← સ્વાતંત્ર્યોત્તર યુગમાં નાટક વિશેનું વિવેચન ગુજરાતી નાટ્યવિવેચન
સ્વાતંત્ર્યોત્તર યુગમાં નાટક વિશેનું વિવેચન
ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ
પરિશિષ્ટ : ૧ નાટ્યવિદ્યાના પાઠ્યપુસ્તકો →



ઉપસંહાર

'નાટક' એવું કલાસ્વરૂપ છે જેને અનેક બાજુએથી વિશ્લેષી શકાય. વિવિધ દૃષ્ટિકોણથી નાટકને વિદ્વાનોએ તપાસ્યું છે. વિવેચનના નવા સિદ્ધાંતો ઘડાતા ગયા તો તે નાટકને લાગુ પાડ્યા છે અને નાટક એ સહુ ઓજારોની સાથે – વચ્ચે રહીને પોતાનું રમણીય દર્શન કરાવતું રહે છે. આપણે ત્યાં નાટક વિશેનું વિવેચન ભલે ઓછું થયું હશે પણ વિવેચનના વિવિધ દૃષ્ટિકોણથી તપાસાયું હોય તો તે આ એકમાત્ર સ્વરૂપ નાટક છે. ગુજરાતી સાહિત્યમાં નાટક આવ્યું ત્યારથી જ તેનું વિવેચન પણ થતું જ આવ્યું છે. વિવેચનનો આરંભ પણ નાટકની આવવાની સાથે સાથે જ લગભગ થઈ ગયો હતો. નવલરામ, નાટક અને નાટકશાળાના મહત્ત્વને તે સમયે ઘણી સારી રીતે સમજી ચૂક્યા હતા. નર્મદ-દલપત પણ નાટક વિશે આછીપાતળી પણ સ્પષ્ટ સમજ ધરાવતા હતા. 'મિથ્યાભિમાન'ની પ્રસ્તાવના જોતાં જ ખ્યાલ આવે છે કે પ્રહસન-ફાર્સ વિશે દલપતરામે કેટલો અભ્યાસ કર્યો છે. ભજવાતાં નાટકો વિશે લખવાનો ચાલ આપણે ત્યાં ભાગ્યે જ આવ્યો. નાટકની ચિંતા કે સમીક્ષા તે સમયે થઈ તે સાહિત્યના સિદ્ધાંતોને આધારે જ 'આરંભથી જ નાટક કાવ્યનો જ એક પ્રકાર છે, એવો દૃઢ મત પ્રસ્થાપિત થયો જેણે ભરતમુનિએ નાટક વિશે જે વિચારો વ્યક્ત કર્યા હતા તેને ધ્યાનમાં લીધા નહીં. નાટકને કાવ્યપ્રકાર ગણી લેવામાં આવ્યો. નર્મદ, આપણું પહેલું મૌલિક નાટક લખાય છે તે પૂર્વે નાટકના સ્વરૂપ વિશે વિચાર કરે છે. તેની નાટકના સ્વરૂપને સ્પષ્ટ કરવા જેટલી નાટ્યસમજનો પરિચય તેના ત્રણ લેખોને આધારે થાય છે, કવિતા જાતિ, નાટક એક અંકનું પાત્ર, અને કવિ અને કવિતા. આ ત્રણેય લેખમાં નર્મદે નાટક વિશે નોંધપાત્ર ચર્ચા કરી છે. 'કવિતા જાતિ'એ લેખમાં તો તેણે કવિતાના મુખ્ય ત્રણ પ્રકારોમાં 'ગીતકવિતા', 'વીરકવિતા' અને 'નાટક'ને ગણાવી નાટકની વ્યાખ્યા કરી છે. નાટકના પ્રકારો વિશે પણ તેણે સ્પષ્ટતા કરી છે. નાટક વિશે નર્મદ ૧૮૫૬ના બુદ્ધિવર્ધક સામાયિકમાં લેખ કર્યો હતો એનો આધાર આપીને નાટકની વ્યાખ્યા કરી છે. અહીં એ કહે છે કે 'નાટક ગદ્યમાં હોય છે, પણ તેમાં પ્રસંગે પ્રસંગે કવિતા મૂકવામાં આવે છે.' નાટકના ભેદમાંય તેનો કૉમેડી, ટ્રેજેડી વિશેનો ખ્યાલ વ્યક્ત થયો છે. 'નાટક બે રીતનાં હોય છે. દુઃખપરિણામક નાટક અને સુખપરિણામક નાટક. પહેલા નાટકમાં જોસ્સા, સદ્‌ગુણ, અન્યાય અને માણસ જાતના દુઃખ એઓનાં ચિત્ર પ્રત્યક્ષ માલમ પડે છે, ને બીજા નાટકમાં માણસ જાતની મૂર્ખાઈ, તેઓની રીતભાત, તબિયત, ખોડ, મોજશોખ વગેરેનું નકલ દાખલ વર્ણન હોય છે. પહેલામાં કરુણા રસનું પ્રાધાન્ય હોય છે ને બીજામાં હાસ્ય રસનું પ્રાધાન્ય હોય છે.'

