ગુજરાતી નાટ્યવિવેચન/પ્રકારલક્ષી સમીક્ષા અને નાટ્યસમીક્ષા
ગુજરાતી નાટ્યવિવેચન પ્રકારલક્ષી સમીક્ષા અને નાટ્યસમીક્ષા ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ |
સુધારક યુગમાં નાટક વિશેનું વિવેચન → |
પ્રકારલક્ષી સમીક્ષા અને નાટ્યસમીક્ષા |
પ્રકારલક્ષી સમીક્ષાનો મુખ્ય હેતુ પ્રકારોની ભિન્નતા અને વિશિષ્ટતાને તારવી તેના વ્યાવર્તક લક્ષણો, વિકાસ આદિની સમીક્ષા કરવી. નવલકથા, વાર્તા, એકાંકી, સૉનેટ આદિ પ્રકારોની આગવી ઓળખ છે. દરેક પ્રકારને વિશિષ્ટતા અને મર્યાદા પણ છે. આ મર્યાદા અને વિશેષતા જ એને અન્ય કરતાં ભિન્ન બનાવે છે. પ્રકારલક્ષી વિવેચના આ ભિન્નતાનું અવલોકન કરે છે અને સમયાંતરે તેનું પુનઃમૂલ્યાંકન પણ કરે છે. નવલકથા અને નાટક કે એકાંકી અને વાર્તામાં એવા તબક્કા આવે છે જ્યારે નાટકમાં નવલકથાના લક્ષણો ને નવલકથામાં નાટકની લાક્ષણિકતા જોવા મળે; વાર્તા-એકાંકીમાં વારંવાર પેલી ભેદરેખા ભૂંસાઈ જવાનો ભય રહેતો હોય છે. પ્રકારલક્ષી સમીક્ષા આ દરેક પ્રકારનાં વ્યાવર્તક લક્ષણો નક્કી કરી તેના ભિન્નત્વને તથા વિશેષતા મર્યાદાઓને ચિહ્નિત કરે છે.
પ્રકારલક્ષી વિવેચનાનું કાર્યક્ષેત્ર એ રીતે જોઈએ તો સાહિત્યસ્વરૂપના પ્રાગટ્યથી માંડીને તેના એક સમય સુધીના વિકાસનું આકલન કરી તેમાં તે પ્રકારનો કેવો, કેટલો વિકાસ થયો, તેણે ઉપાદાનનો ઉપયોગ કેવો કર્યો, કેવી નવી શક્યતાઓ જન્માવી આદિ અનેક તત્ત્વો પર અન્વેષક દૃષ્ટિ રાખવાનું છે. કૃતિ – સર્જનની પાછળ સમીક્ષા સિદ્ધાંતો હોય છે કે ઘડાતાં હોય છે. પરંતુ એક સ્વરૂપ માટે ઘડાયેલા સિદ્ધાંતો બધાને લાગુ પાડી શકાતા નથી. સંસ્કૃત સાહિત્યમાં 'કાવ્ય' એ સમગ્ર સાહિત્યના સંદર્ભમાં પ્રયોજાતી સંજ્ઞા છે. “કાવ્યેષુ નાટકમ્ રમ્યમ્' એમ કહેવાયું ત્યારે સકલ-સમગ્ર સાહિત્યમાં 'નાટક' નામનો જે પ્રકાર છે તે 'રમ્ય' છે એમ કહેવું છે. પરંતુ સમસ્યા તે પછીથી આરંભાઈ. નાટકને કાવ્યનો જ એક પ્રકાર માનીને તેની સમીક્ષા થવા માંડી. ભરત નાટ્યશાસ્ત્રમાં 'રસ એ નાટકનો પ્રાણ છે' કહેતી વખતે નાટકના સંદર્ભે જ 'રસ'ની ચર્ચા છેડવામાં આવી છે. એરિસ્ટોટલનું 'કાવ્યશાસ્ત્ર' એ ખરેખર તો 'નાટ્યશાસ્ત્ર'નો ગ્રંથ છે, પરંતુ નાટકને આરંભથી જ 'કાવ્ય', પદ્ય માનવામાં આવ્યું. આથી નાટકની સમીક્ષા પણ કાવ્યસંબંધી સિદ્ધાંતોને આધારે થઈ. પ્રકારલક્ષી સમીક્ષા તો નાટક અને કાવ્યના ભિન્નત્વને – અક્ષુણ્ણ રાખવાનો યત્ન કરે કે એણે કરવો જોઈએ. પરંતુ આ બાબતે તેવું થયું નહીં. આધુનિક વિવેચકો-નાટ્યશિક્ષકો પણ નાટકને આજેય 'દૃશ્યકાવ્ય' કે કાવ્યના