ગ્રામોન્નતિ
ગ્રામસેવા
રમણલાલ દેસાઈ
ગ્રામોન્નતિ →











ગ્રામસેવા


હિંદનું ગામડું બહુ જ મહત્ત્વનું, જરૂરનું અને ઉપયોગી છે; નર્મદાશંકરેગામડું કહ્યું છે કે ગામડાંને શહેરો ખાઈ જાય છે, તે કથન સત્ય જ છે. ગામડાં કેન્દ્રસ્થાનો છે કારણ કે ૮૦ ટકા લોકો ગામડાંમાં વસે છે અને કુલ ૯૫ ટકા લોકો ગામડાં સાથે સંબંધ ધરાવતા હોય છે. હિંદુસ્તાનમાં બધાં મળીને સાત લાખ ગામડાં છે, અને તેની અંદર ૩૦ કરોડ માણસો વસે છે. આ રીતે હિંદની વસ્તીનો મોટો ભાગ ગામડાંમાં વસે છે, અને નહિ વસતો ભાગ ગામડાં સાથે સંબંધ ધરાવે છે.

આપણી આર્થિક સ્થિતિ ગામડાં ઉપર જ અવલંબીને રહેલી છે.દેશનો આધારગામડાં શહેરોને પોષે છે; રાજ્યોની–પ્રાન્તિક, મધ્યસ્થ કે દેશી રાજ્યોની–આવકનો મોટામાં મોટો ભાગ જમીનમહેસૂલ છે, અને જમીનમહેસૂલની મોટામાં મોટી આવક ગામડાંમાંથી જ આવે છે. વ્યાપારીઓ વ્યાપાર પણ ગામડાં ઉપર જ કરે છે. ગામડાંમાં થતા પાક અગર ગામડાંમાં થતી વસ્તુઓની ચાળવણી, ફેરફાર, અવરજવર અને વેચાણ વ્યવસ્થા એ જ વ્યાપારનો મુખ્ય વિષય હોય છે. ખેડૂતના માલ ઉપર જ ધીરધારની વ્યાપક પ્રથા ઊભી થઈ છે. એટલે રાજ્ય, વ્યાપાર તથા ધીરધારના ધંધા પણ ગામડાં ઉપર જ અવલંબી રહ્યા છે. ગામડાં શહેરોને અને ખરું જોતાં આખા દેશને પોષે છે. તેના બદલામાં આપણે તેમને શું આપીએ છીએ ? ગામડાંને જોઈતું કંઈ પણ આપણે આજ સુધી આપી શક્યા નથી. લશ્કર, સરકાર, કેળવણી, કલા, રાજાઓનાં ખર્ચ, પોલિસ, ન્યાયાધીશ અને આખા મૂડીવાદી વર્તુલને પૈસા આપનાર અને તેમનું પૂરું કરનાર ગામડાં જ છે. તેમને બદલામાં શું મળે છે ? મજૂરીમય જીવન, રસહીન જીવન, નિરાશામય જીવન !

પહેલાંનાં ગામડાં અને આજનાં ગામડાંમાં બહુ જ તફાવત પડે છે.જૂનાં અને આજનાં ગામડાંપહેલાંનાં ગામડાંની સરખામણી નંદનવનની સાથે કરવામાં આવે છે. એ ખરું હોય કે નહિ. પરંતુ આજના કરતાં વધારે સાધનો ગ્રામજીવનની આબાદીને પોષતાં હતાં એટલું તો સમજાય એમ છે. પહેલાં ગામડાંમાં ધાર્મિક સંસ્કારોનાં કાંઈને કાંઈ સાધનો હતાં. દરેક ગામડામાં એકાદ મસ્જીદ કે મંદિર હોય જ. અને તેની સાથે જોડાયલો મુઝાવર કે પૂજારી ગામનો ગુરુ બની રહેતો. પહેલાંનાં ગામડાંમાં પોષણ થઈ શકે તેવી આર્થિક અને સામાજિક વ્યવસ્થા હતી. આમ પહેલાંનું ગામડું સંસ્કારી હતું અને તેની અંદરથી દરેકને કપડાં, ખાવાનું અને નાનું સરખું ઘર મળી રહેતાં. પહેલાનું ગામડું સ્વાશ્રયી, સ્વપોષક self-contained હતું. ઉપયોગની દરેક વસ્તુ ગામની અંદર જ ઉત્પન્ન કરવામાં આવતી. પહેલાંના ગામડિયામાં આત્મ–અભિમાન હતું. પોતાના ગામની અને પોતાની પ્રતિષ્ઠાને ધોકો પહોંચે એવું એક પણ કામ તેઓ કરતા નહિ અને કરવા દેતા નહિ. પહેલાંનાં ગામડાંના લોકોને ભજનો, દુહા, રાસડા, કવિતા વગેરેનો શોખ હતો. પહેલાં ગામડાંની અંદર એક વૈદ્ય પણ રહેતો હોય અને તેમની ફી દાણાના રૂપની હતી. એ રીતે ત્યાં આરોગ્યરક્ષણને પણ સ્થાન હતું. ગામડાંમાં જીવન પણ હતું. ગામડાંના લોકો શરીરે હૃષ્ટપુષ્ટ હતા અને માણસો પણ આબાદ હતાં.