આમ નર્મદ નાટ્યવિવેચન નથી કરતો પણ નાટ્યસ્વરૂપ વિશેની સમજને વિકસાવવાનો પ્રયત્ન કરે છે. 'નાટક એક અંકનું પાત્ર’ એ લેખમાં પણ નાટકના અંક અને પ્રવેશને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બાળમિત્ર ભાગ એકમાં પ્રકાશિત થયેલા એક અને બે અંકના નાટકોની નોંધ કરીને નાટકની બાહ્ય અને આંતરિક સંરચના વિશે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. નાટકના અંક અને ભવાઈના વેશમાં તેમણે સમાનતા જોઈ છે. અલબત્ત એ વાતમાં નર્મદ સ્પષ્ટ છે કે નાટક અને ભવાઈ એ બંને અલગ અલગ સ્વરૂપો છે. 'કવિ અને કવિતા' એ લેખમાં 'નાટ્ય'ને સમજાવવા પાદટીપમાં નર્મદ 'નાટ્ય'ની વ્યાખ્યા કરી છે. 'બોલવું, ચાળા કરવા અને નાચવું, જે વિષયમાં છે તે નાટ્ય અથવા નાટક.' નર્મદ, પહેલું મૌલિક નાટક પ્રસિદ્ધ થાય છે તે પૂર્વે નાટકની આ વ્યાખ્યા આપે છે. નાટકના સ્વરૂપ વિશે તેના પ્રકારો વિશે સ્પષ્ટતા કરે છે. નાટ્યવિવેચનનો આરંભ હજુ થયો નથી. મહિપતરામ નીલકંઠ નાટક અને ભવાઈને એક જ માને છે. આપણું લોકનાટ્ય ભવાઈ અને પ્રચલિત નાટક વચ્ચેની ભેદરેખા તેમને દેખાઈ નથી. દલપતરામ પણ મિથ્યાભિમાનની પ્રસ્તાવનામાં 'નાટક રૂપિ નિબંધ'ના પ્રભાવની વાત કરી પ્રહસનના પ્રકારો વિશે અભ્યાસપૂર્ણ વિગતો આપે છે. પણ નાટકના સ્વરૂપ વિશે પહેલી વાર ગુજરાતી સાહિત્યમાં જો કોઈએ કશી નોંધ કરી હોય તો તે નર્મદ છે. નર્મદ સાહિત્ય અને સુધારાનાં ઘણાં ક્ષેત્રમાં આગળ રહ્યો છે તો આ ક્ષેત્રમાં કેમ ન રહે ! ખરેખર તો તેણે 'નાટક જેવા સંવાદો' લખ્યા છે. પોતે જ તેને નાટક જેવા કહે છે. નાટક નામ નથી આપતો. નાટકના સ્વરૂપ વિશેની તેની સમજ અન્ય નાટ્યકારી કરતાંય તેને આગળ મૂકી આપે છે. નાટકના વિવેચનની ચર્ચાનો આરંભ જ આમ તો નર્મદના નાટક એક અંકનું પાત્રથી થયો છે એમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી. આ લેખમાં જ નર્મદે નાટક અને ભવાઈના ભેદને, ભવાઈની મર્યાદાઓને ને નાટકના અંક તથા પ્રવેશોમાં વહેંચાયેલા અખંડિત સ્વરૂપને ભવાઈના માધ્યમે સમજવાનો પ્રયત્ન કર્યો છે. નર્મદ જ નાટકને કાવ્યનો પ્રકાર - જાતિ માનવાની સાથે એ બાબતથી સ્પષ્ટ છે કે નાટક ગદ્યમાં હોય છે. નર્મદ નાટકનાં સ્વરૂપ બાબતે કદાચ સાચો નહીં હોય. તેની સમજ હજી વ્યવસ્થિત રીતે ઘડાઈ નહીં હોય તેમ માની લીધા પછી પણ નર્મદથી જ નાટ્યચર્ચાનો આરંભ થયો છે તે સ્વીકારવામાં કશું વ્યવધાન નથી. નવલરામ કે રણછોડભાઈ, નાટ્યવિવેચનનો આરંભ કરે છે તે પૂર્વે નર્મદ નાટક વિશે ઘણી સ્પષ્ટતા કરી ચૂક્યો હતો. નવલરામ 'કાન્તા' નાટક વિશે વિવેચન કરે છે - ૧૮૮૩માં, રણછોડભાઈ દવે નાટ્યપ્રકાશની પ્રસ્તાવનામાં દલપતરામના નાટક 'લક્ષ્મી' વિશે સમીક્ષાત્મક નોંધ કરે છે ૧૮૯૦માં, પણ નર્મદ ૧૮૫૬માં બુદ્ધિવર્ધકમાં નાટકની સ્વરૂપ મીમાંસા કરે છે. નર્મદ એટલે જ નાટ્યવિવેચનમાં પણ આદ્ય છે. નર્મદ, નવલરામથી જ સંસ્કૃત પરંપરાને કારણે નાટક 'દૃશ્યકાવ્ય' તરીકે સ્થાપિત થઈ ગયેલું સ્વરૂપ છે. ભલે પછી નવલરામે જ એમ પણ કહ્યું છે કે 'નાટક બે પ્રકારનાં. એક વાંચવાનાં ને બીજાં ભજવી બતાવવાનાં.' 'ભજવી બતાવવાનાં તે જ ખરાં નાટક...' નાટક ભજવવા માટે જ હોઈ શકે એટલી સમજ આ સમયના આ વિવેચક પાસે તો હતી જ. પરંતુ નાટ્યવિવેચનનો આદર્શ હજી ઘડાયો નહોતો. તેમણે 'કાન્તા', 'માલતીમાધવ', 'ગોપીચંદ અને નાટકશાળા' આદિ લેખોમાં નાટકની સમીક્ષા કરી છે. તેમનો મત પાશ્ચાત્ય અને અહીંના મતને એકત્ર કરી ઘડાયો છે. રસ અને ક્રિયા બંનેમાં જે ઉત્તમ હોય તેને જ નાટક કહેવું તેવો તેમનો આગવો મત રહ્યો છે. નવલરામથી નાટકના વિવેચનનો આરંભ થાય છે. તેમણે વિવેચનનો આરંભ જ કર્યો હોવાથી ને તેમની સામે કોઈ આદર્શ ન હોવાથી તેમણે જેવું લાગ્યું તેવું લખ્યું છે. અલબત્ત, તેમના સમયની રંગભૂમિ પર ચાલતી પ્રવૃત્તિ વિશે તેમણે વર્ણન સાથે ચર્ચા કરી છે. નવલરામ નાટકનું સૈદ્ધાંતિક / સિદ્ધાંત આધારિત પ્રત્યક્ષ વિવેચન કરે છે.

