ગુજરાતનો જય/વિધવા રત્નકુક્ષી

← મા ને પરિવાર ગુજરાતનો જય
વિધવા રત્નકુક્ષી
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૯
કલંક ને ગૌરવ →


3
વિધવા રત્નકુક્ષી

આગળ દોડ્યે જતી સાંઢણી ઉપર લવણપ્રસાદ પોતાના સાથીને પૂછતો હતો: “આ છોકરાને ઓળખ્યા, જેહુલ? મંડલિકપુરને પાદર એની મા ઊભાં'તાં, તેને જોયાં ને?”

“હા, બાપુ.” પિસ્તાળીસેક વર્ષના જેહુલે કહ્યું.

“ઓળખ્યાં ને? આસરાજ મંત્રીનાં એ વિધવા.”

“હું તો ઓળખું જ ને, બાપુ ! તે સમે હું માલાસણમાં એ બાઈના બાપુને ઘેર સાંઢ્ય હાંકતો, આભૂશેઠને ઘેર. આ બાઈનાં મા લાછલબાઈ બહુ ડાહ્યું માણસ હતાં, બાપુ ! દીકરીનું દુઃખ વરતવું દોહ્યલું છે, અને તેમાંય આ દીકરી કુંઅરબાઈની તો વાત જ ન્યારી હતી, બાપુ!”

"ત્યારે તો તું બધું જ જાણતો લાગે છે?”

"જાણું છું એમ નહીં, બાપુ ! નજરોનજરનો સાક્ષી છું. મેં મારાથી બનતી મદદ કરી હતી.”

"કોને? શેની મદદ?”

"નાસી જવાની મદદ, બાપુ ! આસરાજ મંત્રીને અને આ કુંઅરબાઈને હું લઈ ગયેલો."

"તે શું આસરાજ મંત્રીએ કુંઅરબાઈને તારી જ સાંઢ્ય માથે નસાડેલી?”

"હા જી, ઊંઘતીને સાંઢ્ય માથે લઈ સુવાડેલી." આધેડ જેહુલ જ વાત કહેતો કહેતો યુવાનીનો રોમાંચ અનુભવી રહ્યો.

"પૂરી વાત તો કહે, જેહુલ, શું બન્યું તું?”

"બનેલું એમ કે પાટણમાંથી કરોડું કમાઈને પછી કુંઅરબાઈના બાપુ આભૂશેઠ માલાસણમાં જ રહેતા હતા. એવડી મોટી હવેલી, દોમદોમ સાયબી, પણ છોરુમાં એકની એક આ દીકરી. એકની એક પણ મારે વા'લેજીએ નવરો હશે તે દા'ડે સમે હાથે ઘડીને દીધેલી: એવી ગોરી, એવી નમણી, અને એવી ગરવી ! એકે હજારાં. હવેલી તો એ એકે જ અભરે ભરી લાગે. માવતરે પણ હીરામોતીએ મઢી'તી. પણ હીરામોતી એને શું શોભાવશે? એ જ હીરામોતીને શોભાવતી'તી. એમાં કુંઅરબાઈને બારમું વરસ બેઠું ને એને પરણાવી. પરણ્યે બે જ મહિના થયા ત્યાં એ રાંડી. રાંડીને પાછી આવી, પણ સંસાર જાણે એને અડ્યો જ નહોતો ! કાંડે કંકણ નહીં ને કપાળે ચાંદલો નહીં. બાકી તો એ ની એ જ; આનંદનો અવતાર ને રૂપનો ભંડાર. હવેલીના ખંડેખંડની ચાવીઓ માએ દીકરીને સોંપી. માવતર પાણીય દીકરીને પૂછીને પીએ. દીકરીને ધરમના ભણતરમાં ચડાવી દીધી. દેરે જવું, અપાસરે જવું, ધરમધ્યાન કરવાં - અને શું એ બાઈ ધરમની સજ્જાયું ગાતી ! અરે બાપુ, હવેલી હોંકારા દેતી. આવો તો કંઠ મેં કોઈનો જાણ્યો નથી.”

"હં–હં.” લવણપ્રસાદને મદન સાંભરતી હતી..

