ગુજરાતનો જય/વીરમદેવ
← કકળાટનું દ્રવ્ય | ગુજરાતનો જય વીરમદેવ ઝવેરચંદ મેઘાણી ૧૯૩૯ |
જાસૂસી → |
ત્રીજે દિવસે રાત પડતી હતી. બુઢ્ઢા દેવરાજ પટ્ટકિલ સિદ્ધેશ્વરના દ્વાર પરની એક ઓરડીમાં બેઠા હતા, ત્યારે કુમાર વીરમદેવ ત્યાં લપાતો લપાતો આવ્યો. એણે બોલ્યા વગર ડોસાના હાથ પર હાથ પસવાર્યા.
રાતે દેખી ન શકતા ડોસા દેવરાજે સ્પર્શ પરથી વીરમદેવને ઓળખ્યો, હેબતાઈને પૂછ્યું: “અરે બાપા ! તમે અત્યારે આંહીં?”
"આસ્તે બોલો, દેવરાજ” વીરમદેવ બીતો છતાં હુકમ દેવાની ઢબે બોલ્યો, “મને આંહીં સંતાવા દો.”
"કાં ?”
"મને પકડવા આવે છે!"
“કોણ?”
“બાના વંઠકો. પણ મારે ત્યાં જવું નથી. મારે પણ રેવતીની ને લૂણસીની જેમ તમારી વાર્તા સાંભળવી છે.”
“તો ભાઈ, હાલો હું રાજગઢમાં આવીને સંભળાવું.”
"ના, મારે તો આંહીં જ સાંભળવી છે. સંભળાવવી જ પડશે. કેમ નહીં સંભળાવો? હું જોઈ લઈશ.”
“અરે બાપા ! મારાથી સંતાડાય? ચોર થવાય? બાપુની ને માની પાસે પધારો.”
"એની પાસે?" વીરમદેવનો ત્રાડૂકતો સ્વર બદલાયો, સંતાપ ટપક્યો: “કોણ જવા દે છે? મને મળવા કોણ નવરું છે?"
"અરે એમ હોય, મારા બાપ?"
"એમની વાત છોડો છો કે નહીં, બુઢ્ઢા?" વિરમદેવને જાણે કંઈક કહેવું હતું પણ પોતે કહી શકતો નહોતો.
"ભાઈ, રાજકુળની રીત તો રાખવી જોઈએ ના ! તમારે તો રાજા થવાનું છે."
"નથી જોતું રાજ. લોહી કાં પીઓ છો બધા?" વીરમદેવના સ્વરોમાં ઉત્તાપ હતો.
"હે-હે-હે- રાજ ન જોઈએ? શા સાટુ ન જોઈએ બાપા?”
"હું શું તમારો વંઠક છું તે રાજ કરવા બેસું? મને વારે વારે કેમ સૌ કહ્યા કરે છે કે, રાજ જોતું હોય તો આમ કરો, આમ નહીં કરો તો રાજ નૈ મળે ! મને ઝટ સંતાડો, દેવરાજ, હું રાજા થઈશ તે દી તમારો ગુણ બૂઝીશ.”
પણ દેવરાજ આ અવળચંડા તરીકે ઓળખાતા કુમારને છૂપું રક્ષણ ન આપી શક્યો. ખિજાયેલા સાપની પેઠે સીંકોટા કરતો વીરમદેવ બહાર ગયો, એને નજીકના જ બ્રાહ્મણવાડાને નાકે રેવતી મળી. એણે કહ્યું: "ચાલ રેવતી, મને તારા બાપુ પાસે લઈ જા. મારે એને કંઈક પૂછવું છે."
"પણ તમારો ભણવાનો સમય તો સવારનો છે. તમે અત્યારે એકલા કેમ આથડો છો? કોઈ તમારી સાથે કેમ નથી?"
"તો તું કેમ એકલી રખડે છે? હું શું તારાથી ઊતરતો છું?"
"અરે ભગવાન !" બોલકણી રેવતીએ એને ઝટ લઈ જવાને બદલે કહેવા માંડ્યું, "તમારે તો રાજા થવું પડશે. રાજાના કુંવર તે કંઈ ફાવે ત્યાં ભટકે?"
"હવે તું તે કોણ રાજા કરનારી?" કુમાર વીરમદેવે રેવતીનો હાથ ઝાલ્યો. રોજ એનું ટીખળ કરવા ટેવાયેલી રેવતીએ એનાથી એ અંધારે ડરીને હાથ ઝટકાર્યો. તરત જ એનો હાથ છોડી દઈને વીરમદેવ કહેઃ “રેવતી, ભલી થઈને મને તારે ઘેર લઈ જા.”