રણછોડભાઈ ઉદયરામ દવેએ ભવાઈ પર અભાવ આવી જવાથી અને 'ઓખાહરણ' વાંચતાં કથાકારના બીભત્સ લહેકાઓ અને શૃંગારિક વર્ણનોથી કંટાળીને – વ્યથિત થઈને શિષ્ટ પ્રકારનાં નાટકો લખવાનો આરંભ કર્યો. નાટ્યવિવેચન તેમણે નથી કર્યું, પરંતુ સિદ્ધાંત વિવેચનનું એક પુસ્તક તેમણે કર્યું છે જેમાં દશરૂપક આદિ સંસ્કૃત નાટ્યમીમાંસાનાં પુસ્તકોનો સાર છે. રણછોડભાઈ દવે નાટકના પિતા કહેવાયા પરંતુ નાટક વિશે તેમણે કોઈ વિશેષ ચર્ચા તેમનાં લખાણોમાં નથી કરી. તેમણે સુધારાનો બોધ નાટકો દ્વારા આપ્યો. સૈદ્ધાંતિક વિવેચના 'નાટ્યપ્રકાશ' એ ગ્રંથ દ્વારા કરે છે. આરંભના બંને મહામનાઓ પ્રત્યક્ષ અને સૈદ્ધાંતિક વિવેચના કરે છે. ભલે તેનાથી વિવેચનના કોઈ નવા સિદ્ધાંતો સ્થાપિત ન થતા હોય પરંતુ આરંભ તો થાય જ છે. નવલરામ નાટકના ભેદ પાડવા પછીય 'ભજવાય તે નાટક’ એ અભિગમ પ્રગટ કરે છે તે મહત્ત્વનું છે. નાટક ભજવવા માટે જ છે કે નાટક એ પ્રસ્તુત થવા માટે જ છે. વાંચવાનાં નાટકોથી પૂરો અર્થબોધ થતો નથી. આમ કહેતા નવલરામ નાટકના સ્વરૂપની સાચી ઓળખ તો આપી જ દે છે. પછીના વિવેચકોએ ભજવાતાં નાટકો વિશે ચર્ચા કરી છે ને વાંચવાનાં નાટકો વિશે ચર્ચા કરી છે. પણ બંને નાટકના એ બંને પ્રકારો વિશે ભેદ તેમની વિવેચનામાંથી પ્રગટતો નથી. સાહિત્યમાં મોટે ભાગે વ્યવસાયી રંગભૂમિનાં નાટકોનાં વિવેચન ભાગ્યે જ થયાં છે. પ્રતને આધારે થતાં પ્રત્યક્ષ વિવેચનને કારણે પંડિતયુગમાં પણ નાટકનું વિવેચન મહદંશે પ્રત્યક્ષ જ રહ્યું છે. વિવેચકોની પાસે પોતાના ગૃહિતો છે પણ તે સહુ સાહિત્યકૃતિના સંદર્ભે જ નાટકની વિવેચના કરે છે. પ્રયોગનું વિવેચન ગોવર્ધનરામ ત્રિપાઠી કે રમણભાઈ નીલકંઠ કે નરસિંહરાવ દિવેટિયા પાસેથી મળતું નથી. પંડિતયુગમાં નરસિંહરાવ 'પ્રેમાનંદના નાટકો'ના કર્તૃત્વ વિશે પ્રશ્નો ઊભા કરે છે ને સિદ્ધ કરે છે કે આ નાટકો પ્રેમાનંદનાં નથી. એ પછી 'અભિનયકલા' નામનો નાટકના સિદ્ધાંતોને વ્યક્ત કરતો ગ્રંથ બહાર પાડે છે. નાટક વિશે – રંગભૂમિ વિશે નરસિંહરાવ ઘણુંબધું જાણે છે. નાટકો ભજવાતાં તેમણે જોયાં છે ને છતાં નાટક વિશેની તેમની વિવેચના કૃતિલક્ષી કે પ્રત્યક્ષ જ રહી છે. વસ્તુસંકલના આદિ બાબતોને ધ્યાનમાં લઈ વિશ્લેષણની પદ્ધતિએ તેમણે પ્રત્યક્ષ વિવેચન કર્યું છે. નાટક હજી અહીં કાવ્યનું જ રવરૂ૫ રહ્યું છે. નાટકને વિશિષ્ટ કળા માનનારા પણ હજુ સુધી તેના વિવેચનમાં વિશિષ્ટતા હોવી જોઈએ એ બાબત વિચાર કરતા નથી. પંડિતયુગમાં રમણીકભાઈ યાજ્ઞિક ગુજરાતી રંગભૂમિ વિશે પીએચ. ડી.નો મહાનિબંધ લખે છે. તેમના છૂટાછવાયા લેખો રંગભૂમિને લગતા મળે છે. કરાંચીથી ફિરોજશાહ મહેતા 'ઍક્ટિંગના હુન્નરનું વ્યવહારુ શિક્ષણ' એવું નાટ્યતાલીમ અંગેનું પુસ્તક પ્રકાશિત કરે છે તેનો આમુખ રમણીકભાઈ યાજ્ઞિકે લખ્યો છે. રમણીકભાઈના લેખો આ રીતે આમુખમાં પ્રસ્તાવના માટે કે પછી સામયિકોમાં છપાતા રહ્યા છે. નાટકના એ પહેલાં સંશોધક છે. નાટક વિશે તેમના અન્ય સમીક્ષાત્મક લેખો 'નાટક વિશે' એ પુસ્તકમાં સાહિત્ય અકાદમીએ સંપાદિત કર્યા છે.

'ઍક્ટિંગના હુન્નરનું વહેવારુ શિક્ષણ'ના લેખક શ્રી ફિરોજશાહ મહેતા નાટક સાથેના તેમના જાતઅનુભવને ધ્યાનમાં લઈ ગુજરાતી અભિનેતાને અભિનયનું વ્યવહારુ શિક્ષણ આપવા – માર્ગદર્શન કરવા આ પ્રકારનું પુસ્તક લખે છે. નાટક કઈ રીતે કરવું તેનું માર્ગદર્શન પ્રકાશયોજના નેપથ્ય આદિના મહત્ત્વને સિદ્ધ કરતા જઈને તેમણે આપ્યું છે. નાટકને ઓળખવા – પામવાનો આ એક વિશિષ્ટ અભિગમ છે.