"જેમ જેમ ધરમમાં ઊંડી ઊતરતી ગઈ તેમ તેમ રૂપ તો નીકળતું જ ગયું, બાપુ. સાધુ-સાધ્વીઓ પણ પાટણમાં ન આવે એટલાં માલાસણ આવે, કાં'કે કુંઅરબાઈની ખ્યાતિ સાંભળીને ખેંચાય. તેર-ચૌદ વરસની દીકરી, પણ ભલભલા સૂરિઓનેય ભૂ પાઈ દે તેવી ચર્ચા કરે. શાસ્ત્રો તો કડકડાટ મોઢે ચડી ગયાં. ન કોઈ દા'ડો આંબેલ-ઉપવાસ ચૂકે, ન કોઈ, દા'ડો પૂજા પડવા દ્યે, ન કોઈ દન પડકમણામાં ગેરહાજર. ધરમગુરુઓ તો કાંડાં કરડે કે, કે'દી આ કુંઅરબાઈ દીક્ષા લ્યે ! પણ દૈવે તો કાંઈક નોખું જ નિરમ્યું તું ખરુંને, બાપુ, તે આસરાજ માલાસણમાં આવી ચડ્યા !"

“આસરાજ તો સોમમંત્રીનો દીકરોને ?”

“હા, સોમમંત્રી મહારાજ સિદ્ધરાજના કારભારી હતા. તેના બાપ ચંડપ્રસાદ ને તેના બાપ ચંડ – એ બધા જ સોલંકીઓના પાટણના કારભારીઓ. પણ વેળા વેળાની છાંયડી છેના, બાપુ ! પાંચ પેઢીની લક્ષ્મી પગ કરીને કોણ જાણે ક્યાં ચાલી ગઈ, આસરાજને પાટણમાં હાલવાચાલવા જેટલીયે સત્તા ન રહી ત્યારે જ માલાસણ આવીને રહ્યા.”

“એનીયે જુવાની હશે તે દન”

"ફાટફાટ જુવાની, પણ ચીંથરેહાલ. ચીંથરાંમાંથી પણ તાલકું તેજ કરે. આવીને આભૂશેઠને જ ઘેર લેખક (વાણોતર) રહ્યા. બે-ત્રણ વરસ રહ્યા, પણ એની નજર તો ધરતીને જ જડેલી, હો બાપુ ! એણે કોઈ દા'ડો ઊંચું જોયું નથી. મારે એની જોડે સારી પેઠે ઊઠબેઠ. પેઢીમાં બેઠાં હોય ત્યારે હુંય જઈને બેસું, પણ નથી કોઈ દન એણે મને શેઠ-શેઠાણીની વાત પૂછી, નથી એણે કુંઅરબાઈનું કાંઈ પૂછ્યું, નથી એણે પોતાનાં રોદણાં રોયાં. આભૂશેઠ કોઈ વાર ખિજાઈને બે અવળા બોલ કહે, અને મને દયા આવી જાય કે અરર ! આ પાંચ પેઢીના કારભારીઓનું બચ્ચું આજ કેવાં વેણ વેઠે છે ! તોય આસરાજ તો એવો ને એવો ગરવો. હું ખોટું નહીં કહું, બાપુ! મારા પેટમાં કો'ક કો'ક વાર થતું, કે આભૂશેઠને આ જમાઈ જડ્યો હોત ! આ જોડ્ય કેવી મળી જાય છે ! આ બાઈનાં તે શાં પાપ કે જનમભરનો રંડાપો વેઠશે? એવું એવું મને વધુ તો એમ લાગવા માંડ્યું કે જેમ જેમ આ બાઈ ધરમમાં ઢળતી જાય છે ને વ્રત-ઉપવાસો કરે છે, તેમ તેમ એની તો જુવાની વધુ ખીલતી જાય છે. આટલા બધા તાપની એક દાઝ પણ એના મોં ઉપર પડતી નથી !”

“પણ આસરાજ ઉપર કુંઅરબાઈને કાંઈ મોહ ખરો કે, જેહુલ?”

"મોહ તો ખરો જ, બાપુ ! નહોતાં કદી એકબીજાં ઊંચે સાદે બોલ્યાં, નહોતાં કદી એકાંતે ઊભેલાં, નહોતી કોઈ દન એકબીજાં સામે આંખો ફાટી રહેલી, તોપણ ગુપતગંગા બેય વચ્ચે વહેતી'તી એની ના નહીં પડાય, બાપુ!”