"તો લૂણસી શેઠની આંગળી ચગદી એની ક્ષમા માગશો?"
"હું ક્ષમા માગું?" એમ કહી એણે દાંત પીસ્યા, “હું તો રાજા થવાનો છું.”
"તો એ પણ મંત્રી થશે, જોજોને.”
"હું એને ધોળે ધરમેય ન રાખું, લાત મારું."
“મારજો તો ખરા તે દિવસે ઉઠાડી જ મૂકશે.” રેવતી એને વધુ ને વધુ ચીડવતી હતી.
"ઉઠાડનારો છે કોણ?" વીરમદેવ બીજા રંગમાં આવી ગયો, “હું ઊઠું તે પહેલાં ઉઠાડનારનું માથું જ ધડ પરથી નહીં ઊઠી જાય”
એમ કહીને એણે પોતાની પાસેની કૃપાણ ખેંચી.
"વોય બાપ!” કહી રેવતી વાડાની અંદર દોડી ગઈ અને વીરમદેવ ત્યાં થંભી ગયો. રેવતી એ શું બકી ગઈ હતી તે પર પોતે ચિત્ત ઠેરવ્યું. લૂણસીને મંત્રી નહીં રાખું તો મને ઉઠાડી મૂકશે ! કોણ? મંત્રી અને સેનાપતિ? મગદૂર ! હા, એ શું ન કરે? જે ચા'ય તે કરે. કાષ્ઠપિંજરના પ્રવેશદિને હાથી ઉપર વસ્તુપાલે પોતાની સામે જે આંખો ઘુમાવેલી તે યાદ આવી, તે સાથે જ એને એક પછી એક અંકોડાબંધ પ્રસંગો યાદ આવ્યા. મહેલમાં મંત્રીનો એ એક જ બોલ અનેક વખત બોલાઈ બોલાઈને જાણે કે ભીંતોમાં પોલાણો પાડીને બેઠો હતો, એ એક જ મંત્રીબોલની જાણે કે મહેલમાં ડાકલી બજતી હતી −
“ના, બા, ના. એમ તે કંઈ બને ! કદાપિ ન બને ! પછી તો આપની મરજી!”
“ના, રાણાજી, ના ! એમ કદી નહીં જ બની શકે. પછી તો ધણી છો, જેવી મરજી”
બસ, આના આ જ બોલ નાનીમોટી હરેક બાબતમાં બા અને બાપુને વસ્તુપાલે કહેલા, તેનો કાયમી પડઘો ત્યાં બંધાઈ ગયેલો.
વીરમદેવના કાન સમજણા નહોતા થયા તે દિવસનો આ શબ્દોનો રણકો એણે સેંકડો વાર ઝીલ્યો હતો. બાને ને બાપુને એણે પહેલાં હઠ પકડીને રુઆબ છાંટતાં દીઠેલાં, પછી મંત્રી કંઈ સલાહ આપે તેને કોચવાતે ચહેરે સાંભળતાં દીઠેલાં, પછી છેવટે “આ નહીં બને” અથવા “એ તો એમ જ બનશે? એવા બોલ પર વિચાર કરતાં દીઠેલાં. ને પછી બા-બાપુને એમ કબૂલ કરતાં દીઠેલાં કે 'હા, તો તો પછી મંત્રી કહે છે તે જ ઠીક છે'.
એ સંસ્કારમાં ઊછરેલું વીરમદેવનું બાળહૃદય રેવતીએ સંભળાવેલા શબ્દોનો ભય અનુભવી રહ્યું. એનું ચિત્ત ચકડોળે ચડ્યું. રાજા નથી થવું એમ કહું છું તો પરાણે થવું પડશે એમ કહે છે. રાજા થવું છે, તો કહે છે કે અમારી ઇચ્છાને જ આધીન રહેવું પડશે.
નૂપુરના રુમઝુમટ કરતી રેવતીએ ઘરમાં દોડી જઈ પિતાને કહ્યું અને પિતા કાંઈ પૂછે તે પહેલાં તો એ પાછી આવીને એની બા પાસે દોડી ગઈ, કહે કે “બા, બાપુને બહાર જવા દેશો મા. વીરમદેવ આવેલ છે, ઉઘાડી તલવારે, બાપુને મારી નાખવા.” પછી પોતાના ઘરનો પાછલો વાડો વટાવીને એ પોરવાડવાડામાં મંત્રીને ઘેર પહોંચી અનુપમાને કહેઃ “માશીબા ! ઓ માશીબા ! ચાલો તો ખરાં, કુંવર વીરમદેવ અમને મારી નાખવા આવ્યા છે.”