જ એક પ્રકાર તરીકે માનવા તત્પર છે. અલબત્ત, ભરત નાટ્યશાસ્ત્રમાં ભરત નાટકના 'પ્રયોગ'ને મહત્ત્વનો ગણીને 'અભિનય'ની સમીક્ષા કરે છે – માર્ગદર્શન કરે છે. અભિનવગુપ્ત ભરતનાટ્યશાસ્ત્રની સમીક્ષા કરે છે ત્યારે ‘અભિનવ ભારતી'માં જાહેર કરે છે કે નાટકને જ્યાં સુધી પ્રયોગમાં મૂકવામાં ન આવે ત્યાં સુધી રસાસ્વાદની કોઈ શક્યતા નથી. ભરત નાટ્યશાસ્ત્ર પછી 'અભિનવ ભારતી’ (અભિનવગુપ્ત) અને 'દશરૂપક' (ધનંજય) યોગ્ય રીતે નાટકની વ્યાખ્યા કરે છે. 'અવસ્થાનુકૃતિમ્ નાટ્યમ્' દૃશ્યરૂપે અભિનય દ્વારા થાય તે નાટ્ય - એમ ‘દશરૂપક' કહે છે. પરંતુ તે પછી વિશ્વનાથના 'સાહિત્યદર્પણ'થી દૃશ્યશ્રાવ્ય કાવ્યનો ભેદ પડે છે. નાટકનું વ્યાવહારિક પ્રયોગશીલ પરિમાણ દૃશ્યકાવ્યની છાપ નીચે દબાઈ જાય છે. વિશ્વનાથ નાટકને દૃશ્યકાવ્ય ગણી આગળ વધે છે અને તેના દશ પ્રકારોની ચર્ચા કરે છે. ભરતનાટ્યશાસ્ત્રનો અભ્યાસ પછી વ્યવહાર – પ્રયોગ – સંયોજનની દૃષ્ટિએ ભાગ્યે જ થયો છે. નાટક વિશેની સમીક્ષામાં બે ભેદ પડ્યા ત્યારથી જ સાચુ નાટક લુપ્ત થયું. પ્રકારલક્ષી સમીક્ષાએ 'પ્રકાર'ની હયાતીને તેના પૂરા વિસ્તાર સાથે અભ્યાસવાની હોય છે. પરંતુ બને છે એવું કે પરંપરા જૂની સમીક્ષા પદ્ધતિને કારણે નવા સિદ્ધાંતો સ્થાપવાનું સાહસ કરનારા સમીક્ષકો ઓછા મળે છે. આથી રસની મીમાંસા પુષ્કળ માત્રામાં કાવ્યના સંદર્ભે થઈ. નાટકને પણ કાવ્યના જ એક ભાગરૂપે સમીક્ષકોએ તપાસ્યા કર્યું. તેમાંથી રસ નિષ્પત્તિનાં કારણો શોધવા – નિપજાવવાના પ્રયત્નો થયા કર્યા પણ નાટ્યશાસ્ત્રનું સાચું – યથાર્થ અર્થઘટન કરી શકાયું નહીં.
પ્રકારલક્ષી સમીક્ષાનું મહત્ત્વ ઘણું છે. નાટક અને કાવ્ય વચ્ચેના ભેદને હવે આપણે સ્પષ્ટ કરી શક્યા છીએ છતાં નાટકના સ્વરૂપને પામવામાં તેની વિશિષ્ટતાઓથી તેને સમજવામાં ગેરસમજને અવકાશ રહે છે. નાટકનું ઉપાદાન અન્ય સાહિત્યસ્વરૂપોની જેમ જ – શબ્દાર્થ – છે આથી નાટકને પણ અન્ય પ્રકારોની જ પદ્ધતિએ મૂલવવામાં આવે છે. નવલકથા કે નવલિકાના નિયમો નાટક – એકાંકીને લાગુ પાડી શકાય નહીં તે વાત હજી બહુ ઓછા સમીક્ષકો સમજી શક્યા છે. વસ્તુસંકલના, વાતાવરણ, કેન્દ્રભૂત સંઘર્ષ, પાત્રાલેખન, આરંભ-અંત આદિ લાક્ષણિકતાથી નાટકનું વિશ્લેષણ થઈ શકતું હોવા છતાંય નાટક માટે તે પર્યાપ્ત નથી. નાટક એ સાવ વિશિષ્ટ કલાસ્વરૂપ છે. અન્ય સાહિત્યસ્વરૂપો કરતાં તે આગવી રીતે વિકાસ પામ્યું છે. સાથે તે માત્ર વાઙ્મય કે પ્રત પૂરતું મર્યાદિત નથી. તેનો પ્રયોગ આવશ્યક છે. આથી નાટક અને અન્ય સાહિત્યસ્વરૂપોની સમીક્ષામાં ભિન્નતા રહેવાની.