રાણા લવણપ્રસાદને હૈયે છૂપો નિઃશ્વાસ પડતો હતો. પોતાનું પ્રેમજગત સળગેલું હતું. સો સો સુંદરીઓ એના સ્નેહને આકર્ષવા ઉત્સુક હતી, પણ એ તપસ્વીએ ગુજરાતના પુનરુદ્ધાર ખાતર પ્રેમ-જીવનની વાટ બંધ કરી દીધી હતી.

જેહુલે વાત આગળ ચલાવી: “પછી બાપુ, એક દા'ડો માલાસણમાં શ્રાવકોના મોટા મહારાજ હરિભદરસૂરિનો પડાવ પડ્યો. બહુ પ્રતાપી પુરુષ. પે'લી જ વાર માલાસણ પધાર્યા. પહેલા જ દિવસનું વખાણ (વ્યાખ્યાન) બેઠું. આ એ વખાણમાંથી આસરાજ બહાર આવ્યા, તે જુઓ તો આગળનો આસરાજ જ નહીં ! એની આંખોનો રંગ જ બદલી ગયો મેં દીઠો. એ શાંતિવાળો છાંટો જ ન મળે. આંખોમાં કાંઈક જાણે ઘૂંટાતું હતું, મોં પણ આકુળવ્યાકુળ થઈ ગયું. કુંઅરબાઈની સામે જોતાં પણ, અચકાતો હતો એ જુવાન ટાંપી રહેવા લાગ્યો. ફરી ફરી મહારાજ હરિભદરસૂરિ પાસે જવા લાગ્યો. કોઈ ન હોય ત્યારે જઈ આવે, અને પછી ચકળવકળ નજરે જોતો. કોઈ કામમાં પણ જીવ ન પરોવી શકે. મને પણ 'જેહુલભાઈ! જેહુલભાઈ!' એમ કહીને બોલાવે, પણ “શું છે ભાઈ?” એમ પૂછું તો કહે કે 'કાંઈ નથી'.

“ત્રીજે દહાડે મને કુંઅરબાઈએ હું સાંઢ્ય પાસે વાડામાં હતો ત્યાં આવીને પૂછયું, 'હેં જેહુલ! આસરાજ કેમ આમ કરે છે? કેમ ખાતા નથી? પૂછીએ તેનો જવાબ સીધો કેમ દેતા નથી? એને કાંઈ થયું છે? જેહુલ, એને તું કોઈ વાતે દુઃખી ન થવા દેતો.”

મને બાઈના આ બોલથી હિંમત આવી, મેં આસરાજને હાથ પકડી પૂછ્યું, “શું છે?"

“એણે મને આંખો ઘુમાવીને પૂછ્યું, જેહુલભાઈ, હિંમત છે?' પૂછ્યું, 'શાની હિંમત?' એ કહે કે કુંઅરબાઈનાં હેરણાં હેરવાની. હું તો આભો જ બની ગયો. એણે કહ્યું કે બોલો જેહુલ, મારે એને લઈ જવી એમાં મીનમેખ થાય તેમ નથી. "હું એનો મનસૂબો દેખીને મનમાં રાજી થયો. કુંઅરબાઈના જેવું જોબન રંડાપો વેઠતું હતું એ દેખી મારું દિલ કપાતું હતું. એને કોઈક દીક્ષા દેશે તેની મને બીક હતી. મને તો બાપુ, એમ જ થાતું કે આવી રૂપાળી ને ગુણવાળીને પેટ કેવા પાકે? જાતા આભને ટેકા દે એવા! એને ઉપાડવાનું બોલનારો મને વીર લાગ્યો. એમાંય આ તો ગરીબ વાણિયો વીર ! મેં પણ હા પાડી. મારું ભલે ગમે તે થાઓ."

"પણ કુંઅરની ઈચ્છા હતી?”

"એ જ મેં કહ્યું, કે જોજે હો આસરાજ, જો બાઈનું દિલ નહીં હોયને, તો હું તને વગડામાં ઠાર મારીને પાછો લઈ આવીશ. આસરાજ કહે કે તું શું ઠાર મારતો'તો ! હું જ જીભ કરડીને નહીં મરી જાઉં બાઈના ખોળામાં જ ! પણ જેહુલ, બાઈ પાછી ફરે નહીં. મહારાજ હરિભદરસૂરિનો બોલ છે. એ તો વિધાતાનો બોલ ! એણે બોલ ન કાઢ્યો હોત તો હું રાંક આસરાજ આ પગલું જ કેમ ભરત !”