ગાંધીયુગ સુધી પહોંચતી નાટ્યવિવેચનાના ગૃહિતોમાં બદલાવની પરિવર્તનની અપેક્ષા રહે છે. જૂની રંગભૂમિ પછી નવી રંગભૂમિનો આરંભ નાટક પ્રત્યેના અભિગમને નવાં પરિમાણો બક્ષે છે. ગાંધીયુગના વિવેચકો મહદંશે નાટકને સાહિત્યના જ સિદ્ધાંતોથી તપાસે છે. સૈદ્ધાંતિક વિવેચન પણ કરે છે ને પ્રત્યક્ષ વિવેચન કૃતિલક્ષી ચર્ચા-સમીક્ષાઓ પણ કરે છે. ભજવાતાં નાટકો વિશે ઘણી સમીક્ષાઓ આ સમયમાં થાય છે. હજુય આધાર તો માત્ર 'પ્રત’નો કે 'આલેખ'નો જ છે. રામનારાયણ વિશ્વનાથ પાઠક, રામપ્રસાદ બક્ષી, ડોલરરાય માંકડ.... આદિએ પ્રત્યક્ષ અને સિદ્ધાંત વિવેચના કરી છે. નાટકના સ્વરૂપવિકાસ અંગેની ચિંતા પણ તેમની વિવેચનામાંથી પ્રગટે છે. પરંતુ નાટકની થવી જોઈએ તેવી ખરેખરી વિવેચના છે ધનસુખલાલ મહેતાની. તેમના 'નાટ્યવિવેક' પુસ્તકમાં સંગૃહીત થયેલી સમીક્ષાઓ ભજવાતાં નાટકની સમીક્ષાઓ છે. ધનસુખલાલ નાટકને કાવ્યનું – પદ્યનું સ્વરૂપ માનતા નથી. નાટકને ગદ્યનું જ સ્વરૂપ માને છે. નાટકમાં પદ્ય – ગીત – નૃત્ય ભલે આવતાં આવી શકે પણ નાટક પોતે તો ગદ્યનું જ સ્વરૂપ છે એમ માને છે. નાટક વિશેના વિવેચનમાં અત્યાર સુધી જે વિવેચન થયું તેમાં નાટકને સાહિત્ય સ્વરૂપ માનીને પછી તેની વિવેચના થતી હતી. એટલે માત્ર પ્રતને આધારે જ નાટકનું સાચું-ખોટું મૂલ્યાંકન થતું રહ્યું હતું. પણ શ્રી ધનસુખલાલ મહેતાએ નાટકને રંગભૂમિ સાથે 'સંયુક્ત' જોડાયેલું – એકરૂપ જોયું. આથી તેમની સમીક્ષા એ માત્ર પ્રતની કે માત્ર આલેખની વસ્તુના વિકાસની સમીક્ષા નથી પરંતુ નાટકનાં સર્વાંગની સમીક્ષા છે એ બહુ મહત્ત્વનું છે. તેમણે રંગભૂમિ પર ભજવાતાં નાટકોની જ નહીં પણ બેલે, ઑપેરા, પદ્યનાટિકા, એકાંકી વિશે પણ સમીક્ષા કરી છે. ધનસુખલાલ મહેતા માને છે કે નાટ્યકારે રંગભૂમિ અને તેના કલાકારો સાથે સતત સંપર્કમાં રહેવું જ રહ્યું, તો જ નાટકમાં રંગભૂમિની જરૂરિયાત પ્રમાણેનાં પાત્રો – પરિસ્થિતિ આલેખી શકાય. મૌલિક નાટકોના અભાવની ચિંતા કરતાંય વધારે ચિંતા ધનસુખલાલ મહેતાને એક જ વ્યવસાયના અનેક કલાકારો વચ્ચે સંવાદિતા નથી તેની છે. તેઓ માને છે કે રૂપાંતરો ભજવાવાં જ જોઈએ તો જ નાટ્યકારોને મૌલિક નાટકો લખવાની પ્રેરણા મળશે. ધનસુખલાલ મહેતા નાટકને તેનાં સર્વાંગથી ઓળખે છે. તેમનું વિવેચન એ માત્ર અહેવાલ નથી. પરંતુ પદ્ધતિસરની સમીક્ષા છે. નાટકમાં પ્રકાશ, સંગીત, કોશ્ચ્યુમ આદિ બાબતોની આવશ્યકતા, ઉપકારકતાની ચર્ચા તેમણે કરી છે. તેમની સમીક્ષાની ભાષા, શૈલી પણ સદ્ય પ્રત્યાયનક્ષમ છે. સામાન્ય ભાવકને પણ તેમનું વિવેચન સહજતાથી સમજાય તેવી શૈલી છે. દૃષ્ટાંત અને રૂઢિપ્રયોગોનો વિનિયોગ પણ સુંદર રીતે કરે છે. મોટે ભાગે ક્રિકેટની રમતનાં ઉદાહરણ આપીને નાટકનાં અભિનયાદિ વિશે સમીક્ષા કરે છે.

