદ મંદ ગર્જન સાંભળતાં અને માનવતરંગો નીરખતાં થંભી રહ્યાં હતાં. માઘની પૂનેમ હતી. ખેડુરાજાએ સ્વપ્ને પણ ન સેવેલ એવું એક સાર્વભૌમત્વ અનુભવ્યું.