"શો બોલ હતો મહારાજનો, હેં જેહુલ?” લવણપ્રસાદે પૂછ્યું.

"એની જાણ તો બાપુ, આસરાજે હરણાંની રાતે કુંઅરબાઈને વગડામાં કરાવી ત્યારે જ મને પડી. મેં હવેલીની વાંસે વાડામાં સાંઢ્યને માથે ડેરો નાખીને ઊભી રાખી. અને મરદ આસરાજે હવેલીની મેડીએ જઈને કુંઅરબાઈને ઊંઘતી બે હાથમાં ઉપાડી. ઉપાડીને એ જ્યારે ગોખમાં આવી ઊભો હતો ત્યાર વેળાનું એનું રૂપ મને આજ પણ યાદ છે, બાપુ! હાથમાં સૂતેલી સુંદરી, અને એને માથે ઝળુંબતું આસરાજનું મોં, ભાંગતી રાતના તારોડિયાનો પરકાશ આટલું જોવા માટે ઘણો બધો હતો.

"સીધો એ સાંઢ્યને માથે આવ્યો, ભરીભરી સ્ત્રીને એણે હળવાફૂલ જેવી ડેરામાં સુવાડી દીધી. પોતે ડેરાની પાછળ બેઠો, મેં આગળ સાંઢ્ય હંકારી મેલી. મારું હૈયું થડક થડક થાય. પણ કહ્યું કે ઠીક, મનવા ! આવું કામ કરતે કરતે મરવુંય સાત જનમારા માણ્યા બરોબર છે.”

લવણપ્રસાદ પોતાના સાંઢણીસવારની કાવ્યશક્તિ પર મલકાતો હતો. કહ્યું: "હાં, પછી?”

“પછી તો પરોઢવેળા કુંઅરબાઈએ પડખું ફેરવ્યું. જાગી ગઈ. બેબાકળી બનીને પૂછવા લાગી, “કોણ છે? આ શું છે? મને કોણ લઈ જાય છે?”

“મેં જવાબ દીધો, બા, એ તો હું જેહુલ છું. તમેતમારે કશી ચિંતા કરશો મા, સૂતાં રહો."

"અરે રહ્યાં રહ્યાં સૂતાં ! સૂવાનું કહેનારો તું કોણ ? ઊભો રહે, હિચકારા.' એમ કહેતાંકને એણે પાછળથી ડેરાનો પડદો ઉઘાડી મારી બોચી પકડી અને હું મોં ફેરવીને એની સામે જોઉં તો એના હાથમાં વેંત જેવડી કટારી ચમકે! મેં કહ્યું કે “બા, નિર્દોષને શીદ મારો છો? તમારા સાચા ચોર તો પાછળ બેઠા છે !” એણે. ત્રાડ પાડી, “કોણ છે?” ત્યાં તો “એ તો હું છું, દેવી !' એમ કહેતાકને આસરાજ આગળ આવ્યા અને બોલ્યા, 'મારવો હોય તો મને મારો'. બાઈ થંભી ગઈ. ને પછી ગુસ્સામાં બોલી, 'તમે ! – તમે આ શું કર્યું, આસરાજ?'

“તેનો જવાબ આસરાજે વાળ્યો ત્યારે જ ખબર પડી કે મહારાજ હરિભદરસૂરિએ શું કહ્યું હતું. કહ્યું આસરાજે કે 'દેવી ! ગુરુનો બોલ છે, ગુરુએ અપાસરામાં ચાલતે વખાણે તમારા સામુદ્રિક ચિહ્નો જોયાં છે, ગુરુએ તમારું તાલકું વાંચીને ભાખ્યું છે કે રંડાપો તમારે રહેશે નહીં. તમે રત્નોની જનેતા બનવા સરજાયાં છો. વિશેષમાં ગુરુએ કહ્યું છે, કે તીર્થંકર પાર્શ્વનાથ પણ વિધવાને પરણ્યા હતા. મને ગુરુનો આદેશ મળ્યો છે. બસ, હવે તમારે કટાર ચલાવવી હોય તો આ રહી મારી છાતી.'