જ્યોતીન્દ્ર દવેની સમીક્ષા પણ ધ્યાનપાત્ર છે. હાસ્યનિબંધો લખનારા આ બંને હાસ્યકારો વિવેચન – ચિંતનના ક્ષેત્રમાં ગંભીર છે. નાટક વિશે, ભરત નાટ્યશાસ્ત્ર વિશે 'કીથ' આદિ વિદ્વાનોના મતનું ખંડન કરી ભારતની મહત્તાને સ્થાપિત કરી છે. તેમનાં 'વાઙ્‌મયચિંતન'ના લેખોમાં જ્યોતીન્દ્ર દવે મહદંશે સૈદ્ધાંતિક વિવેચન કરે છે. ભારતના નાટ્યશાસ્ત્ર વિશેની પરંપરાગત સમજ ને તેમણે વધારે સ્પષ્ટ કરી છે. નાટ્યશાસ્ત્ર અને એરિસ્ટોટલના 'કાવ્યશાસ્ત્ર'ની તુલના કરતાં વિધાનોને તેમણે 'નાટ્યશાસ્ત્ર'માં પણ 'ઍક્શન'ની આવશ્યકતા જોતાં ભારતના સિદ્ધાંતોને મૂકી આપ્યા છે. ભરત નાટ્યશાસ્ત્ર એ 'પ્રયોગ'ને જ મહત્ત્વ આપે છે. નાટ્યને માટે આવશ્યક ક્રિયાનું મહત્ત્વ ભરતે પણ તેમના નાટ્યશાસ્ત્રમાં વ્યક્ત કર્યું છે તે ઉદ્ધરણો સાથે સિદ્ધ કર્યું છે. જ્યોતીન્દ્ર દવેએ સિદ્ધાંતચર્ચા કરી છે છતાં એનો ભાર લાગતો નથી. સહજ શૈલીમાં તેમણે આ સમીક્ષા કરી છે. માત્ર નાટ્યશાસ્ત્ર જ નહીં નાટકમાં સંગીત, લોકરુચિ આદિ વિશે પણ તેમણે મનનીય સમીક્ષા કરી છે. તેમણે નાટ્યકારોના અભિગમ કેવા હોવા જોઈએ તેની ચર્ચામાં કહ્યું છે કે 'ઉચ્ચ ગુણવત્તા અને લોકપ્રિયતા એ નાટ્યકારીના ગુણ હોવા જોઈએ.' નાટકના સ્વરૂપ અંગેની ચર્ચા કરતાં કરતાં જ તેના સંવાદ, વાચિક, આહાર્યાદિ, અભિનયની સમીક્ષા કરી છે. જૂની રંગભૂમિ પર જે ભાવાનુભાવ અગત્યના છે તેને બાજુ પર મૂકી વિભાવને મુખ્ય બનાવાતો હતો તેને કારણે થતા રસભંગ કે રસાભાસની શાસ્ત્રીય ચર્ચા તેમણે કરી છે. લોકરુચિ કેવી છટકણી બાબત છે તેનીય વિસ્તૃત ઉદાહરણ સાથે ચર્ચા કરી છે. લોકરુચિ વિના રંગભૂમિ ટકી શકે નહીં તેમ તેમનું માનવું છે. નાટકમાં સંગીત વિશેની ચર્ચામાં સંગીતનાટકની શક્યતાઓને નકારે છે. એઓ માને છે કે નાટકમાં 'અભિનય' જ મુખ્ય છે. ગાયન વિના નાટક 'નહીં' એમ માનનારાઓની સામેનો વાસ્તવિક મત તેમણે રજૂ કર્યો છે. જ્યોતીન્દ્ર દવે નાટકને સાહિત્યનું સ્વરૂપ પણ માને છે. નાટકમાં પ્રયોજાતી વાણી અને તેનું મહત્ત્વ સમજાવતાં કહ્યું છે કે નાટકનાં વાઙ્‌મયસ્વરૂપ વિના પ્રયોગ પણ ભાગ્યે જ શક્ય બને. નાટકનું અને સાહિત્યનું ગદ્ય અવશ્ય જુદું છે પણ નાટકને એથી કાવ્યનું સ્વરૂપ કહેવાય નહીં. નાટકને ગદ્યનું જ સ્વરૂપ માને છે.

ધનસુખલાલ મહેતા નાટ્યનું – પ્રયોગનું વિવેચન કરે છે. જ્યારે જ્યોતીન્દ્ર દવે સિદ્ધાંત ચર્ચા છેડે છે. બંનેના ગૃહિતો મહદ્અંશે સમાન લેવલે ચાલે છે. નાટકને કાવ્યથી જુદું – ગદ્યનું સ્વરૂપ નર્મદ પછી આ બે મહાનુભાવોએ માન્યું છે. વ્યવહારુ અને વિવેક પુર:સરની વિવેચના બંનેની છે.

જયંતિ દલાલ તેમની સમીક્ષા દ્વારા નાટક અને રંગભૂમિનું દિશાદર્શન કરે છે. તેમણે ભજવાતાં નાટકોની સમીક્ષા કરી છે. નાટકની ભજવણી જ નહીં તેની આંતરિક સજાવટ વિશે પણ કશી પંગુતા એ ચલાવી લેતા નથી. ઍબ્સર્ડ થિયેટરના પ્રભાવ વિશે બહુ સંયત રીતે એમણે ચર્ચા છેડી છે. એબ્સર્ડને કારણે જે સમય અને પ્રતિભા વેડફાઈ ગયાં તેની ચિંતા તેમણે કરી છે. અનુકરણથીય નાટક સિદ્ધ થતું હોય તો તેમાં ખોટું નથી એમ માને છે. અત્યાર સુધીના વિવેચકોએ નાટકનાં વાઙ્‌મય પ્રત આલેખને ધ્યાનમાં રાખી વિવેચના કરી હતી. જયંતિ દલાલ નાટકના વ્યવહારુ પાસાને ધ્યાનમાં રાખે છે. અલબત્ત, તેમની સમીક્ષા રંગભૂમિનું નિદાન કરે છે. પણ નાટકની ચોક્કસ દિશા દર્શાવવા માટે સમય ઓછો પડ્યો. નાટકની સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ સમીક્ષા તેમણે કરી છે.

ચંદ્રવદન મહેતાની સમીક્ષા અરૂઢ શૈલીની છે. કોઈ પ્રગટ, પ્રત્યક્ષ સિદ્ધાંત નહીં પણ અનુભવે તારવેલી સચ્ચાઈ તેમની સમીક્ષામાં છે. તેમણે રીતસરની સમીક્ષાઓ નથી કરી પણ પ્રસંગોપાત્ત આપેલાં વ્યાખ્યાનોમાં તેમનો સમીક્ષાત્મક અભિગમ સાંપડે છે. બહુધા તેઓ નાટકના સમીક્ષક નથી જ, કર્મશીલ છે. આથી તેમની નાટ્યચિંતામાં અભ્યાસ ઓછો અને અભિનિવેશ વધારે જણાય છે.

ગાંધીયુગમાં નાટ્યવિવેચનાનાં ત્રણ રૂપ મળે છે. સૈદ્ધાંતિક, પ્રત્યક્ષ અને પ્રયોગની સમીક્ષાઓ થઈ છે. નાટકને કાવ્યનું નહીં પણ ગદ્યનું સ્વરૂપ માનવા સ્વીકારવાને સ્થાપિત કરવા ધનસુખલાલ મહેતા, જ્યોતીન્દ્ર દવે તેમનો મત પ્રગટ કરે છે. અન્ય વિવેચકો પાસેથી પ્રત્યક્ષ વિવેચના ને ક્યારેક સ્વરૂપ વિકાસલક્ષી લેખો મળ્યા છે.