આજનાં ગામડાંમાંથી સંસ્કારો દૂર થયા છે. સાધુ, પુરાણી, સન્યાસી કે ગુરુનો હવે કાયમ વસવાટ નથી કે જેથી ગામના સંસ્કાર જાગ્રત રહે. આજનાં ગામડાંમાં મસ્જિદ અને મંદિરો ખંડિયેર થઈ ગયાં છે; હાલનાં ગામડાંમાં લોકોને કપડાં અને અનાજના પણ સાંસા પડે છે. અનિશ્ચિત ભાવવાળી ખેતી મૂડીવાદીઓને કઠણ બનાવે છે, અને ગ્રામજનતા પ્રત્યે જે મમત્વ અને સમભાવનાના અંશો શેઠ, શાહુકાર અને ધીરધાર કરનારમાં હતા તે હવે બદલાઈ ગયા છે. રહ્યાં છે માત્ર અવિશ્વાસ, લોભ, અને વધારેમાં વધારે નફો ખેંચી લેવાની વૃત્તિ. હાલ ગામડાંના લોકો એક બીજામાં હવે વિશ્વાસ પણ રાખતા નથી અને સંગઠનને બદલે ગામડાંમાં કલેશ – કંકાસનું સામ્રાજ્ય સ્થપાયું છે. હાલનાં ગામડાંમાં બધે અજ્ઞાન ફેલાયેલું છે. ગામડિયાને જ્ઞાનનો પ્રકાશ મળતો નથી અને ગ્રામલોકો દિવસે દિવસે પશુવત્‌ બનતા જાય છે. ગામડાંની અંદર રોગ વધી ગયા છે, અને તેમની માવજત કરનાર પણ કોઈ રહ્યું નથી. વૈદ્યો, હકીમો અને દાયણોનો ગામડાંમાં હવે દુકાળ પડી ગયો છે. લોકો કંગાલ અને નિર્બળ બની ગયા છે. હાલનાં ગામડાં એટલે કચરાથી ભરપૂર ઉકરડા. નથી ત્યાં સંસ્કારસાધન; નથી ત્યાં આરોગ્યરક્ષણ, નથી ત્યાં જ્ઞાન, નથી ત્યાં સંપત્તિ: જો કે જ્ઞાન, સંસ્કાર અને સંપત્તિનો પાતાળી કૂવો તો ગામડું જ છે. પણ એ ગામડાને જ સહુએ લૂંટી લીધું છે. હાલનાં ગામડાંની જિંદગી શોષાઈ ગએલી અને નિરાશાથી ભરેલી છે. આ ગામડાંનો પુનરુદ્ધાર કેવી રીતે કરવો ?

આ દુર્દશાનું મુખ્ય કારણ તો દેશની પરાધીનતા જ છે. પરંતુ એ પરાધીનતા લાવનાર પણ આપણે જ હતા ને ? એ પરાધીનતા ટાળવી હોય તો આપણે આપણાં પાપના પશ્ચાત્તાપ તરીકે પણ ગામડાંને સચેત બનાવવાં જોઈએ. જેમનામાં જ્ઞાન છે, જેમનામાં શક્તિ છે, જેમની પાસે સાધન છે તેમની તો પ્રથમ ફરજ છે કે એ જ્ઞાન, શક્તિ અને સાધનોના દાતા ગામડા તરફ લક્ષ રાખવું. નહીં તો એ જ્ઞાન, શક્તિ અને સાધનો સદા ય પાંગળાં જ રહેવાનાં.

પરાધીનતા ટળે નહીં ત્યાં સુધી બેસી રહેવાય એમ પણ નથી. કારણ ગ્રામોન્નતિ એ જ પરાધીનતા ટાળવાનું એક મહાન સાધન છે.

જ્યારે આપણે ગામડાંની સાથે એકરસ બની જઈએ, તેમના સુખદુઃખમાં સમભાગી થઈએ, તેમના સ્વાર્થને આપણે સ્વાર્થ બનાવીએ ત્યારે જ તેમની ઉન્નત્તિ થઈ શકે. આપણાં મનને પ્રથમ તો ગામડાં તરફ સહાનુભૂતિવાળું બનાવવું જોઇએ.

કમનસીબે ભણતર, સંસ્કાર અને સંપત્તિ હિંદવાસીને ગામડાંથી વિમુખ રાખે છે. ભણેલા ગ્રૅજ્યુએટને ગામડું ગમતું નથી. જમીનદાર ગામડું છોડી શહેરમાં મોજ કરવા રહે છે. ધનિકો ગામડાંમાંથી ધન ખેંચી લાવી શહેરમાં જ ભરે છે. કોઈને ગામડું ગમતું નથી. ગામડે જતાં ગ્રૅજ્યુએટો પણ ગભરાઈ જાય છે.