નાટક રજૂઆતલક્ષી છે. આખ્યાન કે પદ્યવાર્તા જેવાં સ્વરૂપોની જેમ તે પણ કથનકેન્દ્રી અને પ્રસ્તુતિનું ચરિત્ર ધરાવે છે. આખ્યાનની સમીક્ષા કરતી વખતે તેનાં રજૂઆતના – પાસાને નજરઅંદાજ કઈ રીતે કરી શકાય ? આખ્યાન કહેવાતું હોય ત્યારે જ તેના ધ્વનિ સૌંદર્યને પામી શકાય અન્યથા તેના વાચન-પઠનથી જે બોધ થાય તેમાં તેના સ્વરૂપની વિશિષ્ટતાનો સંપૂર્ણ ખ્યાલ આવી શકે નહીં. નવલકથા – વાર્તા આખ્યાનમાં ઉપાદાન – માધ્યમની સમાનતા હોવા છતાંય પ્રકારાન્તર્ગત જે વિશિષ્ટતા છે તે જ તેમને એકબીજાથી પૃથક્ કરે છે.
નવલકથા-નાટકનાં વ્યાવર્તક લક્ષણો તપાસતાં કેટલીક બાબતોમાં પ્રથમ નજરે સામ્ય જણાય છે. જેમકે કથાવસ્તુ, પાત્રાલેખન-ચરિત્ર ચિત્રણ, વાતાવરણ, આદિમાં પ્રારંભિક સમાનતા જણાય છતાંય નાટક અને નવલકથાની અભિવ્યક્તિ રીતિમાં મોટો તફાવત છે. એક જ વસ્તુને લઈને લખાયેલા નાટક- નવલકથાના આસ્વાદમાં ભેદ પડતો સમીક્ષકોએ અનુભવ્યો છે. નાટકની સમીક્ષા થાય છે ત્યારે હમેશાં તેની પ્રતને આધારે થાય છે. પ્રકારલક્ષી સમીક્ષા નાટકને અન્ય કરતાં ભિન્ન ગણે છે છતાંય નાટકની વિશિષ્ટતા તેના પ્રયોગમાં રહેલી છે તે વાતને નજરઅંદાજ કરે છે. નાટકની સમીક્ષા કરતી વખતે તેના સ્વરૂપને પહેલાં સમજી લેવું આવશ્યક છે.