સ્વાતંત્ર્યોત્તર સમયમાં વિવેચનના ગૃહિતો બદલાઈ ચૂક્યા છે. પરંતુ નાટકના વિવેચન માટે કોઈ નવા સિદ્ધાંતો લાગુ પડ્યા નથી. નાટકના પ્રયોગ વિશે અવશ્ય લખાવા માંડ્યું છે. છતાં સમીક્ષા કે વિવેચન શોધવું પડે તેવી સ્થિતિ રહી છે. નાટક વિશે પ્રત્યક્ષ વિવેચના ઘણી થઈ છે. સિદ્ધાંતચર્ચાય સારી એવી ચાલે છે. પરંતુ 'નાટ્યવિવેચના'નો આદર્શ હજી ઘડાયો નથી. ઉત્પલ ભાયાણી પ્રસંગોપાત્ત મુંબઈ અને અન્ય પ્રદેશની રંગભૂમિ વિશે લેખો કરે છે. નાટ્યવિષયક લખાણો તેમણે ઘણાં કર્યા છે. ગુજરાતી અને અન્ય રંગભૂમિની તુલનાત્મક અભિગમથી સમીક્ષા કરવાનો પ્રયત્ન તેમણે કર્યો છે. ગુજરાતી રંગભૂમિ અને નાટક કઈ રીતે મહાન થઈ શકે તેની ચિંતા તેમનાં પુસ્તકોમાં મળે છે. અલબત્ત, બહુ જ મોટું કામ નાટ્યસમીક્ષાઓનું તેમણે કર્યું છે.

કૃષ્ણકાન્ત કડકિયા નાટ્યવિવેચન કરે છે. પોતાની આગવી રીતે તેમણે નાટકનાં અને લોકનાટ્યનાં પ્રયોગ-શિલ્પની બારીકીઓ વિશે વિસ્તૃત નોંધો આપી છે. તેમના 'શર્વિલક નાટ્યપ્રયોગ શિલ્પ' અને 'જસમા : લોકનાટ્ય પ્રયોગશિલ્પ' એ બંને પુસ્તકોમાં આ પુસ્તકો ઉપરાંત તેમનું પ્રત્યક્ષ અને સૈદ્ધાંતિક વિવેચન રૂપિત, રૂપકિત, અભિનિત આદિમાં સંગૃહીત થયું છે. તેમણે નાટકની કૃતિલક્ષી વિચારણા જ કરી છે એવું નથી, નાટકને મંચ સુધી પહોંચવાની પ્રક્રિયાનું અવલોકન – દર્શન તેમણે કર્યું છે. ભજવાયેલાં કે નહીં ભજવાયેલાં નાટકો કઈ રીતે ભજવી શકાય તેનું માર્ગદર્શન શ્રી કૃષ્ણકાન્ત કડકિયાના પુસ્તકમાંથી અવશ્ય મળે છે. આ પુસ્તકો એક પાઠ્યપુસ્તકની ગરજ સારે તેવાં થયાં છે. કૃષ્ણકાન્ત કડકિયા તેમની આગવી શૈલી થકી નાટ્યસમીક્ષામાં નવીનતા આણવાનો પ્રયત્ન કરે છે. નાટ્યસમીક્ષક હંમેશાં નાટક અને 'મંચ' કે 'ચાચર'ના ખૂણે ખૂણાથી વાકેફ હોવો જોઈએ. એટલું જ નહીં નાટકની દરેક સૂક્ષ્માતિસૂક્ષ્મ બાબતોને પણ તેણે ધ્યાનમાં લેવી જ પડશે એમ માને છે. કૃષ્ણકાન્ત કડકિયા અલબત્ત, નાટ્યસમીક્ષાનો જુદો જ આયામ પ્રસ્તુત કરે છે. નાટકને મંચ પર ભજવાતું કલ્પવું અને તેની ક્રિયા, ગતિ, વિશે આલેખ આપવો એ સાવ વિશિષ્ટ પ્રક્રિયા છે વિવેચનની. આનાથી તેમણે નાટ્યશિક્ષણના વિદ્યાર્થીઓને કે જેમણે નાટ્યના ક્ષેત્રમાં આગળ આવવું છે તેમને બહુ જ કામમાં આવે તેવી માર્ગદર્શક નોંધ ઉપલબ્ધ કરાવી છે.

નાટકના વિવેચન વિશે કોઈ ગૃહિતો સ્પષ્ટ થતા નથી. બહુધા નાટકમાં રસની શક્યતા, ક્રિયા વ્યાપારનો અવકાશ કે બહુ બહુ તો રંગભૂમિક્ષમતા વિવેચ્ય વિષય રહી છે. ઉત્પલ ભાયાણી પરંપરાગત શૈલીએ રિવ્યુ અને સમીક્ષાત્મક નોંધ વચ્ચે ક્યાંક મુકામ સ્થિર કરે છે. બહુધા તેમની સમીક્ષા પ્રત્યક્ષ – કૃતિલક્ષી વિશેષ રહી છે. નાટકના પ્રભાવની કે લોકો પર પડતી અસરો વિશે એમણે ચર્ચા અવશ્ય કરી છે. પણ નાટક જ્યારે પ્રયોગ રજૂ થતું હોય ત્યારે તેની પ્રત ઉપરાંત પણ અનેક બાબતોથી તે વ્યક્ત થતું હોય છે. તેમણે ગુજરાતી નાટકની મર્યાદાઓ વિશ્વનાં નાટકો સાથેની તુલનામાં વધારે જોઈ છે. 'દેશ-વિદેશની રંગભૂમિ' જેવા પુસ્તકમાં પણ રંગભૂમિ વિશેની સમીક્ષા નથી. 'વેઇટિંગ ફોર ગોદો' કે 'મહાભારત' ભજવાતું જોયાનો આનંદ ને આસ્વાદ અવશ્ય તેમણે કરાવ્યો છે પણ સમીક્ષા કરવાજોગ તેમાં કશું લાગ્યું નથી. 'નાટકનો જીવ'માં પણ તેમની સમીક્ષા કૃતિલક્ષી છે. અલબત્ત, તેમણે વિશ્વમાં ભજવાતાં એવાં નાટકોની ચર્ચા કરી છે જે આપણે ત્યાં આવ્યાં જ નથી. એનાથી આપણી લઘુતા જ વિકાસ પામે છે. ગુજરાતમાં નાટક નથીની બૂમ સાથે તેમનો અવાજ પણ ભળેલો છે. રૂપાંતરો ભજવાતાં તેના વિશે વિચાર કર્યો છે. પણ નાટ્યવિવેચનની અપેક્ષા સંતોષી શક્યા નથી. શ્રી કૃષ્ણકાન્ત કડકિયા પણ નાટ્યવિવેચનનો એવો કોઈ આદર્શ ઊભો નથી જ કરતા કે નવા વિવેચકોને માર્ગદર્શક બને.