વધુ પ્રશ્નો સાંભળવાની વાટ પણ જોયા વગર એ પાછી દોડી આવી. એનું ટીખળપ્રેમી મન કંઈક નવાજૂની થશે એ આશાએ થડક થડક કરતું હરખાતું હતું.
અહીં ઘરમાં રેવતીના શબ્દોએ સોમેશ્વરદેવના અદોદળા શરીરવાળાં ભટાણીને પાટ પરથી ઉઠાડ્યાં. માંદણ (કાદવભર્યા ખાબોચિયે) પડેલી ભેંસ ઊંટ દેખીને બહાર નાસે તેમ રેવતીની બા પતિ પાસે દોડ્યાં. ગુરુ સોમેશ્વરદેવ ચાખડી પહેરતા હતા, રેવતીની બા આડા ફર્યા, “નહીં જ જવા દઉં, એ તો તમને ઘા કરી લેશે, ફસાક કરતીકને પેટની ફાંદ ફોડી નાખશે! અં-હં ! ન જ જવા દઉં.”
એમ કહેતાં કહેતાં ગોરાણી પતિને પકડીને પતિના સુંવાળા પેટ પર હાથ ઢાંકીને રોકવા લાગ્યાં.
“અરે ગાંડી, છોડ છોડ, શિવ શિવ કર !” એમ કહીને સોમેશ્વરદેવ ખડકી તરફ આવવા લાગ્યા.
બહાર ઊભેલા વીરમદેવને સોમેશ્વરદેવની ચાખડીના ચટકારાએ ચમકાવ્યો. એણે એકબે કૂતરા ત્યાંથી નીકળ્યા તેના શરીર પર ઘા કરી લીધેલા. ગાય નીકળી હોત તો ગાયને પણ એ ગાંડપણના આવેશમાં ઝાટકી નાખત તેટલો ઉશ્કેરાઈ ગયો હતો. પણ સોમેશ્વરદેવની પાદુકા બોલતી તે એને સદા પ્રિય હતી. એણે શરમાઈને ઉતાવળે કૃપાણ સંતાડી. નિર્ભય ગુરુના ભર્યા ભર્યા ગૌર દેહ પર આડો પડેલો જનોઈનો ત્રાગ અંધારે પણ દેખાયો. ગુરુ ધીરે સાદે કોઈ શ્લોક રટતા આવતા હતા. તાડૂકનારાઓની સામે તાડૂકી ઊઠનાર સ્વભાવનો વીરમદેવ છેટેથી જ ગુરુની સૌમ્યતાને વશ બન્યો. અને પાછળના પોરવાડવાડેથી મંત્રીશ્વરના સૈનિકોની મશાલો દેખાઈ તે પૂર્વે જ સોમેશ્વરદેવે વીરમદેવને પોતાના ઘરની પાછલી પરસાળે લીધો. આવેલા મંત્રી-સૈનિકોને એણે કુંવર પાછા ચાલ્યા ગયાનું જણાવ્યું. રેવતીની બાએ માંડ માંડ શ્વાસ સમાવીને દીવો લાવીને પતિનું શરીર નિહાળ્યું. 'અરે ઘેલી. મને કંઈ નથી કર્યું' એમ કહેતા પતિ પર વિશ્વાસ ન હોય કે પછી પતિની ફાંદ પર અન્યના દેખતાં વારંવાર હાથ ફેરવવાની પ્રામાણિક ઉત્સુકતાને ક્વચિત જ મળતું આવું કારણ જવા ન દેવું હોય, તેમ ગોરાણીએ પતિ-ફાંદ ફરી વાર પંપાળી.
રાજગઢમાંથી કુમારની શોધે આવેલાઓને સોમેશ્વરદેવે સાચા ખબર સાથે પાછા વાળીને જેતલબાને કહેવરાવ્યું: "મેં જ તેડાવેલા, મારી પાસે ભણે છે. હું થોડી વારે એમને લઈને આવું છું."
સોમેશ્વરગુરુ પર વીરમદેવને આદર હતો તે આ પ્રસંગે વધ્યો. સુરમ્ય સ્વરાવલિઓમાં શ્લોકોની ધારા ગુરુકઠેથી વહેતી રહી. અંધકારના હૈયામાં લળક લળક થતા લાખ લાખ તારા શીતળતા વરસાવતા હતા. ગુરુઘરની તુલસી-મંજરીઓ પંખા ઢાળી સુગંધનો ઓળીપો કરતી હતી. એમાં સોમેશ્વરદેવે વીરમદેવને પૂરા શાંત પાડ્યા. વીરમદેવે પોતાની ખોપરીમાં ત્રણ દિવસથી ઘૂમરાતો પ્રશ્ન પોતાની મોઢા તોડી લેતી તોછડી રીતે કર્યો.