નાટક શબ્દબદ્ધ થયું તે પૂર્વે નૃત્ય આદિ કલાઓની સાથે આંગિક ચેષ્ટાઓથી લોક સમક્ષ રજૂ થતું હતું. નૃત્યથી તેને અલગ પાડે છે શબ્દ. શબ્દ અન્ય સાહિત્યસ્વરૂપોનું પણ માધ્યમ છે. આથી નાટક વિશેનાં નિરીક્ષણો કે સમીક્ષાઓ તેના વાઙ્મય સ્વરૂપને ધ્યાનમાં રાખે છે. નાટકનું સ્વરૂપ મૂળથી જ પ્રયોગલક્ષી છે તે વાત વીસરાઈ જાય છે. નાટક લખાય છે ત્યારે તે અવશ્ય સાહિત્ય રૂપ ધારણ કરે છે. પરંતુ 'નાટક' ત્યારે જ બને છે જ્યારે તે તેની પૂરી શક્યતા સાથે મંચ પર ખેલાય છે. નાટક એ 'દૃશ્ય-શ્રાવ્ય ક્રીડનીયક' છે એ વાત વીસરીને તેની પ્રતને જ સામે રાખી સમીક્ષા કરવામાં તેની વિશિષ્ટતાની ઉપેક્ષા થવાનો ભય રહેલો છે. નાટકના પ્રયોગ વિશે વાત કરીએ ત્યારે તો વાઙ્મયની ઉપેક્ષા પણ થઈ શકે નહીં. નાટક તેની સાથે જોડાતી કલાઓની સંવાદિતામાંથી જન્મે છે. મંચ પર ભજવાય છે ત્યારે જ નાટક અસ્તિત્વમાં આવે છે. 'મનની રંગભૂમિ’ પર ભજવાતા નાટકો હોઈ શકે જ નહીં. મનની રંગભૂમિ પર તો નવલકથા વાર્તાનાં કથાનકો – પાત્રો પણ ભજવાતા હોય છે. તેથી શું તેનેય નાટક કહી દેશું ? નાટક એવી કોઈ વાયવી વાતોમાં માનતું નથી. તે સંપૂર્ણ રીતે ભૌતિક છે ને મંચ પર જ તેની રજૂઆતથી આધિભૌતિક અનુભૂતિ કરાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે. નાટકના સ્વરૂપની આ ક્ષમતાને અવલોકવાનું કે અભ્યાસવાનું આપણા સમીક્ષકો વીસરી ગયા છે.
સાહિત્યનું તત્ત્વ નાટ્યપ્રયોગ માટે આવશ્યક છે. નાટકનું એક ઘટકતત્ત્વ હોવા છતાં નાટ્યનું વાઙમય સ્વરૂપ અભિનેયતાને અર્થે જ હોય છે, અને નાટ્ય-પ્રયોગમાં સૌથી મહત્ત્વનું સ્થાન પ્રયોગ – અભિનયનું જ હોય છે. નાટક એ રીતે અભિનયાશ્રિત છે, એ રીતે જ વાણી વિના પણ નાટક શક્ય નથી. નાટક અને સાહિત્યને ગાઢ સંબંધ છે પરંતુ એથી તેની સમીક્ષા તેના વાઙ્મય સ્વરૂપને આધારે જ કરી શકાય નહીં. તેની અભિનેયતા પણ ધ્યાન સામે રાખવી પડે. નાટક અને અન્ય સાહિત્યપ્રકારોમાં શબ્દ માધ્યમ છે પરંતુ નાટકનો શબ્દ ક્રિયાત્મક છે. ક્રિયાને પ્રેરનારો શબ્દ નાટકમાં પ્રયોજાય છે, અર્થ પહોંચાડવાની કે છાપ પાડવાની જે શક્તિ શબ્દની છે તેવી જ શક્તિ અભિનયમાં પણ રહેલી છે. શબ્દ અને અભિનયની એકતા દ્વારા પરિસ્થિતિબદ્ધ લાગણીની અભિવ્યક્તિ થાય છે. નાટકની વિશેષતા એ છે કે ભાષાના માધ્યમે નાટકનું કાર્ય અને વસ્તુતઃ પાત્રોક્તિઓ દ્વારા – સંવાદ દ્વારા એટલે કે વાણી અને અભિનયના સંયોજન દ્વારા વ્યક્ત – પ્રગટ થાય છે. કથાકાવ્યો કે નવલકથા આદિમાં પાત્રો, પરિસ્થિતિઓ, ઘટનાઓ, કાર્ય, સંઘર્ષ, પરાકાષ્ઠા આ બધું જ હોય છે. નાટ્યાત્મક ક્ષણો પણ હોય છે છતાં નાટકમાં અભિનય અને વાણી – પાત્રોક્તિ વચ્ચે જે સંવાદિતા છે તે જ તેને વિશિષ્ટતા બક્ષે છે.