આવી વૃત્તિ માનવીને ગ્રામ – અભિમુખ નથી જ કરતી. ધર્મ તરીકે અગર સ્વાર્થ તરીકે પણ આપણે ગામડાંમાં, ગામડિયાંમાં, કૃષિમાં રસ લેવો જ પડશે. અને જો કે ગામડું ભાગ્યું છે છતાં આપણે માનીએ છીએ એટલું તે શું નિરસ હોય છે ? બુદ્ધિમાન યુવકો ગ્રામજીવન માટે શું રસ ન ઉપજાવી શકે ? ગામડું રસ અને અભ્યાસને યોગ્ય છે એની ઝાંખી બુદ્ધિમાન યુવકને કેમ થતી નથી ?


આકર્ષક અંગો

ગામડાંમાં કુદરતી સૌંદર્ય ચારે પાસ વિસ્તરી રહ્યું હોય છે. વૃક્ષો, મેદાનો, ખેતરો અને વનશ્રી ગામડાને સૌન્દર્યસંપન્ન બનાવી રહે છે. ગામડાંની આજુબાજુ સજીવન ઝરણાં અને નદીનાળાં એ સૌન્દર્યને ઓપ ચઢાવે છે. ભલા, ભોળા અને નિર્દોષ ગામડિયાઓ સાથેની વાતચીત રમૂજ ઉત્પન્ન કરે એવી હોય છે. ગામડાંની પરોણાગત આજ પણ આપણને આકર્ષક લાગે એવી હોય છે. વળી ગામડાંના વહેમનો કદી વિચાર કર્યો છે ? કોઈ ઝાડ આગળ જીન ફરતો હોય ! કોઈ કૂવા આગળ ચુડેલ રમતી હોય ! કોઈ ઘરમાં ભૂત ભરાયેલું હોય ! આ વહેમની પાછળ રહેલું માનસ અભ્યાસ માગે છે. અને કૌટુમ્બિક સત્કાર્યો, પ્રાચીન કથાઓ, વડવાઓનાં પરાક્રમ, ચોરી, લૂંટ અને ધાડના પ્રસંગો, તથા જાનવરોની સમીપતા ઇતિહાસ અને સાહિત્યને પોષે એવાં રસમય બની શકે એમ હોય છે. દેવળો, પાળિયા અને તળાવનો પથ્થરે પથ્થર રસ લેનારના કાનમાં ગુંજન કરી ઊઠશે.

ગામડાંની સામાજિક રચના પણ સમજવા જેવી હોય છે. બ્રાહ્મણ, વાણીયા, પાટીદાર, રબારી, ઢેડ વગેરે કોમો ગ્રામજીવનના ચોકઠામાં કેવી રીતે સમાઈ જતી તેનો અભ્યાસ કોઈપણ કેળવાયલા ગ્રૅજ્યુએટની બુદ્ધિને કસે એમ છે.

અને ગામડાંની કળા, રમતગમત, અને રહ્યાંસઘાં આનંદનાં સાધનો મરતી મરતી ગ્રામજનતાને થોડા શ્વાસ આપી રહ્યાં છે. આ બધું સમજવાની, જોવાની, અનુભવવાની ખૂબ જરૂર છે. માત્ર આપણે આપણને ગ્રામ–અભિમુખ બનાવવા જોઈએ. પછી જરૂર લાગશે કે ધર્મ, ફરજ અને સ્વાર્થ આપણને આપણાં ગામડાં તરફ જેવા પ્રેરે છે.

આપણે ધારીએ છીએ તેટલાં ગામડાં નિરસ નથી. જો આપણે દેશનો ઉદ્ધાર કરવો હોય તો ગામડાંનો ઉદ્ધાર કરવો જ પડશે. સાત લાખ ગામડાંને કળાહીન, આળસુ, અજ્ઞાન, ગરીબ અને માંદલાં રાખીને આપણે આગળ વધી શકવાના જ નથી. જ્યાં સુધી આપણે તેમની સાથે રહીએ નહિ ત્યાં સુધી તેમની ઉન્નતિ માટે આશા જ નથી.

ગ્રામજીવનનાં સૌન્દર્યતત્ત્વો તરફ નજર કરી, ગ્રામજીવનને દેશના સંપત્તિભંડાર તરીકે નિહાળી, ગ્રામને રાજકીય કે સામાજિક લડતના વ્યૂહનું એકમ માની એને જીવતું, ઝળકતું, આબાદ અને હસતું જોવા મથવું એનું નામ ગ્રામસેવા. એ સેવા મોટાઈથી નહિ થાય. ઉપકારની દૃષ્ટિથી એ સેવા નહિ થાય. ગ્રામમય બની જવાય તો જ એ સેવા થાય. એ વગર ગ્રામ–ઉન્નતિ નથી. અને ગ્રામ–ઉન્નતિ ન હોય ત્યાં દેશ પણ ઉન્નત કેમ થાય ? ભલેને પછી શહેર કે શહેરવાસી પોતાને ઉન્નતિની ટોચે પહોંચેલાં માને ! એ ટોચના પાયા ડગમગી ગએલા છે.