ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ/રઘુનાથદાસ

← વલ્લભભટ ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ
રઘુનાથદાસ
દલપતરામ
પ્રીતમદાસ →


રઘુનાથદાસ

એ કવિ અમદાવાદ પાસે ગોમતીપુરમાં થઈ ગયો. નાતે લેઊઆ કણબી હતો અને સંવત ૧૮૩૬માં હયાત હતો. તે વિષ્ણુ ભક્ત હતો. તેણે શ્રીમદ્ભાગવત ગુજરાતીમાં રચેલું છે; તથા રામાયણ, ધ્રુવાખ્યાન અને છુટક છપા સવૈયા, પદ, ગરબિયો વગેરે રચેલાં છે. એની કવિતામાં ઘણી મીઠાશ છે. તેના વંશના કણબી ગોમતીપુરમાં હાલ છે, તેની પાસે રઘુનાથદાસનાં રચેલાં તમામ પુસ્તકો છે. પણે તે એવા વેંહેમી છે કે કોઈને છાપવા આપતા નથી. રઘુનાથદાસે ઉધવજીના સંદેશાની ગરબિયો રચેલી છે તેની મતલબથી એવું જણાય છે, કે સંસાર તજીને જોગી થવાની વાત તેને ગમતી નોહોતી. અને જેમ બને તેમ પરમેશ્વર ઊપર પ્રેમ ઘણો રાખ્યાથી કલ્યાણ થાય છે. પણ તપ કરવા વગેરેથી કલ્યાણ થતું નથી; એવો તેનો અભિપ્રાય હતો. એ કવિ પેહેલા વર્ગમાં ગણાય છે. એની કવિતા સઊથી સમજી શકાય એવી સહેલી છે.