નાટકને અન્ય પ્રકારોથી જુદું પાડતું પરિબળ માત્ર અભિનય જ નથી. નાટક મિશ્ર કલા છે. સંગીત, શિલ્પ, સ્થાપત્ય, પ્રકાશ, ધ્વનિ આદિ અનેક કલાઓના સમુચ્ચયથી નાટક મંચ પર પ્રગટે છે. નાટકની સમીક્ષા કરતી વેળાએ તેના વસ્તુ – પાત્ર કે સંવાદની સાથે જ તેના પ્રયોગને – ભજવણીને ધ્યાનમાં રાખવી આવશ્યક છે. ભજવણીને ધ્યાનમાં રાખવા સાથે જ બીજી પણ કેટલીક બાબતો નાટ્યસમીક્ષકે તપાસવી જોઈએ. જેમકે, નાટક ભજવાય છે ત્યારે માત્ર સંવાદ – અભિનય જ નહીં પણ એને ઉપકારક કે અનુરૂપ – આવશ્યક વિભાવ સામગ્રી – સેટિંગ્સ, દૃશ્યયોજના, લાઇટ, સંગીત આદિનાં વિનિયોગની સમીક્ષા અવશ્ય થવી જોઈએ. અન્ય સ્વરૂપોની સમીક્ષા તો પઠન – પાઠન કે ભાવનથી થઈ શકે પણ નાટકની સમીક્ષા કરવા માટે વિશિષ્ટ પ્રકારની ક્ષમતા કેળવવી પડે. મંચ પર ભજવાતા નાટકને પામવા માટે મંચલિપિ, સમૂહનો જ્ઞાન, પ્રકાશઆયોજન ને સંગીતનિયોજનની સમજ કેળવવી આવશ્યક થઈ પડે. નાટક જોયા પછી સહજોદ્ગાર કરવો કે નાટક આવું કે તેવું છે તેમ નહીં પણ નાટક તેના સંપૂર્ણ અર્થમાં કેવું પ્રગટ્યું છે તેની સજ્જ ભાવક દ્વારા થતી સમીક્ષામાં કંઈક વજૂદ હોઈ શકે. નાટક લોકાશ્રિત કલાપ્રકાર છે. નટચમૂ દ્વારા ભજવાય છે ને જનસમુદાય દ્વારા ભોગવાય છે. તેનો મુખ્ય આશય જન રંજનનો રહ્યો છે. આરંભકાળમાં એ જ આશયને મુખ્ય બનાવી લોકરુચિ અનુસાર નાટકો લખવા-ભજવવામાં આવતાં. પરંતુ નાટકની લોકપ્રભાવક અસરને ધ્યાનમાં લઈ વિશ્વમાં નાટકના સંદર્ભે ઘણાં પરિવર્તનો આવ્યાં. નાટકમાં જીવનનો ધબકાર સહુ પહેલાં પ્રગટતો હોય છે. નાટક મંચ પર જિવાતું હોય છે ને પ્રેક્ષકોમાં પણ જિવાતું હોય છે. આથી લોકોમાં કે સમાજમાં જે ઘટના બને તેની સારી-માઠી અસર નાટકમાં દેખાતી. નાટક દ્વારા સમાજનાં દૂષણો સામેનો અભિગમ પણ કેળવાતો, સુધારો પ્રબોધવામાં આવતો. નાટક પર વિશ્વ નાટ્ય સમાજોમાં થતી હલચલોની સ્વાભાવિક અસરો પડે છે. આરંભની સાંકેતિક પદ્ધતિએ ભજવાતાં નાટકો પછી વાસ્તવિક શૈલી અને અતિરંજનમાં સરી પડતી રંગભૂમિના વિકાસ પતનની તવારીખ પણ નાટ્યસમીક્ષકે તપાસવી પડે છે. વિવિધ કલા આંદોલનોની અસર નાટક પર પડી. શૂન્યવાદ, અસ્તિત્વવાદ, વાસ્તવવાદ, પ્રગતિવાદ, દાદાવાદ ને ઍબ્સર્ડની અનુભૂતિ કરાવતાં નાટકોને તપાસનારા સમીક્ષકે આ બધા જ પ્રદેશોમાં ગતિ કરવી જ પડે. વિશ્વની રંગભૂમિ સાથે તેમાં થતાં પરિવર્તનો સાથે અનુસંધાન રાખનાર નાટ્યસમીક્ષક જ ઉત્તમ સમીક્ષાઓ આપી શકે એટલું જ નહીં, નાટ્યપ્રકારના વિકાસને મદદરૂપ થઈ શકે તેવાં માર્ગ કે દિશાદર્શક સૂચનો પણ કરી શકે.
