ગોરી તારે ત્રાજૂડે
નરસિંહ મહેતા
[આ પદ ઝારીના ચાર પદો માંનું એક છે. કહેવાય છે કે એક રાત્રે ભજન કીર્તન કરતાં નરસિંહ મહેતાને તરસ લાગી અને તેમણે તેમની સગી રતનબાઈને બોલાવી. તે રતનબાઈ ઝારીમાં પાણી લઈને આવી, ત્યારે તેમને રતનબાઈમાં મોહિની સ્વરૂપ શ્રી કૃષ્ણના દર્શન થયા અને તેમણે જે ચાર પદો લખ્યા તે 'ઝારીના પદો' તરીકે ઓળખાય છે.]


મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે; ગોરી તારે તાજુડે રે,
રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે, મેં તો જાણી છે કોઈ દીસે છે ઈશ્વરી માયા રે; ગોરી.
રૂમઝુમ રૂમઝુમ નેપૂર બાજે, પાવલે એ ચીર અતિ ચાંપે રે;
ઘુંઘરમાં મુખ એણીપેર શોભે, મોટા મુનીજનનાં મન કાંપેરે; ગોરી.
ગોરું શું વદન ને ગળસ્થળ ઝળકે, ઉપર દામણી લળકેરે;
સાળુડાની કોર એણીપેર શોભે જાણે ગગનમાં વીજળી ચળકેરે; ગોરી
વશીકરણ વેણ તમે ક્યાંરે ગુંથાવી, સુંદરી શણગટ વાળી રે;
આ ચોળી તમે ક્યાં શીવડાવી, જેને મોહી છે વ્રજની નારી રે ? ગોરી.
ચંચળ દૃષ્ટે ચોદેશ ન્યાળે, માંહે મદનનો ચાળો રે;
નરસૈંયાચો સ્વામી જોવા સરિખડો, કોઈ એ સુંદરીનું વદન નિહાળોરે. ગોરી.


અન્ય સંસ્કરણ

ગોરી તારે ત્રાજૂડે રે,
મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે;
રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે,
કોઈ દીસે છે ઈશ્વરી માયા રે. ...૧

રુમઝુમ રુમઝુમ નેપૂર વાજે,
ગોફણે ઘૂઘરી ઘમકે રે;
શીશ દામણી એણી પેર સોહે,
જેમ ગગન વીજળી ચમકે રે. ...૨

નિલવટ આડ કરી કેસરની,
માંહે મૃગમદની ટીલી રે;
આંખલડી જાણે પાંખલડી,
હીડે લીલાએ લાડગહેલી રે. ...૩

આ કંચવો તમે ક્યાં સિવડાવ્યો,
શણગટ વાળ્યો શું ધારી રે ?
આ વેણી તમે ક્યાં રે ગૂંથાવી
જેણે મોહી વ્રજની નારી રે ? ...૪

ચંચળ દૃષ્ટિ ચહુદિશ નિહાળે,
માંહે મદનનો ચાળો રે;
નરસૈંયાનો સ્વામી જોવા સરખો,
કોઈ એ સુંદરીનું વદન નિહાળો રે. ...૫