"કુંઅરબાઈ ઘડીક તો થંભી રહી. એણે કટાર પાછી વાડે કરી. એની આંખો ડળક ડળક થઈ. એણે આસરાજને પૂછ્યું, “મને ક્યાં લઈ જવી છે?” આસરાજે કહ્યું કે “ધરતી પર જ્યાં આપણે બે સંસાર માંડી શકીએ ત્યાં.” બાઈએ કહ્યું કે 'તો સાંઢ્ય પાછી મોકલો. આપણે બે હાલ્યાં જશું.'

“મને ત્યાંથી પાછો મોકલ્યો, બાપુ, ને એ બેય જણાં હાલી નીકળ્યાં. તે પછી આજ વીસ વરસે મેં કુંઅરબાઈને દેખ્યાં. આજની ઘડી ને કાલનો દી, બાપુ પણ રૂ૫ તો એનું એ જ છે.”

"સાચું, જેહુલ ! રૂપ તો એનું એ જ. પણ હેં જેહુલ, શું આ એનાં માવતરની મરજી વિરુદ્ધ જ બન્યું હતું?"

“ના બાપુ. મા લાછલબાઈની આવી ઈચ્છા ખરી. બાઈ બહુ ડાહ્યું માણસ ! દીકરીને રંડાપામાં સળગતી દેખી શકતાં નો'તાં, કહે છે કે આસરાજને આમ કરવામાં ખરચી આપનાર પણ લાછલબાઈ જ હતાં.”

“તો ઠીક, તે વગર બને નહીં. તને પણ તે વગર પાછો રાખી લ્યે નહીં.”

“એને બીક હતી, બાપુ - દીક્ષાની.”

“પછી એ બેય જણાં તો દક્ષિણમાં છેક સોપારા જઈને રહ્યા'તાં ને, જેહુલ?”

“અરે બાપુ, એ બે જણાંએ તો જે વેઠ્યું છે તે કહ્યું જાય તેવું નથી. બાપના ઘરમાં ફૂલડાંમાં આળોટેલી એ કુંઅર આજ સુધી જીવતી જ કેમ રહી હશે એનું જ મને કૌતુક છે. હજીય જાણે એવું ને એવું માંજેલું મોં ! કોણ કહે કે અગિયાર છોકરાંની મા હશે.”

"પ્રેમનું તો બળ જ ન્યારું છે ને, જેહુલ !” “હા બાપુ, પ્રેમ તો પહાડોય તોડી નાખે છે. કુંઅરબાઈએ પણ ડુંગરા ને ડુંગરા ભેદી નાખ્યા છે. પણ બાપુ, રાજપૂતોના પ્રેમ સાંભળ્યા છે; બીજું, આયરો રબારીઓની પણ પ્રેમની વાતો ગવાય છે; હિંગતોળ વાણિયાનો પ્રેમ આ પહેલુકો જ સાંભળ્યો. એની નાતે તો તે વેળાએ મોટો હોળો સળગાવી મૂક્યો હતો, બાપુ ! તેદુથી બે તડાં પડી ગયાં છે. એક તડું વખાણે છે, ને બીજું તડું બેટી-વહેવાર બંધ કરીને બેઠું છે. એક પક્ષ કહે કે સતી છે, બીજો ગાળો કાઢે છે.”

"જેહુલ, તું જોજે તો ખરો, આગળ ઉપર એનાં ગાણાં ગવાશે.”

પછી બન્ને ચુપ રહ્યા. સાંઢણી ડુંગરાળ મારગ પર આવી ગઈ હતી, અને લવણપ્રસાદ છૂપું છૂપું હસતો હતો: “સાધુમહારાજેય ઠીક ચોગઠું ગોઠવી આપ્યું. સૂરિ શાણો તો ખરો ! પેટમાં રતન પાકશે એવું ભાખીને ભેટાડી દીધાં બેયને ! હાં પણ દીક્ષા કરતાં આ શું ભૂંડું? બાકી રતન તો કેવાંક પાક્યાં છે તે તો મેં હમણાં જ માર્ગે જોયું ! જાય છે ગગા પાટણ ભણવા. અરે રતન ! કાંઈ રતન ! જોને ગુજરાતમાં રતન ઊભરાણાં છે ! પાણો ગોતો ત્યાં રતન હાથ પડે !”