નાટકનાં વસ્તુ, પાત્ર અને સંવાદ, રસ આદિની ચર્ચા વાઙ્મય સ્વરૂપને આધારે – પ્રતને આધારે થતી રહી છે. પરંતુ 'વસ્તુ' મંચ પર ભજવાશે ત્યારે કેવો અનુભવ કરાવશે તે જાણવા માટે તો મંચ પર ભજવાતા નાટકને જ જોવું જોઈએ. નાટ્યસમીક્ષકે નાટક જ નહીં તેના ઐતિહાસિક પરિપ્રેક્ષ્યને પણ ધ્યાનમાં રાખવા પડે. આરંભનું નાટક ખુલ્લા મંચ પર પ્રસ્તુત થતું. પ્રેક્ષકો પણ નિકટ અને વિવિધ દૃશ્યોના પડદા તૈયાર, મંચ પણ વિશાળ આથી નટને તો ખેલણની મજા પડે પણ નાટ્યકારને પણ નાટકને ખિલવવાની મજા પડે. થિયેટરો બંધાયાં તે પહેલાં માંડવા બાંધીને નાટકો ભજવાતાં; પણ થિયેટર બંધાયા પછી અભિનયની સાહજિકતામાંથી નટો અતિરંજિત અભિનય તરફ વળે છે. થિયેટરમાં એક જ ફ્રેમ અને પડદાની મર્યાદામાં નાટક લખવું અને ભજવવું. બંને બંધનમાં આવી પડે છે. જે તે સમયની રંગભૂમિની મુશ્કેલી અને વિશેષતા નહીં સમજી શકનારા - જાણનારા સમીક્ષકને નવી રંગભૂમિ સાથે અનુસંધાન કેળવવામાં સમસ્યા નડી શકે. સિંહનાદી કલાકારો થિયેટર અને હૉલમાં ભજવાતાં નાટકોને કારણે – દર્શનને કારણે થયા. પ્રેક્ષકો દૂર હોવાને કારણે નાનામાં નાનો સંવાદ પણ દૂર બેઠેલા પ્રેક્ષકને પણ સંભળાવો જોઈએ આથી નાજુક પ્રસંગોએ પણ કલાકારને અભિનય કરવામાં પડતી મુશ્કેલી – મર્યાદા જાણતો હોય તો આજના સંદર્ભમાં જ્યારે અદ્યતન ધ્વનિયોજનાની વ્યવસ્થા હોય ત્યારે ઐતિહાસિક સંદર્ભમાં તેને મૂલવી શકે.
ભરત નાટ્યશાસ્ત્રમાં નટ-પ્રેક્ષક સંબંધ વિશે સમીક્ષા થયેલી છે. નવા સંદર્ભમાં પણ પ્રેક્ષક પર થતી નાટકની અસરો વિશે સભાન રહીને નોંધ લેવી પડે છે. બર્તોલ બ્રેખ્ત જેવા નાટ્યકારો પ્રેક્ષકની તન્મયતામાં નહીં પણ સક્રિયતામાં નાટકની ઇતિશ્રી જુએ છે. આથી વિભાજનશૈલીનો વિનિયોગ નાટકોમાં કરે છે. નાટક અહીં અંધકારમાં નહીં પણ અજવાળામાં બતાવાય છે. નટ-પ્રેક્ષક સંબંધ વિશે સમીક્ષકે પણ સભાન રહી ચર્ચા કરવી આવશ્યક હોય છે. નાટક માત્ર મનોરંજન જ નહીં જનજાગૃતિના આશયને પણ સિદ્ધ કરે તેવું સ્વરૂપ છે. તેની આ શક્યતાને પૂર્વેના નાટ્યકારો - સમીક્ષકોએ જોઈ-તપાસી છે. એને કારણે નાટકમાં પ્રચારલક્ષીતાય પ્રવેશી. કલાત્મકતાને ભોગે આવું કશું ચલાવી લઈ શકાય નહીં. સમીક્ષકની જવાબદારી આવા પ્રસંગે વધી જાય છે.