"ઘુઘૂલને સાડી કેમ પહેરવી? આટલા બધા હજારો લોકો એને એકને પૂરીને કેમ ઠઠા કરતા હતા?ને સેનાપતિ તેજપાલ એવા રણબંકા હતા તો ઘુઘૂલને બહાર કાઢી, છૂટો મૂકી, હથિયાર સોંપી દ્વંદ્વયુદ્ધ કેમ ન ખેલ્યા? જીભ કરડી મરી જનારો ઘુઘૂલ વધુ વીર કે તેજપાલ સેનાપતિ? કહો મને, નહીંતર મારી ખોપરી આમ કરતે કરતે ફૂટી જશે."
વાડાનું પાછલું એક નાનું દ્વાર તે વખતે ઊઘડ્યું અને મંત્રીના ઘરમાંથી કોઈક આવ્યું માનીને રેવતી ઉઘાડવા ગઈ. આવનાર સ્ત્રીને જોતાં જ સોમેશ્વરદેવે કહ્યું: "કુંવરજી, એનો જવાબ હું દઉં તે કરતાં આ અનુપમાદેવી જ બરાબર દેશે."
“ના – અં – કાંઈ નહીં– એ તો અમસ્તું -” એવાં ગળચવાં ગળતો વીરમદેવ અનુપમાદેવીને દેખી જરીક બેઠક પરથી ઊભો થઈ ગયો; પણ અનુપમાએ પોતાના હંમેશના મીઠા સાદે કહ્યું: “કુંવરજી, બેસી રહો.” પછી દેવ તરફ ફરીને કહ્યું: “એ પ્રશ્ન મેં સાંભળ્યો છે. લો જવાબ પણ દઈ દઉં. ઘુઘૂલરાજ જીભ કરડીને મૂઆ તે કરતાં યોગીની જેમ ઈશ્વરધ્યાન ધરીને સૌને ખમાવતા ખમાવતા ચાલ્યા ગયા હોત તો જીતી જાત. અને વીરતા તો બેમાંથી કોઈની શાની? વીરતા તો જેમણે સૌને પાણી ચડાવ્યું છે તે મોટાબાપુની જ કહેવાય.”
"તો બરાબર.” કહીને વીરમદેવ એકાએક ઊભો થઈ ગયો. એના મનમાંથી કોઈક મોટો ઉકરડો જાણે કે નીકળી ગયો હતો. એક સારી ધૂન એના અંતઃકરણમાં રમતી થઈ. રેવતીની બા, કે જેનું ત્યાં ઊભાં ઊભાં ફાળથી મોં જ ફાટ્યું રહ્યું હતું અને જે પોતાના તરફ કુંવરના લાલ લાલ ડોળા ઘૂમતા કે તરત મોં ફેરવી જતી, તેણે હાશકારો કર્યો. રેવતી તો બેધડક બાપુની પાસે જ ઊભી ઊભી બધું સાંભળતી હતી. એને વીરમદેવનો ડર નહોતો. વચ્ચે વચ્ચે એ પગ પછાડીને ધીરા ધીરા નૂપુરઝંકાર કરતી હતી.
વીરમદેવ ઊઠીને ચાલવા મંડે તે પહેલાં તો રેવતી પોતાના પાલવ નીચે કંઈક લઈને દોડી ગઈ. એણે પોતાનો હાથ વીરમદેવના કપાળ તરફ લંબાવ્યો એટલે વિરમદેવ રેવતી પોતાને મારવા આવે છે માની ચમક્યો. ત્યાં તો કપાળમાં રેવતીની અનામિકા આંગળીનો શીતળ સ્પર્શ થયો. રેવતીએ કંકાવટી લાવીને ચાંલ્લો કર્યો હતો.
રેવતીએ મોં મરોડ્યું. એનો ગર્ભિતાર્થ એ હતો કે “વીર છો કે બીકણ ?”
સોમેશ્વરદેવ એને લઈ રાજગઢ તરફ ચાલ્યા. બીજાને વકરતો ને અજડાઈનો અવતારી લાગતો આ રાજકુંવર અનુપમાને અનુકમ્પાપાત્ર કોયડો લાગ્યો.