સતીશ વ્યાસ પૂરી સભાનતા સાથે નાટકનું વિવેચન કરે છે. તેઓ સ્પષ્ટ માને છે કે 'ભજવાય તે જ નાટક' નાટકનું વિવેચન પણ તેની ભજવણીને આધારે જ થવું જોઈએ. પરંતુ સાથે એક મત પણ વ્યક્ત કરે છે કે સારી રીતે લખાયેલું નાટક કોઈ પણ કારણોસર ભજવી શકાયું નહીં કે બરાબર ભજવાતું નથી તો એમાં પેલા 'આલેખ'ના મૂલ્યાંકનમાં મુશ્કેલી થવાની. આથી 'નાટ્યાલેખ'ની સમીક્ષા આવશ્યક છે એમ માને છે. તેમણે નૂતન નાટ્ય આલેખો, આધુનિક એકાંકી અને પ્રતિમુખમાં મુખ્યતયા કૃતિલક્ષી અને કેટલાક પ્રયોગ – નાટ્યપ્રયોગની સમીક્ષાઓ આપી છે. તેમણે પ્રત્યક્ષ અને સૈદ્ધાંતિક સમીક્ષા કરી છે. તેમાં નાટકની કે એકાંકીની સામે કઈ વિશાળ શક્યતા પડી છે તેને ઉજાગર કરી આપી છે. તેમનું અર્થઘટન અને વિશ્લેષણ સાહજિક રીતે જ નાટકની ચારે બાજુઓને ખોલી આપે છે. જોકે નાટ્યનું વિવેચન એ સાહજિક નથી જ હોતું. ને જ્યારે તમારી સામે પૂર્વ પરંપરા ન હોય ત્યારે નવી રીતે આરંભ કરવાનો હોય ત્યારે એ ઘણું અગત્યનું બને છે.'

ધીરુભાઈ ઠાકરના પ્રત્યક્ષ વિવેચનમાં પણ એવું બને છે. નાટકને સાહિત્યસ્વરૂપ કરતાં સાવ જ વિશિષ્ટ કે ભિન્ન માની લીધા પછી પણ તેમની સમીક્ષા એ જ પરાપૂર્વથી ચાલી આવતી શૈલીમાં થયા કરે છે. નાટક સ્વરૂપવિશેષ છે એ વાત સ્વીકારીને પછી પણ તેની વિવેચનાનાં ધોરણો ઘડવામાં નથી આવ્યાં.

સ્વાતંત્ર્યોત્તર યુગમાં નાટકનું માત્ર વિવેચન જ થતું નથી પરંતુ તેનો વિવિધ દૃષ્ટિએ અભ્યાસ પણ થાય છે. નાટકને 'દૃશ્યકાવ્ય' કહેનારા અને 'ગદ્યસ્વરૂપ' કહેનારા બંને વર્ગો અહીં સ્થિર છે. નર્મદે નાટકને ગદ્યમાં હોય છે એમ કહીનેય કાવ્યનો જ એક પ્રકાર કહેલો. ધનસુખલાલ મહેતા અને જ્યોતીન્દ્ર દવે નાટકને 'કાવ્ય' નહીં પણ 'ગદ્ય' જ માને છે. નાટકની પ્રત તથા પ્રયોગની સમીક્ષા પણ ધનસુખલાલ મહેતાથી આરંભાઈ છે તે અહીં સરોજ પાઠકમાં ને કેટલેક અંશે ઉત્પલ ભાયાણી, કે સતીશ વ્યાસમાં જોવા મળે છે. અહીં બે સ્પષ્ટ મત છે. ડૉ. સતીશ વ્યાસ માને છે કે નાટક ભજવાવું જ જોઈએ, છતાં વિવેચન તો પ્રતને આધારે જ થવું જોઈએ. એ બંને વાત સ્વીકારવા માટે તેમણે જે તર્ક આપ્યો છે તે પણ સ્વીકૃત છે. નાટક સારુ હોય ને ખરાબ રીતે ભજવાય તો ? તેની ભજવણીને કારણે પ્રત કે સાહિત્ય સ્વરૂપને અન્યાય થશે એમ તેમનું માનવું છે. સરોજ પાઠક તેમના એકમાત્ર પુસ્તકમાં ભજવણીની સમીક્ષા કરે છે તે ખરેખર નોંધપાત્ર છે. સરોજ પાઠકે સભાન રીતે કરેલી આ નાટ્યસમીક્ષાઓમાં નાટકની સર્વાંગી સમીક્ષાનો આદર્શ ઘડાતો અનુભવાય છે. ઉત્પલ ભાયાણી, લવકુમાર દેસાઈ, સતીશ વ્યાસ આદિની સમીક્ષાઓમાં પણ એ લક્ષણોની આછી રેખા ખેંચાતી અવશ્ય અનુભવી છે. નાટકનું વિવેચન અહીં બે રીતે પ્રગટ્યું છે તેમાં મહદ્અંશે પ્રત્યક્ષ અને સિદ્ધાંત વિવેચન કરનારા સમીક્ષકો જ આપણને મળ્યા છે. પ્રયોગ કે પ્રસ્તુતિની સમીક્ષા કરનારા સમીક્ષકોની આપણે રાહ જોઈએ છીએ.