નાટકમાં 'આહાર્ય'ની જાણકારી પણ એટલી જ લાભપ્રદ છે. પહેલાં ગ્રીક-રોમનાં નાટકોમાં મુખવટો – મહોરાં પહેરીને અભિનય થતો. નાટક જાડી કળા હોવાથી મનોભાવોને મુખભાવોને વ્યક્ત કરવા સહજ નહોતાં, આથી પાત્રની મનઃસ્થિતિ પ્રમાણેનાં મહોરાં પહેરીને અભિનય થતો. પછીથી 'મેકપ' અને વેશભૂષામાં ઘણો વિકાસ થયો. નાટકમાં ભજવાતાં પાત્રોના મનોભાવોને વ્યક્ત કરવામાં કે વ્યક્તિને સમજવામાં 'મેકપાદિ' મહત્ત્વના છે. સમીક્ષકે એ બાબતે પણ સભાન રહેવું પડે. કેમકે, પ્રકાશ આયોજનની મદદથી ચહેરા પર બદલાતા ભાવોને ઊપસાવી શકાય છે. તેમાં દિગ્દર્શકની સૂઝ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. મંચ પરની અનેક કરામતો વિશે પણ સમીક્ષકે તત્પર રહેવું પડે. મંચલિપિ નાટ્યાંતર્ગત કરામતો આદિનો અભ્યાસ સમીક્ષકે કરવો આવશ્યક હોય છે.
મંચ પર ભજવાતા નાટકની સમાંતરે શેરી-નાટકો પણ ચાલે છે. 'દર્શન' - ચિત્રફ્રેમમાં ભજવાતું નાટક અને વર્તુળમાં લોકોની વચ્ચે કશાય સાધનસરંજામ વિના, મેકપ, શણગાર, પ્રકાશ-આયોજન વિના ભજવાતું નાટક અનેક નવી શક્યતા ખોલી આપે છે. 'ભવાઈ' જેવું લોકનાટ્ય પણ આમ અનેક રીતે 'સંપૂર્ણ નાટ્ય' હતું. સમીક્ષકે આવાં નાટકોની પણ યથાર્થ સમીક્ષા કરવી ઘટે.
નાટ્યસમીક્ષાનાં ધોરણો સતત પરિવર્તનશીલ રહેવાનાં. યુગસંદર્ભ અને મંચનશૈલી સાથે નાટક પણ પોતાની જુદી છાપ પાડવાનું. ત્યારે જડ-રૂઢ થયેલી સમીક્ષા કશું નવું સંપડાવી – સંશોધી શકે કે કેમ તે વિશે પ્રશ્ન છે. છતાં જે ભજવાય છે કે ભજવી શકાય છે તે જ નાટક છે, તે વધારે ને વધારે રૂઢ થતું જ જવાનું. નાટક ખુલ્લા મંચ પરથી 'દર્શન'માં – થિયેટરમાં હૉલમાં, દીવાનખાનામાંથી લોકોની વચ્ચે શેરીમાંય પહોંચ્યું છે. તેનો વિકાસ અવશ્ય થયો છે છતાં નાટ્યવિવેચન હજી એને દિશા ચીંધી શક્યું નથી નાટકના અનેક પરિમાણી સૌંદર્યને પામવા માટે બધાં જ પરિમાણોને જોઈ શકતી સક્ષમ સમીક્ષાની અપેક્ષા છે. આજે નવા સમીક્ષકો પાસે ઘણુંબધું નાણી-માણી જોવાની તૈયારી છે તો સામે છેડે નાટકને ભજવનારા નટોએ 'નાટક' સિદ્ધ કરવાના પ્રયત્નો છોડ્યા છે. લોકરુચિ હંમેશા નાટકને પ્રેરે છે તેમ આજે પણ બન્યું છે.
પ્રકારલક્ષી સમીક્ષાથી નાટ્યસમીક્ષાની ભિન્નતા નાટકની જીવંતતા હયાતીને કારણે છે. નાટકની જીવંતતા જ તેની સમીક્ષાનાં ધોરણો નક્કી કરે છે. આથી રંગમંચની નાટ્યકારની પ્રેક્ષકની અપેક્ષાએ નાટક વૈવિધ્યસભર આકારો ધરે છે. નાટ્યાનંદ એ અન્ય સાહિત્યસ્વરૂપોના આસ્વાદથી મળતા આનંદ કરતાં વિશિષ્ટ છે. ચોક્કસ સમયમાં રંગભૂમિ પર તેને વ્યક્ત થવાનું હોવાથી નવલકથા કરતાં તેનું કાઠું વધારે સુશ્લિષ્ટ અને સંકલિત હોય છે. નાટ્યસમીક્ષા એ ગતિશીલ નાટ્યની સમીક્ષા છે તેને ધીમાં ડગ ભરવા ચાલે નહીં, તેણે તો નાટકની આગળ થઈ દિગ્દર્શન કરવાનું છે.