ધીરુભાઈ ઠાકર, વિનોદ અધ્વર્યું, જશવંત શેખડીવાળા આદિ સમીક્ષકોએ નાટકના વિવેચનની કોઈ નવી વિભાવના ઘડી નથી, તેમનું પ્રત્યક્ષ – સૈદ્ધાંતિક વિવેચન નવી કોઈ ભૂમિકા પૂરી પાડતું નથી. ચુનિલાલ મડિયાના વિવેચનમાં ભજવાતાં નાટકો વિશેની ચર્ચા અવશ્ય છે. પરંતુ તેમણેય નાટકનું પ્રત્યક્ષ વિવેચન માત્ર કરેલું છે. આખીય નાટ્યવિવેચનામાં ધ્યાનપાત્ર વિવેચકો જો હોય તો ધનસુખલાલ મહેતા, સરોજ પાઠક, કૃષ્ણકાન્ત કડકિયા, સતીશ વ્યાસ, ઉત્પલ ભાયાણી છે. સરોજ પાઠકે 'નાટ્ય'ની સર્વાંગી સમીક્ષા કરી છે. નાટકની પ્રત જ માત્ર નહીં પરંતુ પ્રયોગમાં આવતી બધી જ આહાર્ય સામગ્રી સુધ્ધાંના મહત્ત્વને તેમણે ધ્યાનમાં લીધું છે. ભજવાતાં નાટકોની આ પ્રકારની સમીક્ષા ધનસુખલાલ મહેતા પછી તેમણે જ કરી છે. તેને આદર્શ નાટ્યવિવેચના કહેવાનો મારો આશય નથી. નાટકની લોકભોગ્ય રીતે વિવેચના કરવા માટે સરોજ પાઠકની જેમ રંગભૂમિ સાથે સતત સંપર્કમાં રહેવું આવશ્યક છે ને તો જ નાટકનું બહુઆયામી વિવેચન થઈ શકે.

કૃષ્ણકાંત કડકિયા નાટક વિશેનું વિવેચન તેમની આગવી શૈલીએ કરે છે. નાટક સાથે તેમણે સઘન આત્મીયતા કેળવી નાટકની કે લોકનાટ્યની ક્ષણેક્ષણ પચાવી પળેપળનું નટ-દિગ્દર્શન – ભાવક – પ્રેક્ષકનું અર્થઘટન તેમણે કર્યું છે. અલબત્ત, નાટ્યપ્રયોગ શિલ્પની તેમની આ મહેનત ઘણી જ મહત્ત્વની સિદ્ધ થઈ છે. તેમણે આ રીતે કરેલું વિવેચન એક વિશિષ્ટ મુદ્રા સ્થાપિત કરે છે. સતીશ વ્યાસ નાટકની બે રીતે સમીક્ષા કરે છે. એક પ્રત્યક્ષ અને બીજી પ્રયોગલક્ષી કે રજૂઆત લક્ષી. સતીશ વ્યાસ માને છે કે નાટક ભજવવા માટે જ હોય છે. પરંતુ વિવેચન કરતી વખતે તેની ભજવણી જ માત્ર ધ્યાનમાં ન લેવી જોઈએ. ઉક્ત નાટકો પણ ઘણી વાર સારી રીતે નથી ભજવાતાં, ત્યારે ભજવણીને આધારે થયેલી સમીક્ષામાં નાટકને અન્યાય થવાની શક્યતા રહેલી છે તેમ તેમનું માનવું છે.

ઉત્પલ ભાયાણી સૌથી વધારે સક્રિય નાટ્યસમીક્ષક છે. તેમણે પણ ભજવાતા નાટકોની સમીક્ષા કરી છે. આ સમીક્ષામાં નાટકના પ્રયોગમાં નેપથ્ય, લાઇટ્સ, સંગીત આદિના વિનિયોગની સમીક્ષા પણ તેમણે કરી છે.

ગુજરાતી સાહિત્ય નાટક વિશેના વિવેચનનો અભ્યાસ કરતાં વારંવાર જે તથ્ય સામે આવ્યું છે તે એ છે કે સમર્થ વિવેચકો હોવા છતાં નાટકનું સ્વરૂપ ઘણે અંશે ઉપેક્ષિત રહ્યું છે. નાટકનું વિવેચન 'એક વિશિષ્ટ કલા સ્વરૂપ' તરીકે ભાગ્યે જ થયું છે. નાટક : સાહિત્ય સ્વરૂપની દૃષ્ટિએ જ મૂલ્યાંકન પામતું રહ્યું ને તેની રમ્ય વિશિષ્ટ લાક્ષણિકતાઓને આપણે નજર અંદાજ કર્યા કરી છે. નવલરામથી માંડીને નવા નાટ્યવિવેચક સુધી બધાએ નાટ્ય- વિવેચનના અભાવને વારંવાર વ્યક્ત કર્યો, હતો જ્યારે આજે તો નાટ્યસ્વરૂપની વિશિષ્ટ ઓળખને ઉજાગર કરવા માટે પણ નાટ્ય સમીક્ષકની આવશ્યકતા છે. આગળનાં પ્રકરણોમાં જેની વિગત વિસ્તૃત નોંધ કરી છે તે નાટકનું વિવેચન સાવ જ અભાવ ગ્રસ્ત નથી થયું એમ મારું માનવું છે. નાટકનું વિવેચન અનેક બાજુએથી થયું છે. નાટકને માત્ર કૃતિ, સિદ્ધાંત જ નહીં પ્રસ્તુતિના માધ્યમ કે સંશોધનના વિષય લેખે પણ આપણે તપાસ્યું છે. નાટકનું સ્વરૂપ બધી જ બાજુઓથી તેના સૌંદર્યને પ્રગટાવતું રહ્યું છે તેનો આનંદ વ્યક્ત કરું છું. પરંતુ – વિવેચને નાટકને દિશા દર્શાવી હોય તેવું હજી આપણે ત્યાં થયું નથી. આપણી નાટ્યવિવેચના નાટકની પાછળ ચાલી છે. ચાલતી રહી છે. નાટક આજે છે તેને જ સમજતી – સમજવાનો પ્રયત્ન કરતી આગળ વધી રહી છે પણ નાટકનીય આગળ જઈને નાટકને નવીન દિશા ચીંધવાનું કર્મ નથી કરી શકી. નાટકનું સ્વરૂપ આજે તો ઘણું આગળ નીકળી ગયું છે. વિવેચન તેની પાછળ દોડી રહ્યું છે. આજના નવા તખ્તા સાથે સતત જોડાઈને સમીક્ષા કરનારા કોઈ નાટકનાં સર્વાંગની સાચી સમીક્ષા કરી શકે.